સાહિત્યિક સંરસન — ૪/રિપોર્ટ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
15. રિપોર્ટ

જિજ્ઞેશ જાની

(૧)

Jingnesh Jani.jpg

‘રમણ, આ બધું શું છે? આખું ટેબલ રમણ-ભમણ કરી નાખ્યું. ચાલ સાફ કર... ઠક્કર સાહેબે મારી સામે જોતાં, પ્યુન રમણને કહ્યું ને પોતાની ખુરશીમાં બેસતાં, ફરી મોં બગાડતાં બોલ્યા, ‘હાવ હાલી જ નીકળા સે..’ મિટિંગ શરૂ થવાને હજી થોડી વાર હતી. એક પછી એક ફેક્ટરી કાઉન્સિલના મેમ્બરો જે અલગ અલગ ડીપાર્ટમેન્ટનાં ખેર-ખાં કહેવાય એવા નરમ-ગરમ સાહેબો, જેમાં ડિપાર્ટમેન્ટના ફેક્ટરી મેનેજરથી લઈને ફેક્ટરી ડાયરેક્ટર સુધીના કોન્ફરન્સ રૂમમાં આવવા લાગ્યા. રમણ બધા સામે જોતો જલ્દીથી ટેબલ પર કપડું ફેરવતો ગભરાયેલા ચહેરા સાથે અમથું-અમથું હસ્યા કરતો હતો. પણ એની નજર વારંવાર મારી તરફે ય થતી રહેતી. હું રાઉન્ડ ટેબલથી થોડે દૂર ભીંત સરસો ઊભો રહી ચૂપચાપ બધું જોઈ રહ્યો હતો. ગુડ મોર્નિંગ...ગુડ મોર્નિગના રણકા હોલની દીવાલ સાથે અથડાતા રહ્યા. ઠક્કર સાહેબે એક નજર બધાં પર દોડાવી અને બોલ્યા, ‘બધાં આવી ગયા?’ ને સામે ગોઠવાયેલા મેમ્બરો એકબીજા સામે જોઈને કોઈ બાકી નથી રહી ગયું ને, એમ પાક્કું કર્યું. ઠક્કર સાહેબે ખુરશીએથી ઊભા થઇ પોતાનાં ચશ્માં સરખા કરી, ઝીણી નજરે મારી સામે જોયું. હું હજી ઊભો હતો. મને થયું કે એ મને બેસવાનું કહેશે પણ એણે મને ઊભા રહેવાનો ઈશારો કર્યો. હું મનમાં ને મનમાં ગિન્નાઈ ગયો. હોલમાં મેમ્બરો ધીરે-ધીરે એકબીજા સાથે વાતો કરતા હતા. એનો ઝીણો ગણગણાટ મને ત્રાસ આપતો હતો.

(૨)

