સાહિત્ય પલ્લવ – ભાગ ૨/કન્યાકુમારિકાનાં દર્શન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧. કન્યાકુમારિકાનાં દર્શન

મોહનદાસ કરમચંદ ગાંધી

કાશ્મીરથી કન્યાકુમારી ને કરાંચીથી આસામ એવી હિંદુસ્તાનની સીમા છે. ત્યાં હિંદુસ્તાનની ચારે દિશા પૂરી થાય છે. મથાળે હિંદુકુશરૂપી શિખર હિંદમાતાને સુશોભિત ને સુરક્ષિત રાખે છે. નીચે અરબી સમુદ્ર અને બંગાળાના ઉપસાગરનાં શુદ્ધ જળ હિંદ-માતાનું પાદપ્રક્ષાલન કરે છે. કન્યાકુમારી એટલે શંકર સરખા અવધૂત પણ સાક્ષાત દેવરૂપ જોડે વિવાહ અર્થે તપશ્ચર્યા કરતી પાર્વતી. હિંદુસ્તાનનો આ છેડો છે એટલે ત્રણ બાજુએ આપણે દરિયો જ જોઈએ છીએ. બે પાણી અહીં મળે છે. તેથી બે રંગનો પણ કંઈક ભાસ આવે છે. આપણું મુખ બરોબર દક્ષિણ તરફ હોઈ એક જ જગ્યાએથી આપણે ડાબી બાજુએ સૂર્યને ઊગતો ને આથમતો જોઈ શકીએ છીએ. એ દેખાવ જોવા જેટલો તો અમને સમય નહોતો, પણ સૂર્યને સવારના પહોરમાં તારાઓને નિસ્તેજ કરી બંગાળાના ‘મહોદધિ’માં સ્નાન કરી ઊગતો અને સાંજે સુવર્ણમય આકાશમાંથી ઊતરી પશ્ચિમના ‘રત્નાકર’માં શયન કરવા છુપાઈ જતો આપણે કલ્પી શકીએ છીએ. ત્યાં રહેનાર દરબારી અતિથિગૃહના રક્ષકે તો છેવટે સૂર્યાસ્તનો ભવ્ય દેખાવ જોવાને રોકાવા અમને બહુ લલચાવ્યા પણ ઘોડે – નહિ, મોટરે — ચડીને આવેલ અમે એ રસ લૂંટવા ક્યાંથી રોકાઈ શકીએ? મેં તો હિંદમાતાના પાદપ્રક્ષાલનથી પવિત્ર થયેલા સમુદ્રના મોજાથી મારા પગને પવિત્ર કરીને જ સંતોષ માન્યો. ઋષિની શી રચના! પુરાણીનો શો રસ! અહીં હિંદુસ્તાનની સીમાએ, જ્યાં આપણી દુનિયાનો છેડો છે ત્યાં, ઋષિઓએ કન્યાકુમારીના મંદિરની સ્થાપના કરી ને પુરાણીઓએ તેમાં સાથિયા પૂરી તેને શણગાર્યું. મને ત્યાં સૃષ્ટિસૌંદર્યનો રસ લૂંટવાની અભિલાષા ન રહી — જોકે ત્યાં તો એ રસનાં કૂંડાં જ લૂંટાય છે. મને તે ત્યાં ધર્મના રહસ્યનું અમૃતપાન મળ્યું. હજુ તો હું ત્યાંના સુંદર ઘાટ ઉપર મારા પગ સમુદ્રમાં બોળી રહ્યો હતો, ત્યાં મારા સાથીઓમાંના કોઈએ મને કહ્યું, પેલી ટેકરી ઉપર વિવેકાનંદ જઈ સમાધિસ્થ થતા. આ વાત સાચી હો યા ન હો પણ તદ્દન શક્ય હતી. સારો તરનાર ત્યાં સુધી તરી જઈ શકે. એ ટેકરીરૂપ બેટ ઉપર શાંતિનો તો પાર જ ન હોય. સમુદ્રમાં મોજાંનું મંદ અને મધુર વીણાગાન તો સમાધિને પોષે, એટલે મારી ધર્મજિજ્ઞાસા વધુ તીવ્ર થઈ પગથિયાંની બાજુએ જ એક ચબૂતરો બનાવ્યો છે. તેની ઉપર સોએક માણસ સુખેથી બેસી શકે. મને તો ત્યાં બેસી ગીતાજીનો પાઠ ગાવાની હોંસ થઈ આવી. પણ છેવટે