સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝીમલી મુખરજી/ચંદનની અગ્નિપરીક્ષા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          “આટલી ગજબની હિંમતવાળી એક બહેનને મળતાં મને અજાયબી થાય છે, ખૂબ આનંદ થાય છે, અને એક નારી તરીકે હું ગૌરવ અનુભવું છું!” બોય-સ્કાઉટ અને ગર્લ-ગાઈડના એક આંતરરાષ્ટ્રીય શિબિરમાં દુનિયાભરમાંથી આવેલી ૭૦૦ યુવતીઓ પૈકી પોતે જેને ‘શ્રેષ્ઠ ગાઈડ’નું પ્રમાણપત્રા આપ્યું, તે કંચન ગાબા એક અંધ બહેન છે એવું જ્યારે એમણે જાણ્યું, ત્યારે બ્રિટનનાં મહારાણી ઇલિઝાબેથના મુખમાંથી ઉપલા શબ્દો નીકળી પડ્યા. પછી, સ્કાઉટ— ગાઈડનો વિશાળ સમૂહ સભા દરમિયાન સતત હર્ષનાદોથી જેને વધાવતો રહ્યો હતો તે કંચનને સંબોધીને રાણી બોલ્યાં : “એટલી બધી લાગણી હું અનુભવી રહી છું, કે તેનું વર્ણન નહિ કરી શકું. બસ, ખૂબ ખૂબ મુબારકબાદી!” પંદર દિવસના શિબિર માટે દેશદેશાવરથી બ્રિટન આવેલી સાતસોયે યુવતીઓની બધી ઇંદ્રિયો સાબૂત હતી. પણ તેમાંથી પોતાની શક્તિઓનો ઉત્તમ પરિચય આપનારાં એકલાં કંચનબહેન આંખ વિનાનાં હતાં. તરેહવાર કસોટીઓ એક પછી એક પસાર કરીને એ બધી બહેનોએ પોતાનું ખડતલપણું સાબિત કરવાનું હતું. તેમાં આકરામાં આકરી કસોટીના અઠવાડિયા દરમિયાન એમણે પહાડની ઊંચી કરાડો પર ચડવાનું હતું, ત્યાંથી દોરડાં વડે નીચે સરકવાનું હતું, ખાડાટેકરાળ પ્રદેશમાં આખી રાતની મજલ કાપવાની હતી, ડુંગરાની ગાળીઓ અને ગુફાઓની આંટીઘૂંટી ઉકેલવાની હતી, અને ધસમસતા નદી-પ્રવાહો પર નાનકડી હોડી વડે સવારી કરવાની હતી. એમાંય ઊંચી કરાડોની સીધી સપાટ બાજુ પરથી દોરડા વડે નીચે લસરવાનું આવ્યું, ત્યારે મોટા ભાગની બહેનો પાછી હઠી ગઈ. એક હજાર મીટર જેટલી ઊંચાઈએ પાટિયાંનો એક માંચડો ઊભો કરેલો હતો. લટકતા દોરડાને ઝાલીને બહેનોએ ત્યાં ચઢીને ઊતરી બતાવવાનું હતું. જ્યાં નીચે લસરવાનું આવ્યું ત્યાં સહુ થંભી ગયાં; કરાડની ટોચેથી નીચે નજર નાખતાં તમ્મર આવે. “પણ” કંચનબહેન કહે, “હું તો નીચે કે ઊંચે ક્યાંય જોઈ શકતી નહોતી, એટલે મને કરાડની બીક લાગતી નહોતી, ચક્કર પણ નહોતાં આવતાં. પાછળથી મને ખબર પડી કે એ કસોટીમાંથી પાર ઊતરનારી હું એકલી જ હતી.” હિમાલયન માઉન્ટનરિંગ ઇન્સ્ટિટયૂટ નામની પર્વતારોહણની સંસ્થા તરફથી ૧૯૯૮માં યોજાયેલા એક કાર્યક્રમમાં કરાડો પર ચઢતી વેળા પણ કંચનબહેનને એ જ અનુભવ થયો હતો. બીજાં બધાં જ્યારે પાછાં હઠી ગયાં ત્યારે કંચનબહેન આસાનીથી ટોચ પર પહોંચી ગયાં. એમને હંમેશાં લાગ્યું છે કે, અંધાપામાં જ મારી ખરી શક્તિ રહેલી છે — પછી ભલે કરાડો પર ચડવાનું હોય, તોફાની નદીપ્રવાહો પાર કરવાના હોય કે બીજી કોઈ પણ કસોટી હોય. “નજર સામે શું પડેલું છે તે માણસ જુએ છે, ત્યારે