સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નારાયણ દેસાઈ/આત્મતનયા મીરાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          ૧૯૨૫ના નવેમ્બરની સાતમી તારીખે મીરાંબહેને સાબરમતી આશ્રમમાં પહેલી વાર પગ મૂક્યો. ગાંધીજી અને મીરાંબહેન વચ્ચેનો સંબંધ આત્મિક હતો. ઉપરથી જોતાં બંનેની પટભૂમિ સાવ જુદી હતી. મીરાંબહેન ઇંગ્લૅન્ડના નૌકાદળના એડ્મિરલની નાની દીકરી, ને ગાંધીજી બ્રિટિશ સામ્રાજ્ય સામે બળવો જાહેર કરી ચૂકેલ અસહકારી આગેવાન. મિસ મેડેલીન સ્લેડ(મીરાંબહેનનું મૂળ નામ)ના રુચિના વિષયો કળા, સ્થાપત્ય અને શાસ્ત્રીય સંગીત. ગાંધીજીના રસના વિષયો કાંતણ, પીંજણ, વણાટકામ અને પાયખાનાં—સફાઈ. મેેડેલીન બેથોવનના સંગીત પર મુગ્ધ હતી. બેથોવનનું સંગીત જ એને વીસમી સદીના પૂર્વાર્ધના મહાન લેખક રોમાં રોલાં સુધી ખેંચી ગયું. મેડેલીન બેથોવન ખાતર જર્મન ભાષા શીખી અને રોમાં રોલાં ખાતર ફ્રેંચ શીખી. પોતાના શાંતિવાદી વિચારોને લીધે યુદ્ધરત માતૃભૂમિ ફ્રાન્સને છોડીને સ્વિટ્ઝર્લેન્ડ જઈ વસેલા એ સાહિત્ય-સંગીત-કલા નિપુણ મનીષીને જઈને મળી. મળવાનો હેતુ બેથોવનને સમજવાની અંતરની પ્યાસ મિટાવવાનો હતો. પહેલી વારની મુલાકાત વખતે મેડેલીન હૈયું ખોલીને કશું બોલી ન શકી. ‘મારે અહીંથી કાંઈક મેળવવાનું રહી જાય છે,’ એવી લાગણી સાથે પોતાને નિવાસસ્થાને પાછી આવી. ત્રણચાર દિવસ બાદ રોમાં રોલાંએ એને સંગીત વિશેનું એક સારું પુસ્તક મોકલાવી આપ્યું. બીજી વારની મુલાકાત વખતે રોલાંએ મેડેલીનને પ્રવાસ કરવાની સલાહ આપી. એમાં હિંદુસ્તાનનો પણ ઉલ્લેખ હતો, તે જ વખતે તેમણે ‘મહાત્મા ગાંધી’ નામની એક પુસ્તિકા લખી હતી એના સંદર્ભમાં. મેડેલીનનો નવાઈભર્યો ચહેરો જોઈને રોલાંએ પૂછ્યું: “તેં એમને વિશે કાંઈ સાંભળ્યું નથી?” મેડેલીને કહ્યું “ના.” “તેમણે મને એમને વિશે વાત કરી ને પછી બોલ્યા: ‘એ તો બીજા ઈશુ ખ્રિસ્ત છે.’ આ શબ્દો મારા અંતરમાં ઊડા ઊતરી ગયા. ખાસ કાંઈ વિચાર કર્યા વગર મેં તે મનમાં સંઘરી રાખ્યા.” સ્વિટ્ઝર્લૅન્ડથી મેડેલીન પાછી પૅરિસ આવી ત્યારે પહેલું કામ રોમાં રોલાંની ‘મહાત્મા ગાંધી’ પુસ્તિકા શોધી કાઢવાનું કર્યું. લગભગ એકીબેઠકે એ વાંચી ગઈ. “મહાત્મા ગાંધી હિંદુસ્તાનની કચડાયેલી જનતાની સત્ય, અહિંસા અને નિર્ભયતાને માર્ગે સેવા કરી રહ્યા હતા. આ કાર્ય આખી માનવજાતિની સેવા માટે હતું. હિંદુસ્તાનની ભૂમિ મને પોકારી રહી હતી.” લંડન પહોંચીને તરત તેમણે ભારત સારુ આગબોટની ટિકિટ કઢાવી. માતાપિતાને વાત પછી કરી. માબાપ બંને દીકરીના અંતરમાંથી ઊઠેલી પ્રેરણાનું મહત્ત્વ સમજી