સાગરસમ્રાટ/રજા નહિ મળી શકે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૫. રજા નહિ મળી શકે

તે દિવસનું દૃશ્ય તો હું કદી નહિ ભૂલું. પેલી ફ્રેન્ચ ભાષામાં પડેલી કરુણ ચીસ નિરંતર મારા કાનમાં ગુંજ્યા કરે છે. નેડ પરનો પેલો ભયંકર પ્રાણીનો હલ્લો અને કૅપ્ટન નેમોએ કરેલો તેનો બચાવ, એ દેખાવ હજુ મારી આંખ આગળ તર્યા કરે છે, અને જાણે અત્યારે જ એ બનતો હોય તેમ મારાં રૂંવાડાં ખડાં થાય છે. કૅપ્ટન નેમોનું રુદન અને આંસુ તો કદી નહિ ભુલાય! એવા માણસો કદી રોતા નથી, અને રુએ છે ત્યારે હૈયાફાટ રુએ છે, તથા જોનારનું હૈયું પણ હલાવી દે છે!

અને આ મૃત્યુ પણ કેટલું ભયંકર હતું! પૉલ્પના ભયંકર સકંજામાં સપડાયેલ, છૂંદાયેલ અને ફાટેલી આંખોવાળું તેનું મોઢું એક ક્ષણ જ હું જોઈ શક્યો હતો, પણ તેની છાપ મારા હૈયામાં કાયમની પડી ગઈ છે!

મારા દેશનો માણસ પણ કૅપ્ટન નેમો સાથે દુનિયા સામે બહારવટું ખેડી રહ્યો હતો! કૅપ્ટન નેમો પાસે આ માણસ કઈ રીતે આવ્યો હશે? આ લોકોનું એક મંડળ તો નહિ હોય?

આ બનાવ પછી કૅપ્ટન નેમો ભાગ્યે જ બહાર દેખાતો. થોડા દિવસ તો વહાણ પણ ગાંડાની જેમ આમતેમ ભટકતું, ફરતું અથવા તે પડ્યું રહેતું.

લગભગ દસ દિવસ આ પ્રમાણે શોકમાં પસાર થઈ ગયા. અમારું વહાણ ઉત્તર દિશા તરફ આગળ વધ્યું. અમે મેક્સિકોના અખાતમાં થઈને દુનિયા ઉપરના એક મોટા દરિયાઈ પ્રવાહમાં પેઠા. આ પ્રવાહ તેની લંબાઈ-પહોળાઈ તથા વેગ માટે પ્રસિદ્ધ છે. અમારું વહાણ આ પ્રવાહમાં પડ્યું એટલે તેના વેગમાં આપોઆપ તણાવા લાગ્યું. પ્રવાહ ઠેઠ ન્યુફાઉન્ડલૅન્ડ સુધી ઉત્તરમાં જ જતો હતો. અમેરિકાનો કિનારો તો અમારે દૂરથી જ જરા જરા જોવાને રહ્યો હતો.

નેડલૅન્ડ આ દૂરથી દેખાતો અમેરિકાનો કિનારો જોઈને મનમાં બળતો હતો. રાતદિવસ નાસી છૂટવાના જ વિચારે તેના મગજમાં ઘોળાયા કરતા હતા. કેટલીયે યોજનાઓ તેણે મનમાં ઘડી અને પાછી તોડી નાખી અને વળી નવી ઘડી; પણ દરમિયાન તો દરિયામાં તોફાન વધવા લાગ્યું. આ બાજુનો દરિયો ખૂબ તોફાની ગણાય છે. ‘ગરમ પ્રવાહ’ની અસરને લીધે અહીં દરિયા ઉપર અવારનવાર તોફાન થયા જ કરે છે. આ તોફાનમાં એક નાની હોડી લઈને નાસી છૂટવું, એટલે મૃત્યુના જ મોઢામાં પડવાનું હતું!

એક દિવસ અકળાઈને તે મારી પાસે આવ્યો. “પ્રોફેસરસાહેબ! હવે આનો કંઈ અંત આવશે કે નહિ? તમારો નેમો તો ઊંધું ઘાલીને ઉત્તરમાં ને ઉત્તરમાં જ ઝીંક્યે જાય છે. ઠેઠ ઉત્તર ધ્રુવમાં ક્યાંક બરફમાં વહાણ ખૂંચી જશે, ત્યારે ભાઈની આંખ ઊઘડશે! દક્ષિણ ધ્રુવ જોઈને હું તો ગળા સુધી આવી ગયો છું; હવે ઉત્તર ધ્રુવ જોવાની મારી જરાયે ઇચ્છા નથી.”

“હા, પણ કરવું શું?” મેં કહ્યું.

