સત્યની શોધમાં/૨૨. લીલુભાઈ શેઠ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૨. લીલુભાઈ શેઠ

એકલો! ફરી પાછો એકલો: અને આખી દુનિયા એની સામે થઈ ઊભેલી! જેઠ મહિનાના એ બપોરનો આદિત્ય આભમાં ઊભો ઊભો એકલો ને મૂંગો સળગી રહ્યો હતો, ત્યારે લક્ષ્મીનગરના ફૂટપાથ પર શામળ પણ સંગીહીન અને ત્યજાયેલો તપતો હતો. એના અંત:કરણ પર નિર્જનતાના ઊના વંટોળ વાતા હતા. ક્ષણવાર તો એને વિષાદ આવી ગયો. ચૂલામાં જાય આ બધી કર્તવ્યભાવના! હું એક ક્ષુદ્ર જંતુ – શી રીતે આ સમર્થોના સંગઠનની સામે મુકાબલો કરી શકીશ? હું અજ્ઞાન ગામડિયો – મારી ભૂલ તો નહીં થતી હોય? બુદ્ધિવંતો અને જ્ઞાનીઓની સામે હું આ જૂઠી ધૂળ તો નથી ઉરાડી રહ્યો ને? ત્યાં તો તીક્ષ્ણ કટારી સરખો બીજો વિચાર એના હૃદયને વીંધી રહ્યો: નહીં નહીં, મારી ભૂલ નથી. લાખો લોકો ભૂખ્યાં બળ્યાં દુખ્યાં ગૂંગળાઈ રહેલ છે ને એનું મૂળ કારણ મારે હાથ આવ્યું છે. હું એ કંગાલોની ચોગમ ચાલી રહેલ આ કાવતરા સામે ઊભો રહીશ. હવે મારાથી પાછા વળાય નહીં. શી રીતે શરૂઆત કરું? પ્રથમ તો લીલુભાઈ શેઠની પાસે જાઉં, એનો જવાબ માગું, એને પશ્ચાત્તાપની – શુદ્ધીકરણની તક આપું. પણ વિનોદબહેન – એને કેવું લાગશે? પોતાના સગા બાપ સામે ઊભનાર જે હું – તેને માટે મારી એ જીવન-દેવી શો ખ્યાલ બાંધશે? શામળના દિલમાં બિછાવેલું એ સુંવાળું આસન – એ ગાલીચો જાણે ખાલી થવા લાગ્યો. નહીં, નહીં, એમ શા સારુ? મારી વિનોદને હું મારા વિશ્વાસમાં જ કાં ન લઈ લઉં? આ પાપાચારોની સામે વિનોદ મારે ડાબે પડખે ઊભીને મારી વીરાંગના બની કાં ન ઝૂઝે? જેણે તેજુને ઠેકાણે પાડી, દિત્તુ શેઠને રસ્તે આણવાનું વચન દીધું, મારા જીવનમાં જે આટલો રસ લઈ રહેલ છે, એ પવિત્રતા અને પ્રેમની, એ આત્મસમર્પણની ને શક્તિની દેવી વિનોદ પોતાના પિતાની દુષ્ટતા સામે પણ કેમ ન ઊઠે? ગમે તેમ, પણ મારી ફરજ છે કે એના કુટુંબ વિશેના મામલાથી એને વાકેફ કરવી. તેજુએ જઈને ઉપલે માળે ખબર આપ્યા. શામળ ઉપર ગયો. વિનોદ દખણાદી બારીએ ખસની ટટ્ટી સોંસરવા ગળાતા વાયરાની ગલીપચી માણતી બેઠી હતી. “શામળજી?” એણે સહેજ આકુળ બની કહ્યું, “બપોર પછીના સમયમાં આંહીં મને મળવા આવવું તમારે માટે સલામતીભર્યું નથી.” “જી, પણ હું મારે માટે નથી આવ્યો. બીજા અત્યંત તાકીદના કામે આવેલો છું.” “શું છે?” “આપના પિતાને લગતું છે.” “મારા પિતા?” “જી હા, એ કથા લાંબી છે.” પછી શામળે પોતાના