સાહિત્ય પલ્લવ – ભાગ ૩/શણગારનો ગરબો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
શણગારનો ગરબો

વલ્લભ મેવાડો

માજી રૂપ રાધિકા થકી ઘણું બણી રે લોલ;
કોટિ કામ શશી સૂર્યની છબી હણી રે લોલ;
વેણ વાસુકી સરીખી, શીશ રાજતી રે લોલ.
ક્ષુદ્ર ઘંટ ગોફણા ને, મધ્ય ગાજતી રે લોલ.
ભરી માંગ મૂગતા તે, મહા મૂલ્યની રે લોલ.
રાજે રાખડી રૂડી તે રત્ન તુલ્યની રે લોલ.
કુલી ખેટલી સેંથો ભર્યો, સમો પડ્યો રે લોલ.
ચાક ચમરી શું ચોટલો કટી અડ્યો રે લોલ.
સ્વરણ સિંદૂર અપાર, સર્વ સીપના રે લોલ,
સોળ શોભિતા શણગાર, સર્વ નીપના રે લોલ.
કાને વાળીઓ જડાવ, ઝાલ ઝૂમખા રે લોલ,
જોતિ મોતીએ પરોવ્યાં, લુંબે લુંબખા રે લોલ.
સોના સાંકળી સરી, સિક્કા - જડામણી રે લોલ,
કોર તોરણ મોતીની, દીસે દામણી રે લોલ.
તેજ શું કહું તાટંક તણે, લોલકે રે લોલ,
કળા ફૂલ જડ્યાં નંગ, તે અમૂલકેરે લોલ,
અર્ધ ચંદ્રમાં કપોળ, શું કહું કથી રે લોલ!
ચૌદ ભુવન માંહી બહુચરા, સમું નથી રે લોલ.
ભાલ લાલ આડ કુમકુમની રાતડી રે લોલ.
તપે ટીલડી, કહી ન જાયે વાતડી રે લોલ.
ત્રિપુટી મધ્યે સિંદૂરની બિંદી કરી રે લોલ,
ચોડ્યા ચોખલા કપોળ, લોલ શું ભરી રે લોલ.
ભ્રકુટી કમાન કાન કને શું અડી રે લોલ,
કીર નાસિકા વિદેહિ, કરે તે ઘડી રે લોલ.
આંખ ઉપમાને નાવે, કોપ પલવટે રે લોલ.
વરણ વરણવું જે અન્ય, ઉપમા ઘટે રે લોલ.
પદ્મ દીપક તારાના, તેજ ત્યાં ગળ્યાં રે લોલ,
મીન ખંજન મૃગ માન, મૂકીને પળ્યાં રે લોલ.
લક્ષ લક્ષ કાંતિ તિલકની, લીલા જુએરે લોલ.
ગોરા ગાલમાં ત્રિલોક મોહ્યાં તાજુવે રે લોલ,
મોહરૂપ ધર્યું બહુચરાજી, બાળીએરે લોલ.
ગ્રહ ચાર રહ્યા વેસરની વાળીએ રે લોલ,
ગુરુ હેમ, લાલ ભોમ, ભૃગુ મુક્તમાં રે લોલ.
શની કીકીએ જોતાં, જણાય જુક્તમાં રે લોલ,
અધર બિંબકે પ્રવાળ, લાલમાં મળી રે લોલ.
દંતપંક્તિ જુગ્તિ દાડમ કેરી કળી રે લોલ,
ચળકે ચૂનીઓ જડાવ, ભાવ રેખમાં રે લોલ.
વદન નીરખતાં ન આવે, મીન મેખમાં રે લોલ,
હાવભાવ શું કટાક્ષ નેન સેનનું રે લોલ.
ચિબુક ચારુ બીચ ઇંદુ, બિંદુ મેનનું રે લોલ,
કંઠ કોકિલા કપોત, જોત પોતની રે લોલ.
ભાનુ જુક્તિને પ્રમાણ, તે ઉદ્યોતની રે લોલ,
કોટે ચીનમાળા, ચંપકળી, ચમકતી રે લોલ.
ઘણી ઘૂઘરી અરીસે, દીસે ઘમકતી રે લોલ,
ગળે ઘરેણાં થયાં ઘણાં, ઘચુંબલે રે લોલ.
કનક સાંકળી તુશીદોરે, ને ઝૂમણે રે લોલ,
હીરા સાંકળી પોશીની, શેર ચારની રે લોલ.
મુક્તામાળા તે એકાવળના હારની રે લોલ,
બે હમેલમાં હીરાના ઝબકારડા રે લોલ.
પારિજાતક મંદાર કેરા, હારડા રે લોલ,
બાહુ-દંડ જુગમ સૂંઢ, સરખા સહી રે લોલ.
હાથ હાથની હાથેળિયે, મથ્યાં મહી રે લોલ,