ઠક્કર સાહેબે ગળું ખંખેરી ખોંખારો ખાધો. ગણગણાટ એકદમ બંધ થઇ ગયો. ઠક્કર સાહેબે પોતાનાં ચશ્માં સાફ કરતા બોલાવાનું શરૂ કર્યું, ‘મિત્રો, આજની આ મિટિંગ શા માટે રાખવામાં આવી છે, એ તમે સારી રીતે જાણો છો, અને તેની ગંભીરતા પણ’. ફરી ગળું ખંખેર્યું અને મારી સામે કતરાયા. ‘ગઈકાલે ફેક્ટરીમાં થયેલ અણધાર્યા અકસ્માત...’ ઠક્કર સાહેબનું બોલવાનું ચાલતું જ હતું એવે સમયે કોઈનો હસવાનો અવાજ સંભળાયો. એ બોલતા અટક્યા ને તરત જ ચશ્માં પહેરતાં મિ.મોરે તરફ જોયું અને ખીજમાં મોરેને કહેવા લાગ્યા, ‘ કોઈ જોક્સ યાદ આવી? તો અમને પણ શેઅર કરો...’ ને પછી મોઢું બગાડતાં કહ્યું , ‘બી સીરિયસ...’ ‘સોરી સર..’ મિ મોરેએ વિદ્યાર્થીની જેમ માફી માંગી. બધાંની નજર મિ.શેઠ તરફ હતી. એ હંમેશની જેમ પોતાની ખુરશીમાં ઝોંકાં ખાતા હતા. એમને જગાડવા માટે મેમ્બરોએ એકબીજાને ઈશારો પણ કર્યો. પણ કોઈ એમને જગાડવા તૈયાર નહોતું. કંપની-ડાયરેક્ટરને જગાડે કોણ? છેવટે દર વખત જેવું થયું. રમણ ટેબલ પાસે ગયો અને અવાજ થાય એ રીતે પાણીનો ગ્લાસ મૂક્યો. ‘સર.. સર.. તમારું મિનરલ વોટર.’ ‘હમ.. હં... શું.. ..હા. શું કહેતો હતો ઠક્કર.. તું...? મને જરા, યુ ન્વો..’ મિ.શેઠે નાક ઢસડતા રહ્યા. ‘ના સર... એ તો રમણ... તમારે માટે પાણી...’ ‘ઓહ.. યસ... થેંક્યું રમણ.’ અને થોડા ઠાવકાઈથી પાણીનો ઘૂંટડો ભર્યો ને ઠક્કર સાહેબને કહ્યું, ‘ઠક્કર, કેરીઓન. તું તારું ચાલુ રાખ.’ ‘જી.. જી... સર.. થેંક્ય સર.. તો હું એમ કહેતો હતો કે - આજનો મુદ્દો આપની સામે સ્પષ્ટ છે. અને એ વિશે આપ સૌ કોઈ જાણો છો. રહી વાત ગઈકાલે ફેક્ટરી સાઈટ પર થયેલા અકસ્માતના મુદ્દાની, તો હું એ. ચાર. હેડ તરીકે વધુ કશું ના કહી શકું પણ પોલિસી, રુલ્સ-રેગ્યુલેશન્સ અને કાદાકીય ગૂંચવણ તરફ ધ્યાન દોરી શકું’. એટલું કહી એણે હાથ ખંખેરી બંને હાથની હથેળી મસળી અને કટાણું હસી બેસી ગયા. હોલમાં સન્નાટો ફરી વળ્યો. બધાંની દૃષ્ટિ રમણ તરફ જતી રહી. રમણ તરત જ ચા-કોફી લેવા જતો રહ્યો. ને ફરી ગઈકાલે થયેલા અકસ્માત વિશે ચર્ચા જામી પડી. એક બીજા પર આક્ષેપ થતા રહ્યા. હું મૂક બની ગઈકાલના અકસ્માતના સાક્ષીની જેમ જ ઊભો હતો. મારું ગળું સૂકાતું હતું. એ.સી. હોલમાં પણ ગભરાટ થવા માંડી. એ બધાની આંગળીઓ મારા તરફ ઊંચકાતી રહી.

(૩)

રાઉન્ડ ટેબલ પર કંપનીના અધિકારીઓનાં વિકૃત પ્રતિબિંબ મને લાશની આજુબાજુ ફરતા ડાઘુઓ બની ડરાવતાં રહ્યાં. હું ત્યાંથી ભાગી છૂટવા માંગતો હતો પણ મારાથી એ થતું નહોતું. મારા કાને પ્રોડકશન, પ્રોજેક્ટ, સેફટી, હેલ્થ, વર્કર, લાશ, ફેક્ટરી, પોસ્ટમોર્ટમ, જેવા શબ્દોનો મારો સતત થઈ રહ્યો હતો. ‘શાંતિ..., તમે બધા શાંતિ રાખો..’ મિ.શેઠ ગુસ્સે ભરાયા અને ફરી બોલ્યા ‘-તો ઠક્કર, શું અપડેટ છે?’ અને પોતાનો સ્માર્ટ ફોન ચેક કર્યો.‘અપડેટ?’ ઠક્કર સાહેબ એની સામે તાકી રહ્યા.‘હા, પેલી લાશનું... ક્યાં પહોંચ્યું? એનોરીપોર્ટ પરફેક્ટ બનાવવો પડશે.’ ‘સર, હું એ રીપોર્ટના મુદ્દાની વાત જ...’‘અરે ઠક્કર સાહેબ, ભલા માણસ, તમે આમ મુદ્દો-મુદ્દો ના બોલો એને એક સામાન્ય ઘટના જ કહો.’ મિ.મોરેએ ઠક્કર સાહેબની વાતને કાપતાં કહ્યું. અને પોતના બન્ને હાથ ચારેય દિશામાં ફંગોળ્યા અને લાલ-પીળા થઇ ખુરશીમાં ઊંચા-નીચા થવા લાગ્યા. મિ.મોરેનું વર્તન ઠક્કર સાહેબને ના ગમ્યું એ ગુસ્સા સાથે બેસી રહ્યા અને તીખી નજરે મારી સામે જોયું. ‘હું તો ઘટના જ કહેતો હતો પણ તમારો આ લો-લેવલનો ફીલ્ડ ઓફિસર આશુતોષ કૈંક વધારે હોશિયાર છે. તે કાલના જોબ-એક્સિડન્ટને મુદ્દો બનાવી ગામમાં ફુલેકુ ફેરવવા નીકળ્યો છે’. ઠક્કર સાહેબનું બોલવાનું પૂરું થતાં જ હું ચૂપ ન રહી શક્યો. ‘ઠક્કર સાહેબ! બોલવામાં થોડો સંયમ રાખો. તમે પહેલાં લાશ... લાશ...બોલવાનું બંઘ કરો.’ ‘આશુતોષ... લિમિટમાં...’ મિ.મોરેએ ટેબલ પર હાથ પછાડતાં કહ્યું. ‘સાહેબ, હું લિમિટમાં જ છું. પણ..’ ઠક્કર સાહેબે થોડી હળવાશ સાથે મને કહ્યું ‘જો ભાઈ, તું આ અકસ્માતને સમજતો નથી, અમારે એનાલિસિસ કરવું પડે. તેં જે રિપોર્ટ લખી આપ્યો છે, એમાં થોડો સુધારો કરવો જ પડશે. આપણી કંપનીનાં રેપ્યુટેશનનો સવાલ છે. અને આ લેબરો, એ તો..... આ બધા.... આ રીતે જ...’

(૪)

ઠક્કર સાહેબે અટકીને પાણી પીધું અને બધા મેમ્બરોનાં મન વાંચતા હોય એ રીતે ફરી બોલવાનું શરૂ કર્યું. ‘આશુતોષ, તે આપેલા રીપોર્ટમાં થોડો ફેરફાર કરીશું એટલે કે એની લાશ...’ મેં એમને અટકાવ્યા. ‘સાહેબ, એનું નામ હરિકાંત લોહિયા છે.’ એટલું કહી મેન્ટેનન્સના એચ.ઓ.ડી યાદવ સાહેબ સામે જોયું અને ફરી કહ્યું, ‘બિહાર... દરભંગા... બિહાર.’ યાદવ સાહેબે ગુજરાતી સમજતા હોવા છતાં મારી સામે જોતાં, પોતાના ભરખમ બેડોળ શરીરને ખુરશીમાં સરખું કર્યું. ‘દરભંગા...ઓહ...બિહાર. હમે તો માલૂમ હી નહિ થા…’ ‘યાદવ, આપ ચૂપ રહીએ’ ઠક્કર સાહેબ ટેબલ પર હાથ પછાડતાં તાડૂક્યા. ‘નહિં વો તો મૈં... ચલીએ જાને દિજીએ એક્સિડન્ટ કી હી તો બાત હૈ! ઔર યહાઁ હજારો લોગ આતે-જાતે હૈ.. હર નથુ એરે-ગૈરે કો તો... મેં...’ એટલું કહી યાદવ સાહેબે પોતાની ડાયરીનાં પાનાં ઉથલાવવા માંડ્યા. મેં ફરી બધાને રિક્વેસ્ટ કરી અને હાથ જોડી કહેવાનું શરૂ કર્યું: “સાહેબ, ગરીબ માણસ હતો ઘરમાં એકલો જ કમાતો હતો - ‘બે લાખ આપીશું ને... બાકી એના પી.ઍફ.ના ગવર્ન્મેન્ટ આપશે, બીજું શું?’ ઠક્કર સાહેબ બોલતા હતા ત્યાં જ રમણે ચા-કોફીની ટ્રે ધ્રૂજતા હાથે ટેબલ પર મૂકી. ‘સાહેબ, બને તો એનું બોડી એના વતન પહોંચે તો..’ મારું વાક્ય પૂરું થાય એ પહેલા ઠક્કર સાહેબે ચાને ફૂંક મારીને બોલવાનું શરુ કર્યું, ‘અરે... યાર તું સમજતો નથી; ગુજરાતથી બિહાર સુધી લાશ પહોંચાડતા કેટલો સમય લાગે... કેટલા સ્ટેટ વચ્ચે આવે...એમાં પાછી મેડિકલ ગવર્ન્મેન્ટ એજન્સી... તું એક કામ કર, અત્યારે બહાર બેસ... હું તને પછી બોલાવું.’ હું હજી દરવાજે પહોંચ્યો ત્યાં કોઈ બોલ્યું ‘છોકરો કહેવાય એને આ બધાની શું ગતાગમ પડે; -એટલે જ આ બે-કોડીના માણસો અવાજ ઉઠાવી શકતા નથી...પાછા હીરો બનવા નીકળી પડે...સારું છે કે સરકારે હવે યુનિયનને તાળાં મારી દીધાં...’ છેલ્લું વાક્ય સાંભળતાં જ મારા રુંવે-રુંવે બળતરા થવા લાગી. હું બહાર વિઝિટિંગ રૂમમાં ગોઠવાયેલા સોફા પર ફસડાઈ પડ્યો, વિઝિટિંગ રૂમમાં નજર ફેરવી. અંદર શું વાતો થતી હશે એનો અંદાજ લગાવતો રહ્યો. મનને ચેન પડતું નહોતું, ગૂંગળામણ જેવું થવા લાગ્યું. નરમ સોફામાં હું અંદર ગરકાવ થતો હોઉં એવું લાગ્યું. એકાએક હું સોફા પરથી ઊભો થઇ ગયો. સામેની દિવાલે ગોલ્ડન ફ્રેમ ટીંગાડેલી હતી એમાં કંપનીની પોલિસી સોનેરી શબ્દોમાં ચમકતી હતી. છેલ્લા ૨૬ વર્ષથી આ પોલિસી અગણિત વાર વાંચેલી, હવે તો એ ગોખાઈ ગઈ છે. પણ સમજાતી નથી. એમાં જે કંઈ ભારેખમ શબ્દોથી લખ્યું છે, એવું કશું મેં પ્રેક્ટિકલી જોયું જ નથી! પણ હા એના વિરુદ્ધનું...