સમાજપ્રવેશથી લઈ છેલ્લા રહસ્યશોધન સુધીની વાત કહી સંભળાવી. “ને તમે આ બધું ધર્મપાલજીને કહ્યું, શામળજી?” “જી હા.” “એમણે શું કહ્યું?” “કહ્યું કે, આ બાબત સાથે મારે કશી જ નિસ્બત નથી.” “હવે તમે શું કરવા ધારો છો?” “પ્રથમ તો આપના પિતાને મળીશ.” “મારા પિતાને?” વિનોદિની ચમકી ગઈ. મંદિરનો આ એક કારકુન શું લીલુભાઈની સામે ઊભો રહી એનો તાપ ઝીલી શકશે? શબ્દ ઉચ્ચારી શકશે? “જી હા, આપના પિતા પાસે.” “શા માટે?” “એમને બતાવવા માટે, કે એમની પ્રવૃત્તિ કેટલી અધમ છે.” વિનોદિની ચોંકેલ નજરે તાકી રહી: “શું તમે મારા પિતાની સામે એના જાહેર જીવનની પ્રવૃત્તિ વિશે સવાલો કરશો?” “જરૂર, જરૂર. શા માટે નહીં? બીજું હું શું કરું?” રેશમી રૂમાલથી ગાલને હાથ પર ટેકવી, વિનોદિની મેજ પર ઝળૂંબીને બેઠી. મોં રૂમાલમાં છુપાવ્યું. જાણે કશુંક ન સમજાય તેવું મંથન એના અંત:કરણમાં ચાલી રહ્યું છે. “વિનોદિની!” શામળે પૂછ્યું, “મારા પર ગુસ્સો આવે છે?” “નહીં નહીં, શામળજી! લગાર પણ નહીં.” પછી એણે મોં બહાર કાઢ્યું. ચહેરો રાતોચોળ બની ગયો હતો. કહ્યું: “ભલે, મળો મારા પિતાને.” “તમને વાંધો નથી ને?” “બિલકુલ નહીં. હું ઇચ્છું છું કે તમે એના કઠોર, દુષ્ટ હૃદયને પિગાળી શકો. આપણા સહુના હિતની એ વાત છે.” “આપણા બંને વચ્ચેના સંબંધમાં એથી કશો ફેર નહીં પડે ને?” “આપણો સંબંધ!” વિનોદિનીએ સહેજ ચકિત બનીને એ શબ્દો ઉચ્ચાર્યા, પછી કહ્યું, “જરીકે નહીં. પણ જોજો હાં, આપણા સંબંધ વિશેનો ઇશારો સુધ્ધાં ત્યાં ન કરતા. તમે મને ઓળખો છો એવો આભાસ પણ ન થવા દેતા.” “નહીં જ. નહીં જ.” “કહેજો કે તમે સીધા મંદિરેથી જ આવો છો. ને બરાબર ફટકા મારજો, હો શામળજી! કેમ કે એ તો તમે કહ્યું તે કરતાં અનેકગણાં ભયંકર કૃત્યોના કરનારા છે. ને પછી શું થયું તે મને કહેવા આવજો હો! કદાચ હું તમને આગળ શાં પગલાં લેવાં તેની સલાહ આપી શકું.” “વાહ, મારી દેવી!” શામળ આ સહૃદયતાની તેજસ્વિની પ્રતિમા સામે જોઈ રહ્યો. આશા અને ભાવનાઓના ફુવારા છૂટ્યા. ઊર્મિઓનો ઓચિંતો ઉછાળો અનુભવીને વિનોદિની બોલી ઊઠી: “ઓહ શામળજી, તમે કોઈ દેવદૂત છો!” એટલું કહી એ હાસ્ય કરતી ઊઠી, અને પાંખો ફફડાવીને પોતાના કબૂતરની ચંચુમાં ચંચુ પરોવતી કોઈ પારેવડીની પેઠે, શામળના ઉપર લળી પડી, એના ગાલ પર પોતાના અધરનો કોમલ સ્પર્શ કરી, એક ઝબકરાની માફક એ ચાલી ગઈ. ઓરડામાં બે જ રહ્યાં – એક શામળ ને બીજી એના હૈયાની અજબ તાલાવેલી.