અતિ અદ્ભુત અંગૂઠા, અંગ આંગળી રે લોલ.
અનુમાનમાં આવે તે, મગની ફળી રે લોલ,
વીસ નખ રાતદિવસે, તારા તપે રે લોલ.
અન્ય ઉપમાનો અર્થ વ્યર્થમાં ખપે રે લોલ,
બાંહે બાજુબંધ બેરખા ને ફૂમતાં રે લોલ.
બાંધ્યા બાદલા બન્યા રહ્યા ઝૂમતા રે લોલ.
પાણ ચૂડલો પ્રમાણ ચતુર રંગનો રે લોલ.
અતિ અરુણ તરુણ દંત, તે મતંગનો રે લોલ;
બાહુ કોરમાં જડાવ, લાલ લંકણી રે લોલ.
મધ્ય માણેક હીરાની, હાથકંકણી રે લોલ;
હાથે પોંચિયો જ્વાળી, ભાળી કંગણી રે લોલ.
છલા છાપ આરશી, અતિ સુચંગની રે લોલ.
ઉર ઓપતું રસાળ, તે વિશાળનું રે લોલ.
કમળ કોશ કુચ અગ્રમાં, મરાળશું રે લોલ;
કંચુકી કનકતાર, હારશું બની રે લોલ.
ચુવાચંદન ચરચીત, શોભે શોભીતી રે લોલ,
લેંઘો લાહ્યનો પે’ર્યો તે, રંગ જુજવે રે લોલ.
કસબ કોરજોર સાળુ, કસુંબે ચુવે રે લોલ;
પેટ પોયણી પ્રમાણ, ક્ષીણ લ્હેકણી રે લોલ.
સજી મેખળા રસાળ, કરી કિંકણી રે લોલ;
ઉદર ઉપર તે ત્રિવળી, વળી રહી રે લોલ.
ગિરિશ્વેત દેહ મધ્ય, ત્રિવેણી વહી રે લોલ;
નાભિ કોમળ કૂવો કર્યો સુમારનો રે લોલ.
ભર્યો વારિ તે અખૂટ, ઇન્દુ સારનો રે લોલ;
કંઠ હેઠ ઠેઠ વાંસો તે એકત્ર છે રે લોલ.
અધોમુખનું અખંડ, કેળપત્ર છે રે લોલ;
ચારુ ચરણમાં ચિત્ર લખ્યાં ચૌદશાં રે લોલ.
પગ આંગળાં વળ્યાં, ચંપાકળી જશાં રે લોલ;
ભરી જાવક કટોરી હેમ નાનિયો રે લોલ.
જેવર લંઘર તોડા લે, ઘૂઘરી તળે રે લોલ;
પાગે નેપુરને વીછુવે, મુનિ ચળે રે લોલ.
નયણે કાજળ સાર્યાં તે, કુમકુમ રોળશું રે લોલ,
મંદ હાસ્ય કરે મુખ ભર્યાં તંબોળ શું રે લોલ.
ઠરી ઠાઠ આઠ આઠ, સખી સંગમાં રે લોલ,
બાળી બહુચરા કલોલ કરે રંગમાં રે લોલ.
કરે ગાન તાન પાન-પાત્ર હાથમાં રે લોલ,
રમે રમક ઝમક ઠમક સખી સાથમાં રે લોલ.
દંત ઘૂંઘટ ગ્રહી રહી, રસાળિયો રે લોલ
એક એકથી લે હાથોહાથ, તાળિયો રે લોલ.
કેશ-પાશ કશી વાળિયા, અંબોડલા રે લોલ
ફેર ફુદડી ફરે ને લે હંબોડલા રે લોલ,
એ અખંડ ખેલ ખેલે, બાળી બહુચરી રે લોલ
ત્રણે દેવ લે છે વારણાં ફરી ફરી રે લોલ.
વિષ્ણુ વાંસળી વગાડે, શંખનાદ શું રે લોલ,
ડાક વગાડે મહાદેવ, મરજાદ શું રે લોલ.
ધરી પાણ પોથીઓ, તે મહા મુનમાં રે લોલ
બ્રહ્મા વેદ ભણે મુખ, ચારે ધૂનમાં રે લોલ.
પુષ્પચંદન વરસાવે વળી દેવતા રે લોલ,
અઠ્યાશી-સહસ્ર ઋષિ, ચરણ સેવતા રે લોલ.
મન મોહ્યાં ગોખ ચાચર, સોહામણી રે લોલ,
ભટ વલ્લભ મેવાડે માને ભામણે રે લોલ.

સ્વાધ્યાય

૧. વર્ણનમાં ઝીણી ઝીણી વિગતો પૂરવાથી કેવો રંગ જમાવી શકાય છે તે આ કાવ્યની મદદથી બતાવો.
૨. આમાંથી યમક, ઉપમા અને ઉત્પ્રેક્ષા જુદાં તારવો.
૩. વર્ણનમાં વેગ, જોસ્સો, ખુમારી ક્યાં ક્યાં જણાય છે?