તે પવિત્ર ઇચ્છાને પણ દબાવી, ગીતાના ગાનારની મૂર્તિને જ મારા હૃદયમાં ભરી હું શાંત રહ્યો. આમ પવિત્ર થઈ અમે મંદિરમાં ગયા. હું તો અસ્પૃશ્યતા-નિવારણનો હિમાયતી ને પોતાને ભંગી તરીકે ઓળખાવનારો તેથી તેમાં મારો પ્રવેશ થઈ શકશે કે કેમ એ વિષે જ જરા શંકા હતી. મેં મંદિરના અધિકારીને કહી દીધું કે તેની દૃષ્ટિએ જ્યાં જવાનો અધિકાર ન હોય ત્યાં મને ન લઈ જાય. હું તે પ્રતિબંધને માન આપીશ. તેણે કહ્યું, ‘માતાનાં દર્શન તો સાડાપાંચ વાગ્યા પછી જ થાય અને તમે તો ચાર વાગે આવ્યા છો. પણ તમને બીજું બધું બતાવીશ. તમારે સારું પ્રતિબંધ તો છેક જ્યાં દેવી બિરાજે છે ત્યાં જવાની બાબતમાં તો ખરો; પણ તે તો વિલાયત જઈ આવેલા દરેકને સારુ છે.’ મેં કહ્યું, ‘તો એ પ્રતિબંધનું હું સુખેથી પાલન કરીશ.’ આટલી વાત પછી તે અધિકારી મને અંદર લઈ ગયો; ને મને અંદરની બાજુએ થતી પ્રદક્ષિણા કરાવી. મને મૂર્તિપૂજક હિંદુના અજ્ઞાન ઉપર દયા ન છૂટી પણ તેના જ્ઞાનનું વિશેષ ભાન થયું. મૂર્તિપૂજાનો અર્થ બતાવી એક ઈશ્વરના અનેક ન બતાવ્યા; પણ મનુષ્ય એક ઈશ્વરને તેનાં અનેકાનેક રૂપે પૂજી શકે છે ને પૂજ્યો જશે એ વસ્તુ શોધીને તેણે જગતને બતાવી. ભલે ખ્રિસ્તી કે મુસલમાન પોતાને મૂર્તિપૂજક ન માને પણ પોતાની કલ્પનાને પૂજનાર પણ મર્તિપૂજક જ છે મસ્જિદ કે ગીરજાઘર પણ એક પ્રકારની મૂર્તિપૂજા જ છે. ત્યાં જ જઈ હું વધારે પવિત્ર થાઉં એ કલ્પનામાં મૂર્તિપૂજા છે તેમાં કંઈ દોષ નથી. કુરાનમાં જ કે બાઈબલમાં ઈશ્વરનો સાક્ષાત્કાર છે, એવી કલ્પના એ પણ મૂર્તિપૂજા છે ને તે નિર્દોષ છે. હિંદુ એથી આગળ જઈ કહે છે કે, જેને જે રૂપે ગમે તે રૂપે તે ઈશ્વરને પૂજે. પથ્થર કે સોનારૂપાની મૂર્તિ બનાવી, તેમાં ઈશ્વરનું આરોપણ કરી, તેનું ધ્યાન ધરી જે મનુષ્ય ચિત્તશુદ્ધિ કરશે, તેને પણ મોક્ષનો સંપૂર્ણ અધિકાર છે. આ બધું મને પ્રદક્ષિણા કરતાં વધારે સ્પષ્ટ થયું. પણ ત્યાંયે સુખમાં દુઃખ તો હતું જ. મને તો પ્રદક્ષિણા કરવા દીધી. છેવટ લગી મને ન જવા દે તે તો હું વિલાયત જઈ આવેલો તેને લીધે, પણ અસ્પૃશ્યોનો પ્રતિબંધ તો તેમના જન્મને લીધે. આ કેમ સહ્યું જાય? શું પુરાતન કાળથી આમ જ ચાલ્યું હશે? એમ હોય જ નહિ એવો અંતરનાદ આવ્યો, અને જો તેમ ચાલતું આવ્યું હોય તોયે પુરાતન છતાં તે પાપ જ છે. પાપ પોતે પુરાતન થયું એટલે તે પાપ મટી પુણ્ય બનતું નથી. એટલે આ કલંક દૂર કરવાને મહાયજ્ઞ કરવાની પ્રત્યેક હિંદુની ફરજ છે એમ મને વિશેષ દૃઢ થયું.

‘ધર્મમંથન’માંથી