સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/સ્હેલાણી સ્વર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

જિન્દગીભર જીવતું આલાં જિગર આપો મને,
મુફલિસીમાં મ્હેકતું મગરૂર સર આપો મને;
નૂર આંજેલી નશાઘેરી નજર આપો મને,
પાય કેડી પાડતા, સાબૂત કર આપો મને,
— ને સદા ગાતો જતો સ્હેલાણી સ્વર આપો મને.
ક્યાંય પણ રોનક નથી એ, ને નથી એ રોશની,
ડાહીડમરી ચોતરફ ચાલે હવા કાં હોશની?
આપની મહેફિલ! અને ત્યાં બોલબાલા દામની?
થાય છે : છોળો ઉછાળી દઉં છલકતા જામની,
કોઈ દીવાનાનો દામન તરબતર આપો મને.
તેજનો વાઘો સજી ફરતા તિમિરનો દોર છે,
રેશમી જાળે વણેલું શું મુલાયમ જોર છે!
જૂઠની જાદુગરી છે, પ્રેતનો કલશોર છે,
કેટલો કોમળ ગુલાબી કેર ચારેકોર છે!
ના ખપે ફાગણ ફરેબી, પાનખર આપો મને.
જોઉં છું વણઝાર વેગીલા કદમની ડૂકતી,
જેમને ઝંઝા ગણ્યા એની સવારી ઝૂકતી,
ક્યાં ગઈ હસ્તી ભર્યું ઘરબાર હાથે ફૂંકતી?
પાંખની પાછી ધજાઓ થાય આભ ફરુકતી,
આંખમાં એકાદ પળ જો માનસર આપો મને.
મેઘલી રાતો કદી હો, દૂધલી રાતો કદી,
ઓળઘોળી જાતને આઠે પ્રહર ગાતી જતી,
સિંધુને ખોળે સમાવા હર મુકામે સાબદી
જિન્દગી કેરી વહો ભરપૂર બે કાંઠે નદી —
આપજો બસ એટલું, કાંઈ અગર આપો મને.