સરોવરના સગડ/દિલીપ રાણપુરા : મોંમેળાના માણસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Center

દિલીપ રાણપુરા: મોંમેળાના માણસ

(જ. તા. ૧૪-૧૧-૧૯૩૨, અવસાન તા. ૧૬-૭-૨૦૦૩)

ત્યારે, દિલીપ રાણપુરા બજાણા રહેતા. સવિતાકાકીએ મોટું ગામતરું કર્યાને બહુ લાંબો સમય થયો નહોતો. પોતે એકલારામ! એટલે સુરેન્દ્રનગર, અમદાવાદ-ગાંધીનગર, ધજાળા, થાન, ચોટીલા, ભાવનગર... ક્યારે કઈ બાજુ નીકળી પડે એનું નક્કી નહીં. દિલીપકાકા ઘેર હશે કે નહીં એની પાકી ખાતરી નહોતી, પણ હું યે એમની જેમ જ નીકળી પડ્યો હતો ખભે થેલો નાંખીને! બસમાંથી ઊતરીને કોઈને પૂછ્યું: ‘દિલીપ રાણપુરા ક્યાં રહે છે?’ વડીલે એક છોકરાને મારી સાથે મોકલ્યો. મારા હૈયામાં ને પગમાં ગજબનો થરકાટ હતો. લાંબી બજારે ચાલતાં ચાલતાં આગળ ઉપર આવ્યું એમનું ઘર. ઊભા સળિયાની ભૂરા રંગની જાળીવાળી નાની એવી ઓશરી, એક ઓરડો, ઓરડામાં વચ્ચોવચ ખાટ. એની બાજુમાં રસોડું. રૂમના પડખામાં આવેલા દાદરેથી ઉપર જવાય. ત્યાં પણ એક રૂમ. રસોડા ઉપરની જગ્યામાં કઠેડાવાળી બે મોટી બારીઓ. ત્યાં ઊભાં રહીને જમણી બાજુ લાંબી નજર કરીએ તો સીધું જ કચ્છનું રણ દેખાય! મારાં નસીબ સારાં તે દિલીપકાકા હાજર હતા. મને જોઈને, ‘અત્યારે કેમ?’ એવો પ્રશ્ન ન કર્યો. એટલા બધા ખુશ થયા કે ન પૂછો વાત. બ્લ્યૂ ચોકડાવાળી લૂંગી અને સફેદ સદરામાં, જાણે હમણાં જ નમાજ પઢીને ટોપી ઉતારીને બેઠા હોય એવા પાક લાગતા હતા. મૂળ વાન તો ફૂલગુલાબી, પણ દેમાર ટાઢ-તડકા અને વરસાદે કાયમ ઓવારણાં લીધેલાં એટલે એનો પ્રભાવ ચામડી ઉપર જોવા મળે. એમનાં સફેદ ઝુલ્ફાંમાં હાથ ફેરવવાનું મન થયું. પણ મેં આમન્યા રાખી. બજાણા જવા અંગે એમની સાથે ઘણી વાર વાતો થતી, પણ મેળ પડતો નહોતો. મેં કહ્યું, 'કાકા, આ વખતે તો રહેવાયું જ નહીં, તે આ સાહસ કરી નાંખ્યું! જો તમે ન મળ્યા હોત તો હું તરત જ વળતી બસ પકડી લેત!’ દિલીપકાકાને મળવાનું તો વારંવાર થાય, એની કોઈ નવાઈ પણ નહોતી. હું છઠ્ઠા-સાતમામાં ભણતો ત્યારે સવિતાકાકીને લઈને લીમલી આવેલા. પેન્ટ-શર્ટ પહેરતા ત્યારે પણ જોયેલા અને છેલ્લે વર્ષો સુધી ઝભ્ભા-લેંઘામાં પણ જોયેલા. મોટે ભાગે તો ચામડાનાં ચંપલ જ પહેરે. ખભે થેલો એ એમની ઓળખ. પણ, મારે તો બજાણાનું ઘર, વાર્તાકારશિક્ષિકા સવિતાકાકીવાળું ઘર જોવું હતું. હું થોડો ગમગીન છું એ જાણી ગયેલા દિલીપકાકા મને મૂડમાં લાવવા પ્રયત્ન કરતા હતાઃ ‘બોલ શું જમીશ?’ ‘સાદું. તમે રોજ જે જમતા હો એ...' 'લે! એમ કંઈ થોડું હાલે? કંઈ ખાસ ઈચ્છા હોય તો કહે! મને બધું જ આવડે છે! બોલ! શીરો, પૂરી, ભજિયાં, દાળ-ભાત, શાક! તું કે' ઈ!' દિલીપકાકા બોલતી વખતે નાસિકાનો ઉપયોગ વધારે કરતા. 'કાકા! હું અહીં જમવા નહીં, તમને મળવા આવ્યો છું!’ એટલું બોલતાંમાં તો મારી આંખો છલકાઈ ઊઠી. આગળ કશું બોલી શક્યો નહીં. દિલીપકાકાએ નાના છોકરાને કરે એવું વહાલ કર્યું. એમની હથેળીઓ એકદમ પોચી પોચી ને ગુલાબી. એકદમ મારા હાથ પકડી લીધા. મને કહે, ‘બોલ તો ખરો! તને શું ભાવે? તારા કાકા, અમુભાઈને તો ભજિયાં બહુ ભાવે, અમે તારી બા, શશીબહેનના હાથનાં ભજિયાં બહુ ખાધાં...' ‘અરે કાકા! કંઈ જ ઈચ્છા નથી, તમને જે ફાવે એ… હું પણ મદદ કરીશ...' ‘તું મારી હાર્યે વાતો કર એ મદદ...' બેએક કલાકમાં તો અમે સરસ રીતે જમ્યા અને બધું આટોપાઈ ગયું. કાકોભત્રીજો નીચેના રૂમમાં હીંચકે બેઠા. વચ્ચે બેચાર વખત પેશાબપાણી, એક વખત કોફી અને ધીમે બળતી સિગારેટોની સટ વચ્ચે અમારી વાતો ચાલતી રહી. મેં પૂછ્યું, 'કાકા, તમે ભગવાનમાં માનો?' ‘અમે લોકો આમ તો થાનકવાસી, બચપણમાં એકબે વાર કુવા-તળાવ, ટ્રેન અને સાપથી બચી ગયેલો તે એક વાર દીક્ષા લેવાનું મન થઈ ગયેલું. પણ જવા દે ને એ બધું! તેં 'હળાહળ અમી' વાંચી છે ને?’ મેં 'હા' કહી એટલે કહે, 'હું તો માણસમાં જ માનું છું. પછી કંઈક વિચાર કરતા હોય એમ આંખો ગોળગોળ ઘુમાવીને કહે, ‘હાલ્ય તને હું એક વાર્તા કહું… ઈભાની ઈભો મારો ભાઈબંધ. મહાખેલાડી. બહાદુરે ય ઘણો. ધંધા બધા ઊંધા. પણ મનનો એકદમ પાક..' આખી વાત બહુ જ ચિત્રાત્મક અને સંવેદનસભર. કાકાની શૈલી પણ એવી સરસ કે આપણને બધું દેખાય. મોંઢામાં મૂકેલા પાનની જેમ વાત જામી. ધીરે ધીરે મલાવી મલાવીને વિગતવાર કહેતા જાય. અમારા શ્વાસોચ્છવાસ પણ સ્ટીરિયોફોનિક અવાજમાં સંભળાય એવી શાંતિ વચ્ચે, એમણે દોસ્તાર ઈભાને કબરમાં પોઢાડ્યો અને અમારી આંખોનાં ઝળઝળિયાંની સાક્ષીએ ઘડિયાળે ચાર ટકોરા દીધા. સવા ચાર સુધી કોઈ કશું બોલ્યું-ચાલ્યું નહીં. મૌનના ફાતિહા પઢી લીધા પછી, મેં કહ્યું, 'કાકા! આ ઇભાને મુક્ત કરવાનો એક જ માર્ગ છે… નવલકથા લખો...’ ‘એ જ મૂંઝવણ છે ને! ક્યાંથી શરૂ કરવું ને ક્યાં પૂરું કરવું… આ ઇભો મને બહુ વેડે છે…કેડો મેલતો નથી. એટલે તો આટલાં વરસથી ધરબીને...’ વાત કરતાં કરતાં જ મારું મન, ઘટનાઓનો ક્રમ ગોઠવવા લાગ્યું. આરંભ, મધ્ય, અંત… અને નવલકથાનું શીર્ષક પણ આપી દીધું: ‘નતમસ્તક'. આ એ રાત હતી, જેમાં અમે બંને સ્વેચ્છાએ આખી રાત જાગ્યા હતા. પછી, વર્ષો પછી બીજી પણ એક રાત આવી, જેમાં અમે બેમાંથી એકેય ઈચ્છા હોવા છતાં ય ઊંઘી શક્યા નહોતા! પણ એની વાત તો છેલ્લે..….. અત્યંત લોકપ્રિય નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, ગ્રામીણ જીવનના સર્વથા મુક્ત-અલગારી-નીડર પત્રકાર એવા બિરાદર દિલીપ રાણપુરાને વિવિધ ઉંમર અને સ્વભાવ-ધર્મના દોસ્તોનો તોટો નહોતો. સારા અર્થમાં કહીએ તો ડુંગરે ડુંગરે એમના ડાયરા હતા. ભાગ્યે જ આપણો કોઈ લેખક એમના જેવું અને જેટલું રખડ્યો-ફર્યો હશે. પોતાની સાથે તો શું, પણ અન્ય કોઈનેય થયેલો અન્યાય સ્વીકારે એ દિલીપભાઈ નહીં! ચમરબંધીને ય પડકારતાં અચકાય તો એ દિલીપભાઈ નહીં! સરકારને તો ‘સામાજિક ન્યાય અને અધિકારિતા' એવા શબ્દો બહુ પછીથી મળ્યા, પણ એ પહેલાં જ રાણપુરાએ સામાજિકન્યાયની શાહી ઘૂંટીને પોતાની કલમમાં પૂરી દીધેલી. મનુભાઈ પંચોળી ‘દર્શક’, ઝીણાભાઈ દરજી, સનતભાઈ મહેતા, અરવિંદભાઈ આચાર્ય, નટુભાઈ મહેતા, હસુભાઈ વોરા અને રાવલ, મકવાણા બંધુઓ કરમશીભાઈ-સવશીભાઈ, રજનીકુમાર પંડ્યા, મોહમ્મદ માંકડ, યશવંત મહેતા, ઈન્દુકુમાર જાની, સુમંત રાવલ કોણ નહોતું એમનું સ્વજન? સમાજના કોઈ વર્ગનો એમને છોછ કે બાધ નહોતો. કોંગ્રેસના સારા સમયમાં ધારાસભાનું સભ્યપદ કે તેનાથી આગળ વધીને પ્રધાનપદ તો હાથ લંબાવવા જેટલું જ નજીક હતું એમને માટે, એમણે તો ખાલી 'હા' જ ભણવાની હતી! એ જમાનો પણ, પ્રમાણમાં સારો અને રાજકીય પક્ષોને સારા-સાચા કાર્યકરોની જરૂર અને કદર બંને હતાં. પણ, રાણપુરા એટલે રાણપુરા. એમ કોઈના હાથે ચડે અથવા પગે પડે એવા અધૂરા નહોતા. એ જેટલા અક્કડ હતા એટલા જ ફક્કડ હતા. લેખનમાં પણ એમણે વ્યાપકશિક્ષણને જ પોતાનો ધર્મ ગણેલો. તમામ અર્થમાં, શૈક્ષણિક વાતાવરણની વાર્તાઓ, ચરિત્રો અને લેખો એમની પાસેથી મળ્યાં એટલાં બીજા કોઈ ગુજરાતી લેખક પાસેથી નથી મળ્યાં. વાર્તાકાર-નવલકથાકાર વિષ્ણુકુમાર મહેતાએ એમને વિશે આમ કહ્યું છે: ‘દિ.રા. યુનિવર્સિટીની સંમાર્જિત 'લેખકપેદાશ' કે પ્રોફેસરિયા વિવેચકોની ‘પીઠથાબડ' પરોપજીવી હરોળનો ‘સર્જક-ઘાણ’ નથી, એ તો છે સ્વ. પન્નાલાલ પટેલ જેવા અનેક આપઝઝૂમી એકલવીર જવાંમર્દોની જમાતનો સાહિત્યવીર. દિ.રા.નો ઉછેર, ગુજારો અને વ્યવહાર ઝાલાવાડી ધરતી પર થયો છે, પોતાના સાહિત્યમાં તેમણે તેને સજીવ કરી છે. આ ધરતીના લોકોએ તેમને અમી અને વિષના મિશ્રિત ઘૂંટડા પાયા છે. જેમાંથી અમી એમણે વહેંચાય એટલું વહેંચીને સંધાયની સાથે બેસીને ‘ડાયરા' જમાવીને ખોબે ખોબે પીધું છે. જ્યારે વિષના ઘૂંટડા એકલા ગટગટાવ્યા છે, એમણે વિષ પીધું જ નથી, પચાવ્યું પણ છે. એવા ઘણા પ્રસંગોનો હું સાક્ષી છું અને એટલે જ હું તેમને ‘ઝાલાવાડી ગોર્કી' કહું છું.' વાતે ય સાચી. રાણપુરાનો જીવનસંઘર્ષ ક્યારેય ખૂટ્યો નહીં. દસ જ વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા. બોટાદની સ્થાનકવાસી જૈન બોર્ડિંગમાં રહીને ભણ્યા. એ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પણ સક્રિય થયા. પછીથી, એમને રાષ્ટ્રીય, સ્વયંસેવક અને સંઘ એમ ત્રણેય શબ્દોનો સ્વતંત્ર અર્થ સમજાયો એટલે એમાંથી મુક્ત થયા. ઉપાશ્રય અને શાળા બંનેનો ત્યાગ કર્યો. કમ્યૂનિસ્ટ થયા. અમદાવાદમાં શારદા મુદ્રણાલય, ‘નવપ્રભાત', 'સંદેશ' વગેરેમાં કમ્પોઝીટર તરીકે કામ કર્યું. કાપડની ફેરી, દેશી ગોળની હેરાફેરી વગેરે… પછી મુંબઈમાં ‘જન્મભૂમિ'માં ફરી એક વાર કમ્પોઝીટર, પેપરબોક્સ મેન્યુફેક્ચરિંગમાં ઓર્ડરમેન વગેરે… પણ એ ન ફાવ્યું એટલે પાછા આવ્યા. વ.