સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ગંગામૈયા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧. ગંગામૈયા

દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર

ગંગા કશું ન કરત અને એકલા ભીષ્મને જન્મ આપત તોપણ આર્યજાતિની માતા તરીકે આજે તે પ્રખ્યાત હોત. ભીષ્મની ટેક, ભીષ્મની નિ:સ્પૃહતા, ભીષ્મનું બ્રહ્મચર્ય અને ભીષ્મનું તત્ત્વજ્ઞાન એ આર્યજાતિને માટે હંમેશનું આદરપાત્ર ધ્યેય બની ચૂક્યું છે. એવા મહાપુરુષની માતા તરીકે આપણે ગંગાને ઓળખીએ છીએ.

નદીને જો કોઈ ઉપમા છાજે તો તે માતાની જ છે. નદીને કાંઠે રહીએ એટલે દુકાળની બીક તો રહે જ નહિ. મેઘરાજા દગો દે ત્યારે નદીમાતા આપણો પાક પકવે, નદીનો કાંઠો એટલે શુદ્ધ અને શીતળ હવા. નદીને કાંઠે કાંઠે ફરવા જઈએ એટલે કુદરતના માતૃવાત્સલ્યના અખંડ પ્રવાહનું દર્શન થાય છે. નદી મોટી હોય અને એનો પ્રવાહ ધીરગંભીર હોય ત્યારે તો કાંઠા ઉપર રહેનાર લોકોની જાહોજલાલી એ નદીને જ આભારી હોય છે. સાચે જ નદી જનસમાજની માતા છે. શહેરમાં શેરીએ શેરીએ આપણે ફરતા હોઈએ અને એકાદ ખૂણા તરફથી નદીનું દર્શન થાય ત્યારે આપણને કેટલો આનંદ થાય છે! શહેરનું મેલું વાતાવરણ ક્યાં? અને નદીનું પ્રસન્ન દર્શન ક્યાં? તરત જ ફેર જણાઈ આવે છે. નદી ઈશ્વર નથી પણ ઈશ્વરનું સ્મરણ કરાવનાર દેવતા છે. જો ગુરુને વંદન ઘટે છે તો નદીને પણ વંદન કદવું ઘટે છે. આ તો થઈ સામાન્ય નદીની વાત. પણ ગંગામૈયા તો આર્યજાતિની માતા છે. આર્યોનાં મોટાં મોટાં સામ્રાજ્યો એ નદીને કિનારે જ સ્થપાયાં છે. કુરુપાંચાલ દેશનો અંગવંગાદિ દેશો સાથે ગંગાએ જ સંયોગ કર્યો છે. આજે પણ હિંદુસ્તાનની આબાદી ગંગાને કિનારે જ વધારેમાં વધારે છે. ગંગાનું જ્યારે આપણે દર્શન કરીએ છીએ ત્યારે પાકથી ઊભરાતાં ખેતરો જ ધ્યાનમાં નથી આવતાં, અને માલથી લદાયેલાં વહાણો જ ધ્યાનમાં નથી આવતાં, પણ વ્યાસવાલ્મીકિનાં વને, બુદ્ધમહાવીરના વિહારો, અશોક, સમુદ્રગુપ્ત કે હર્ષ જેવા સમ્રાટોનાં પરાક્રમો અને તુલસીદાસ કે કબીર જેવા સંતજનોનાં ભજનો – એ બધાં યાદ આવે છે. ગંગાનું દર્શન એટલે શૈત્યપાવનત્વનું પ્રત્યક્ષ દર્શન. પણ ગંગાનું દર્શન કંઈ એકવિધ નથી. ગંગોત્રી પાસેના હિમાચ્છાદિત પ્રદેશમાંનું એનું રમતિયાળ કન્યારૂપ, ઉત્તરકાશી તરફનું ચીડ દેવદારના કાવ્યમય પ્રદેશમાંનું મુગ્ધાસ્વરૂપ, દેવપ્રયાગના પહાડી અને સાંકડા પ્રદેશમાં ચમકીલી અલકનન્દા સાથેની તેની રમત, લક્ષ્મણઝૂલાની કરાલ દૃષ્ટામાંથી છૂટ્યા પછી હરદ્વાર પાસેનું એનું અનેક ધારે સ્વચ્છંદવિહરણ, કાનપુરને ઘસીને જતો એનો ઇતિહાસ-પ્રસિદ્ધ પ્રવાહ, પ્રયાગના વિશાળ પટ ઉપરનો એનો કાલિન્દી સાથેનો ત્રિવેણીસંગમ – દરેકની શોભા કંઈક જુદી જુદી જ છે. એક દૃશ્ય જોવાથી બીજાની કલ્પના ન આવી શકે. દરેકનું સૌંદર્ય જુદું, દરેકનો ભાવ જુદો, દરેકનું વાતાવરણ જુદું. દરેકનું માહાત્મ્ય જુદું. પ્રયાગથી ગંગા જુદું જ સ્વરૂપ પકડે છે. ગંગોત્રીથી પ્રયાગ સુધી ગંગા વર્ધમાન છતાં એકરૂપ ગણાય. પણ પ્રયાગ પાસે એને યમુના મળે છે. યમુનાનું તો પહેલેથી જ બેવડું કાઠું છે. તે ખેલે છે, કૂદે છે, પણ રમતિયાળ નથી દેખાતી. ગંગા શકુન્તલા જેવી તપસ્વીકન્યા દેખાય છે, જ્યારે કાળી યમુના દ્રૌપદી જેવી માનિની રાજકન્યા દેખાય છે. શર્મિષ્ઠા અને દેવયાનીની વાર્તા સાંભળીએ ત્યારે