સુદામાચરિત્ર — પ્રેમાનંદ/કડવું 1

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કડવું 1

[મધ્યકાલીન આખ્યાનની પરંપરા મુજબ આરંભે ગુરુ, ગણપતિ ને સરસ્વતીની વંદના કરતા કવિ ભક્તિરસ ચાખવા માટે જ સુદામાની કથા માંડી છે એમ કહે છે. કથાની આ પૂર્વભૂમિકા કવિએ ખૂબ ટૂંકમાં કરી છે. સ્તુતિની પહેલી બે કડીઓમાં પ્રાસ-લયની લીલા રસપ્રદ છે.]

રાગ આશાવરી શ્રી ગુરુદેવ ને ગણપતિ; સમરું અંબા ને સરસ્વતી, પ્રબળ ગતિ, વિમળ મતિ પામિયે રે. 1

રમા-રમણ હૃદયમાં રાખું, ભગવદ-લીલા ભાખું, ભક્તિરસ ચાખું, જે ચાખ્યો શુક-સ્વામીએ રે. 2

ઢાળ

શુક સ્વામી કહે સાંભળ રાજા, પરિક્ષિત પુણ્યપિવત્ર; દશમસ્કંધ અધ્યાય એંશીમેં, કહું સુદામાચરિત્ર. 3

સાંદીપનિ ઋષિ સુરગુરુ સરખા, વિદ્યાવંત અનંત; તેને મઠ ભણવાને આવ્યા, હળધર ને ભગવંત. 4 તેની નિશાળે વડો વિદ્યાર્થી, ઋષિ સુદામો કહાવે; પાટી લખી દેખાડવા રામ-કૃષ્ણ, સુદામા પાસે આવે. 5

સુદામો, શ્યામ, સંકર્ષણ, અન્નભિક્ષા માગી લાવે; એકઠા બેસી અશન કરે તે, ભૂધરને મન ભાવે. 6

સાથે સ્વર બાંધીને ભણતા, થાય વેદની ધુન્ય; એક સાથરે શયન કરતા, મોરલીધર, બળ, મુન્ય.7

ચોસઠ દહાડે ચૌદ વિદ્યા, શીખ્યા બેઉ ભાઈ; ગુરુને ગુરુદક્ષિણા આપી, વિઠ્ઠલ થયા વિદાઈ.8

કૃષ્ણ સુદામો ભેટી રોયા, બોલ્યા વિશ્વાધાર; ‘મા’નુભાવ! ફરીને મળજો. માગું છું એક વાર.’ 9

ગદ્ગદ કંઠે કહે સુદામો, ‘માગું દેવ મુરારિ; સદૈવ તમારાં ચરણ વિષે, મનસા રહેજો મારી.’ 10

મથુરામાંથી કૃષ્ણ પધાર્યા, પુરી દ્વારિકા વાસી; સુદામે ગૃહસ્થાશ્રમ માંડ્યો, મન જેનું સંન્યાસી. 11

પતિવ્રતા પત્ની છે પાવન, પતિને પ્રભુ કરી પ્રીછે; સ્વામીસેવાનું સુખ વાંછી, માયાસુખ નવ ઇચ્છે. 12

દશ બાળક થયાં સુદામાને, દુ:ખદરિદ્રે ભરિયાં; શીતળાએ અમીછાંટો નાખ્યો, થોડે અન્ને ઊછરિયાં. 13

અજાચક વ્રત પાળે સુદામો, હરિ વિના હાથ ન ઓડે; આવી મળ્યું તો અશન કરે, નહિ તો ભૂખ્યાં સાથરે પોઢે. 14

વલણ

પોઢે ઋષિ સંતોષ આણી, સુખ ન ઇચ્છે ઘરસૂત્રનું; ઋષિપત્ની ભિક્ષા માગીને લાવે, પૂરું પાડે પતિપુત્રનું.15