(૫)

કોન્ફરન્સ હોલના દરવાજાનો અવાજ સંભળાયો... ત્યાં થતી હા... હા... હી... હી... જેવું તીણું સંભળાયું. રમણ હાથમાં ટ્રે લઈ બહાર આવ્યો, ચારે-બાજુ જોઈને એ ઝડપથી મારી પાસે આવી બોલ્યો ‘આશુતોષ સાહેબ, અંદર આ બધાને દયા હોય એવું લાગતું નથી, મરેલા માણસને ફરી મારવા બેઠા છે... પૈસા-પાવરના જોરે કદાચ કેસ બદલાઈ કાં દબાઈ જશે.’ એ થોડી વાર ચૂપ રહી મારા ચહેરાને જોતો રહ્યો અને મને વિનંતી કરતો હોય એમ કહેવા લાગ્યો. ‘સા’બ, નાના મોઢે મોટી વાત... કે’ તમે આ બધામાં ના પડતા, ગમે એમ આપણે નોકર માણસ...અને આપણે આપણા ઘરબારનુંય જોવાનું... ને તમારાં છોકરાંવ હવે મોટા થતાં જાય છે, એમના ભણતર-ગણતરનું પહેલાં જોજો... કંઈક ઊંધું-ચત્તું થાય તો પહેલાં આપણા શુક્લ સાહેબ જેવું થશે...’ એનું ગળું રૂંધાયું. હું રમણની લાચારીભરી આંખોમાં મજૂરીની ભીનાશ જોતો રહ્યો. ‘તમે પણ સંભાળજો, પેલા બિલ્ડર છોકરાનું આયખું ટૂંકું તે મૂઓ...પણ ભલા માણસ, તમે કંપની વિરુદ્ધ કશું ના બોલતા, નકર એની લાશ પણ આ લોકો એના વતન નઈ પોંગવા દે.’ વિઝિટિંગ રૂમમાં કંઈ સંચાર થતાં રમણ ગભરાઈને મારી પાસેથી જતો રહ્યો. હું ફરી સોફામાં ગોઠવાયો; મેં ઘડિયાળમાં જોયું - બપોરના બાર વાગ્યા હતા. હું થોડી વાર ઘડિયાળના કાંટાને જોતો જ રહ્યો. ઘડિયાળના કાંટા એન્ટિક્લોકવાઈઝ ફરવા માંડ્યા... ગઈકાલનો આખો ઘટનાક્રમ મારા મન મસ્તિષ્કમાં ઘુમરાવા લાગ્યો. ‘સાહેબ આપ મેરી ફિકર મત કીજિયે, યે તો હમારા હરદિન કા કામ હૈ; થોડી દેર મેં ખતમ કર દુંગા, બસ આપ વર્કપરમિશન પાસ કરા લીજિયે’. હરિકાંતે ગઇકાલે આ જ સમયે મને સાઈડ પર કહ્યું હતું. ‘વર્કપરમિશન મળી જશે, પરમિટ બને એટલી વાર, પણ ત્યાં સુધી તું ઉપર ચડતો નહિ... અને તું પહેલાં સેફ્ટી બેલ્ટ, ગ્લોવ્ઝ, હેલ્મેટ વ્યવસ્થિત પહેરી લે.’ મેં હંમેશની જેમ સૂચનાઓ એને ગુજરાતીમાં આપી. એ જ્યારે ફેક્ટરીમાં નવો-નવો જોડાયો હતો ત્યારે તેને ગુજરાતી સમજાતું નહોતું પણ હવે તો ભાંગ્યુંતૂટ્યું ગુજરાતી બોલતો થઈ ગયો હતો. ‘ફિકર નોટ બધ્ધું જ બરોબર છે.’

