સાર્ત્રનો અસ્તિત્વવાદ/પ્રારંભિક
સન્નિષ્ઠ પ્રકાશનનું બીજું પુસ્તક છે. પ્રોફેસર મધુસૂદન બક્ષીના સતત સહકારને એ આભારી છે. ‘અભ્યાસ’માં એમણે અવારનવાર લેખો લખ્યા છે અને લખતા રહે છે, એ રીતે વાચકોને એમનો સારો પરિચય છે. યોજનાપૂર્વક આ પુસ્તક લખી એમણે અસ્તિત્વવાદની અને વિશેષ કરીને સાર્ત્રની વિચારણા વિશદ રીતે રજૂ કરી છે. આશા છે કે એમનું આ પુસ્તક સહુ અભ્યાસીઓને તેમજ અન્ય વાચકોને રુચશે અને ઉપયોગી નીવડશે. આ પ્રકાશન-યોજનાનો હેતુ એના આરંભટાણે તેમજ પાછળથી અન્યત્ર સ્પષ્ટ કરવામાં આવેલ છે. આવી પ્રવૃત્તિની આર્થિક બાજુ હમેશાં નબળી રહેવાની. એથી એ, અનેકોના તમામ પ્રકારના વધુ ને વધુ સહકારથી જ નભી શકે. લેખકમિત્રો તેમની કૃતિઓ દ્વારા તેમજ વાચકો અને સંસ્થાઓ આ પ્રકાશનો ખરીદીને આ સાહસને સહાયક થશે એવી અપેક્ષા સ્વાભાવિક જ રહે છે. હજુ આપણે ત્યાં પુસ્તકો વસાવીને વાંચવાની આદત અને વૃત્તિનાં ખાસ દર્શન થતાં નથી. તેમ છતાં આ પ્રવૃત્તિ દ્વારા યત્કિંચિત્ સામગ્રી આપી શકાય તેનો સંતોષ માનવો રહ્યો. આ તેમજ અમારાં અન્ય પ્રકાશનોને સારો આવકાર મળશે એવી આશા છે.
તા. ૩ જૂન ૧૯૬૭
પૂર્ણિમા પુરુષોત્તમ માવળંકર
પ્રથમ આવૃત્તિ
૭૫૦ નકલ
પ્રકાશન:
તા. ૧૫ જૂન ૧૯૬૭
કિંમત: ત્રણ રૂપિયા
© સર્વ હક્ક સન્નિષ્ઠ પ્રકાશનને સ્વાધીન
પ્રકાશક :
સન્નિષ્ઠ પ્રકાશન વતી
પૂર્ણિમા પુરુષોત્તમ માવળંકર
માવળંકર હવેલી, ભદ્ર, અમદાવાદ-૧
મુદ્રકઃ
બચુભાઈ રાવત
કુમાર કાર્યાલય લિ., ૧૪૫૪ રાયપુર
અમદાવાદ-૧
‘સન્નિષ્ઠ પ્રકાશન’ના ઉપક્રમે આ પુસ્તક પ્રસિદ્ધ કરવા બદલ હું આચાર્ય શ્રી પુરુષોત્તમ માવળંકરનો ઘણો ઋણી છું. અસ્તિત્વવાદ વિશે ‘અભ્યાસ’માં લેખો લખવા માટે એમણે મને ઘણું પ્રોત્સાહન આપ્યું છે. તેમના સદ્ભાવથી જ સાર્ત્ર વિશે આ પ્રકારનો નિબંધ લખવાની મને પ્રેરણા મળી છે. વિદ્યાક્ષેત્રે વિવિધ રીતે પ્રવૃત્ત બનેલા શ્રી પુરુષોત્તમભાઈ ગુજરાતનું ‘વિદ્યાતપ’ વધારવામાં કાર્યરત છે એ આપણા સહુ માટે ગર્વનો વિષય છે. મારા અધ્યાપકમિત્રો સર્વશ્રી લાભશંકર ઠાકર, સુભાષ શાહ, ભોળાભાઈ પટેલ, સિંઘ અને પ્રોફે. વી. જે. ત્રિવેદી પાસેથી અસ્તિત્વવાદ વિશેની ચર્ચાઓમાં વિવિધ રીતે ઘણું પ્રોત્સાહન અને માર્ગદર્શન મળ્યું છે. પ્રોફે. દિનેશ કોઠારીએ આ પુસ્તકનો કેટલોક ભાગ વાંચીને મને જરૂરી સૂચનો કર્યાં છે. તેમ જ મૂળ લખાણ કાળજીપૂર્વક વાંચીને ભાષા અને રજૂઆત અંગે કીમતી સૂચનો મારા મિત્ર અધ્યાપક શ્રી હેમન્ત દેસાઈએ કર્યાં છે. આ પુસ્તકનાં સામગ્રી, આયોજન અને શૈલી વિશે પ્રોફે. દિગીશ મહેતાએ કેટલાંક સૂચનો કર્યાં છે. નાગપુર યુનિવસિઁટીના પ્રોફે. કુલકર્ણીએ સાર્ત્રના ચેતનાના સિદ્ધાંતની કેટલીક મર્યાદાઓ દર્શાવી છે. પ્રિન્સિપાલ એ. એચ. વોરાએ સાર્ત્રના ‘નિષેધ’ના ખ્યાલોમાં રહેલી ગૂંચવણો પ્રત્યે નિર્દેશ કર્યો છે. સાર્ત્રના નીતિશાસ્ત્રમાં ‘મૂલ્ય’ના પ્રશ્નમાં રહેલી કેટલીક મર્યાદાઓ પ્રિન્સિપાલ જે. સી. ત્રિવેદીએ દર્શાવી છે. આ મિત્રો સાથેની ચર્ચાઓમાં ઘણી મનનીય વિચારસામગ્રી મને પ્રાપ્ત થઈ છે. અલબત્ત આ કૃતિની જે કાંઈ નબળાઈઓ અને ત્રુટિઓ રહી જવા પામી હોય તેની જવાબદારી મારી જ છે. સાર્ત્ર ઉપરનાં જે અંગ્રેજી પુસ્તકોનો ઉપયોગ કર્યો છે તેની યાદી અંતમાં આપી છે. સાર્ત્રની વિચારધારાનાં મુખ્ય પાસાંઓનો માત્ર પરિચય કરાવવાનો હેતુ અહીં છે. આ પ્રયાસ કેટલો સફળ થયો છે તે તો વાચકો જ કહી શકે.
તા. ૧ જૂન ૧૯૬૭
મધુસૂદન વિ. બક્ષી