સત્યના પ્રયોગો/ધાર્મિક પરિચયો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૦. ધાર્મિક પરિચયો

વિલાયતમાં રહેતાં વર્ષેક થયું હશે તેવામાં બે થિયૉસૉફિસ્ટ મિત્રોની ઓળખાણ થઈ. બન્ને સગા ભાઈ હતા ને અવિવાહિત હતા. તેઓએ મારી પાસે ગીતાજીની વાત કરી. તેઓ એડવિન આર્નલ્ડનો ગીતાજીનો અનુવાદ વાંચતા હતા, પણ મને તેઓએ તે તેમની સાથે સંસ્કૃતમાં વાંચવા નોતર્યો. હું શરમાયો, કેમ કે મેં તો ગીતા સંસ્કૃતમાં કે પ્રાકૃતમાં વાંચી જ નહોતી! મારે તેમને કહેવું પડયું કે મેં ગીતાજી વાંચેલ જ નથી, પણ તમારી સાથે હું તે વાંચવા તૈયાર છું. મારો સંસ્કૃતનો અભ્યાસ પણ નહીં જેવો જ છે. હું તે એટલે સુધી સમજી શકીશ કે તરજુમામાં અવળો અર્થ હશે તો સુધારી શકાશે. આમ આ ભાઈઓની સાથે મેં ગીતા વાંચવાનો આરંભ કર્યો. બીજા અધ્યાયના છેલ્લા શ્લોકોમાંના –

ધ્યાયતો વિષયાન્પુંસઃ સંગસ્તેષૂપજાયતે;

સંગાત્સંજાયતે કામઃ કામાક્રોધોપજાયતે.

ક્રોધાદ્ ભવતિ સંમોહ સંમોહાત્સ્મૃતિવિભ્રમઃ;

સ્મૃતિભ્રંશાદ્ બુદ્ધિનાશોબુદ્ધિનાશાત્પ્રણશ્યતિ.

[વિષયોનું ચિંતવન કરનારનો પ્રથમ તેને વિશે સંગ ઊપજે છે, સંગથી કામના જન્મે છે, કામનાની પાછળ ક્રોધ આવે છે, ક્રોધમાંથી સંમોહ,

સંમોહમાંથી સ્મૃતિભ્રમ, અને સ્મૃતિભ્રમમાંથી બુદ્ધિનાશ થાય છે, ને અંતે તે પુરુષનો પોતાનો નાશ થઈ જાય છે.]

એ શ્લોકની મારા મન ઉપર ઊંડી અસર પડી. તેના ભણકારા મારા કાનમાં વાગ્યાં જ કરે. ભગવદ્ગીતા અમૂલ્ય ગ્રંથ છે એમ મને તે વેળા ભાસ્યું. તે માન્યતા ધીમે ધીમે વધતી ગઈ અને આજે તત્ત્વજ્ઞાનને સારું તેને હું સર્વોત્તમ ગ્રંથ ગણું છું. મારા નિરાશાના સમયે તે ગ્રંથે મને અમૂલ્ય સહાય કરી છે. તેના અંગ્રેજી તરજુમા લગભગ બધા વાંચી ગયો છું. પણ એડવિન આર્નલ્ડનો અનુવાદ મને શ્રેષ્ઠ લાગે છે. મૂળ ગ્રંથના ભાવને જાળવ્યો છે, છતાં તે ગ્રંથ તરજુમા જેવો નથી જણાતો. મેં ભગવદ્ગીતાનો આ વેળા અભ્યાસ કર્યો તો ન જ કહેવાય. તે મારા હમેશના વાચનનો ગ્રંથ તો કેટલાંક વર્ષો પછી થયો.

આ જ ભાઈઓએ મને આર્નલ્ડનું બુદ્ધચરિત્ર વાંચવા ભલામણ કરી. અત્યાર સુધી તો સર એડવિન આર્નલ્ડના ગીતાના અનુવાદની જ મને ખબર હતી. બુદ્ધચરિત્ર મેં ભગવદ્ગીતા કરતાં પણ વધારે રસથી વાંચ્યું. પુસ્તક હાથમાં લીધા પછી તે પૂરું કર્યે જ છોડી શક્યો.