ગયાં અને તેમણે સંમતિ આપી. પણ મેડેલીનને જ એ ખ્યાલ આવ્યો કે ગાંધીજી પાસે જતાં પહેલાં એણે તૈયાર થવું જોઈએ. ટિકિટને એક વરસ પછીની કરાવી તેણે તૈયારી કરવા માંડી. પલંગ પર સૂવાને બદલે નીચે જમીન પર શેતરંજી પાથરી સૂવા માંડ્યું. એક ઊનનો રેંટિયો ખરીદીને એણે કાંતવાનું શીખવા માંડ્યું. ઘર પાસેની એક વણાટશાળામાં જઈને વણાટકામની શરૂઆત કરી. માંસ અને મદિરા છોડ્યાં. જમીન પર પલાંઠી વાળીને બેસવાનો અભ્યાસ કરવા માંડ્યો. ઉર્દૂ ભાષા શીખવાની વ્યવસ્થા કરી, પણ તે ખૂબ અઘરી લાગી. ‘યંગ ઇન્ડિયા’નું લવાજમ તરત ભરી દીધું. ‘ગીતા’ અને ‘ઋગ્વેદ’નો થોડો ભાગ ફ્રેન્ચ ભાષામાં વાંચ્યો. અભ્યાસનું અડધું વર્ષ પૂરું થયું ત્યાં સમાચાર આવ્યા કે ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા સારુ ૨૧ દિવસના ઉપવાસ શરૂ કર્યા છે. આટલા દિવસ તેઓ ખેંચી કાઢશે કે નહીં એ વિશે શંકા ઊભી થઈ. પણ મેડેલીને અભ્યાસ ચાલુ રાખ્યો. પોતાની પાસેના પૈસા તો સંગીતના જલસા પાછળ ખરચાઈ ચૂક્યા હતા. પણ હાથમાં એક નાનકડી હીરાજડિત વીંટી હતી તે વેચીને થોડા પૈસા મેળવ્યા. એક પત્ર ગાંધીજીને લખીને સાથે ૨૦ પાઉન્ડ બીડ્યા. ત્યાર બાદ ઠેઠ ૧૯૪૭ સુધી ચાલેલા પત્રવ્યવહારની આ રીતે શરૂઆત થઈ. ગાંધીજીનો મેડેલીન પરનો પહેલો પત્ર ટ્રેનમાંથી ૧૯૨૪ના આખરી દિવસે લખાયેલો હતો: પ્રિય મિત્ર, વહેલો જવાબ ન લખ્યો તે માટે માફી ચાહું છું. હું એકધારો મુસાફરી કરતો હતો. તમે મોકલાવેલ ૨૦ પાઉન્ડ માટે આભાર. એ પૈસા રેંટિયાના પ્રચારમાં વાપરીશ. અહીં આવવાના પહેલા આવેશને વશ થવાને બદલે તમે અહીંના જીવનમાં ગોઠવાવા થોડો વખત થોભી જવાનું નક્કી કર્યું તેથી હું ઘણો રાજી થયો છું. એક વરસની કસોટી પછી પણ તમારો આત્મા અહીં આવવા માટે દબાણ કરે તો તમે ભારત આવો એ ઠીક થશે.

તમારો સ્નેહાધીન

મો. ક. ગાંધી

થોડી વધુ તાલીમ લીધા પછી મેડેલીને પુછાવ્યું કે સાબરમતી આશ્રમમાં રહેવાની પરવાનગી મળે ખરી? સાથે પોતાના કાંતેલા ઊનના થોડા નમૂના પણ મોકલ્યા. જવાબમાં ગાંધીજીએ મેડેલીનના ઊનના સૂતરના નમૂનાને ‘ઉત્તમ’નું પ્રમાણપત્ર આપ્યું હતું. તેઓ જો ચોક્કસ સ્ટીમર જણાવશે તો તેમને મુંબઈ બંદર પર લેવા આવી કોઈ અમદાવાદની ગાડીમાં બેસાડી દેશે એમ પણ કહ્યું. પછી લખે છે: “એટલું જરૂર ધ્યાનમાં રાખજો કે આશ્રમનું જીવન બહુ સહેલું નથી. ખૂબ મહેનતુ જીવન છે. દરેક આશ્રમવાસીને શારીરિક શ્રમ કરવાનો હોય છે. આ દેશની આબોહવા વિશે પણ જરા વિચાર કરવા જેવું છે. આ બધું તમને ડરાવવા માટે નહીં પણ ચેતવવા માટે લખું છું.” અમદાવાદ સ્ટેશને મેડેલીનને લેવા મહાદેવભાઈ, વલ્લભભાઈ અને સ્વામી આનંદ આવ્યા હતા. છેવટે આશ્રમ પહોંચ્યાં. તેનું વર્ણન એમની જ કલમે: “ત્યાં સુધીમાં મારી બધી સૂધબૂધ ચાલી ગઈ હતી. જે સમીપ આવી રહ્યું હતું એના વિચારમાં જ મારું સમગ્ર મન કેન્દ્રિત થઈ ગયું હતું... પછી એક ફાટકમાં થઈને નાના આંગણામાં પહોંચ્યાં, પગથિયાં વટાવીને ઓશરીમાં પ્રવેશ્યાં. ઓરડીમાં હું દાખલ થઈ કે તરત જ જરા ઘઉંવર્ણા રંગની પાતળીદૂબળી આકૃતિ ઊઠીને મારી સામે આવી. મને એક પ્રકાશ સિવાય બીજા કશાનું ભાન નહોતું. હું ઘૂંટણિયે પડી. બે હાથોએ મને પ્રેમથી પકડીને ઊભી કરી. અવાજ સંભળાયો: તું મારી દીકરી થઈને રહીશ.” આશ્રમમાં આવતાંની સાથે જ ગાંધીજીએ મેડેલીન સ્લેડને ભારતીય નામ આપ્યું—મીરાં. એમને કાંતવા-પીંજવાનું શીખવવાની જવાબદારી નેપાળના શ્રી તુલસી મહેરને અને હિંદી શીખવવાની ઉત્તર પ્રદેશના સુરેન્દ્રજીને સોંપી. મીરાંબહેને શરૂઆતના દિવસોમાં જ બે ઇચ્છાઓ વ્યક્ત કરી: પોતાના વાળ કપાવી નાખવાની અને બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવાની. વાળ કપાવવા બાબત ગાંધીજીએ એમને આશ્રમની બહેનોની સલાહ લેવાનું સૂચન કર્યું. લગભગ બધી બહેનોએ એ વિચારનો વિરોધ કર્યો. પણ એ યોજના તેમણે અમલમાં મૂકી જ. બીજી ઇચ્છા બાબત પણ ગાંધીજીએ પૂરો વિચાર કર્યા પછી જ અમલ કરવાની સલાહ આપી. પરંતુ મીરાંબહેનની આકરી કસોટી થઈ અનાસકિત અંગે. ગાંધીજીએ બહુ થોડા વખતમાં એ જોઈ લીધું કે મીરાંબહેનને ગાંધીજીની નિકટ રહીને એમની વ્યકિતગત સેવા કરવામાં જેટલો રસ હતો, એટલો બીજા કશાયમાં નહોતો. ગાંધીજી એમને પોતાનાથી દૂર રહેતાં શીખવવા માગતા હતા. એક વાર મીરાંબહેનથી ન રહેવાયું ને ગાંધીજીને મળવા નંદી હિલ દોડી ગયાં. ગાંધીજીએ સખત ઠપકો આપ્યો અને એમને સાબરમતી મોકલી દીધાં. મીરાંબહેને કાંતણપીંજણની કળા એવી સારી હસ્તગત કરી લીધી કે થોડા વખતમાં તો તેઓ કાર્યકર્તાઓને એની તાલીમ આપતાં થઈ ગયાં. ગાંધીજીના કેટલાક પ્રવાસો દરમિયાન એમની વ્યકિતગત જરૂરિયાતોની કાળજી રાખવાનું કામ મીરાંબહેને કર્યું. એનું થોડું વર્ણન એમની કલમે: “બાપુની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવાનું કામ મને સોંપાયું હતું. બાપુની જરૂરિયાતો ઘણી સાદી હતી. પરંતુ જે સંજોગોમાં એ જાળવવાની હતી તે કામ ઘણું કપરું હતું. અમે સતત ફરતાં જ રહેતાં. રસ્તે ઠેકઠેકાણે સભાઓ હોય. બધે જ મોટી માનવમેદની જામતી. બાપુનાં દર્શન માટે ઉત્સુક, તરસ્યા અને આતુરતાથી વિહ્વળ બનેલા લોકો સ્ટેશન ઉપર ટોળે વળતા. ગામડાંમાંથી પસાર થઈએ ત્યારે લોકો મોટરનો રસ્તો રૂંધી રાખતા, અમારા ઉતારાની આજુબાજુ ટોળે વળી જતા. બાપુ (સભામાં) જાય ત્યારે હું અમારે ઉતારે વ્યવસ્થા જોવા દોડતી. એક ઓરડામાંથી બધું રાચરચીલું કાઢી નાખી જમીન ઉપર ગાદી પાથરી તેની ઉપર ખાદીની ચાદર પાથરી ઓરડો બાપુ માટે તૈયાર રાખવો, તેમ જ તાજાં ફળ અને કાચાં શાક તથા બકરીના દૂધની વ્યવસ્થા કરવી. દૂધ તાજું અને ચોખ્ખું મળે તે ખાતર શક્ય હોય ત્યાં બકરીને હું જાતે જ દોહવાનું પસંદ કરતી. ત્યાં દૂર દૂરથી ‘મહાત્મા ગાંધી કી જય’નો નાદ સંભળાતો અને ચેતવણી મળતી કે સભા પૂરી થઈ છે અને થોડી વારમાં બાપુ આવી પહોંચશે. બાપુ આવી પહોંચે છે—ધૂળથી ભરેલા, થાકેલા, તપેલા છતાં શાંત અને હસતા. મહામુસીબતે લોકોનાં ટોળાંને દરવાજા આગળ રોક્યાં છે. તેઓ નહાવા જાય છે. તે દરમિયાન તેઓના ભોજનની તૈયારી કરું છું. તેઓ જમે એટલામાં હું નાહીને અમારાં બંનેનાં કપડાં ધોઈ નાખું છું. “કોઈ વાર હું સભામાં હાજરી આપી શકતી. ભાષણ પૂરું થયા પછી ફાળો ભેગો કરવામાં મદદ કરવાનું કામ મને મળતું. જમીન ઉપર ખીચોખીચ બેઠેલા સભાજનોની વચ્ચે અમે થેલીઓ લઈને ફરતાં. ફાળો આપવાને લાંબા થયેલા આતુર હાથ અમને ચારે બાજુથી બોલાવતા. કપડાને છેડે ગાંઠ વાળીને કમરે ખોસેલા તાંબાજસતના સિક્કા ખેડૂતો જે રીતે આપતા તે જોઈને દિલ ભરાઈ આવતું હતું. સૂરજના તાપે તપેલા અને મજૂરી કરીને ઘસાઈ ગયેલા હાથ વડે જલદી જલદી કપડાની ગાંઠ છોડતા અને જરાયે અચકાયા વગર કે ગણ્યા પણ વગર પોતાનો બધો ખજાનો અમારી થેલીઓમાં ઠાલવી દેતા હતા. (એક વાર) ગામડાની એક સ્ત્રીએ મારો હાથ પકડ્યો. તેની પાસે આપવા માટે તો ફક્ત રૂપાના એક ભારે કડા સિવાય બીજું કાંઈ નહોતું. એ કડું એટલું જાડું હતું કે તેને ખોલીને પગમાંથી એ કાઢી શકતી નહોતી. તેણે મને કહ્યું કે આ જરા ખેંચાવો. અમે બંને જમીન ઉપર બેસીને કડું ખેંચવા લાગ્યાં. આખરે તે કડું અમે કાઢી શક્યાં. તે સ્ત્રીની ખુશીનો પાર ન રહ્યો. બાપુને આપવા માટે તે કડું એણે મારા હાથમાં મૂક્યું. આટલો ઊભરાતો પ્રેમ સાદી કૃતજ્ઞતાથી બાપુ સ્વીકારતા હતા. પરંતુ એક એક પૈસો તેઓ એક પવિત્ર અમાનત સાચવે તેમ સાચવતા હતા. પાઈએ પાઈનો સંભાળપૂર્વક ચોક્કસ હિસાબ રાખવાનો તેઓ આગ્રહ રાખતા.” ગાંધીજીની ચીંધેલી પ્રવૃત્તિઓ એમની હયાતી દરમિયાન મીરાંબહેને બે દાયકાઓ સુધી કરી. ગાંધીજીના ગયા પછી પણ થોડાં વર્ષો ભારતમાં રહીને તેમણે ગોસેવાની પ્રવૃત્તિ કરી. પણ પછી એમનું મન ઊઠી ગયું અને પોતાની મૂળ રુચિને અનુસરીને બેથોવનના દેશ ઓસ્ટ્રિયામાં જઈને રહ્યાં. ત્યાં એક જંગલ વચ્ચે નાનીસરખી કુટી વસાવી બેથોવનનું જીવનચરિત્ર લખવાના કામમાં પરોવાયાં.


[‘મારું જીવન એ જ મારી વાણી’ પુસ્તક: ૨૦૦૩]