સાહિત્ય પલ્લવ – ભાગ ૧/‘આત્મકથા’માંથી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
‘આત્મકથા’માંથી

મોહનદાસ કરમચંદ ગાંધી

સાતમે કે આઠમે દહાડે હું ડરબનથી રવાના થયો. મારે સારુ પહેલા વર્ગની ટિકિટ કઢાવી. ત્યાં સુવાની પથારી જોઈએ તો પાંચ શિલિંગની નોખી ટિકિટ કઢાવવી પડતી હતી. અબદુલ્લા શેઠે તે કઢાવવા આગ્રહ કર્યો, પણ મેં હઠમાં, મદમાં ને પાંચ શિલિંગ બચાવવા પથારીની ટિકિટ કઢાવવાની ના પાડી. અબદુલ્લા શેઠે મને ચેતવ્યો, ‘જોજો. આ મુલક જુદો છે, હિંદુસ્તાન નથી. ખુદાની મહેરબાની છે. તમે પૈસાની કંજૂસાઈ ન કરજો. જોઈતી સગવડ મેળવી લેજો.’ મેં આભાર માન્યો ને તેમને ચિંતા ન કરવા કહ્યું. નાતાલની રાજધાની મૅરિત્સબર્ગમાં ટ્રેન નવેક વાગ્યે પહોંચી. અહીં પથારી આપવામાં આવતી હતી. કોઈ રેલવેના નોકરે આવી પૂછ્યું, ‘તમારે પથારી જોઈએ છે? ‘ મેં કહ્યું, ‘મારી પાસે મારી પથારી છે.’ તે ચાલ્યો ગયો. દરમ્યાન એક ઉતારુ આવ્યો. તેણે મારી સામે જોયું. મને ભાતીગર જોઈ મૂંઝાયો. બહાર નીકળ્યો. એક બે અમલદારોને લઈ આવ્યો. કોઈએ મને કંઈ ન કહ્યું. છેવટે એક અમલદાર આવ્યો. તેણે કહ્યું, ‘આમ આવો. તમારે છેલ્લા ડબામાં જવાનું છે.’ મેં કહ્યું, ‘મારી પાસે પહેલા વર્ગની ટિકિટ છે.’ પેલે જવાબ આપ્યો, ‘તેની ફિકર નહિ. હું તમને કહું છું કે તમારે છેલ્લા ડબામાં જવાનું છે.’ ‘હું કહું છું કે, મને આ ડબામાં ડરબનથી બેસાડવામાં આવ્યો છે ને હું તેમાં જ જવા ધારું છું.’ અમલદાર બોલ્યો, ‘એમ નહિ બને. તમારે ઊતરવું પડશે ને નહિ ઊતરો તો સિપાઈ ઉતારશે.’ મેં કહ્યું, ‘ત્યારે ભલે સિપાઈ ઉતારે, હું મારી મેળે નહિ ઊતરું.’ સિપાઈ આવ્યો. તેણે હાથ પકડ્યો ને મને ધક્કો મારીને નીચે ઉતાર્યો. મારો સામાન ઉતારી લીધો. મેં બીજા ડબામાં જવાની ના પાડી. ટ્રેન રવાના થઈ, હું વેટિંગ રૂમમાં પેઠો. મારું હાથપાકીટ સાથે રાખ્યું. બાકી સામાનને હું ન અડક્યો. રેલવેવાળાએ સામાન ક્યાંક મૂક્યો. આ મોસમ શિયાળાની હતી. દક્ષિણ આફ્રિકાનો શિયાળો ઊંચાણના ભાગોમાં બહુ સખત હોય છે. મૅરિત્સબર્ગ ઊંચા પ્રદેશમાં હતું તેથી ટાઢ ખૂબ લાગી. મારો ઓવરકોટ સામાનમાં હતો. સામાન માગવાની હિંમત ન ચાલી. ફરી અપમાન થાય તો? ટાઢે થથર્યો. કોટડીમાં દીવો નહોતો. મધરાતને સુમારે એક ઉતારુ આવેલો. તે કંઈ વાત કરવા માગતો હોય એમ લાગ્યું, પણ હું વાત કરવાની મનોદશામાં નહોતો. મેં મારો ધર્મ વિચાર્યો : ‘કાં તો