ફા. એટલે કે વર્નાક્યૂલર ફાઈનલ પાસ કર્યું. પોલીસ કોન્સ્ટેબલની તાલીમ લેવા ગયા, પણ સ્વભાવથી જ અનુકૂળ ન આવ્યું તે એક જ રાતમાં પાછા આવ્યા. કોંગ્રેસ સેવાદળમાં જોડાયા, શિક્ષક થયા અને રાજીનામું પણ આપ્યું. એ પછી, માઈલસ્ટોન રંગ્યા, કંદોઈકામ કર્યું, કાલાં-કપાસના તોલાટ થયા, નેશનલ હાઈવે પર માપણી કરી, શાળામાં હરિજન બાળકોને પ્રવેશ કરાવવા માટે અનેક સ્તરે લડ્યા. ખૂનની ધમકી અને ખોટા પોલીસકેસોને ગાંઠ્યા નહીં! શું નથી કર્યું રાણપુરાએ? પણ છેવટે પી.ટી.સી. થઈને શિક્ષણમાં જ ઠર્યા. બીજી રીતે કહીએ તો ઠર્યા એમ. નહીં, કાયમ ઉકળતા રહ્યા! શાળામાં વિદ્યાર્થીઓના, તો લેખનમાં લોકોના શિક્ષક થઈને રહ્યા. દેખીતી રીતે જ આ ફકરાથી એક હજારગણું ભરચક અને સંકુલ હતું એમનું જીવન! એક વાર દિલીપકાકા ગાંધીનગરના મારા ઘરે આવ્યા, ખાસ હેતુથી. મને કહે કે, 'એક વાત લઈને આવ્યો છું. તારે ના નથી કહેવાની!’ કોઈ ઔપચારિકતાનો તો પ્રશ્ન જ ન હોય એટલે મેં કહ્યું, ‘બોલો કાકા!’ ‘તારે નોકરી છોડીને ચૂંટણી લડવાની છે!' ‘શેની ચૂંટણી?” 'ધારાસભાની!' ‘હેંએ. કેમ?’ ‘હા. કરમશીભાઈ લોકસભામાં જાય એવું નક્કી થયું છે....' ‘પણ એમાં હું ક્યાંથી આવ્યો?’ ‘જો એ લોકોએ બધું કરમશીભાઈ ઉપર છોડ્યું છે. એ જે કહે તે જ થશે. એકદમ નવો ચહેરો જોઈએ છે…’ વગેરે વગેરે, કરમશીકાકા પણ સંમત છે એમ કહીને બધું વિગતે સમજાવ્યું. મને ખૂબ જ આશ્ચર્ય અને સંકોચની લાગણી થઈ આવી. સામે દિલીપકાકા હતા, એટલે મજાક કે અમસ્થું તોફાન હોય, એવો વિચાર આવવાનું પણ શક્ય નહોતું! મેં સમય માગ્યો. સરવાળે એમને પણ લાગ્યું કે આ કામ મારું નહીં! અને એમ એ વાત તડકે મુકાઈ. દિલીપકાકાને તારીખો, વાર અને સમય બહુ યાદ રહે. કોઈ પણ વાત કરે તો ફલાણી તારીખે હું અમુક વ્યક્તિને મળ્યો ને આમ વાત થઈ કે તેમ વાત થઈ. એમાં ચોકસાઈ હોય જ. તીવ્ર સ્મરણશક્તિ એમની મૂડી, એટલી જ પીડા બની રહી આપણા જીવનની અગત્યની તારીખો પણ એમને પાકેપાયે યાદ હોય! મહેમાનોને મન ભરીને માન આપતા. ઘરમાં સુશેષભાઈને અને ભાભીને એવી સૂચના કે ‘મને મળવા ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ આવે તો એને માટે સમય પ્રમાણે ચા-પાણી, નાસ્તો, ભોજન અને પથારી આપવામાં પાછી પાની નહીં કરવાની! કોઈનો ફોન આવે ને હું ઊંઘતો હોઉં તો પણ જગાડવાનો!’ બધાંથી ઉપર માણસ! એ એમનો મંત્ર. સુશેષભાઈને એમ કે ઘર પ્રમાણે બેસવાની વ્યવસ્થા હોય તો જરા સારું લાગે. એક સોફાસેટનો ઓર્ડર આપી આવ્યા. કાકાની મંજુરી મળશે નહીં એની ખાતરી હતી, એટલે ખાનગી રાખેલું. સોફા આવ્યો ને કાકાએ ભયંકર રૂપ ધારણ કર્યું: ‘તમારે ઘરમાં સોફા રાખવો હોય તો હું આ ઘરમાં નહીં!' કાકા કોઈનું ન માને પણ દીકરી પારુલ આગળ સાવ મીણ જેવા, તરત ઓગળી જાય. થોડીક જ વારમાં મીણ ભણી લે! પણ, પછી એક દિવસ ગામડેથી કોઈ સાવ સામાન્ય માણસ એમને મળવા આવ્યો. કાકાએ 'આવો...