સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/અનોખી અમીરાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          સ્ત્રી હોય તેના કરતાં અધિક સોહામણી ક્યારે લાગે? માથે બેડું લઈને લચકાતી ચાલે સામેથી આવતી પનિહારી, હોય તેના કરતાં અધિક સુંદર દીસે છે. માથે બેડું હોય ત્યારે ચાલ બદલાઈ જાય છે. સંતુલન અને સંવાદિતાનું મિલન થાય ત્યારે સૌંદર્ય પ્રગટ થતું દીસે છે. ગાગરમાંથી છલકાયેલું પાણી કાયા પર ઢળેલું હોવાથી સૌંદર્ય પણ સહેજ ભીનું બને છે. ચહેરા પર લોહી ધસી આવે, તેથી એ અધિક સોહામણો દેખાય છે. માથે બેડું હોવા છતાં બે હાથ છૂટા રાખીને પનિહારી ચાલે ત્યારે સાક્ષાત્ કવિતા ચાલતી હોય એવું લાગે. મુગ્ધતા સ્ત્રીના ચહેરાનો શૃંગાર છે. મુગ્ધતા એટલે કુંવારું કુંવારું અપ્રદૂષિત પાગલપણું. આવું પાગલપણું નવોઢાના ચહેરાનો શણગાર છે. ચહેરા પરથી કશુંક ઠલવાતું જણાય છે. પ્રમાણમાં ઓછી સુંદર સ્ત્રી પણ ક્યારેક મુગ્ધતાને કારણે નમણી લાગે છે. ઢળતી ઉંમરે મુગ્ધતા ધીરે ધીરે ઓસરે છે. ફૂલમાંથી ફળ પ્રગટે તેમ મુગ્ધતામાંથી પ્રગલ્ભતા પ્રગટ થાય છે. ઉંમર વધે તે સાથે પરિપક્વતા આવે, ત્યારે ખબર પડી જાય છે કે ભૂતપૂર્વ મુગ્ધતાનું જ આ રમણીય રૂપાંતરણ છે. પ્રગલ્ભતા આકર્ષણને અકબંધ રાખે છે. પ્રગલ્ભતા એટલે પ્રતિભાનો મનોહર નિખાર. સુંદર સ્ત્રી હોવું એ જેવીતેવી વાત નથી; પરંતુ સુંદર હોવા સાથે સમજુ હોવું, એ તો સ્ત્રીની અનોખી અમીરાત છે. મનુષ્ય સિવાયનું બીજું કોઈ પ્રાણી શરમ અનુભવતું જાણ્યું નથી. શરમની લાગણી થવી, એ તો મનુષ્યને પ્રાપ્ત થયેલું અત્યંત નાજુક વરદાન છે. સ્ત્રીની લજ્જા મનુષ્યતાનું મહામૂલું ઘરેણું છે. શરમાળ સ્ત્રી, હોય તેના કરતાં અધિક સુંદર દીસે છે. સ્ત્રીની શોભા મંગળસૂત્રથી વધે, તેના કરતાં શરમના શેરડાથી અધિક વધે છે. સમાજમાં ટકી રહેલી બે આંખની શરમ માણસાઈની આધારશિલા છે. જેને લોકો ધર્મ કહે છે, તેનું કાળજું બે આંખની શરમમાં રહેલું છે. બે આંખની શરમ એટલે મર્યાદાની માવજત. જગત આખું મર્યાદા પર નભેલું છે. ગ્રહો, ઉપગ્રહો અને તારાઓ પોતાની ભ્રમણકક્ષા છોડીને આમતેમ અટવાતા નથી. સમુદ્ર મર્યાદા પાળીને સદીઓથી મોજાંને રમાડતો રહ્યો છે. પરિવારના પાયામાં મર્યાદા રહેલી છે. પરિવારમાં બે આંખની શરમ ખૂટી પડે ત્યારે જ દહેજ-મૃત્યુ શક્ય બને છે. બધી મર્યાદા ખતમ થાય ત્યારે યુદ્ધ થાય છે. આ બધી દુર્ઘટનાઓ દ્વારા માણસની બેશરમી પ્રગટ થતી હોય છે. બેશરમી એટલે મર્યાદાલોપ. [‘નીરખને ગગનમાં’ પુસ્તક]