આ ભાઈઓ મને એક વખત બ્લૅવૅટ્સ્કી લૉજમાં પણ લઈ ગયા. ત્યાં મને મૅડમ બ્લૅવૅટ્સ્કીના દર્શન કરાવ્યાં ને મિસિસ બેસંટનાં. મિસિસ બેસંટ તે વખતે તાજાં જ થિયૉસૉફિકલ સોસાયટીમાં દાખલ થયાં હતાં, એટલે તે વિશેની ચર્ચા અખબારોમાં ચાલતી તે હું રસપૂર્વક વાંચતો. આ ભાઈઓએ મને સોસાયટીમાં દાખલ થવા પણ સૂચવ્યું. મેં વિનયપૂર્વક ના પાડી ને કહ્યું, ‘મારું ધર્મજ્ઞાન કંઈ જ નથી, તેથી હું કોઈ પણ પંથમાં ભળી જવા નથી ઇચ્છતો.’ મને એવો ખ્યાલ છે કે તે જ ભાઈઓના કહેવાથી મેં મૅડમ બ્લૅવૅટ્સ્કીનું પુસ્તક ‘કી ટુ થિયૉસૉફી’ વાંચ્યું. તે ઉપરથી હિંદુ ધર્મનાં પુસ્તકો વાંચવાની ઇચ્છા થઈ અને હિંદુ ધર્મ વહેમોથી જ ભર્યો છે એવો અભિપ્રાય પાદરીઓને મુખેથી સાંભળતો તે મનમાંથી ગયો.

આ જ અરસામાં એક અન્નાહારી વસતિગૃહમાં મને માંચેસ્ટરના એક ભલા ખ્રિસ્તી મળ્યા. તેમણે મારી જોડે, ખ્રિસ્તી ધર્મની વાત કાઢી. મેં તેમની પાસે મારું રાજકોટનું સ્મરણ વર્ણવ્યું. સાંભળીને તે દુઃખી થયા. તેમણે કહ્યું : ‘હું પોતે અન્નાહારી છું. મદ્યપાન પણ નથી કરતો. ઘણા ખ્રિસ્તીઓ માંસાહાર કરે છે, મદ્યપાન કરે છે, એ સાચું; પણ બેમાંથી એકે વસ્તુ લેવાની એ ધર્મમાં ફરજ નથી. તમે બાઇબલ વાંચો એવી ભલામણ કરું છું.’ મેં એ સલાહ માની. બાઇબલ તેમણે જ ખરીદી આપ્યું. મને કંઈક એવો આભાસ છે કે આ ભાઈ પોતે જ બાઇબલ વેચતા. તેમણે નકશાઓ, અનુક્રમણિકા વગેરેવાળું બાઇબલ મને વેચ્યું. મેં તે શરૂ કર્યું. પણ હું ‘જૂનો કરાર’ વાંચી જ ન શક્યો. ‘જેનેસિસ’ – સૃષ્ટિમંડાણ – ના પ્રકરણ પછી તો વાંચું એટલે મને ઊંઘ જ આવે. ‘વાંચ્યું’ એમ કહી શકાય તે ખાતર, રસ વિના ને સમજ્યા વિના, મેં બીજાં પ્રકરણો બહુ કષ્ટપૂર્વક વાંચ્યાં એમ સ્મરણ છે. ‘નંબર્સ’ નામનું પ્રકરણ વાંચતાં મને અણગમો થયો.

જ્યારે ‘નવા કરાર’ ઉપર આવ્યો ત્યારે જુદી જ અસર થઈ. ઈશુના ગિરિપ્રવચનની અસર બહુ સારી પડી. તે હૃદયમાં ઉતાર્યું. બુદ્ધિએ ગીતાજીની સાથે તેની સરખામણી કરી. ‘તારું પહેરણ માગે તેને અંગરખું આપજે’, ‘તને જમણે ગાલે તમાચો મારે તેની આગળ ડાબો ધરજે’, એ વાંચીને મને અપાર આનંદ થયો. શામળ ભટનો છપ્પો યાદ આવ્યો. મારા બાળક મને ગીતા, આર્નલ્ડકૃત બુદ્ધચરિત, અને ઈશુના વચનોનું એકીકરણ કર્યું. ત્યાગમાં ધર્મ છે એ વાત મનને ગમી.