પણ પ્રયાગ પાસેના ગંગા અને યમુનાના મહામુશ્કેલીથી ભળતા શુક્લકૃષ્ણ પ્રવાહ યાદ આવે છે. હિંદુસ્તાનમાં અસંખ્ય નદીઓ છે. અને તેથી સંગમો પણ પાર વિનાના છે. આપણા પૂર્વજોએ આ બધા સંગમોમાં ગંગાયમુનાનો આ સંયોગ સૌથી વધારે પસંદ કર્યો છે, અને તેથી જ તેનું પ્રયાગરાજ એવું ગૌરવભર્યું નામ રાખ્યું છે. હિંદુસ્તાનમાં મુસલમાનો આવ્યા પછી જેમ હિંદુસ્તાનના ઇતિહાસનું રૂપ બદલાયું, તેમ જ દિલ્હી, આગ્રા અને મથુરાવૃંદાવન પાસેથી આવતા યમુનાના પ્રવાહને લીધે ગંગાનું સ્વરૂપ પણ સાવ બદલાઈ ગયું છે. પ્રયાગ પછી ગંગા કુલવધૂની પેઠે ગંભીર અને સૌભાગ્યવતી દેખાય છે. હવે પછી એને મોટી મોટી નદીઓ મળતી જાય છે. યમુનાનાં જળ મથુરાવૃંદાવનથી શ્રીકૃષ્ણનાં સ્મરણાં અર્પે છે, જ્યારે અયોધ્યાથી આવતી સરયૂ આદર્શ રાજા રામચંદ્રના પ્રતાપી પણ કરુણ જીવનનાં સંભારણાં લાવે છે. દક્ષિણ તરફથી આવતી ચંબલ નદી રંતિદેવના યજ્ઞયાગની વાતો કરે છે, જ્યારે શાણભદ્ર મહાન કોલાહલ કરતો ગજગ્રાહના દારુણ યુદ્ધની ઝાંખી કરાવે છે. આવી રીતે પુષ્ટ થયેલી ગંગા પાટલિપુત્ર પાસે મગધ સામ્રાજ્ય જેવી વિસ્તીર્ણ થઈ જાય છે. તોપણ ગંડકી પોતાનો અમૂલ્ય કરભાર લઈ આવતાં અચકાઈ તો નથી જ. બિહારની પ્રાચીન ભૂમિમાંથી આગળ વધતાં ગંગા ક્યાં જવું તેના જાણે વિચારમાં પડી જાય છે. આવડો પ્રચંડ વારિરાશિ પોતાના અમોઘ વેગથી પૂર્વ તરફ ધસતો હોય તેને દક્ષિણ તરફ વાળવો એ શું સહેલી વાત છે? છતાં તે તેમ વળ્યો છે. બે સમ્રાટો અથવા બે જગદ્ગુરુઓ જેમ એકાએક એકબીજાને મળતા નથી તેમ ગંગા અને બ્રહ્મપુત્રાનું થયેલું દેખાય છે. બ્રહ્મપુત્રા હિમાલયની પેલી પારનું બધું પાણી લઈને આસામમાંથી પશ્ચિમ તરફ આવે છે અને ગંગા આ બાજુથી પૂર્વ તરફ જાય છે, એમનો સામસામે મેળાપ કેમ થાય? કોણ કોને પ્રથમ નમે અથવા કોણ કોને મારગ આપે? આખરે બન્નેએ નક્કી કર્યું કે બન્નેએ દાક્ષિણ્ય કેળવી સરિત્પતિનાં દર્શને જવું અને ભક્તિનમ્ર થઈ જતાં જતાં જ્યાં બને ત્યાં રસ્તામાં એકબીજાને મળી લેવું. આમ ગોલંદો પાસે જ્યારે ગંગા અને બ્રહ્મપુત્રાનાં વિશાળ જળ ભેગાં થાય છે ત્યારે સાગર આથી જુદો હોતો હશે કે કેમ એવી શંકા ઊપજે છે. વિજય પ્રાપ્ત કર્યા પછી ઘડાયેલી સેના પણ જેમ અવ્યવસ્થિત થઈ જાય છે અને વિજયી વીરો ફાવે તેમ ફરે છે તેમ હવે પછી આ મહાન નદીઓનું થાય છે. અનેક મુખે તે સાગરને જઈને મળે છે. દરેક પ્રવાહનું જુદું જુદું નામ છે. અને કોઈ કોઈ પ્રવાહને તો એક કરતાં વધારે નામો છે. ગંગા અને બ્રહ્મપુત્રા એક થઈ પદ્માનું નામ ધારણ કરે છે. એ જ આગળ જતાં મેઘનાને નામે ઓળખાય છે. આ અનેકમુખી ગંગા ક્યાં જાય છે? સુંદર વનનાં નેતરનાં ઝુંડ ઉગાડવા કે સગરપુત્રોની વાસના તૃપ્ત કરી તેમનો ઉદ્ધાર કરવા? આજે જઈને જોશો તો જૂના કાવ્યમાંથી અહીં કશું રહ્યું નથી. જ્યાં જુઓ ત્યાં સણનાં ગૂણિયાં બનાવનારી મિલો અને એવાં જ બીજાં ભમરાળાં કારખાનાં. જ્યાંથી હિંદી કારીગરીની અસંખ્ય વસ્તુઓ હિંદી વહાણમાં લંકા અથવા જાવાદ્વીપ સુધી જતી ત્યાંથી જ હવે વિલાયતી અને જાપાની આગબોટો પરદેશી કારખાનામાં બનેલો કચરો માલ હિંદુસ્તાનનાં બજારોમાં ભરી દેવા માટે આવતી દેખાય છે. ગંગામૈયા પહેલાંની પેઠે આપણને સમૃદ્ધિઓ અર્પે છે, પણ આપણા નબળા હાથ તે ઝીલી શકતા નથી. ગંગામૈયા! આ દૃશ્ય જોવાનું તારા નસીબમાં હજી ક્યાં સુધી હશે?

લોકમાતા’માંથી

સ્વાધ્યાય

૧. ગંગા ભીષ્મની માતા કેવી રીતે લેખાય છે તે કથા જણાવો.
૨. ‘ગંગાને જો કોઈ ઉપમા છાજે તો તે માતાની જ’ આ કથનનું સમર્થન કરો.
૩. ગંગા આર્ય જાતિની માતા કઈ રીતે લેખાય?
૪. ગંગાનાં ક્યાં ક્યાં અનેકવિધ દર્શનો લેખકની નજર આગળ રમી રહે છે?
૫. ‘ગંડકી પોતાનો અમૂલ્ય કરભાર લઈ આવતાં અચકાઈ નથી.’ આ વાક્યમાં કરભાર શબ્દમાંથી કયો અર્થ ફલિત થાય છે તે જણાવો.
૬. ગંગા અને બ્રહ્મપુત્રા મળે છે ત્યાર પછી અનેકધારે એ એકત્ર મળેલા બે વિશાળ જળરાશિ વહે છે તે માટે લેખકે કઈ ઉપમા વાપરી છે? એ ઉપમા તમને યથાર્થ લાગે છે?
૭. આનંદભરી શરૂઆતવાળા આ નિબંધનો ઉપસંહાર કેવી રીતે થાય છે? એ ઉપસંહારની તમારા મન ઉપર શી છાપ પડી?
૮. ગુજરાતની ગમે તે એક લોકમાતા ઉપર લખો.