“મને એમ જ લાગે છે કે તમારે જાતે કૅપ્ટન પાસે જઈને આ વાત કરવી, અને રીતસર તેની રજા માગવી. અને તમે તે માગતાં બીતા હો તો આ વખતે હું પોતે જ તેની પાસે જઈશ. હવે સમુદ્ર ભલે તોફાની હોય, પણ એ મારો અખાત છે. ન્યુફાઉન્ડલૅન્ડની પાસેનો અખાત એ મારો જ અખાત છે. અહીં જો કૅપ્ટન રજા નહિ આપે તો હું દરિયામાં પડતું મૂકીને, તરીને નાસી છૂટીશ. હવે મારાથી રહેવાતું નથી.” નેડ આકળો થયો.

નેડની ધીરજની હદ આવી ગઈ હતી, એમ મેં જોયું. તરવરિયો જીવ આટલા મહિના સુધી આ વહાણમાં પુરાઈ શક્યો તે જ નવાઈ હતી. આની અસર તેના મન ઉપર ને શરીર ઉપર થઈ હતી. તે વધારે ને વધારે ચીડિયો અને ફિક્કો થતો જતો હતો. સાત મહિનાથી પૃથ્વી ઉપર શું બને છે તેની અમને ખબર નહોતી.

“કેમ?” નેડે ફરી બોલાવવાનો પ્રયત્ન કર્યો.

“હા, પણ તેણે એક વાર તો આપણને ચોખ્ખું સંભળાવી દીધું છે.”

“તોયે ફરી એક વાર. આ વખતે કેવું સંભળાવે છે તે મારે જેવું છે.”

“પણ હમણાં તે મને મળતો જ નથી.” મેં કહ્યું.

“તે આપણને ન મળે; આપણે તો તેને મળી શકીએ ને?”

“તે હું તેને પૂછી જોઈશ.”

“કયારે?”

“એ મને મળશે ત્યારે.”

“ત્યારે તમે નકામી વાતો ન કરો. હું જ હમણાં તેની પાસે જાઉં છું.” નેડ ઊભો થયો.

“ના ના, હું જ તેની પાસે જઈશ; કાલે—”

“ના, આજે જ.”

“ઠીક, આજે જ જઈશ.”

નેડ ગયો. થોડી વાર હું એકલો વિચારમાં બેસી રહ્યો. કૅપ્ટન પાસે કઈ રીતે જવું ને વાત ઉપાડવી, તે બધું મનમાં ગોઠવવા લાગ્યો; ને નિશ્ચય કરીને ઊપડ્યો.

“કૅપ્ટન નેમોની ઓરડી આગળ આવીને મેં બારણું ઠોક્યું. કંઈ અવાજ ન આવ્યો. મેં બારણાને ધક્કો માર્યો; બારણું ઊઘડી ગયું. હું અંદર ગયો. કૅપ્ટન નેમો ઊંધું માથું નાખીને ટેબલ ઉપર કંઈક લખી રહ્યો હતો. મારા આવવાની તેને કંઈ ખબર ન પડી. હું તેની પાસે ગયો ને ઊભો રહ્યો. તેણે ઊંચું જોયું, અને જાણે નવાઈ પામ્યા હોય એમ તથા જરાક તોછડાઈથી પૂછ્યું : ‘તમે અહીં? શા માટે આવ્યા છો?”

“તમારી સાથે થોડીક વાતચીત કરવી છે.”

“પણ હું અત્યારે કામમાં છું. તમને આપેલી છૂટનો જરા વધારે પડતો લાભ તમે લો છો.”

શરૂઆતમાં જ આવાં વેણ સાંભળવાનાં મળ્યાં તેથી હું જરાક નિરુત્સાહ તો થયો, પણ નક્કી કરેલી વાત તેને કર્યા સિવાય ન જવું એવો મારો નિશ્ચય હતો એટલે હું બોલ્યો : “પણ મારે એક એવી વાત કરવી છે, જે અત્યારે જ કરવી જોઈએ.”

“એવું તે શું છે? તમે દરિયામાં કંઈ નવી શોધ તો નથી કરી?” હું તેનો જવાબ આપું તે પહેલાં ફરી તેણે ચલાવ્યું : “જુઓ, આ હું લખું છું તે પુસ્તક છે. દરિયાના મારા બધા અનુભવો મેં આમાં લખ્યા છે. આમાં હું મારા મરણની છેલ્લી ઘડી સુધીનો મારો ઇતિહાસ અને અનુભવો લખવા માગું છું. અને મરતી વખતે મારું ખરું નામ નીચે લખીને આ હસ્તલિખિત પ્રતને એક મજબૂત પેટીમાં બંધ કરીને આ સમુદ્રમાં છેડી મૂકીશ; જે વાંચે તે ખરો! અને કોઈ નહિ વાંચે તો સમુદ્ર તો તેને જરૂર સંઘરશે.”

