સાહિત્ય પલ્લવ – ભાગ ૨/બહુરૂપિણી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨. બહુરૂપિણી

ત્રિભુવનદાસ લુહાર - ‘સુન્દરમ્’

[કાવ્યના શીર્ષકને કવિ શરૂઆતમાં જ જાણે સ્પષ્ટ કરવા ઇચ્છતા હોય તેમ વાદળીને સંબોધી કહે છે: ‘તું તો અજબ વેશધારી, અનંત રૂપવાળી છે. આખા બ્રહ્માંડમાં તારું અદ્ભુત નૃત્ય કરતી તું ધૂમતી રહે છે. તું તો દેવોની કન્યા છે, તારું રૂપ કેવું અલૌકિક છે! પાંપણના પલકારામાં તો સારાં બ્રહ્માંડને તું ભરી દે છે. તારા ખોળામાં મયંક - ચંદ્રથી મઢ્યું આકાશ જાણે ઝૂકી રહે છે!’ આમ જુદી જુદી રીતે વાદળીને વર્ણવી, તેને કવિ પૂછે છે, ‘જરીક કહેતી તો જા કે આ બધી લીલા તેં શા હેતુથી આદરી છે? કોનાં ઓવારણાં તું લઈ રહી છે?’ પણ આ પ્રશ્નનો જવાબ મળે તે પહેલાં તો કવિ પાછા એના અદ્ભુત રૂપના દર્શનમાં મશગૂલ બની જાય છે. ફરીથી તે ઘેરા આકાશપટે ઘનશ્યામની છાયા જેવી, સવિતાનાં તેજ ઝીલી ઝળહળી રહેલી કોઈ તેજસ્વી સુંદરી જેવી, આખા આકાશમાં રંગછોળ ફેંકતી જાણે વ્યોમની સ્વામિની ન હોય એવી વાદળીની અનેક ક્રિયાઓને મુગ્ધ હૃદયે અવલોકી રહે છે. કઈ કઈ એ ક્રિયાઓ છે? ૧૧ થી ૧૫મી પંક્તિ સુધીમાં એ બધી ક્રિયાઓનું વર્ણન કરી, એને અનંત અંગવાળી છતાં અનંગ — અંગ વિનાની પૂતળી તરીકે વર્ણવી કવિ પૂછે છે : ‘તું ગંભીર મુખ ઢાળી શું નિહાળી રહી છે?’ અને તેનો ઉત્તર મળે તે પહેલાં ફરીથી કવિ પાછા પોતાની મનોરમ કલ્પનાઓમાં ગરક થઈ જઈ વાદળીનાં એક એકથી ચઢિયાતાં વર્ણનો આપે છે. ઘડીમાં તેને પીંજેલા પોલ જેવી આકાશને ઘેરી લેતી વર્ણવે છે, તો ઘડીમાં છૂટે અંબોડલે છકેલી કોઈ રૂપ કેરી વેલી જેવી, અથવા તો ભગવાં વસ્ત્રોવાળી કોઈ ભભૂતધારી જોગણી જેવી કે કોઈ ગાલે ગુલાબભરી કોડામણી કન્યા જેવી વર્ણવે છે. ઠેર ઠેર વેરાયેલાં પડેલાં આ વર્ણનોને અંતે એક ને એક પ્રશ્ન કવિ જુદી જુદી રીતે પૂછે છે કે, ‘તું છે કોણ? હે અરૂપની ચિતારી! ઓ રંગની ઘડેલી કુમારી! તું છે કોણ તે તો કહે!’ અને એ પ્રશ્નનો ઉત્તર મળે તે પહેલાં વળી પાછા કવિ કલ્પનાની પાંખ ઉપર ઊંડે છે અને વાદળીની ભવ્ય ક્લામૂર્તિ સર્જે છે. એ ‘ચિતારી’ શેના પર ચિત્ર દોરે છે? પહોળા આકાશપટ ઉપર! એના પ્રતીક (મોડેલ - નમૂના)–જેના ઉપરથી એ ચિત્ર દોરે છે તે શું છે? તો કહે છે કે ધરતીના ખંડો! અને આવું ચિત્ર ચીતરવા માટેની પીંછી? વાયુઓની! ને રંગો? સન્ધ્યા અને ઉષાના! અને એ ચિત્ર કેવું થયું? કવિ પોતે જ કહે છે, ‘રેખાનો સૌમ્ય રાસ દોર્યો, જીવનરંગ ઢોળ્યો.’ અને એ જીવન-રંગે રંગેલાં ચિત્રો તે શું મનુષ્ય છે? પંખીની પાંખ છે? સિંહ-ફાળ છે? છે શું? કવિ કહે છે, ‘ભાઈ, આવાં અંગ, આવી આંખ — આવી અલૌકિકતા તો મેં ક્યાંય નથી જોઈ!’ ‘તો સાગરની હે લાડી, હે વાદળી! કહે, કહે આ બધી કળા તેં ક્યાં સંતાડી હતી?’ આ ભવ્ય કલામૂર્તિનું જ આગળ ચિત્ર દોરતાં એના અસાધારણ રૂપનું એ રૂપને યોગ્ય શબ્દોમાં વર્ણન કરી, પ્રાણભરી છાયા પાથરતી બ્રહ્માની જોગમાયા અને અનંતની જાયા (ઈશ્વરની પત્ની) તરીકે એને વર્ણવી કવિ પોતાની અતિ સુંદર સ્તુતિ પૂરી કરે છે. સૂર્ય, ઉષા, મેઘ, વરુણ આદિ કુદરતનાં અતિ ભવ્ય અને મંગલ સ્વરૂપોને આપણા દેશમાં આપણા ઋષિમુનિઓના કાળથી અનેક સુંદર ઋચાઓમાં અધ્ય અપાતા આવ્યા છે. એ બધા અાઁ એ સ્થૂળ નજરે દેખાતા સૌંદર્ય પાછળ રહેલ જે પરમ મંગલ સનાતન સૌંદર્ય છે-જેને ઈશ્વર કે એવા બીજા ગમે તે નામે આપણે ઓળખીએ તેને આપ્યા હૈય છે. ‘બહુરૂપિણી’માં પણ આપણે ઉપર જોયો તે વાચ્યાર્થ ઉપરાંત ઘણો મોટો વ્યંગ્યાર્થ રહેલો છે. એ વ્યંગ્યાર્થ જુદા જુદા માણસો પોતપોતાની રુચિ અનુસાર જુદો જુદો તારવે. એટલે આપણને એના બીજા અર્થો ન સમજાય તોપણ વાદળીના એક સુંદર વર્ણન લેખે પણ આપણને અપાર આનંદ આપે એવી આ કવિતા છે. જો એમાંથી તમને કોઈ વ્યંગ્યાર્થ શોધી તેનો આનંદ માણવાનું મન થાય તો આ કાવ્ય ઈશ્વરની માયાને કે પ્રકૃતિની લીલાને લાગુ પાડી એનો અર્થ બેસાડવા પ્રયત્ન કરી જોજો. આ કાવ્યમાં વપરાયેલા પ્રાસો, અને એમાં ઠેર ઠેર વેરાયેલી વર્ણચમત્કૃતિ એની સુંદર કલ્પનાને કેવો સરસ ઓપ ચઢાવે છે તે જોવા જેવું છે. અતિ કોમળ અને અતિ ભવ્ય એવી ભિન્ન કલ્પનાઓનો કવિએ આમાં કેવી સરસ રીતે મેળ સાધ્યો છે એનો પણ અભ્યાસ કરવા જેવો છે. આ કાવ્યની બધી પંક્તિઓનો પૂરેપૂરો અર્થ કદાચ ન થઈ શકે તો તેથી ન મૂંઝાતાં એ કાવ્યને વારંવાર વાંચી એમાંથી બને તેટલો આનંદ મેળવવો. દરેક વખતે એમાંથી નવો નવો આનંદ મળશે. વાંચતાં જ મોઢે કરવું ગમે એવું આ કાવ્ય એની અનેક ખૂબીઓ માટે સહુ કોઈને મોઢે હોવું જોઈએ.]