(૬)

‘તારું કપાળ... તેરા સીર... પાવ મેં તો જૂતે ફટે હુએ હૈ, મેંને તુમ્હે કલ હી કહા થા... અચ્છે જૂતે પહન કે આના. અને તું…!’ ‘અરે ‘સાહેબ હરરોજ આપ ભી..! કોન્ટ્રાક્ટર ટાઈમ પે દેતા નહીં એટલે જૂતાં નથી... સાહેબ તમે કૈ દો ને એકવાર, તો તમારું સાંભળશે...’ એ બાવા હિન્દીમાં બોલ્યો. મને હસવું આવ્યું અને મેં એને કહ્યું, ‘ઠીક છે કાલે હું તારા માટે સેફ્ટી શૂઝ લેતો આવીશ.’ એણે પોતાના વિખરાયેલા વાળ સરખા કર્યા. હેલ્મેટ પહેર્યું. હાથના ગ્લોઝ સરખા કર્યા. ‘સા’બ આપને ખાના ખા લિયા?’ એણે પૂછ્યું. હું એની સામે જોતો રહ્યો. ત્રેવીસ વર્ષનો આ જુવાન ઓગણીસ વર્ષનો હતો ત્યારથી મારી અંડરમાં કામ કરતો હતો. ગમે તેવું સારું-નરસું કામ કરતાં અચકાતો નહીં. હમેશાં હસતું મોઢું રાખી મળતો. દિવસમાં સાત-આઠ વખત પોતાના વતન દરભંગાની વાતો કર્યા વગર રહેતો નહીં. - અમારે નાનકડું ખેતર છે. ઉસ મેં - હમારા ઘર ઐસા હૈ કિ...હમારે પાપા...હમરી માં...મેરી બહેન, મેરે રિસ્તેદાર, પડોશી, ગય્યા, ખેત-ખલિયાન... જ્યારે એ પોતાના વતનની વાત કરતો ત્યારે એની આછી કથ્થઈ આંખમાં આશાની વણથંભી હારમાળા જોવા મળતી. ગરીબ માવતરનો છોકરો, સારા જીવનની શોધમાં હજારો કિલોમીટર દૂર અજાણ્યા સ્થળે; સારું જીવન પોતાને માટે જ નહીં, પણ ઘરના દરેક સભ્ય માટે મેળવવાની મથામણ કરતો છેલ્લાં પાંચ-છ વર્ષની કાળી મજૂરી દિવસ-રાત કરતો રહેતો... ‘સા’બ આપ ખાના ખાં લો.’ ‘ના તું કામ પૂરું કરી આવ, પછી આપણે સાથે જમીશું.’ ‘ઠીક છે સાહેબ. આજ તો મેં સત્તુ લાયા હૂં.’

(૭)