હું વિચારમાં પડ્યો. આ ભેદી માણસનો ઇતિહાસ મારી સામે જ પડ્યો છે–તેને પોતાને જ હાથે લખાયેલો! ત્યારે તે એક દિવસ ભેદ ખૂલશે ખરો.

મેં તરત જ વાત ઉપાડી લીધી. “કૅપ્ટનસાહેબ! હવે તમે બરાબર મારા મતને મળતા થયા. તમારું આવું ચમત્કારિક જીવન દુનિયા ન જાણે તો એક મોટી ખોટ આવી ગણાય. પણ તમે તમારું જીવન પ્રસિદ્ધ કરવાની રીત બહુ જ વિચિત્ર રાખી છે. એવી રીતે તો પેટીને રખડતી મૂકી દેવામાં જોખમ છે, એના કરતાં તો તમારામાંથી કોઈ…”

“ના ના!” કૅપ્ટને મને વચ્ચેથી જ અટકાવ્યો.

“તો અમારા ત્રણમાંથી કોઈને પણ તે નકલ તમે આપો અને અમને છૂટા કરો.”

“છૂટા કરવાની વાત?”

“હા, અને તે જ વાત કરવા માટે તમારી પાસે હું આવ્યો છું. સાત મહિનાથી અમે અહીં પુરાઈ રહ્યા છીએ. હવે અત્યારે અમે તમારી પાસેથી છૂટા થવાની રજા માગીએ છીએ. તમે રજા આપવા માગે છે કે અમને અહીં પૂરી રાખવા માગો છો?”

“પ્રોફેસર! સાત મહિના પહેલાં મેં તમને કહ્યું હતું, તે જ અત્યારે પણ હું તમને કહું છું કે મારા વહાણમાં જે એક વખત આવે છે, તે કદી પાછો નીકળતો નથી!”

“એટલે તેનો અર્થ ગુલામી…”

“તમારે જે કહેવું હોય તે કહો.”

“પણ ગુલામો અમુક મુદતે તો છૂટા થવાનો હક્ક ધરાવે છે.”

“તો અહીં તેથી પણ ખરાબ છે, એમ માની લો.”

“જુઓ, કૅપ્ટનસાહેબ! હું સાચી વાત જણાવી દઉં. મને પોતાને તમારી સાથેની આ મુસાફરીમાં અત્યાર સુધી જે આનંદ આવ્યો છે, તે મારી આટલી જિંદગીમાં ક્યાંયે નથી આવ્યો. તમારી જેમ હું પણ આ જ સમુદ્રમાં જીવનપર્યંત આ અદ્ભુત દૃશ્યો જોતો રહું એમ થાય છે. પણ તમારું જીવન અને અમારું જીવન જુદાં છે. તમારી રીતભાત એ કદી અમારી રીતભાત થઈ શકે તેમ નથી. તમારા દુઃખે દુઃખી અને તમારા સુખે સુખી થઈએ એટલા અમે સહૃદયી છીએ અને મારી વાત જવા દો, તોપણ નેડ આખરે માણસ છે; માણસની વસ્તી સિવાય ઘડીકે રહી ન શકે એવી જાતનો એ માણસ છે. એના મનમાં ઊથલપાથલ મચી રહી હશે તેનો તમને ખ્યાલ–”

કૅપ્ટન નેમો ઊભો થઈ ગયો. હું બોલતો બંધ થઈ ગયો. “નેડ શું વિચારે છે ને તેના મનમાં શું થાય છે એ જાણવાની મારે જરૂર નથી, મેં તેને વહાણ ઉપર બેલાવ્યો નહોતો; તેમ મને તેની સોબત ગમે છે એટલા માટે મેં તેને વહાણ પર રાખ્યો પણ નથી. આથી વિશેષ હું તમને કાંઈ જવાબ આપી શકું તેમ નથી. આ વિશેની આપણી આ વાતચીત પહેલી અને છેલ્લી જ છે, એમ માની લેજો. હવે હું એક પણ શબ્દ સાંભળવા કે બોલવા માગતા નથી.’

કૅપ્ટન ચાલ્યો ગયો. અમારે હવે એક માર્ગ બાકી હતો અને તે નાસી છૂટવાનો પ્રયત્ન કરવાને; જીવતા કે મૂએલા પણ આ વહાણમાંથી બહાર નીકળવું જ! મેં મારા સાથીઓને આ બધી વાત જણાવી.

“ગમે તેવું તેફાન હોય તોય નાસી છૂટવું, એ વાત નક્કી.” નેડે પોતાનો મત જાહેર કર્યો.

પણ આકાશ વધારે ને વધારે ભયંકર થતું ગયું, અને સમુદ્રને પોતાની સાથે જ ભયંકર કરતું ગયું. આભ અને દરિયો જાણે એક થઈ ગયાં હતાં!