સિગ્નેચર પોયમ્સ/ઝાલાવાડી ધરતી – પ્રજારામ રાવળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઝાલાવાડી ધરતી

પ્રજારામ રાવળ


આ ઝાલાવાડી ધરતી!
આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક, રુક્ષ, ચોફરતી.
અહીં ફૂલ કેવળ આવળનાં :
અહીં નીર અધિકાં મૃગજળનાં :
પુષ્પ, પત્ર, પાણી વિણ કાયા ઘોર ઉનાળે બળતી!
જોજનના જોજન લગ દેખો,
એક નહીં ડુંગરને પેખો :
વિરાટ જાણે ખુલ્લી હથેળી સમથલ, ક્ષિતિજે ઢળતી!
આ તે કોઈ જનમવેરાગણ?
કે કો ઉગ્ર તપંતી જોગણ?
સંન્યાસિની તણા નિર્મળ શુભ વેષે ઉર મુજ ભરતી!