મારે મારા હકોને સારુ લડવું અથવા પાછા જવું, નહિ તો જે અપમાનો થાય તે સહન કરવાં ને પ્રિટોરિયા પહોંચવું, અને કેસ પૂરો કરીને દેશ જવું. કેસ પડતો મૂકીને ભાગવું એ તો નામર્દી ગણાય. મારા ઉપર દુ:ખ પડ્યું તે તો ઉપરચોટિયું દરદ હતું; ઊંડે રહેલા એક મહારોગનું તે લક્ષણ હતું. આ મહારોગ તે રંગદ્વેષ. એ ઊંડો રોગ નાબૂદ કરવાની શક્તિ હોય તો તે શક્તિનો ઉપયોગ કરવો. તેમ કરતાં જાત ઉપર દુ:ખ પડે તે બધાં સહન કરવાં. અને તેનો વિરોધ રંગદ્વેષ દૂર કરવા પૂરતો જ કરવો.’ આવો નિશ્ચય કરી બીજી ટ્રેનમાં ગમે તે રીતે પણ આગળ જવું જ એમ નિશ્ચય કર્યો. સવારના પહોરમાં મેં જનરલ મૅનેજરને ફરિયાદનો લાંબો તાર કર્યો. દાદા અબદુલ્લાને પણ ખબર આપ્યા. અબદુલ્લા શેઠ તુરત જનરલ મૅનેજરને મળ્યા. જનરલ મૅનેજરે પોતાનાં માણસોના વર્તનનો બચાવ કર્યો, પણ જણાવ્યું કે મને વગર હરકતે મારે સ્થળ પહોંચાડવા સ્ટેશન-માસ્તરને ભલામણ કરી છે. અબદુલ્લા શેઠે મૅરિત્સબર્ગના હિંદુ વેપારીઓને પણ મને મળવા ને મારી બરદાસ કરવા તાર કર્યો ને બીજાં સ્ટેશનોએ પણ તેવા તારો મોકલ્યા. તેથી વેપારીઓ મને સ્ટેશન ઉપર મળવા આવ્યા. તેમણે પોતાની ઉપર પડતાં દુઃખોનું વર્ણન મારી પાસે કર્યું અને મને કહ્યું કે તમારા ઉપર વીત્યું તે કંઈ નવાઈની વાત નથી. પહેલા બીજા વર્ગમાં હિંદીઓ મુસાફરી કરે તેને અમલદારો તેમ જ મુસાફર તરફથી અડચણ તો પહોંચે જ. આવી વાતો સાંભળવામાં દિવસ ગયો. રાત પડી. ટ્રેન આવી. મારે સારુ જગ્યા તૈયાર જ હતી. જે પથારીની ટિકિટ લેવા મેં ડરબનમાં ના પાડી હતી તે મૅરિત્સબર્ગમાં લીધી. ટ્રેન મને ચાર્લ્સટાઉન લઈ ચાલી. ચાર્લ્સટાઉન ટ્રેન સવારે પહોંચે. ચાર્લ્સટાઉનથી જોહાનિસબર્ગ સુધી પહોંચવાને સારુ તે કાળે ટ્રેન નહોતી પણ ઘોડાનો સિગરામ હતો. અને વચમાં સ્ટૅન્ડરટનમાં એક રાત રહેવાનું હતું. મારી પાસે સિગરામની ટિકિટ હતી. એ ટિકિટ કાંઈ હું એક દિવસ મોડો પહોંચ્યો તેથી રદ થતી નહોતી. વળી અબદુલ્લા શેઠે ચાર્લ્સટાઉન સિગરામવાળા ઉપર તાર પણ મોકલાવ્યો હતો. પણ એને તો બહાનું જ કાઢવું હતું તેથી મને કેવળ અજાણ્યો ગણી કહ્યું, ‘તમારી ટિકિટ તો રદ થઈ છે.’ મેં યોગ્ય જવાબ આપ્યો. ટિકિટ રદ થઈ છે એમ મને કહેવાનું કારણ તો જુદું જ હતું. ઉતારુઓ બધા સિગરામની અંદર જ બેસે. પણ હું તો ‘કુલી’ ગણાઉં, અજાણ્યો લાગું, તેથી મને ગોરા ઉતારુઓની પાસે બેસાડવો ન પડે તો સારું, એવી સિગરામવાળાની દાનત. સિગરામની બહાર, એટલે હાંકનારને પડખે ડાબી અને જમણી બાજુએ, એમ બે બેઠકો હતી. તેમાંની એક બેઠક ઉપર સિગરામની કંપનીનો એક મુખી ગોરો બેસતો. એ અંદર બેઠો અને મને હાંકનારની પડખે બેસાડ્યો. હું સમજી ગયો કે આ કેવળ અન્યાય જ છે, અપમાન છે. પણ મેં એ અપમાનને પી જવું યોગ્ય ધાર્યું. મારાથી બળજોરી કરીને અંદર બેસી શકાય એવું તો નહોતું જ. હું તકરારમાં ઊતરું તો સિગરામ જાય અને વળી મારે એક દિવસની ખોટી થાય; ને બીજે દિવસે વળી શું થાય એ તો દૈવ જાણે. એટલે હું ડાહ્યો થઈને બહાર બેસી ગયો. મનમાં તો ખૂબ કોચવાયો. ત્રણેક વાગ્યે સિગરામ પારડીકોપ પહોંચ્યો. હવે પેલા ગોરા મુખીને હું જ્યાં બેઠો હતો ત્યાં બેસવાની ઇચ્છા થઈ. તેને બીડી પીવી હતી. જરા હવા પણ ખાવી હશે. એટલે એણે એક મેલું સરખું ગૂણિયું પડ્યું હતું તે પેલા હાંકનારની પાસેથી લઈ પગ રાખવાના પાટિયા ઉપર પાથર્યું ને મને કહ્યું, ‘સામી, તું અહીંયાં બેસ, મારે હાંકનારની પાસે બેસવું છે.’ આ અપમાન સહન કરવા હું અસમર્થ હતો. તેથી મેં બીતાં બીતાં તેને કહ્યું, ‘તમે મને અહીં બેસાડ્યો એ અપમાન મેં સહન કરી લીધું; મારી જગ્યા તો અંદર બેસવાની, પણ તમે અંદર બેસીને મને અહીં બેસાડ્યો. હવે તમને બહાર બેસવાની ઇચ્છા થઈ છે અને બીડી પીવી છે, તેથી તમે મને તમારા પગ આગળ બેસાડવા ઇચ્છો છો. હું અંદર જવા તૈયાર છું, પણ હું તમારા પગની પાસે બેસવા તૈયાર નથી.’ આટલું હું માંડ કહી રહું તેટલામાં તો મારા ઉપર તમાચાનો વરસાદ વરસ્યો અને પેલાએ મારું બાવડું ઝાલીને મને નીચે ઘસડવા માંડ્યો. મેં બેઠકની પાસેના પીતળના સળિયા હતા તે ઝાડની જેમ પકડી રાખ્યા, અને કાંડું ખડે તોયે સળિયા નથી છોડવા એમ નિશ્ચય કર્યો. મારા ઉપર વીતી રહી હતી તે પેલા ઉતારુઓ જોઈ રહ્યા હતા. પેલો મને ગાળો કાઢી રહ્યો હતો, ખેંચી રહ્યો હતો, ને મારી પણ રહ્યો હતો, અને હું ચૂપ હતો. પેલો બળવાન ને હું બળહીન. ઉતારુઓમાંના કેટલાકને દયા આવી અને તેમનામાંના કોઈ બોલી ઊઠ્યા: ‘અલ્યા એ, એ બિચારાને ત્યાં બેસવા દે; તેને નકામો માર નહિ. તેની વાત સાચી છે. ત્યાં નહિ તો તેને અમારી પાસે અંદર બેસવા દે.’ પેલો બોલી ઊઠ્યો: ‘કદી નહિ.’ પણ જરા ભોંઠો પડ્યો ખરો. તેથી મને તેણે મારવાનું બંધ કર્યું, મારું બાવડું છોડ્યું. બેચાર ગાળો તો વધારે દીધી, પણ એક હૉટેન્ટૉટ નોકર પેલી બાજુએ હતો તેને પોતાના પગ આગળ બેસાડ્યો અને પોતે બહાર બેઠો. ઉતારુઓ અંદર બેઠા. સીટી વાગી. સિગરામ ચાલ્યો. મારી છાતી તો થડકતી જ હતી. હું જીવતો મુકામે પહોંચીશ કે નહિ એ વિષે મને શક હતો. પેલો મારી સામે ડોળા કાઢ્યાં જ કરે. આંગળી બતાવી બબડ્યાં કરે: ‘યાદ રાખ, સ્ટૅન્ડરટન પહોંચવા દે, પછી તને ખબર પાડીશ.’ હું તો મૂંગો જ રહ્યો અને મારી વહાર કરવા પ્રભુને અરજી કરતો રહ્યો. રાત પડી. સ્ટૅન્ડરટન પહોંચ્યા. કેટલાક હિંદી ચહેરા જોયા. મને કંઈક શાંતિ વળી. નીચે ઊતરતાં જ હિંદીઓએ કહ્યું: ‘અમે તમને ઈસા શેઠની દુકાને લઈ જવાને જ ઊભા છીએ. અમારા ઉપર દાદા અબદુલ્લાનો તાર છે.’ હું બહુ રાજી થયો. તેમની સાથે શેઠ ઈસા હાજી સુમારની દુકાને ગયો. મારી આસપાસ શેઠ અને તેમના વાણોતરો વીંટળાઈ વળ્યા. મારા ઉપર જે વીતી હતી તેની વાત કરી. તેઓ બહુ દિલગીર થયા અને પોતાના કડવા અનુભવો વર્ણવી મને આશ્વાસન આપ્યું. મારે તો સિગરામ કંપનીના એજંટને મારા ઉપર વીતેલી જણાવવી હતી. મેં એજંટ ઉપર ચિઠ્ઠી લખી, પેલા માણસે ધમકી આપી હતી તે પણ જણાવ્યું, અને સવારે આગળ મુસાફરી થાય ત્યારે મને અંદર બીજા ઉતારુઓને પડખે જગ્યા મળે એવી ખાતરીની માગણી કરી. ચિઠ્ઠી એજંટને મોકલી. એજંટે મને સંદેશો મોકલ્યો : ‘સ્ટૅન્ડરટનથી મોટો સિગરામ હોય છે અને હાંકનારા વગેરે બદલાય છે. જેની સામે તમે ફરિયાદ કરી છે તે માણસ આવતી કાલે નહિ હોય. તમને બીજા ઉતારુઓની પડખે જ જગ્યા મળશે.’ આ સંદેશાથી મને કાંઈક નિરાંત વળી. પેલા મારનારની ઉપર કાંઈ પણ કામ ચલાવવાનો વિચાર તો મેં કર્યો જ નહોતો, એટલે આ મારનું પ્રકરણ અહીં જ બંધ રહ્યું. સવારે મને ઈસા શેઠના માણસો સિગરામ પર લઈ ગયા. મને યોગ્ય જગ્યા મળી. કોઈ જાતની હલાકી વિના તે રાત્રે જોહાનિસબર્ગ પહોંચ્યો. સ્ટૅન્ડરટન નાનકડું ગામ. જોહાનિસબર્ગ વિશાળ શહેર. ત્યાં પણ અબદુલ્લા શેઠે તાર તો કર્યો જ હતો. મને મહમદ કાસમ કમરુદ્દીનની દુકાનનાં નામઠામ પણ આપ્યાં હતાં. તેમનો માણસ જ્યાં સિગરામ ઊભો રહેતો હતો ત્યાં આવેલ. પણ ન મેં તેને જોયો, ન માણસ મને ઓળખી શક્યો. મેં હોટેલમાં જવાનો વિચાર કર્યો. બેચાર હોટેલનાં નામ જાણી લીધાં હતાં. ગાડી કરી, ગ્રૅઁડ નેશનલ હોટેલમાં હાંકી જવા તેને કહ્યું. ત્યાં પહોંચતાં મૅનેજરની પાસે ગયો. જગ્યા માગી. મૅનેજરે ક્ષણ વાર મને નિહાળ્યો. વિવેકની ભાષાવાપરી. ‘હું દિલગીર છું, બધી કોટડીઓ ભરાઈ ગઈ છે,’ આમ કહી મને વિદાય કર્યો! એટલે મેં ગાડીવાળાને મહમદ કાસમ કમરુદ્દીનની દુકાને હાંકી જવાને કહ્યું. ત્યાં તો અબદુલ ગની શેઠ મારી રાહ જ જોઈ રહ્યા હતા. તેમણે મને વધાવી લીધો. હોટેલમાં મારા ઉપર વીતેલી વાત તેમને કહી બતાવી. તેઓ ખડખડ હસી પડ્યા. ‘હોટેલમાં તે વળી આપણને ઊતરવા દે કે?’ મેં પૂછ્યું: ‘કેમ નહિ?’ ‘એ તો જ્યારે તમે થોડા દિવસ રહેશો ત્યારે જાણશો. આ દેશમાં તો અમે જ રહી શકીએ. કારણ અમારે પૈસા કમાવા છે. એટલે, ઘણાંય અપમાનો સહન કરીએ છીએ, અને પડ્યા છીએ.’ એમ કહી તેમણે ટ્રાન્સવાલમાં પડતાં દુ:ખોનો ઇતિહાસ કહી સંભળાવ્યો. આ અબદુલ ગની શેઠનો પરિચય આપણે આગળ જતાં વધારે કરવો પડશે. તેમણે કહ્યું, ‘આ મુલક તમારા જેવાને સારુ નથી. જુઓને, તમારે કાલે પ્રિટોરિયા જવું છે. તેમાં તમને તો ત્રીજા વર્ગમાં જ જગ્યા મળશે. ટ્રાન્સવાલમાં નાતાલ કરતાં વધારે દુ:ખ. અહીં આપણા લોકોને પહેલા કે બીજા વર્ગમાં ટિકિટ આપતા જ નથી.’ મેં કહ્યું, ‘તમે એનો પૂરો પ્રયત્ન નહિ કર્યો હોય.’ અબદુલ ગની શેઠ બોલ્યા, ‘અમે કાગળવહેવાર તો ચલાવ્યો છે, પણ આપણા માણસો ઘણા પહેલા બીજા વર્ગમાં બેસવા ઇચ્છે પણ શાના?’ મેં રેલવેના કાયદા માગ્યા. તે જોયા. તેમાં બારી હતી. ટ્રાન્સવાલના અસલી કાયદાઓ બારીકીથી નહોતા ઘડાતા. રેલવેના ધારાનું તો પૂછવું જ શું હોય? મેં શેઠને કહ્યું, ‘હું તો ફર્સ્ટ ક્લાસમાં જ જઈશ.’ અને તેમ નહિ જવાય તો પ્રિટોરિયા અહીંથી સાડા ત્રીસ જ માઈલ છે ત્યાં હું ઘોડાગાડી કરીને જઈશ.’ અબદુલ ગની શેઠે તેમાં થતા ખર્ચ અને લાગતા વખત તરફ મારું ધ્યાન ખેંચ્યું. પણ મારી સૂચનાને અનુકૂળ થયા, અને સ્ટેશન-માસ્તર ઉપર ચિઠ્ઠી મોકલી. ચિઠ્ઠીમાં હું બારિસ્ટર છું એમ તેને જણાવ્યું; હંમેશાં પહેલા વર્ગમાં જ મુસાફરી કરું છું એમ પણ જણાવ્યું. પ્રિટોરિયા તુરત પહોંચવાની આવશ્યકતા તરફ તેનું ધ્યાન ખેંચ્યું; અને તેને લખ્યું કે, તેના જવાબની રાહ જોવા જેટલો મને વખત નહિ રહે તેથી એ ચિઠ્ઠીનો જવાબ લેવા હું પંડે જ સ્ટેશન ઉપર પહોંચીશ અને પહેલા વર્ગની ટિકિટ મેળવવાની આશા રાખીશ. આમાં મારા મનમાં થોડોક પેચ હતો. મેં એમ ધાર્યું હતું કે સ્ટેશન-માસ્તર લેખિતવાર જવાબ તો ‘ના’નો જ આપશે. વળી ‘કુલી’ બારિસ્ટર કોણ જાણે કેવાયે રહેતા હશે એ પણ એ કાંઈ વિચારી ન શકે. તેથી હું અણિશુદ્ધ અંગ્રેજી પોશાકમાં તેની સામે જઈ ઊભો રહીશ, અને તેની સાથે વાતો કરીશ એટલે સમજી જઈ તે કદાચ મને ટિકિટ આપશે. તેથી હું ફ્રૉકકોટ, નેકટાઈ વગેરે ચડાવીને સ્ટેશને પહોંચ્યો. માસ્તરની સામે ગીની કાઢીને મૂકી અને પહેલા વર્ગની ટિકિટ માગી. તેણે પૂછ્યું, ‘તમે જ મને ચિઠ્ઠી લખી છે કે?’ મેં કહ્યું, ‘એ જ હું. મને તમે ટિકિટ આપશો તો હું આભારી થઈશ. મારે પ્રિટોરિયા આજે પહોંચવું જોઈએ!’ સ્ટેશન-માસ્તર હસ્યો. તેને દયા આવી. તે બોલ્યો, ‘હું ટ્રાન્સવાલર નથી. હું હૉલેન્ડર છું. તમારી લાગણી સમજી શકું છું. તમારા તરફ મારી દિલસોજી છે. હું તમને ટિકિટ આપવા ઇચ્છું છું. પણ એક શરતે — જો તમને રસ્તામાં ગાર્ડ ઉતારી પાડે અને ત્રીજા વર્ગમાં બેસાડે તો તમારે મને સંડોવવો નહિ, એટલે કે, તમારે રેલવે ઉપર દાવો ન કરવો. હું ઇચ્છું છું કે તમારી મુસાફરી નિર્વિઘ્ને પાર ઊતરો. તમે સજ્જન છો એમ હું જોઈ શકું છું.’ આમ કહી તેણે ટિકિટ કાપી. મેં તેનો ઉપકાર માન્યો અને તેને નિશ્ચિંત કર્યો. અબદુલ ગની શેઠ વળાવવા આવ્યા હતા. આ કૌતકજોઈ તેઓ રાજી થયા, આશ્ચર્ય પામ્યા, પણ મને ચેતવ્યો : ‘પ્રિટોરિયા સાંગોપાંગ પહોંચો એટલે પત્યું. મને ધાસ્તી છે કે ગાર્ડ તમને પહેલા વર્ગમાં સુખે બેસવા નહિ દે. અને ગાર્ડ બેસવા દેશે તો ઉતારુઓ નહિ બેસવા દે.’ હું તો પહેલા વર્ગના ડબામાં બેઠો. ટ્રેન ચાલી. જર્મિસ્ટન પહોંચી ત્યાં ગાર્ડ ટિકિટ તપાસવા નીકળ્યો. મને જોઈને જ ચિડાયો. આંગળી વતી ઇસારો કરીને કહ્યું, ‘ત્રીજા વર્ગમાં જા.’ મેં મારી પહેલા વર્ગની ટિકિટ બતાવી. તેણે કહ્યું, ‘તેનું કંઈ નહિ; જા ત્રીજા વર્ગમાં.’ આ ડબામાં એક જ અંગ્રેજ ઉતારુ હતો. તેણે પેલા ગાર્ડને ધમકાવ્યો: ‘તું આ ગૃહસ્થને કેમ પજવે છે? તું જોતો નથી કે એની પાસે પહેલા વર્ગની ટિકિટ છે? મને તેના બેસવાથી જરાયે અડચણ નથી.’ એમ કહીને તેણે મારી સામું જોયું અને તેણે કહ્યું: ‘તમે તમારે નિરાંતે બેઠા રહો.’ ગાર્ડ બબડ્યો. ‘તમારે કુલીની જોડે બેસવું હોય તો મારે શું’? એમ કહીને ચાલતો થયો. રાતના આઠેક વાગ્યે ટ્રેન પ્રિટોરિયા પહોંચી.

સત્યના પ્રયોગો અથવા આત્મકથા’માંથી

સ્વાધ્યાય

૧. રેલવે મુસાફરી અને સિગરામ મુસાફરીનું તમારી ભાષામાં વર્ણન કરો.
૨. આખા પ્રસંગમાં લેખકની મોટાઈ તમને શામાં લાગે છે?
૩. અબદુલ્લા શેઠે ઠેર ઠેર તાર કર્યા એ ખાસ કરી ક્યાં કામ લાગ્યા?
૪. આખા પ્રસંગમાં કેટલાં માણસો આવે છે? તેમાંથી (લેખક સિવાય) કોને તમે પસંદ કરો છો?
૫. રંગદ્વેષ પર નિબંધ લખો.
૬. (૧) રંગદ્વેષ અને (૨) ઊંચી વર્ણના માણસો (સવર્ણો)નો હરિજનો (અંત્યજો) માટેનો અસ્પૃશ્યતાનો વર્તાવ એ બે સરખાવો.