આવો' કહ્યું. ઘરમાં આવીને પેલો માણસ દ્વિધામાં મુકાયો. ક્યાં બેસવું? પહેલાં તો એ આવે ત્યારે પાટ ઉપર કે ભોંયતળિયે બેસી જતો હશે, પણ સોફા જોયો એટલે… છેવટે એણે સોફાને જાકારો દઈને ભોંય પસંદ કરી. દિલીપકાકા કશું બોલ્યા નહીં. માત્ર સુશેષભાઈની સામે જોઈ રહ્યા! કદાચ આંખથી જ કહ્યું હશે: ‘આમાં હું ક્યાં બેસું? એવો સંકોચ કોઈને ન થાય એવું ઘર હોવું જોઈએ!' એક વાર મારે ઘેર આવ્યા. વાતોનો ખજાનો તો એમની પાસે હોય જ. વાતમાંથી વાત નીકળી ભૂવાના ધૂણવાની. કાકા કહે, ‘બોલ! ધૂણી બતાવું?' લગભગ અડધો કલાક ધૂણ્યા. અમે બેય માણસ તો આભાં થઈને જોઈ જ રહ્યાં. આમેય એમની આંખો મોટી ને પાછી ધૂણતી વખતે ઘણી મોટી લાગે. કાચાપોચાના છક્કા છૂટી જાય એવું ધૂણ્યા. નવેનવ માતાજીઓને તેડી. મેં ‘ખમ્મા! ખમ્મા!' કરીને પાણી પાયું. ખાસ્સો શ્રમ પડ્યો હતો. પણ, પછી અવાજ વિનાનું, મીઠું મીઠું હસી પડ્યા. તા.૧૬-૭-૨૦૦૩ના રોજ કેન્સરની બીમારીને કારણે બોંતેર વર્ષની ઉંમરે ગાંધીનગરમાં એમનું દુઃખદ અવસાન થયું. આવી જ બીમારીએ વર્ષો પહેલાં દિલીપભાઈનાં પત્ની અને વાર્તાકાર સવિતા રાણપુરાનો ભોગ લીધેલો. સવિતાબહેનની માંદગી અને અવસાન સમયે પરિસ્થિતિનો હિંમતપૂર્વક સામનો કરનાર દિલીપભાઈ પોતાની પીડા સામે ય ઝૂક્યા નહોતા. એમ કહેવાય કે છેલ્લા દિવસ સુધી એમનો જીવનરસ ટકી રહેલો. પોતે બોલી શકતા નહોતા તોય જે કોઈ આવે એની સાથે, હાવભાવથી વાતો કરતા. ફિક્કું તો ફિક્કું પણ હસતા રહેતા. બોંતેર વર્ષના આયુમાં એમણે ચુમ્મોતેર જેટલાં પુસ્તકો આપણને આપ્યાં છે. એ જાણીતા થયા નવલકથાકાર તરીકે, પણ એમનો જીવ વાર્તાકારનો હતો. એ સ્વરૂપ પરત્વે એમને વિશેષ લગાવ હતો. કોઈની પણ સારી વાર્તા વાંચવા મળી નથી કે રાણપુરાનું પોસ્ટકાર્ડ પહોંચ્યું નથી! પરંતુ, એમના અક્ષરો લગભગ અવાચ્ય હતા. લાંબા મહાવરાને અંતે એમની લેખનશૈલી પકડાય તો પકડાય! જો કે 'જનસત્તા' અને ‘ફૂલછાબ'ના કમ્પોઝિટરો એમના અક્ષરથી ટેવાઈ ગયેલા. એમનું મૂળ નામ તો ધરમશી. પણ, મોટીબહેને દિલીપ રાખી દીધેલું. શિક્ષણજગતમાં તેઓ રાણપુરા તરીકે ઓળખાતા. અંગત સંબંધ હોય એ દિલીપભાઈ કહે. યશવંત મહેતા તો માત્ર 'ભાઈ' જ કહે. ભણાવતાં ભણાવતાં જ એ ભણતા. વર્ષો સુધી શિક્ષક તરીકે, એક જાગ્રત શિક્ષક તરીકે પંકાતા રહ્યા. છાપાંમાં ને બીજે બધે આવતાં એમનાં લખાણોમાં શિક્ષણ, શિક્ષક અને વિદ્યાર્થી મુખ્ય વિષય રહેતા, અને એ ન્યાયે શિક્ષણવ્યવસ્થા ઉપર પણ સતત એમના મૌલિક વિચારોના ચાબખા | વિંઝાતા રહેતા. શિક્ષક તરીકે એમની આરંભની નોકરી બહુ જ કષ્ટદાયક હતી, પણ એ પરિસ્થિતિએ જ એમને ઘડ્યા. ત્યાર પછી એવો સમય આવ્યો કે સુરેન્દ્રનગરની જિલ્લા પંચાયત, જિલ્લા શિક્ષણસમિતિ, ખાસ તો ચેરમેન એમના ઉપર ખફા થઈ ગયા. રાણપુરાને બદલીથી લઈને બીજી અનેક પ્રકારની અવાંછિત મુશ્કેલીઓનો, કોઈના મનઘડંત આરોપો વગેરેનો સામનો કરવાનો આવ્યો. પરંતુ, એ નિષ્ઠાવાન હતા, હિંમતવાળા હતા અને સૌથી વધુ તો સ્વમાની હતા એટલે ભાંગી પડ્યા નહીં ને ઝૂઝતા રહ્યા. જે શિક્ષણસમિતિએ, ફરતાં પુસ્તકાલયમાં ય રાણપુરાનું એકાદ પણ પુસ્તક ભૂલમાં યે ન ખરીદાય એની કાળજી રાખેલી; એ જ શિક્ષણસમિતિએ લાંબે ગાળે એમનું ભવ્ય સન્માન કરેલું! પરંતુ આ બે પરિસ્થિતિઓની વચ્ચેનો સમય રાણપુરા માટે અનેક અર્થમાં કસોટીરૂપ હોવા છતાં ઉપલબ્ધિરૂપ હતો. પછી તો એવી પણ સ્થિતિ આવી કે તંત્ર એમનાથી ડરતું. એમની પાસે સૂચનો મંગાવવામાં આવતાં. છાપાની કટારમાં એ કોઈ પ્રશ્નો ઉઠાવે તો સત્તાવાળાઓ ગંભીરતાથી વિચાર કરે ને અમલ પણ કરે. ઘણા દાખલાઓ મળી આવશે આવી બાબતો અંગેના. એક અર્થમાં દિલીપભાઈ સમાજપ્રહરી હતા. સાવ છેવાડાના ને નાનામાં નાના માણસની મુશ્કેલીઓ અને લાગણીઓ એમને સમજાતી. પછી એ પોતાની રીતે જાહેરમાં લેખરૂપે કે નવલકથા-વાર્તામાં એક સર્જકની ગરિમાથી મૂકી આપતા. રાણપુરા ભાગ્યે જ ઘરમાં બેસી રહે. એમને પદ્મશ્રીનું માન નહોતું મળ્યું પણ પહેલેથી જ પગમાં પદમ હતું. અવિરત ફરતા રહેતા. મુસાફરીનો થાક કે કંટાળો તો જરાય નહીં. બસ, જીપ કે અન્ય જે કોઈ પબ્લિક વાહન મળે એમાં ચડી બેસે. ચાલવાનો આનંદ પણ ખૂબ લેતા. એમની મુસાફરી કોઈ પણ પ્રકારની લક્ઝરી ભોગવ્યા વિનાની યાત્રા બની રહેતી. એમની યાત્રાના સૌન્દર્યમાં ધૂળ-માટી ને પરસેવાની ગંધ હતી. દિલીપભાઈ ટેબલલેમ્પના અજવાળામાં લખનારા લેખક નહોતા, ચૌવીસેય કલાક સૂર્યનો તડકો અને રાતનાં અંધારાં એમના નસીબે લખાયાં હતાં. અત્યારના આપણા કોઈ પણ મોટા લેખક કરતાં એમનો જીવનાનુભવ ઘણો વધારે હતો. એક અર્થમાં એ લાખા વણઝારા જેવા હતા. સંવેદનાનો જ વેપાર.. આ ગામથી પેલે ગામ એમની એકલપોઠ ચાલતી જ રહેતી. બજાણા પહેલાં દિલીપકાકા ભડકવા એટલે કે ભૃગુપુર હતા. પગારશાળાના આચાર્ય એટલે દર મહિને પગાર લેવા તાલુકામથક લીંબડી જવું પડે. નહીં નહીં તોય દોઢ-બે લાખનો ચુકાવો હોય. ચૂડા સ્ટેશને ઊતરીને ત્યાંથી ભૃગુપુર ચાલતાં આવવાનું! એ વખતે, એક હમીરો કરીને બહુ માથાભારે માણસ. ભલભલાનું આંચકી લે. પટાવાળો લેંઘો, એવું જ પહેરણ, આંખમાં સૂરમો ને હાથમાં ધારિયું! કોઈ એની સામે ચૂં કે ચાં ન કરી શકે. દિલીપભાઈ ટ્રેનમાંથી ઊતરે અને સામે જ હમીરો ઊભો હોય! એમના પગમાં પગ દબાવે. એમ જ લાગે કે લાગ જોઈને લૂંટવા માગે છે! દિલીપભાઈને બીક નહીં, પણ એમ થાય કે દરેક વખતે, આ શું કરવા મારી સાથે થઈ જતો હશે? અને એ પણ પગારની તારીખમાં જ? ઘેર સવિતાબહેન સતત ચિંતા કરે. રખે ને હમીરો કંઈ કરી બેસે તો? અને બીજું કંઈ નહીં તોય આટલી બધી રકમ ક્યાંથી કાઢવી? એક વખત દિલીપકાકાએ હિંમત કરીને પૂછી જ લીધું, ‘હમીરા! દર મહિને આ તારીખોમાં જ તું મારી હાર્યે કેમ થઈ જાય છે? તને તો ખબર જ છે ને કે મારી પાંહે પગારનું જોખમ હોય છે!’ 