થરથરી જાય છે. પણ મારો અંધાપો મને તેમાંથી બચાવી લે છે,” એમ એ કહે છે. સર્વોત્તમ ગર્લ-ગાઈડ તરીકેનું પારિતોષિક ત્યારના રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્માને હાથે સ્વીકારતાં ૧૯૯૫માં કંચનબહેને કહેલું કે, “આમ તો આપણે સહુ એક યા બીજી રીતે અપંગ હોઈએ છીએ. તેમાં હું અંધ છું, તો તેને લીધે મારી બીજી ઇંદ્રિયો વધુ સતેજ બની છે. અને હું તેનો બને તેટલો સારો ઉપયોગ કરું છું.” કંચનબહેનની ઝળહળતી સફળતાનો દિવસ એ હતો જ્યારે ગર્લ-ગાઈડ માટેનો ચાર વરસનો અભ્યાસક્રમ પૂરો કરનાર જગતની એકમાત્રા નારી એ બન્યાં એટલું જ નહિ, પણ સર્વ અંગો જેમનાં સાબૂત હતાં તેવી એમની સાથી બહેનોમાં પણ પ્રથમ સ્થાન મેળવી શક્યાં. જોકે, એ જાતની સિદ્ધિ પ્રાપ્ત કરનાર પોતે દુનિયાની એકમાત્રા મહિલા છે, તે વાતનું કંચનબહેનને મન ખાસ મહત્ત્વ નથી. “બીજાં સામાન્ય લોકો જો એમ કરી શકતાં હોય, તો મને તેમાં કાંઈ મુશ્કેલી શીદને પડવી જોઈએ?” એવો સવાલ એ કરે છે. બીજા લોકો એમને માટે જાતજાતની સહાનુભૂતિ બતાવે, તે કંચનબહેનને ગમતું નથી. બ્રિટનમાં શિબિરતાલીમ આપતાં સ્યૂ અને કેથરીન નામનાં શિક્ષિકાઓ શરૂઆતમાં કંચન અંગે સતત ચિંતા કરતાં અને કરાડોનાં ચઢાણ-ઉતરાણમાં જોડાતાં પહેલાં પૂરો વિચાર કરવાનું કહ્યા કરતાં. કંચનબહેન કહે છે કે, “એ લોકો મારું ભલું જ ઇચ્છતાં હતાં તે હું જાણતી હતી; પરંતુ મને એ પણ ખબર હતી કે મારી શક્તિ વિશે એમને શંકાઓ હતી અને વિશેષ કરીને તો એ મારે માટે સહાનુભૂતિ બતાવતાં હતાં. મારાથી એ સહન થતું નથી.” પણ કરોડો પરથી ઉતરાણની કસોટી કંચનબહેને યશસ્વી રીતે પાર કરી, તે પછી એ શિક્ષિકાઓએ તેમને નાહિંમત બનાવવાનું બંધ કરી દીધું. કંચન કહે, “પછી તો એ લોકો મને ભેટી પડીને વહાલ કરવા લાગ્યાં, આનંદથી નાચવા લાગ્યાં! કહેવા લાગ્યાં કે, ભલે થોડા જ સમય માટે પણ, મારા જેવી શિષ્યા એમને મળી તે વાતનું એમને અભિમાન હતું.” એવું નહોતું કે કંચનબહેન પોતે કશી તાણ અનુભવતાં નહોતાં. એ કબૂલ કરે છે કે પોતે તંગ રહેતાં, બીજાં કરતાં પણ વધારે તંગ રહેતાં, કારણ કે એક પછી એક કસોટીને સફળતાપૂર્વક પાર કરતાં જવું એ પણ એક પડકાર બની જાય છે. “મારા દેશની પ્રતિનિધિ તરીકે હું આવેલી છું, અને બધાંની નજર મારી પર રહેલી છે, ખાસ કરીને હું અંધ છું તે માટે — એ હું જાણતી હતી.” બ્રિટનમાં પહાડ પર ચઢવાનું કામ કપરું હતું. એક તો ચઢાણ એકદમ સીધું હતું અને તેના ખડકો એવા તો સપાટ હતા કે પગનાં આંગળાં જરીક ભરાવવા જેટલી ખાંચ જડવી પણ મુશ્કેલ હતી. પણ કંચનબહેને તો ભારતમાં કેટલાંય આકરાં ચઢાણો પાર કરેલાં હતાં, ને તેમાં એ નિષ્ણાત બની ગયાં હતાં. એ કહે, “આપણા હિમાલયની સરખામણીમાં બ્રિટનના એ ડુંગરા તો કાંઈ વિસાતમાં ન ગણાય.” પણ ડુંગરાની ગાળીઓ અને ગુફાઓની આરપાર નીકળવાનું જરા અટપટું હતું. “પોતાની આંખો અને બુદ્ધિનો, એકીસાથે બેયનો સતત ઉપયોગ જે ન કરતો રહે, તે માણસ એમાં ફસાઈ જાય. પણ એ બેમાંથી એક ચીજ મારી પાસે નહોતી, એટલે પછી બીજીનો મારે બમણો ઉપયોગ કરવાનો હતો. છતાં હું તેમાંથી બરાબર બહાર નીકળી શકી — અને બીજાં બધાં કરતાં પહેલી!” પોતે દરેક કસોટીમાં સફળ થયાં અને બીજા કરતાં વધારે ગુણ મેળવ્યા, તેનું નહિ પણ કંચનબહેનને સૌથી વધારે સુખ એ વાતનું હતું કે એમની સફળતાથી સહુ કોઈ ભાવવિભોર બની જતાં. એ કહે છે કે, “તે લોકો ક્યારેય પણ મને પોતાની હરીફ માનતાં નહોતાં. એમને એમ જ લાગતું કે મને જે મળ્યું તેને માટે હું પૂરેપૂરી લાયક હતી. ખાસ કરીને કેની, જૂન, મેગડેલન અને જેની : એ ચારેયને પણ ઇનામો મળેલાં, અને મારા કરતાં થોડાક જ ઓછા ગુણ એમણે મેળવેલા. છતાં મને એમ છે કે એ બહેનો ઈશ્વરને પ્રાર્થના કરતી હશે કે તે એમને મારા કરતાં જરાક પાછળ રાખે. મને પ્રોત્સાહન આપવા સતત હર્ષના પોકારો કરતી, મને શાબાશી આપ્યા કરતી, અને મારે માટે સતત દોડધામ મચાવતી રહેતી એ સખીઓ કદાચ પોતાની સફળતાથી જેટલું સુખ પામી હોત તેના કરતાં પણ વધારે સુખ મારા વિજય બદલ અનુભવતી હશે.” બસ, એ એક જ પ્રસંગ એવો હતો કે જ્યારે કંચનબહેનને થયું કે પોતાને આંખો હોત તો કેવું સારું થાત : “એમના ખુશખુશાલ ચહેરાઓ હું જોઈ શકી હોત!” એ સખીઓની સંગાથે ડુંગરાઓ ને ખેતરો ને ઉજ્જડ વિસ્તારોની આરપાર પંદર કિલોમીટરનો પંથ એક રાતે કાપવાનો હતો એમાં ભારે મજા પડી. કંચનબહેન કહે છે, “અમાસની એ રાતે તો અમે બધાં એકસરખાં આંધળાં હતાં અને એકબીજાં ઉપર પડતાં-આખડતાં ચાલ્યાં કરતાં હતાં.” કસોટીઓનું અઠવાડિયું વીતી ગયું અને કંચનબહેન તથા એમની સાહેલીઓને મુક્તિ મળી — બજારમાં ખરીદી કરવા જવાની, સમુદ્રતટે લટાર મારવાની, લંડન જોવા જવાની, અને સૌથી વિશેષ તો લહેર કરવાની. અને લહેર એમણે બરાબરની કરી. “આ હું પહેલી જ વાર પરદેશ આવેલી, ઘરથી છૂટી પડેલી. આવી સ્વતંત્રતા કદી મળી નહોતી.” કંચનબહેન આખો દિવસ બહાર ફર્યાં કરતાં, લંડનના ટ્રફાલ્ગર ચોકમાં લટાર મારતાં, દરિયાકાંઠે મહાલતાં, રાણીનો મહેલ જોવા જતાં, અને જે કાંઈ જોવા જેવું હતું તે બધું બરાબર ‘જોતાં’. પોતે અંધ છે એવું એમને ત્યાં ક્યારેય લાગ્યું નહિ. “મારાં મિત્રો બધાં સ્થળોનું એવું સરસ વર્ણન મને સંભળાવતાં, કે હું જાતે એ બધું જોતી જ હોઉં એવું મને લાગતું.” કંચનબહેન ઘેર પાછાં ફર્યાં ત્યારે, અગાઉ બ્રિટન જઈ આવેલાં એવાં એમનાં માતાપિતા દીકરી પાસેથી લંડનનું વર્ણન સાંભળીને આભાં બની ગયાં. પોતે સગી આંખે જોયેલું હૂબહૂ લંડન ખડું થઈ ગયું! [‘સ્ટેઇટ્સમન’ દૈનિક પરથી અનુવાદિત : ૧૯૯૮]