અમારી વાતો ચાલતી હતી ત્યારે વર્કપમિશનનો કોલ આવી ગયો. મેં એને કામ કરવાની હા પાડી બે-ચાર સૂચનાઓ આપી; અને એ હાં--હાં ઠીક છે કરતો રેલિંગ પર કામ કરવા જતો રહ્યો. એ હજી ગયો ને દસ મિનિટ જ થઇ હતી, ત્યાં જ એક મોટો અવાજ થયો. એક અચાનક ચીસ સંભળાઈ, જ્યાંથી અવાજ થયો હું એ બાજુ દોડ્યો. આજુ-બાજુ કામ કરતા લેબરો અને વર્કરો ભેગા થઇ ગયેલા. ત્યાં ટોળું થઇ ગયું. ‘ક્યાં હુઆ..?’ ‘અરે હરિ... એ તો હરિ છે! ‘કોઉંન હરિ?’ ‘કંપની કા યા એજન્સીવાલા? મને સમજતાં વાર ન લાગી. હું ઝડપથી હરિકાંત પાસે પહોંચ્યો, એ અકસ્માતનો ભોગ બની તરફડી રહ્યો હતો. જે કંઈક બોલતો હોય એવું લાગ્યું. ‘સા’..બ... મેરા ઘર... દરભંગા...’ ને પછી ક્લોરિન ગેસની તીખી દુર્ગંધ, ધૂળની મેલી ડમરી અને મશીનોના અવાજ વચ્ચે... મેં તેની અધખુલી કથ્થઈ આંખોનાં પાંપણ પર હાથ ફેરવ્યો. ‘સાહેબ... લ્યો આ તમારી હાટુ ચા લઈ આવ્યો છું...’ રમલો ચાનો કપ મારી સામે લંબાવતાં બોલ્યો. હું એકાએક ભૂતકાળની યાદોમાંથી બહાર આવ્યો. ‘ના, મારે નથી પીવી.’ ‘સાહેબ તમે કાલનું કશું ખાધું પીધું નથી. ચોવીસ કલાકથી આયા એમનેમ છો. જે થયું એમાં આપણે શું કરી શકીએ? અને ભૂખ્યા તો કાંઈ ના થાય. અહિયાં તો આવું જ ચાલ્યા કરશે; માણાનાં મોઢે ડાટા લાગી જાહે પણ કાળા ધૂમાડા ઓકતા ભૂંગળાને દાટા નહીં લાગે. હું વિઝિટિંગ રૂમમાં બેઠો અને અડધા કલાક જેવું થયું હશે ત્યાં ફરી પટાવાળો આવ્યો ને મને કોન્ફરન્સરૂમમાં જવાનું કહ્યું. હું થોડો ગભરાયેલો પણ અંદર ગયો, ને જ્યાં પહેલાં ઊભો હતો ત્યાં જ ઊભો રહ્યો. ‘અરે... આશુતોષ... બેસ બેસ... કેમ ઊભો છે?’

(૮)

ઠક્કર સાહેબે હસીને મને બેસવા કહ્યું. હોલનું વાતાવરણ થોડું બદલાયેલું લાગ્યું. બધાનાં ચહેરા પર છેલ્લા ચોવીસ કલાકનો જે અજંપો વરતાતો હતો એ હળવો થયો હતો... ‘આશુતોષ, સંયમ રાખી શાંતિથી સાંભળ અને અમે જે કહીએ એ સમજવા પ્રયત્ન કરજે.’ મિ.શેઠે પોતાના ટાલિયા માથા પર હાથ ફેરવતા કહ્યું અને પછી ઠક્કર સાહેબ સામે જોતાં બોલ્યા... ‘ઠક્કર, બોલો.’ ‘જો ભાઈ, સાંભળ, ગઈ કાલે જે થયું એનો તું સાક્ષી છું. એટલે જ તને આજે મિટિંગમાં બોલાવ્યો છે. અને તને ખબર છે કે જો આ કેસ બરોબર હેન્ડલ ના થયો, તો કંપની અને આપણા ઉપર મુસીબત આવવાની પૂરી શક્યતા છે. પણ હવે એ મુસીબત ટળી ગઈ છે. બધું જ સેટલ થઈ ગયું છે. બસ તારે આ રીપોર્ટ ઉપર સહી કરવાની છે.’ એટલું કહી એમણે એક ટાઈપ કરેલા રીપોર્ટવાળો કાગળ મારી સામે ધર્યો... અને ફરી બોલ્યા, ‘આવતા મહિને પ્રમોશન આવવાનું છે. લિસ્ટમાં સૌથી પહેલાં તારું નામ રાખેલું છે.’ મેં રીપોર્ટ પર નજર ફેરવી. હરિકાંતનું હાર્ટફેલ થતાં પોતાનું બેલેન્સ જાળવી શક્યો નહીં અને... એને બચાવવા પૂરતા પ્રયત્ન કર્યા પણ... સાથે બીજો એક રીપોર્ટ જોડાણ કરેલો હતો: ‘પોસ્ટમોર્ટમમાં એ જાણવા મળ્યું કે એનું હૃદય નબળું હતું જેથી... તેથી...પણ.. એમાં...તેમાં... મને ચક્કર આવવા જેવું થયું. થોડીવાર આંખે અંધારાં આવી ગયાં. હૃદયના ધબકારા હું સાંભળી શકું એટલા તેજ ધબકતા હતા. ‘અરે રે... લે... પાણી...’ ઠક્કર સાહેબે મારી સામે પાણીનો ગ્લાસ ધર્યો. અને કહ્યું, ‘જો ભાઈ, તું સાઈન કરે કે ના કરે, એનાથી કશો ફરક પડવાનો નથી. છેવટે આપણે બધા કંપનીના નોકર જ છીએ. અહીં તો હરિકાંત જેવા કેટલાય પોતાની રોજી રોટી માટે કંપની પર નિર્ભર છે... એ લોકોનું પણ વિચાર ને સહી કરી દે.’ મને સમજાઈ ગયું કે હવે કશું નહિ થઇ શકે. ‘સાહેબ, એક નમ્ર અપીલ છે કે હરિ...એટલે એનાં વતન સુધી....’ શબ્દો ગોઠવતાં અચકાતાં મેં કહેવાનું શરૂ કહ્યું. પણ પૂરું કહી ના શક્યો. ‘મરેલાને ભૂલી જા, અને જે જીવતા છે એનો વિચાર કર" સામે બસ એટલું જ સાંભળવા મળ્યું.

