સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચમનલાલ/રાષ્ટ્રપતિ
મારા પુસ્તક ‘સ્વિટ્ઝરલેન્ડ શોઝ ધ વે’ (સ્વિટ્ઝરલેન્ડ રસ્તો બતાવે છે)ની નવી આવૃત્તિ તૈયાર કરવા માટે હું એ દેશમાં ગયો હતો. સ્વિટ્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ સાથે જેણે દસ વર્ષ કામ કર્યું છે એવા એક અધિકારીની મુલાકાત પાટનગર બર્નમાં મેં લીધી હતી, તેનો થોડો ભાગ અહીં રજૂ કરું છું. સવાલ : તમારા રાષ્ટ્રપતિનો મહેલ ક્યાં છે? જવાબ : અમારા રાષ્ટ્રપતિને કોઈ મહેલ નથી. બગીચાવાળું ઘર પણ નથી. તેઓ એક ફ્લેટમાં રહે છે ને તેનું ભાડું ભરે છે. સવાલ : રાષ્ટ્રપતિને ત્યાં કેટલા નોકર છે? જવાબ : સ્વિટ્ઝરલેન્ડમાં “કેટલા” એમ તો પૂછશો જ નહીં. એક હોય તો પણ આશીર્વાદ ગણાય. પણ રાષ્ટ્રપતિનાં પત્ની પ્રોફેસર છે, તેમને મદદ કરવા એક બાઈ પાર્ટટાઇમ કામ કરે છે. સવાલ : રાષ્ટ્રપતિનાં મહેમાનો ક્યાં ઊતરે છે? જવાબ : હોટલમાં. સવાલ : રાષ્ટ્રપતિ કેટલા કલાક કામ કરે છે? જવાબ : ઑફિસનો સમય નવ કલાકનો છે. સવારના ૭-૩૦થી ૧૨-૩૦ અને બપોરના ૨-૩૦થી ૬-૩૦. ઘણી વાર તે સવારના સાત પહેલાં પણ આવે છે. અંગત મંત્રી સાડા સાતે આવે છે. કોઈ વાર સાંજના સાડા સાત કે આઠ વાગ્યા સુધી પણ રાષ્ટ્રપતિ કામ કરે છે. ઘેર પણ ફાઈલો લઈ જાય છે. સવાલ : ફાઈલો ઘેર કોણ ઊંચકી જાય છે? જવાબ : રાષ્ટ્રપતિ પોતે. અમારે ત્યાં પટાવાળા નથી. સવાલ : રાષ્ટ્રપતિ માટે રાજ્ય તરફથી કેટલી મોટરગાડી આપવામાં આવે છે? જવાબ : એક પણ નહીં. આવવા-જવા માટે તે બસ કે ટ્રામનો ઉપયોગ કરે, એવી અપેક્ષા રખાય છે. સામાન્ય રીતે સવારમાં તે ઘરેથી ચાલીને ઑફિસે આવે છે ને રોંઢો કરવા બસમાં ઘેર જાય છે. સવાલ : બસમાં ગિરદી હોય તો? જવાબ : તો? — બીજા કોઈ પણ મુસાફરની જેમ તે પણ ઊભા રહે છે. કોઈ સ્ત્રીને જગા ન મળી હોય તો તે પોતાની જગા તેને આપે છે. સ્ત્રીઓમાં તે બહુ લોકપ્રિય છે, કારણ કે સામાન્ય રીતે બીજા પુરુષો સ્ત્રીઓને જગા નથી આપતા. તેઓ કહે છે — “સ્ત્રીઓને સમાન હક છે ને!” સવાલ : તમારા રાષ્ટ્રીય દિને બે-ત્રણ હજાર સંપત્તિવાનોને આમંત્રણ આપતો ભભકાદાર ભોજન-સમારંભ ગોઠવાય છે? જવાબ : રાષ્ટ્રીય દિવસે રાજ્ય તરફથી કોઈ સમારંભ થતો નથી. સરકાર ઇચ્છે છે કે લોકો પોતાને ખર્ચે રાષ્ટ્રીય દિન જાતે જ ઊજવે. અને ગામડાંમાં પણ લોકો ઉત્સાહથી એ દિવસ ઊજવે છે. સવાલ : તમે તમારા રાષ્ટ્રપતિની ફિલ્મ બનાવો છો? તેમનાં ભાષણો પુસ્તક આકારે છાપો છો? જવાબ : કદી નહીં. સવાલ : બધા કામદારોની જેમ રાષ્ટ્રપતિને અઠવાડિયામાં બે દિવસ રજાના મળે છે? જવાબ : રાષ્ટ્રપતિ શનિવારે પણ ઑફિસે આવે છે. રવિવારે તે પોતાનાં પત્ની સાથે પહાડોમાં જાય છે. કુદરતના તે ખૂબ ચાહક છે. સવાલ : તમારા રાષ્ટ્રપતિને અંગરક્ષકો છે? જવાબ : ના, પોતાના રક્ષણ માટે રાષ્ટ્રપતિને કોઈ અંગરક્ષકની જરૂર નથી. સાદા પોલીસની પણ નહીં. તેમની લોકપ્રિયતા જ તેમની શ્રેષ્ઠ અંગરક્ષક છે. ઑફિસના દરવાજા પાસે પણ તમે પોલીસને નહીં જુઓ. રાષ્ટ્રપતિની ઑફિસ એક નાની ગલીમાં આવેલી છે. કોઈ પણ માણસ ત્યાં લિફ્ટ મારફત જઈ રાષ્ટ્રપતિના અંગત મંત્રીને મળી શકે છે.