સમરાંગણ/૩૩ ચલો, કિસ્મત!
બેટ શંખોદ્વારથી કચ્છ માંડવી જવાનો જળમાર્ગ એક દિવસ છીછરો થઈ ગયો હતો. કચ્છના અખાતમાંથી પાણી પાછાં વળીને મોટા દરિયામાં ઠલવાતાં હતાં. અખાત ધીમેધીમે ઉલેચાતો હતો. ત્યારે બેટને કાંઠે બે વહાણ ભરાતાં હતાં. ઓખામંડળનો ધણી સંગ્રામ વાઘેર ખલાસીઓને ઉતાવળ કરતો હતો : “છોડો, મારા ડીકરા, છોડો, ઝટ આગલા વહાણને છોડો.” “આરનાં પાણીમાં હાલશે?” વાઘેર ખલાસીએ પોતાના સરદાર સંગ્રામને પૂછ્યું. આરનાં પાણી એટલે ઓટનાં પાણી. “આસ્તે આસ્તે ધકાવો. એમ કરતાં કરતાં ઊંડાં જળમાં પોગી જાશે. હમણાં સઢ છોડશો મા.” સરદારે સૂચના આપી. “પણ, બાપુ, વહાણમાં મહેમાન બેસતા નથી.” સંગ્રામના પુત્રે કહ્યું. એ મહેમાન ગુપ્તવેશધારી કમભાગી મુઝફ્ફરશાહ સિવાય બીજું કોણ હોય? નગરથી એ આંહીં ઓખામાં પહોંચ્યો હતો. ત્યાં ભૂચર મોરીનો મામલો ખતમ થયો હતો. પાદશાહી ફોજ એનું પગેરું લઈ ઓખા પર આવી હતી. મુઝફ્ફરશાહ જિદ્દે ચડયો હતો : “સંગ્રામ વાઘેર, હું તમારા બાળબચ્ચાંની યે આગળ થઈ કેમ ચડી બેસું? હું મરદ છું. આપણે મરદો સૌ સાથે જ રહીએ. બાળબચ્ચાં, મારાં તેમ જ તમારાં, એકસાથે જ ભલે ઊપડે.” સંગ્રામ વાઘેરે દુભાતે સ્વરે કહ્યું : “ભાઈ, મારી ઇજ્જત સામું જુઓ, ને જિકર કરો મા. હવે વખત નથી. પાછળ ફોજનાં પગલાં બોલી રિયાં છે. મારો અવતાર રાજા સતા જામની જેમ બગડી જાતાં વાર નહિ લાગે. મારે આંગણે જગતનો દેવ છે. એ મારી નબળાઈને નહિ સાંખે. માટે હેમખેમ તમને કચ્છ માંડવી ભેળા કરી દેવા દ્યો. ને અમેય આખું ગામ ઉજ્જડ કરીને તમારી વાંસોવાંસ હાલીએ છીએ ને!" મુઝફ્ફર – પોતે પોતાના જ પ્રેત જેવો, આગલી કાયાની છાયા સરીખો મુઝફ્ફર – મનમાં ને મનમાં બોલ્યો: ‘ઓહો, ઇજ્જત સૌને વહાલી, ઇજ્જત રોળાઈ ગઈ એક ફક્ત મારી જ ને! ચલો કિસ્મત! બાકી જેટલું હોય તારા તક્તા પર, તે પણ જોઈ લઉં.' મુઝફ્ફરને અને એની ચીંથરેહાલ ઓરતને લઈને ખડકો વચ્ચેથી મારગ કાઢતું કાઢતું વહાણ ધીરેધીરે ચાલ્યું. ઓટનાં પાણી કિનારાને નગ્ન કરતાં હતાં. નોરા, ચાનક ને બૈડા જેવા કેટલાય બેટડાની ધારદાર દાંતીમાં 'હે અલ્લા!' પુકારતા વાઘેરો વહાણને ઘસડી જતા હતા. સંગ્રામ વાઘેર હર ઘડી ને હર પળ, કિનારે ઊભો ઊભો જાણે કે મનના ડેલા દેતો વહાણના દાંતી બહાર નીકળવાની વાટ જોતો હતો. બેટના નાથને પ્રાર્થના ગુજારતો હતોઃ “હે રણછોડ! સતાજીની ને લોમાની જેમ મને પણ ખોટ ખાવા દેશો નહિ, દેવ!” વહાણ ખડકોમાંથી પાર થયું, ભરપૂર જળના હૈયા માથે ઊંચું ચડ્યું, એના સઢ છૂટા મેલાયા, એ વેગે ચડ્યું, એ વખતે પછી સંગ્રામ વાઘેરે પોતાના કુટુંબકબીલાનાં પચાસ નાનાંમોટાં જણથી ભરેલા બીજા વહાણને તૈયાર રાખવાનો હુકમ કર્યો ને પોતે કહે કે હું બેટમાં છેલ્લો આંટો દઈ આવું; કોઈ બાકી તો નથી રહી જતું ને? એ આંટો દેવામાં સંગ્રામની ગણતરી એવી હતી કે ભૂચર મોરીમાં નવાનગરની ફોજને રોળી નાખી જૂનાગઢ ગયેલી અને પછી મુઝફ્ફરની શોધમાં જૂનાગઢથી ઊપડેલી પાદશાહી ફોજને હજી આંહીં પહોંચતાં સાંજ પડશે, ત્યાં તો એકાદ બેટડામાં ચાહે ત્યાં આશરો લઈ લેશું. એમ વિચારી પોતે કાંઠેથી પીઠ ફેરવે છે, ત્યાં એણે ફોજને સામી, છેક છાતી. પર આવી ઊભેલી દેખી. એણે ફોજને નીરખવી પડતી મૂકી. કચ્છના અખાતની છાતી પર ઝીણી નજર નોંધી. આનંદમાં બોલી ઊઠ્યો: “ઓ જાય ઝપાટાભેર! ઓ. ઊડે મારું દરિયાઈ દેવગરુડ!” મુઝફ્ફરવાળા વહાણના ફૂલેલા સઢો દેખીને પોતે પ્રફુલ્લિત બની ગયો. “હવે તો ભલેને આખી દલ્લી આવે!” ફોજને ધસી આવતી દેખી કે તરત ચાલીસ જેટલા મરદો પોતપોતાની તલવાર ઉપાડીને ભરેલા મછવામાંથી નીચે કૂદ્યા ને એમણે સંગ્રામ વાઘેરને વીંટી લીધો, એનાં બાળબચ્ચાંથી ભરેલું વહાણ તસુય ચાલી શકે તેમ નહોતું, કેમકે બેટ શંખોદ્ધારનાં પાડોશી બેટડાંનાં જૂથ ફરતા ભેંસલા સમા ખડકો બહાર નીકળીનીકળીને મૂંગો પૈગામ દેતા હતા કે અખાત હવે પૂરેપૂરો ઓટમાં આવી ગયો છે. “ક્યાં છે પાદશાહનો ચોર મુઝફ્ફરો?” ફોજના આગેવાને ભરી બંદૂકોવાળા પાંચસો જેટલા સવારોથી. વાઘેરોને ઘેરી લઈ સવાલ કર્યો. "ઈશ્વરને ખોળે.” શાંત અદાથી જરીજરી મોં મલકાવતા સંગ્રામે જવાબ દીધો. “તારા બેટને બાળી ખાક કરીશ.” "તોય ચોર નહિ જડે. સમદરને સળગાવો તો જુદી વાત.” “ફૂંકી દો!” આગેવાનની આજ્ઞા થતાં જ મુગલ ફોજની બંદૂકો ચાલી. તેની સામે તલવાર ને તીર ચલાવતા ચાલીસ વાઘેરો ઝંપલાવી પડ્યા.