તું તો અજબવેશધારી, અનન્ત રૂપવાળી, બહુરૂપિણી!
છન્દ છન્દ નાચે તું ન્યારી, દેવોની દુલારી, બહુરંગિણી!
પાંપણને પલકારે ભરતી ત્રિલોક તું,
અંકે મયંક-મઢ્યું વ્યોમ તારે ઝૂકતું,
વૃન્દના વિહાર તારા ત્રિભુવન વિલોકતું,
સાગરની સુન્દરી હલેતી, દર્શનિયાં દેતી, બહુરૂપિણી!
કોનાં ઓવારણાં લેતી એ વાત જા કે’તી, બહુરંગિણી!
ઘેરા આકાશપટે છાયા ઘનશ્યામની,
સવિતાનાં તેજ ઝીલી ઝબકંતી ભામિની,
રંગછોળ ફેંકતી આ વ્યોમ કેરી સ્વામિની,
ઝૂલે દિશાઓને ઝોલે, દિગંતો ઢંઢોળે, બહુરૂપિણી!
છૂપી પ્રગટ રંગ ઢોળે, ક્ષિતિજોને ખોળે, બહુરંગિણી!
પૃથ્વીકિનારે ઘડી લાંબી લંબાઈ તું,
ડુંગરની માળ જેવી ઊંચે ખડકાઈ તું,
ઘુમ્મટ પર ઘુમ્મટ થી ગોળ ગોળ છાઈ તું,
પૂતળી અનંત અંગવાળી, અનંગ તોય ભાળી, બહુરૂપિણી,
ગાઢું ગંભીર મુખ ઢાળી, રહી શું નિહાળી, બહુરંગિણી?
આછી તરંગમાળ દરિયાની લ્હેરતી,
પાંખો પસારી ઊડે પીંછાં શી વેરતી,
પીંજેલા પોલ સમી આભલાને ઘેરતી,
છૂટે અંબોડલે છકેલી, એ રૂપકેરી વેલી, બહુરૂપિણી!
આછેરી ઓઢણી સંકેલી, ઊંડે રંગ રેલી, બહુરંગિણી!
ભગવાં ભભૂત ધરી ભીખે શું જોગણી,
કુમકુમની આડ તાણી ભાલે સોહામણી,
ગાલે ગુલાબભરી કન્યા કોડામણી,
ઘૂમે તું કોણ ભેખધારી, વેરાગણ સંસારી? બહુરૂપિણી!
રંગની ઘડેલી કુમારી, અરૂપની ચિતારી, બહુરંગિણી
સન્ધ્યા ઉષાના આ રંગભર્યા કુંડ જો,
હાથે આ વાયુઓની પીંછીઓનાં ઝુંડ જો,
લીધા પ્રતીક કાજ પૃથ્વીના ખંડ જો,
ખોલ્યો આકાશપટ પ્હોળો, તેં કૂચડો ઝબોળ્યો, બહુરૂપિણી,
રેખાનો રમ્ય રાસ દોર્યો, જીવનરંગ ઢોળ્યો, બહુરંગિણી.
ના રે મનુષ્ય, આ ન પંખીની પાંખડી,
ના રે આ સિંહફાળ, પુષ્પોની પાંખડી,
આવાં જોયાં ન કદી અંગ ક્યાંય આંખડી,
રંગ અને રૂપને રમાડી, આ દુનિયા ઉઠાડી, બહુરૂપિણી!
કે’ને સાગરની કો લાડી, કળા ક્યાં સંતાડી, બહુરંગિણી?
પવનની પીંછીએ તું સૃષ્ટિ સરજાવતી,
ઘુમ્મટ આકાશનો બેસે સજાવતી,
બ્રહ્માનાં ચૌદ લોક ચિત્રો લજાવતી,
ફરતી બ્રહ્માંડ પીંછી તારી, સુરેખ ચિત્રકારી, બહુરૂપિણી!
મૂર્તિ આ કોની ઉતારી, અજબ ઓ ચિતારી, બહુરંગિણી?
માનવનાં વેણમાં ન નેણમાં સમાતી,
સાત સાત રંગમાં ન ઝાલી ઝલાતી,
કલ્પનાની ડાળ તારા ભારથી દબાતી,
પલટંતી વેશ-વર્ણ-કાયા, અનન્ત તણી જાયા, બહુરૂપિણી!
પાથરતી પ્રાણભરી છાયા, બ્રહ્માની જોગમાયા, બહુરંગિણી!
‘વસુધા’માંથી

સ્વાધ્યાય

૧. બહુરૂપિણી કયાં કયાં રૂપો ધરે છે તે જણાવો. એ બધાં રૂપોમાંથી તમને કયું વધુ ગમ્યું?
૨. વર્ણનની છટાના સરસ નમૂના તરીકે આ કાવ્યમાંની કઈ પંક્તિઓ તમે રજૂ કરશો?
૩. વર્ણસગાઈના બને તેટલા નમૂના આ કાવ્યમાંથી આપો. એની આ કાવ્ય ઉપર શી અસર થઈ છે તે જણાવો.
૪. પ્રકૃતિવર્ણનનાં બીજાં ક્યાં ક્યાં કાવ્યો આ સંગ્રહમાં છે? તેનો ટૂંકો પરિચય આપો.