(૯)

‘તો મિત્રો આજની આ મિટિંગ પૂરી કરીએ. બધું જ ગોઠવાઈ ગયું છે. હવે આ વાત અહીં પૂરી કરીએ છીએ.. અને કંપનીના એન્યુઅલ ડે-ની ઉજવણી નજીક આવે છે તો તેની તૈયારીમાં લાગી જઈયે...’ મિ. શેઠે જાહેરાત કરી કે તરત જ હોલ ખાલી થઈ ગયો. હું હજીયે ત્યાં જ ઊભો રહી બધાંને જતા જોઈ રહ્યો. ‘સાહેબ મેરા ઘર...’ હરિકાંતના શબ્દો જ મારી સાથે હતા. હું ઘરે પહોંચ્યો... ઘરમાં બધાં હાજર હતાં. હું પણ હાજર થઈ ગયો. મારા મોબાઈલમાં મેસેજ આવ્યો ‘લાશ પહોંચાડવાની વ્યવસ્થા થઈ ગઈ છે.’ ને મેં એક ઊંડો શ્વાસ લીધો...

= = =

સમ્પાદકીય સમીક્ષાત્મક નોંધ

નિરૂપણની બાબતે જિજ્ઞેશની આ વાર્તા સફળ ગણાય: હરિકાંતને થયેલા અકસ્માતના પ્રસંગનો આછો નિર્દેશ, કમ્પની માટે હરિકાંતના અકસ્માતથી ઊભી થયેલી મુસીબત, નાજુક પરિસ્થિતિ, શેઠથી માંડીને ઠક્કર સાહેબે અને સૌએ એમાંથી છૂટીને એટલે કે ભીનું સંકેલીને કમ્પનીનું રેપ્યુટેશન બચાવવા કરેલો આશુતોષના ઉપ-યોગનો નિષ્ફળ પ્રયાસ, બનાવટી રીપોર્ટ, હરિકાંતને વતન એની લાશ પ્હૉંચાડવા માટે થયેલી આનાકાની, અને આશુતોષને છેલ્લે મળેલો મૅસેજ કે લાશ પ્હૉંચાડવાની વ્યવસ્થા થઈ ગઈ છે, એમ બધા જ પ્રસંગો પૂરેપૂરી વીગતોમાં કહેવાયા છે. આ નિરૂપણથી એક દુખદ ઘટનાનો પૂરો ઇતિહાસ જાણવા મળે છે.

જોકે એ ઇતિહાસ માટે રચનામાં પ્રયોજાયેલા ‘પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર’-નો વાર્તાકારે ખાસ્સો લાભ ઉઠાવ્યો છે. કથક આશુતોષ અકસ્માતના સ્થળે હાજર હતો તેમજ મીટિન્ગમાં પણ હાજર છે, એની એ પૂરેપૂરી હાજરીને કારણે ઘટનાની રજે રજ બાબત વિશે કહી શક્યો છે. વાર્તાકાર એમ એની પાછળ પડ્યા તે સારું થયું, પણ એટલા બધા ન પડ્યા હોત તો સારું થાત. એ કારણે સંભવ છે કે કોઈ કોઈ વાચકોને એનું વજન લાગે. પરન્તુ ઠકકર સાહેબ, શેઠ કે રમણ, સૌ પાત્રોની વ્યક્તિતાને પામી જવાય એવી એમની બોલચાલ, મીટિન્ગનો બરાબરનો ચીતાર, આશુતોષની મૂંઝવણ, વગેરે માટે પ્રયોજાયેલી ક્રિયાઓ દર્શાવતી ભાષા, અને રીપોર્ટ-નિમિત્તે સધાયેલો માનવતાવાદી હેતુ એ ઇતિહાસને વાર્તાના રૂપમાં રજૂ કરે છે, એની નૉંધ લેવી જોઈશે.

