સુદામાચરિત્ર/કડવું ૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કડવું ૮

[પ્રસ્તુત કડવાંમાં સુદામા પર ઓળઘોળ થયેલા કૃષ્ણ તેમને ઈશ્વરની જેમ ઉપાસે છે. બીજીબાજુ કૃષ્ણના વૈભવથી મૂંઝાયેલો સુદામો પોતે લાવેલા તાંદુલ છુપાવે છે. આ કડવાંની ‘ચંમર કરે છે ચક્રપાણિ’ જેવી પંક્તિમાં માત્ર અલંકારનો ચમત્કાર જ નથી, પણ હંમેશ હાથમાં ચક્ર ધારણ કરનાર આજે જેમને ચામર ઢોળવા બેઠા છે એવા સુદામાના વિરલ ભક્ત-ચરિત્રનો મહિમા છે.]


રાગ-સોરઠી
ભક્તાધીન દીનને પૂજે, દાસ પોતાનો જાણી;
સુખશૈયા પર ઋષિને બેસાડી ચંમર કરે ચક્રપાણિ રે.          ભ૦૧

નેત્રસમસ્યા નાથે કીધી, આવી અષ્ટ પટરાણી;
મંદમંદ હસે સત્યભામા, આઘો ઘુંઘટ તાણી રે.          ભ૦૨

કનકની થાળી હેઠી માંડી, રુક્મિણી નાંખે પાણી;
સુદામાનાં ચરણ પખાળે, હાથે સારંગપાણિ.          ભ૦૩

જેના નાભિકમળ[1]થી બ્રહ્મા પ્રગટ્યા, આ જગ પળમાં કીધું;
જેણે મુખમાં જગત દેખાડ્યું માતાનું મન લીધું રે.          ભ૦૪

વિશ્વામિત્ર સરખા તાપસને દોહલે દર્શન દીધું;
તેણે સુદામાના પગ પખાળી, પ્રીતે પાદોદક[2] પીધું રે.          ભ૦૫

ઓઢવાની જે પીત-પિછોડી, લોહ્યા ઋષિના પાય;
ઊભા રહી કર વીંજણો ગ્રહીને, વિઠ્ઠલ ઢોળે વાય રે.         ભ૦૬

ષોડશ પ્રકારે પૂજા કીધી, અગર ધૂપ ધુમાય;
કર જોડી પ્રદક્ષિણા કીધી, હરિને હરખ આંસુ થાય.          ભ૦૭

થાળ ભરી વૈદર્ભી લાવ્યાં ઘૃતપક્વ[3] પકવાન;
શર્કરા સંયુક્ત ઋષિને કરાવ્યાં પયપાન રે.          ભ૦૮

શુદ્ધાચમન તંબોળ ખવરાવ્યાં, ધરી પ્રેમ શામળવાન;
વાધ્યું તે પ્રસાદ પ્રમાણે, આરોગ્ય ભગવાન રે.          ભ૦૯

જે સુખ આપ્યું સુદામાને, તે હરિ બ્રહ્માદિકને ના’પે;
ફરી ફરી મુખ જુએ મુનિનું, આનંદ મુકુંદને વ્યાપે રે.          ભ૦૧૦

સુદામાને ચિંતા મોટી, રખે દેખે કાયા કાંપે;
પેલી ગાંઠડી તાંદુલ તણી તે, જંઘા નીચે લઈ ચાંપે રે.          ભ૦૧૧

વલણ
જંઘા નીચે ચાંપે ઋષિ, ગાંઠડી તાંદુલ તણી;
પ્રેમાનંદ પ્રભુ પરમેશ્વરને, જાણ્યા તણી ગત્ય છે ઘણી.          ભ૦૧૨



  1. જેના નાભિકમળમાંથી......... – કૃષ્ણસ્તુતિ : કૃષ્ણ/વિષ્ણુનીનાભિના કમળમાંથી પ્રગટેલાબ્રહ્માએ પળવારમાં સૃષ્ટિનું સર્જન કર્યું, બાળકૃષ્ણે માતા યશોદાને મુખમાં બ્રહ્માંડ બતાવેલું
  2. પાદોદક – ચરમુક્તિપુરીણામૃત
  3. ઘૃતપક્વ – ઘીમાં પકવેલાં