રાજપ્રકરણી સાહિત્યનાં છેલ્લામાં છેલ્લા પ્રગટ થયેલાં દેશ-દેશોનાં પુસ્તકોથી વિભૂષિત એ ભવ્ય ઓરડામાં જુગજૂની નીરવતા ને ગંભીરતા હતી. કદાવર ગૌરવભર્યા લીલુભાઈ આરામખુરશી પર પડ્યા હતા. કરડાઈ, અતડાઈ અને કઠોર ઓછાબોલાપણાનું કોઈક અવર્ણનીય વાતાવરણ પથરાઈ ગયું હતું. “શેઠસાહેબ!” શામળે એમની સામે ઊભા રહીને શરૂ કર્યું, “મારું નામ શામળજી રૂપજી. હું પ્રાર્થનામંદિરનો કારકુન છું. આપની સાથે મારે ઘણી જ ગંભીર ને ખાનગી વાત કરવાની છે.” “બોલો, શું છે?” લીલુભાઈએ છાપામાંથી ત્રાંસી, કરડી નજરે શામળ તરફ જોયું. શામળે માંડીને વાત કહી. પોતે કેટકેટલા માણસોને ધર્મસમાજ તરફ વાળ્યા તે કહ્યું. છેવટે બબલાની વાત કહી: “શેઠસાહેબ, એ મનુષ્ય આપણા તરણતારણ સમાજમાં દીક્ષા લેવા નથી આવતો, કેમ કે એને આપણા સમાજમાં પાપાચારીઓ માલૂમ પડ્યા છે.” “હા? કોણ છે એ પાપાચારીઓ?” લીલુભાઈએ પૂછ્યું. “પ્રથમ તો આપ.” “હું? મેં શું પાપ કર્યું છે, છોકરા?” “આપ નાનાં બાળકોને મિલોમાં મજૂરી કરાવો છો, ને બાળમજૂરી પ્રતિબંધક ખરડાને તોડી પડાવવા આપે એક બદમાશ મેમ્બરને રુશવત આપી, ચૂંટાવી, વડી ધારાસભામાં મોકલાવેલ છે. એક બાજુથી આપ રાજકારોબારના વિશુદ્ધીકરણની ખોટી વક્તૃતાઓ કરો છો, બીજી બાજુ આપ પોતે જ સુધરાઈના પ્રમુખોનાં ખીસાં ભરી, મોટા કંટ્રાક્ટો લ્યો છો.” ઓચિંતાનો ગોળીબાર સાંભળી સ્તબ્ધ બનેલા લીલુભાઈ ઘડીક ચૂપ રહ્યા. પછી એનો શ્વાસ પાછો વળ્યો. એણે ત્રાડ પાડી: “છોકરા, આ તો નફટાઈની અવધિ થઈ ગઈ!” “આપ મારા પર ગુસ્સે થશો? નહીં નહીં, એટલા કઠોર ન બનો. હું આંહીં આપના ભલા માટે જ આવેલ છું. હું આવ્યો છું કેમ કે વિશ્વબંધુ-સમાજના એક અગ્રેસરના આવા પાપાચાર મારાથી સહી ન શકાયા.” “છોકરા! પહેલાં તને પૂછી લઉં. પંડિત ધર્મપાલ આ વાત જાણે છે?” “જી હા. હું પ્રથમ તો એમની જ પાસે ગયેલો, પણ એમણે કશો જ ભાગ લેવા ના પાડી. એને આ મારું પગલું પસંદ પણ નથી. હું મારી પોતાની જ જવાબદારી પર આવું છું. આપ મારા પર ગુસ્સો કરશો શું?” “હં-હં – ગુસ્સો તારા જેવા મગતરા પર શું કરું? પણ છોકરા, તારે થોડાક દુનિયાના જ્ઞાનની, થોડા અનુભવના તમાચાની જરૂર છે.” “પણ શેઠસાહેબ, આ મેં કહી તે વાતો તો સાચી જ છે ને?” “હશે – એક રીતે સાચી.” “ને એ વાતો તો અધમ જ છે ને?” “તને લાગતી હશે, કેમ કે દુનિયાનું તને જ્ઞાન નથી.” “આપ પોતાની માતૃભૂમિના રાજકારોબારને ભ્રષ્ટ કરી રહ્યા છો, શેઠસાહેબ!” “મારી માતૃભૂમિનો રાજકારોબાર? હા. એટલે કે સારા માણસોને ડરાવી દબડાવી નાણાં કઢાવનારી અને મારા માતબર બિઝનેસની હિતશત્રુ એક ટોળકી! તને ખબર છે, છોકરા? મારા શિર પર અનેક જવાબદારીઓ છે. અનેક વેપારઉદ્યોગનાં મંડળો મારું રક્ષણ માગી રહેલ છે. ને અમારી આસપાસ જાણે વાઘ-દીપડા વીંટળાઈ વળ્યા છે. લોકોને એ વાતોનું ભાન ક્યાં છે?” “એટલે – લોકોએ શું કરવું, સાહેબ?” “રાજવહીવટમાં રોંચા ખેડૂતોને અને દારૂડિયા મજૂરોને ચૂંટવાને બદલે પ્રામાણિક પ્રતિનિધિઓ ચૂંટવા – કે જેની સાથે કામ પાડી શકાય.” પલભર શામળ વિચારમાં પડી ગયો. પછી પૂછ્યું: “જેની સાથે કામ પાડી શકાય – પણ કઈ જાતનું કામ પાડવા આપ માગો છો, શેઠજી?” “એટલે! તારો કહેવાનો મર્મ શો છે?” “મર્મ એ કે આપ તો એ લોકોની પાસે જઈ, તેઓનાં ગજવાં ભરી, નવાણું-નવાણું વરસને પટે આપને ફાવે તેવા દરો વધારવાની સત્તા સાથે પ્રજાને નળો પૂરા પાડવાનાં કામ કઢાવી આવ્યા છો; એને આપ પ્રજાનું હિત કહો છો?” કશો પ્રત્યુત્તર ન મળ્યો. “ને આવી આવી મલિન રીતથી આપે કેટલી ઇસ્કામતની જમાવટ કરી છે, સાહેબ?” સાંભળી સાંભળીને લીલુભાઈ સળગી ઊઠતા હતા. પરંતુ શામળના વેદનાભર્યા ચહેરા તરફ જોતાં જ એનો ગુસ્સો થીજી જતો. એણે આટલું જ કહ્યું: “છોકરા, હું તને ફરી વાર કહું છું કે તું બાળક છે. દુનિયાદારીનું તને ભાન નથી. તું સમજ, કે હું જો કંટ્રાક્ટ ન લેત, તો હું નહીં ને મારો કોઈ ભાઈ આવીને એ હાથ કરત. એ તો બધી મૂડીની હરીફાઈ છે, ભાઈ મારા!” “મૂડીની હરીફાઈ!” શામળને નવું તત્ત્વ લાધ્યું, “એટલે કે આ તમામ પૈસા માટેની જ મારામારી છે, ને તમારાથી બની શકે તેટલું તમે પણ પડાવો છો, એમ જ ને!” “વારુ, એમ કહો તોપણ ચાલશે.” “ને આપ શું એમ માનો છો કે તમારા પક્ષના લોકોનો આટલો સ્વાર્થ સાધવાથી તમારી ફરજ પૂરી થાય છે?” “હા – મને એમ જ લાગે છે.” થોડી વાર ખામોશી પકડીને પછી શામળે ધીરે અવાજે કહ્યું: “હવે મને પૂરેપૂરું સમજાયું. ફક્ત એક જ વાત હું નથી સમજી શકતો, શેઠસાહેબ!” “શી વાત?” “કે તો પછી આપ ધર્મસમાજમાં શીદ રહ્યા છો? આ પૈસાની મારામારીને પ્રભુની સાથે શી લેવાદેવા છે?” “છોકરા!” લીલુભાઈએ કહ્યું, “આ વાતચીત કરવાનું કશું ફળ હું જોતો નથી.” “પણ શેઠસાહેબ, આપ ધર્મને ભ્રષ્ટ કરી રહ્યા છો.” “આ વિષય