આ વાચનથી બીજા ધર્માચાર્યોનાં જીવન વાંચવાનું મન થયું. કાર્લાઇલનું ‘વિભૂતિઓ અને વિભૂતિપૂજા’ વાંચવાની કોઈ મિત્રે ભલામણ કરી. તેમાંથી પેગંબર વિશે વાંચી ગયો ને તેમની મહત્તાનો, વીરતાનો ને તેમની તપશ્ચર્યાનો ખ્યાલ આવ્યો.

આટલા પરિચયથી આગળ હું ન વધી શક્યો. મારાં પરીક્ષાનાં પુસ્તકો ઉપરાંત બીજું વાંચવાની નવરાશ હું ન મેળવી શક્યો. પણ મારે ધર્મપુસ્તકો વાંચવાં જોઈએ અને બધા મુખ્ય ધર્મોનો યોગ્ય પરિચય મેળવી લેવો જોઈએ એવી મારા મને નોંધ કરી.

નાસ્તિકતા વિશે પણ કંઈક જાણ્યા વિના કેમ ચાલે? બ્રૅડલૉનું નામ બધા હિંદી જાણે જ. બ્રૅડલૉ નાસ્તિક ગણાય. તેથી તેમને વિશેનું કંઈક પુસ્તક વાંચ્યું. નામનું મને સ્મરણ નથી રહ્યું. તેની મારા પર કંઈ જ છાપ ન પડી. નાસ્તિકતારૂપી સહરાનું રણ હું ઓળંગી ગયો હતો. મિસિસ બેસંટની કીર્તિ તો તે વેળા પણ ખૂબ હતી જ. તે નાસ્તિક મટી આસ્તિક થયાં છે એ વાતે પણ નાસ્તિકવાદ તરફ મને ઉદાસીન બનાવ્યો. ‘હું થિયૉસૉફિસ્ટ કેમ બની?’ એ મિસિસ બેસંટનું ચોપાનિયું મેં વાંચી લીધું હતું. બ્રૅડલૉનો દેહાંત આ અરસામાં જ થયો. વોકિંગમાં તેમની અંતક્રિયા કરવામાં આવી હતી. હું પણ તેમાં હાજર રહેલો. મને લાગે છે કે હિંદી તો એક પણ બાકી નહીં રહેલ હોય. તેમને માન આપવાને સારું કેટલાક પાદરીઓ પણ આવ્યા હતા. પાછાં ફરતાં એક જગ્યાએ અમે બધા ટ્રેનની રાહ જોતા હતા. ત્યાં આ ટોળામાંના કોઈ પહેલવાન નાસ્તિકવાદીએ આ પાદરીઓમાંના એકની ઊલટતપાસ શરૂ કરીઃ

‘કેમ સાહેબ, તમે કહો છો ના કે ઈશ્વર છે?’

પેલા ભલા માણસે ધીમે સાદે જવાબ આપ્યો : ‘હા, હું કહું છું ખરો.’

પેલો હસ્યો ને કેમ જાણે પોતે પાદરીને માત કરતો હોય તેમ કહ્યું : ‘વારુ, પૃથ્વીનો પરિઘ ૨૮,૦૦૦ માઈલ છે એ તો કબૂલ કરો છો ને?’

‘અવશ્ય.’

‘ત્યારે કહો જોઈએ ઈશ્વરનું કદ કેવડુંક હશે ને તે ક્યાં હશે?’

‘આપણે સમજીએ તો આપણાં બંનેનાં હૃદયમાં તે વાસ કરે છે.’

‘બાળકોને ફોસલાવો બાળકનો,’ કહી પેલા યોદ્ધાએ અમે જેઓ આસપાસ ઊભા હતા તેમની સામે વિજયી નજરે જોયું.

પાદરીએ નમ્ર મૌન ધારણ કર્યું.

આ સંવાદે વળી નાસ્તિકવાદ તરફ મારો અણગમો વધાર્યો.