ક્રિયાઓ દર્શાવતી ભાષાના કેટલાક દાખલા -- (નિરૂપણમાં વધારે ઉપકારક શબ્દો કે શબ્દગુચ્છોને મેં અવતરણચિહ્નમાં મૂકીને હાઇલાઇટ કર્યા છે). -- હું બહાર વિઝિટિંગ રૂમમાં ગોઠવાયેલા સોફા પર ‘ફસડાઈ પડ્યો’, વિઝિટિંગ રૂમમાં નજર ‘ફેરવી’. અંદર શું વાતો થતી હશે એનો અંદાજ લગાવતો રહ્યો. મનને ચેન પડતું નહોતું, ગૂંગળામણ જેવું થવા લાગ્યું. નરમ સોફામાં હું અંદર ‘ગરકાવ થતો હોઉં એવું’ લાગ્યું. એકાએક હું સોફા પરથી ‘ઊભો થઇ ગયો’. સામેની દિવાલે ગોલ્ડન ફ્રેમ ટીંગાડેલી હતી એમાં કંપનીની પોલિસી સોનેરી શબ્દોમાં ચમકતી હતી. છેલ્લા ૨૬ વર્ષથી આ પોલિસી અગણિત વાર વાંચેલી, હવે તો એ ગોખાઈ ગઈ છે. પણ સમજાતી નથી. એમાં જે કંઈ ભારેખમ શબ્દોથી લખ્યું છે, એવું કશું મેં પ્રેક્ટિકલી જોયું જ નથી! પણ હા એના વિરુદ્ધનું... -- ઠક્કર સાહેબે ખુરશીએથી ઊભા થઇ પોતાનાં ચશ્માં સરખા કરી, ‘ઝીણી નજરે’ મારી સામે જોયું. હું ‘હજી’ ઊભો હતો. -- હોલમાં સન્નાટો ‘ફરી વળ્યો’. -- રાઉન્ડ ટેબલ પર કંપનીના અધિકારીઓનાં ‘વિકૃત પ્રતિબિંબ’ મને ‘લાશની આજુબાજુ’ ફરતા ‘ડાઘુઓ’ બની ‘ડરાવતાં’ રહ્યાં. -- હું તો ઘટના જ કહેતો હતો પણ તમારો આ લો-લેવલનો ફીલ્ડ ઓફિસર આશુતોષ કૈંક વધારે હોશિયાર છે. તે કાલના જોબ-એક્સિડન્ટને મુદ્દો બનાવી ગામમાં ‘ફુલેકુ ફેરવવા’ નીકળ્યો છે’. -- યાદવ સાહેબે ગુજરાતી સમજતા હોવા છતાં મારી સામે જોતાં, પોતાના ‘ભરખમ બેડોળ’ શરીરને ખુરશીમાં ‘સરખું’ કર્યું. ‘દરભંગા...ઓહ...બિહાર. હમે તો માલૂમ હી નહિ થા...’ -- સાથે બીજો એક રીપોર્ટ જોડાણ કરેલો હતો: ‘પોસ્ટમોર્ટમમાં એ જાણવા મળ્યું કે એનું હૃદય નબળું ‘હતું’ જેથી... તેથી...પણ.. એમાં...તેમાં...’ -- મને ચક્કર આવવા જેવું થયું. થોડીવાર આંખે અંધારાં આવી ગયાં. હૃદયના ધબકારા હું સાંભળી શકું ‘એટલા તેજ ધબકતા’ હતા. -- ‘સાહેબ, બને તો એનું બોડી એના વતન પહોંચે તો..’ મારું વાક્ય પૂરું થાય એ પહેલા ઠક્કર સાહેબે ‘ચાને ફૂંક મારીને’ બોલવાનું શરૂ કર્યું, ‘અરે... ‘યાર’ તું સમજતો નથી;

= = =