પૂરો થાય છે,” લીલુભાઈએ કરડાકી ધારણ કરી. “છોકરા, તેં મારા ભલા સ્વભાવનો ગેરલાભ લીધો છે. તું તારો દરજ્જો ભૂલી જાય છે.” “મારા દરજ્જાની યાદ મને અગાઉ પણ ઘણાએ દેવરાવી છે. પણ મને હજુ ખબર નથી પડી કે મારો દરજ્જો ને મારું સ્થાન શું છે.” “એ તો સ્પષ્ટ છે. તારું સ્થાન છે તારું પોતાનું કામ કર્યે જવાનું, મુરબ્બીઓને આજ્ઞાંકિત રહેવાનું અને તારા અભિપ્રાયો તારા ગજવામાં જ રાખી મૂકવાનું.” “આપ મારા મુરબ્બીઓની વાત કરો છો, સાહેબ, પણ મારા મુરબ્બીઓ કોણ ને કેવી રીતે નક્કી થાય છે તે મારે સમજવું છે.” “જે લોકો તારાથી ઉંમરે મોટેરા ને બુદ્ધિમાં ચડિયાતા—” “બુદ્ધિ અને ઉંમરથી જ મુરબ્બીપણું નક્કી થાય છે એમ? તો પછી દિત્તુભાઈ શેઠ, કે જે મારા જેવડા જ છે ને દારૂ પીએ છે, રંડીબાજી કરે છે, મારા મુરબ્બી કયે હિસાબે?” લીલુભાઈ ચૂપ રહ્યા. “—ફક્ત એની પાસે પૈસા છે, તે જ હિસાબે ને? એટલે કે ‘મારું સ્થાન અને મારો દરજ્જો’ એનો અર્થ શું એ જ ને, કે મારી કને પૈસા નથી?” ફરી પાછો કશો ઉત્તર ન મળ્યો. શામળે નિર્દય બનીને વિષયની છણાવટ આગળ ચલાવી: “મતલબ કે હું સત્ય પારખી શક્યો છું, મારે એ સત્યને ઉચ્ચારી નાખવું છે – પણ એ માટે મારે મારું યોગ્ય સ્થાન – મારો યોગ્ય દરજ્જો મેળવવો જોઈએ. શી રીતે મેળવાય એ સ્થાન?” “એ તો તારે પોતે જ ઉકેલ આણવો રહ્યો, છોકરા!” “બરાબર છે. અર્થાત્ એ સ્થાન મેળવવા સારુ મારે પણ પૈસાની મારામારીમાં ઝુકાવવું; કેમ કે એકલો પૈસો જ એ સ્થાન અપાવે છે.” “છોકરા! તારી વય કાચી છે. તું નકામો ઉફાંદે ચડ્યો છે. તને દુનિયાદારીના ધપ્પા લાગવાની જરૂર છે. ત્યારે જ તને સમજાશે કે જીવન બહુ કઠોર સંગ્રામ છે. ફક્ત તેઓ જ, જે લાયક અને સમર્થ—” “ઓહો!” શામળે મોં ઊંચું કરીને જોયું, “આભાર આપનો, શેઠસાહેબ! પણ એ ભણતર તો હું અગાઉ ભણી ચૂક્યો છું.” “એટલે?” “એટલે કે આપ હર્બર્ટ સ્પેન્સરના જ અનુયાયી જણાઓ છો. ઠીક છે. એ તો ઉચિત જ છે – ફકત નથી સમજાતું આટલું જ કે આપ અને આપ સરીખા બીજા હર્બર્ટ સ્પેન્સરના શિષ્યો ધર્મસમાજમાં શા સારુ પેઠેલા છો? પ્રભુના આદેશોને અનુસરવાનો દંભ શા માટે—” તુરત જ લીલુભાઈ ખડા થઈ ગયા. જાણે એના પગ નીચે કોઈએ અંગારા ચાંપ્યા. એણે કહ્યું: “બસ કર, ચાલ, બહાર નીકળ મારા મકાનમાંથી.” “પણ સાહેબ—” “એક શબ્દ પણ વધારે નહીં. નીકળ બહાર.” વાર્તાલાપ સમાપ્ત થયો.