'સાહેબ! એટલે જ…… એટલે જ તો… આવી જાઉં છું! તમારા રક્ષણ માટે! રખે ને કોઈ બીજું તમને ખંખેરી જાય… પણ નામ તો મારું જ આવે ને? આ પંથકમાં આપણી મથરાવટી આમેય મેલી ખરીને?’ હમીરો પોતાની જાત માટે બહુવચન વાપરતો હતો! મિત્રો માટે દિલીપભાઈ કંઈ પણ કરી છૂટે. એક વાર અમદાવાદનાં કોમી હુલ્લડો વખતે, મિત્ર નસીર ઈસમાઈલીને મળવા દરિયાપુર, પોપટિયાવાડ પહોંચી ગયેલા. એટલું જ નહીં, દોસ્તોની વચ્ચે બેઠક જમાવીને બેઠેલા લતીફને જોવાની ઉત્સુકતા ય એવી કે એના ઘરમાં ડોકિયું કરવાની હિંમત પણ કરી. બેઠેલા. ‘જે પોષતું તે મારતું…'; સમાજ સાથેનો સીધો સંબંધ અને સંવેદનાપૂર્ણ લખાણોને કારણે દિલીપભાઈ ઘણા લોકપ્રિય થયા. રિક્ષાડ્રાયવર-શાયર 'કફીલ'થી લઈને ‘કૈફી આઝમી વિશે એ લખી શકે. પરંતુ આ લોકપ્રિયતા જ એમની બદનસીબીનું કારણ બની. ઘણા ઘણા મોટા વિવેચકો અને સાહિત્યકારોએ એમની કૃતિઓથી દૂર રહીને પોતાને જ વંચિત રાખવાનું સ્વીકાર્યું. રાણપુરાનું યોગ્ય મૂલ્યાંકન કોઈએ કર્યું જ નહીં. ફાસફૂસિયા લેખકોને મોટા મોટા ચાંદલા ચોડનારાઓએ રાણપુરાના કપાળમાં નાનું અમથું તિલકે ય ન કર્યું. હવે રાણપુરા નથી, પણ એમની કૃતિઓ આપણી આંખ સામે છે. કોઈ પણ પ્રકારની વિશેષ સહાનુભૂતિ વિના માત્ર અને માત્ર સાહિત્યિક ધોરણે જ, અલબત્ત સમભાવથી એમની રચનાઓ જોવાવી જોઈએ. સંભવ છે કે એક લેખક તરીકે એમની જુદી ‘છવિ’ ઊપસી આવે! એક કર્મશીલ તરીકે સક્રિય થઈને એ કોઈ સેવા-સંસ્થા સાથે જોડાયા નહોતા ને એમને એવી જરૂર પણ નહોતી. પરંતુ એને કારણે, તળના મનુષ્યની એમણે કરેલી સેવાઓની ઉચિત નોંધ ન લેવાઈ. ‘ધોળી મજૂરી કાળું લોહી’ અને ‘પરકમ્મા'ના લેખો આ સંદર્ભે જોવા જેવા છે. કોલકાતાના 'સ્ટેટ્સમેન' અખબાર દ્વારા ગ્રામીણ સમસ્યાઓના નિરૂપણ માટે દિલીપભાઈને એક વાર નહીં, પણ બે વાર એવોર્ડ મળેલા. અન્ય કોઈ ગુજરાતી લેખક-પત્રકારને આવું માન મળ્યું જાણ્યું નથી. દિલીપભાઈ અનાસક્ત હતા. ક્યારેક આવેશમાં આક્રોશ ઠાલવે, એ ય તે અંગત મિત્રો પાસે જ. પણ અંદરથી એ ભર્યાભર્યા હતા, આશુતોષ હતા. અપેક્ષાઓ ભાગ્યે જ રાખતા, પણ સાહિત્ય પ્રવાહમાં ઉપરન્તળે જે ચાલી રહ્યું હોય એનાથી 'અનભિજ્ઞ' નહોતા. મૃદુ સ્વભાવે જ એમને મિત્રો અને ‘દર્શક’ જેવા મુરબ્બીઓ મેળવી આપ્યા. દિલીપભાઈ મનમેળાના અને મોંમેળાના માણસ હતા. માણસના મનથી હૃદય સુધી જવાનો રસ્તો એ જાણતા હતા. એક વાર ભાવનગર ગયેલા, ત્યાં એમનો પગ ખુલ્લી ગટરમાં ગયો. અને એ પડી ગયા. ડાબા પગના કટકા સંધાવ્યા. પગે બેત્રણ મહિનાનું પ્લાસ્ટર આવ્યું. એ સમયે સહકાર કોલોનીવાળા એમના મકાનની મરામત ચાલતી હતી. એ કામ લાંબું ચાલે એવું હતું ને કાકાને ‘નતમસ્તક’ શરૂ કરવી હતી. હું એમને લઈ આવ્યો. એમણે આરંભનાં પ્રકરણો મારે ત્યાં રહીને લખ્યાં. ઓફિસેથી આવું પછી વાંચવા આપે. હું એમની સર્જનાત્મકતાને ‘નતમસ્તક' વંદન કરતો રહું! હવે એક બીજી રાતની વાત – એક દિવસ દિલીપકાકાનો ફોન આવ્યો: ‘મારે તારા ઘરે એક રાત આવવું છે! બોલ ક્યારે આવું?’ ‘તમે કહો ત્યારે...!’ ‘કાલ સાંજે તું મને લઈ જાજે, પરમ દી’પાછો મૂકી જાજે!’ 'ભલે કાકા!' એ સાંજે અમે સાથે જમ્યા. બંનેને ભાવતું હો એવું જમ્યા. હું એમના માટે પાન લઈ આવેલો. બહાર હીંચકે બેઠા બેઠા વાતોએ ચડ્યા. બજાણાની રાત જેવો ઉમંગ એમના ચહેરા પર આવતો નહોતો. વચ્ચે વચ્ચે મૌન અને ક્યાંક ક્યાંક ખોવાઈ જવું…. તોય ક્યાંય સુધી અલકમલકની વાતો કરી. કાકાને બોલવામાં થોડો હાંફ ચડે છે એવું મને લાગ્યું. એમણે મારા બાપુજીને એટલે કે એમના મિત્ર અમુભાઈને યાદ કર્યા. બિન્દુ અંદર રસોડામાં કંઈ કામ કરતી હશે. મેં બૂમ મારી, 'તું પણ આવ!' પણ, રેડિયો વાગતો હતો તે એણે સાંભળ્યું નહીં. કાકાએ મને બીજી બૂમ પાડતો અટકાવ્યો. એમની સામે મેં પાન ધર્યું. એમણે સાફ ના કહી. થોડા ગંભીર અવાજે કહે કે- ‘એક ખાસ વાત કરવા આવ્યો છું. વચન આપ કે ઢીલો નહીં પડું…’ મારા મગજમાં ધમધમાટ થવા લાગ્યો... શું હશે? એમણે મારા બરડે હાથ ફેરવ્યો. એકદમ દબાતા સ્વરે બોલ્યાઃ ‘થયું કે એક રાત તને નિરાંતે મળી લઉં! પછી મળાય ન મળાય..!’ 'કાકા! કેમ એવું ભાંગ્યું વેણ બોલો છો? મગજ તો ઠેકાણે છે ને? શું થયું છે તમને?’ ‘કે ન્સ ર...’ ‘હેંએએ?’ 'હાઆઆ...’' ‘અરે પણ… તો એની સારવાર કરાવીએ...’ પેલી પોચી પોચી હથેળીએ મારો હાથ પકડી લીધો. ‘સાંભળ! અથરો ન થા... એ બધું ઘણા વખતથી ચાલે છે. મેં તને કહ્યું નહોતું. હવે તો સમય પણ થોડોક જ રહ્યો છે…થયું કે તારી હાર્યે મોંમેળો કરતો જઉં...’ મારી આંખમાં આંસુ ન આવ્યાં. આખી જાત જાણે બહેર મારી ગઈ. એમણે મારો હાથ મજબૂતીથી પકડી રાખ્યો. 'કાકા બચવાના તો અનેક ઉપાય હશે…એમ કંઈ હથિયાર થોડાં જ હેઠાં મૂકી દેવાય? આપણી આટલી બધી ઓળખાણો શા ખપની? અને તમને…… તમને આવું થાય જ કેવી રીતે?' ‘થયું નથી. રગીરગીને લીધું છે! પૂરેપૂરી ઈચ્છાથી આવકાર્યું છે! જિંદગીમાં ક્યારેય કોઈની પાસે કંઈ માગ્યું નથી. પણ આ કેન્સર તો કુદરત પાસેથી માગીભીખીને... આજીજી કરીકરીને મેળવ્યું છે...!’ ‘...….પણ એવું કેમ?' ‘મારે તારી કાકીને… સવિતાને થયેલી પીડા અનુભવવી હતી… અને એ રીતે એની સાથે એકાત્મ કેળવવું હતું....’ મને લાગ્યું કે, મારા કોઈ શબ્દનો કંઈ જ અર્થ હવે રહ્યો નથી. એક જ ક્ષણમાં જીવન કેટલું ખોખલું છે અને સાચો પ્રેમ શું છે એનો ખ્યાલ આવી ગયો! મને ખબર છે એ રાતે, પથારીમાં લાંબા થયા પછી, લાખ ઇચ્છવા છતાં ય અમે બેમાંથી એકેય ઊંઘી શક્યા નહોતા.... રમેશ પારેખની પંક્તિઓ યાદ આવે છે: ‘કોઈ કોઈ વાર... હજી કોઈ કોઈ વાર… ઓ રે લાખા વણઝારા ભાળું તારી વણઝાર…