સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુંદ ટાકસાળે/પુસ્તકોની હૂંફ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મારી દીકરી ગમે ત્યાં પ્રવાસે જવા નીકળે, કે પછી ગામમાં ને ગામમાં જ તેની માસીની છોકરીને ત્યાં જતી હોય, તે ઘરમાંથી નીકળતાં નીકળતાં લાગલું જ એક પુસ્તક સાથે લઈ લે છે. એની આ આદત જોઈને મારી છાતી ઊભરાય છે. યેસ્સ... આ મારી જ આદત! આમ તો મુસાફરીમાં પુસ્તક વાંચવું મુશ્કેલ બાબત છે. એનાથી વાંચનારની આંખને અન્યાય થાય છે, અને તે જ પ્રમાણે બારીમાંથી દેખાતા નોખા-નિરાળા પ્રદેશને પણ અન્યાય થાય છે. મારી છોકરી માસીને ત્યાં જાય એટલે ત્યાં એની મશિયાઈ બહેન સાથે ગપસપ ને ટોળટપ્પાં કરવાની એ તો જાણે નક્કી હોય છે. એ ત્યાં પુસ્તક વાંચવાની નથી એ પણ નક્કી હોય છે. આ પણ મારા જેવું જ. હું પણ પુસ્તક સાથે લઉં એનો અર્થ એ વાંચું એવો નથી હોતો. એ સાથે લેતી વખતે, મારાથી એ વંચાવાનું નથી એનો મને પૂરો અંદાજ હોય છે. તોય હું પુસ્તક સાથે લઉં છું. કેમ? પુસ્તક સાથે છે, એ લાગણી જ મનને દિલાસો આપનારી હોય છે. પુસ્તક વંચાય કે ન વંચાય, પણ વખત આવ્યે એ આપણી પાસે છે એ વાત મહત્ત્વની હોય છે. પૈસાના પાકીટ જેવી આ વાત છે. આપણે બહાર જઈએ ને પાકીટ ભૂલી ગયા છીએ એવું યાદ આવે એટલે એકદમ બગવાઈ જવાય છે. દુકાનમાંની કેટલીય ચીજો ઇશારા કરતી હોય છે. એકાએક ખરીદી કરવાની સખત ઇચ્છા થાય છે. પણ શું કરીએ? પાકીટ જ હોતું નથી! હોટેલ દેખીને ભૂખ લાગી હોય એવું લાગવા માંડે છે. અંદર જઈને મસાલા ઢોંસા ઝાપટવાનું મન થાય છે. પણ અરેરે! ખિસ્સામાં પાકીટ નથી હોતું! ખિસ્સામાં પાકીટ ન હોવાની લાગણી જ મનને અસલામત બનાવે છે. પણ પાકીટ હોય એટલે આવું કશું થતું નથી. એ ‘ખિસ્સામાં છે’ એ ખ્યાલથી જ માણસને ટેકો ને હૂંફ રહે છે. આખા દિવસમાં પાકીટ ખોલવાનો વખત પણ આવતો નથી. પણ ‘પાકીટ છે’ એ લાગણી જ મનને સલામતી આપી રહે છે. પુસ્તકની બાબતમાં પણ આવું જ થતું હોવું જોઈએ. એ આપણી સાથે છે એવી હકીકતથી જ આપણે એક સુશિક્ષિત, સંસ્કારી દુનિયાના નાગરિક છીએ, એવી હૂંફાળી લાગણી મનમાં જાણતાં-અજાણતાં ઊભી થતી હોવી જોઈએ. ગમે તેવી કંટાળાજનક કે અકળાવનારી પરિસ્થિતિ ઊભી થાય તોપણ પુસ્તકોનો સંગાથ છે જ, આવો દિલાસો પુસ્તક સાથે હોય એટલે હંમેશાં થતો રહે છે. બ્રિટિશ લાઇબ્રેરી મારી ખૂબ મનગમતી લાઇબ્રેરી છે. ત્યાં જાઉં એટલે વિવિધ વિષયો પરનાં પુસ્તકો જોઈને આંખ ફાંગી થઈ જાય છે. કેટલાંક વર્ષો પહેલાં ‘હજુ આપણે કેટલાં બધાં પુસ્તકો વાંચવાનાં છે’ એ વિચારમાત્રથી છાતી બેસી જતી! હવે એમ થાય છે કે આખો જન્મારો આપણે માત્ર પુસ્તકો જ વાંચ્યા કરીએ (એમ કરવું શક્ય પણ હોતું નથી) તોય આમાંથી કેટલાં બધાં પુસ્તકો વાંચવાનાં રહી જ જાય, અને એનો કોઈ ઉપાય નથી. તોય બ્રિટિશ લાઇબ્રેરીનાં કેટલાય વિષયો પરનાં પુસ્તકો ઇશારો કરીને બોલાવતાં રહે છે અને હું એમને ઉમંગથી ઘરે લઈ આવું છું. ક્યારેક એમ થાય છે, ‘એક વાર તો આખો શેક્સપિયર વાંચી નાખીએ.’ એના માટે થોડીક વાચનશિસ્ત કેળવીએ એટલે બસ! એ ઉપાડે એકાદ નાટક ઝડપભેર વંચાઈયે જાય છે. પણ પછી ઉત્સાહ ઓસરી જાય છે. ‘એનોટેટેડ ડિકન્સ’ નામે પાંચ પાંચ નવલકથાઓના બે મસમોટા ખંડ છે. એ હું કેટલી વાર ઘરે લઈને આવ્યો હોઈશ, એની કોઈ ગણતરી જ નથી. એ ઘરે લાવું; કામ કે બીજાં રોકાણોને લીધે, કે પછી આંખ સામે ટેલિવિઝનનું અખંડ અગ્નિહોત્ર ચાલતું હોવાને કારણે એ પુસ્તકો વંચાય તો નહીં જ. પછી એ વાંચ્યા વિના જ થોડાં પાનાં ફેરવીને પાછાં આપી દેવાનાં. આવું કેટલી વાર બન્યું છે એ કહેવું મુશ્કેલ છે. છતાં હું ખંતપૂર્વક એ પુસ્તકો લાવું છું, ખંતથી રિન્યુ કરાવું છું. આવું ત્રણ વખત થાય એટલે એ પુસ્તકો પાછાં આપવાનો સમય થઈ જાય છે. તોય એમ થતું રહે છે કે આપણાથી આ પુસ્તકો વંચાઈ જ જશે. લાઇબ્રેરીમાં પુસ્તકો મોડાં પાછાં આપતાં દંડેય ઘણો ભરવો પડે છે. પણ તેના બદલામાં પુસ્તકો થોડા વધુ સમય માટે સાથે રાખવાનો સંતોષ મેળવી શકાય છે. પુસ્તકો પાછાં આપતી વખતે, એમનો જે સહવાસ થયો તેનાથી જ ‘આપણે તે વાંચ્યાં’ એવું લાગતું રહે છે. પુસ્તકો માત્ર સાથે રાખવાથી જો આવો ‘સાત્ત્વિક’ સંતોષ મળતો હોય, તો એ ખરેખર વાંચીએ ત્યારે કેટલો બધો સંતોષ મળતો હશે! (અનુ. સંજય શ્રી. ભાવે)
[‘શબ્દસૃષ્ટિ’ માસિક: ૨૦૦૫]