સુન્દરમ્ની શ્રેષ્ઠ વાર્તાઓ/ઊભી રહીશ
આજે તો આમ જ ઊભી છું, આમ જ ઊભી રહીશ. કોણ જાણે શું થયું છે તે મન આજ કહ્યું નથી કરતું. ક્યારનીયે આમ ઊભી છું, લાકડાની પૂતળી થઈને, આ ઉંબરા ઉપર, આ બારસાખને ટેકે. આ બારસાખ, આ લાકડું, લાકડાનો આ ટુકડો, કોઈનેય ખબર નથી કે મારા જીવનમાં એ કેવો તો શાતાદાયક બનેલો છે. આ ચંચલ જીવનમાં એક અચંચલ વસ્તુ તો મેં આ જ એક જોઈ છે. અને એક બીજી પણ...પણ એની કોની આગળ વાત કરવી? હશે, જે થયું તે થયું. જા.ઓ ભાઈ, આટલાં બધાં ગયાં તેમ જેને જવું હોય છે. તમે પણ જાઓ, ચાલ્યાં જાઓ. હું પણ એક દિવસે ચાલી નીકળીશ, પાણીનાં ચક્કરમાં એક ચક્કર જેવી ખેંચાતી ખેંચાતી. પણ આજે નથી જવાની. બરાબર વખતે જઈશ. પગલે પગલે તપાસતી તપાસતી જઈશ. પણ આજે તો ઊભી છું. અને આમ જ ઊભી રહીશ.
બધું ભૂલી જવાય છે. જ્ઞાન, ડહાપણ, શાણપણ, અનુભવ ઝાકળનાં બિંદુ જેવાં ઘડીક તો તગતગી રહે છે. પણ જ્યાં વૈશાખનો બળબળતો વાયરો વાય છે ત્યાં તરત જ ઊડી જાય છે. મન ઠંડું થઈ જાય છે. કશું કરવાનું દિલ થતું નથી. ‘આમ જડ જેવી થઈને? આ લાકડા જેવી થઈને? આ ઊમરાના પથ્થર જેવી થઈને?' જો ચંચળ, હવે એવા સવાલો પૂછી મને ડરાવીશ ના. તું બહુ શાણી છે તે જાણું છું. હા, આ લાકડા જેવી, પથ્થર જેવી થઈશ. પણ તે ઠંડી ને સ્થિર સ્થાવર નહિ, તેમ તારા જેવી ચંચળ પણ નહિ. શું આ માત્ર લાકડું છે? શું આ માત્ર પથ્થર છે? તું તે શું આવું જ ભણી છે? આ લાકડું, આ બારસાખ એ તો સ્થિરતા છે. આ પથ્થર તે કોઈ ટાઢીહિમ ચીજ જ નથી. એ તો અચલતા છે. આ બે તો મારાં બાળપણનાં ગોઠિયાં છે. એમણે તો મારા ગુરુનું કામ કર્યું છે. જો ને, જ્યારથી સમજ આવી છે ત્યારથી આ કમાડને હું જોતી આવી છું. એ અહીંનું અહીં જ છે. કેટલાયે વાયરા વાઈ ગયા, કેટલીયે વાદળી વરસી ગઈ. કેટલાંયે ફૂલ ઝરી ગયાં પણ એ મારી સાથે અહીં જ રહેલું છે, બરાબર. નાનાં હતાં અને રમતાં રમતાં અમે નાસાનાસ કરતાં. હું ચડપ લઈને, એક નાનકડી નેતરની સોટી જેવી એની પાછળ લપાઈ જતી. એ પણ બધાં છોકરાં ભેગા દોડતા દોડતા આવતા અને ચડપ દઈને મને પકડતા. ‘સંતાઈ જાય છે કે? નીકળ, બહાર નીકળ.’ અને એ એમ ખેંચે ને હું આમ. બારણાનો કોલો પકડું તે છોડું જ નહિ ને. અને એ મને પડતી મૂકીને નાસી જતા. ‘ચોંટી રહે ત્યાં, બીકણ બિલાડી!’ હું એકલી પડી જતી, સુમ્મ થઈ જતી. સૌ કોઈ મને ભૂલી જતું અને પોતપોતાની રમતે ચડી જતું. ત્યારે આ બારણું જાણે બોલતું – ‘શું કામ ગભરાય છે? હું તો છું ને? આવ, આપણે બે રમીએ. ચાલ, શેની વાત માંડું?' હું કહેતી, ‘લાકડામાં ચણો પેસી ગયો’તો ને? એ કહો.’ અને હું પોતે જ એ વાત કહેવા માંડતી.
અને મા આવીને મારો કાન પકડી મને ઊભી કરતી. કાન આમળતી, ચૂંટલા ભરતી. ‘શું માંડ્યું છે આ? કોને સંભળાવે છે તારા...ઊઠ તો, કંઈ કામધંધો કરીશ કે નહિ? મોટી થઈશ ત્યારેય કંઈ વાતો કર્યા કર્યો ચાલશે કે?' હું કહેતી, ‘લકડદાદાની વાત મારે પૂરી કરવી છે. તે વગર નહિ ઊઠું.’ ‘લાકડામાં જાય તારા લકડદાદા!' કહેતી માં જતી રહેતી અને મને એકદમ રડવું આવી જતું. એ મારા લકડદાદાને આમ કેમ કહે છે? એમની માને બહુ બીક લાગતી લાગે છે. જુઓ ને, મને મારતી મારતી એ બધે ફેરવે છે, પણ હું આવીને આ કોલો ઝાલી લઉં છું કે રાડું પડતું મૂકી જતી રહે છે. લકડદાદાની તેને બીક લાગતી હશે એટલે જ ને? કેમ ન લાગે? લકડદાદાને કેવી કેવી વાતો આવડે છે! વાતોમાં વાઘ, વરુ, ચોર, લૂંટારા એવું એવું કેટલું બધું આવે છે! તે પછી એમને કોની બીક લાગે? એટલે જ મને રડતી જોઈને તે જરા હસે છે. ‘લે, એમાં રડવા શું બેઠી? હું તો લાકડામાં જ છે ને? એ લાકડામાં જશે ત્યારે ખબર પડશે!’ કોણ જાણે એમણે શું કહ્યું તે તો મને ત્યારે સમજાયું પણ નહિ. પણ એ આછું આછું હસતા હતા તે મને યાદ છે. પછી તે કહેતા, ‘ચાલ, હવે આંખો લૂછી નાખ જોઉં. તો બીજી વાત માંડું.’ અને મારી આંખો લૂછતી લૂછતી મારાં ભીનાં આંગળાં આ બારસાખ પર હું ઘસતી. અહીં આ લાકડા પર એ ભીનાં આંગળાંના ડાઘા પડતા, સુકાતા. મારી આંખોમાં આંસુ સુકાતાં ને આ બારણાની પાછળથી કોઈ જાણે બોલતું, રડીએ ના, બેટા. કોઈથી બીએ ના, હું છું ને? લે ચાલ, કંઈ આપું.’
અને આંખો ફેરવીને જોઉં તો પાસે બાપુજી ઊભા જ હોય. ‘કાં છોડી, શું કરે છે આ? બારણે લપેડા કરે છે કે?’ અને એમની અને લકડદાદાની વચ્ચે જાણે કંઈ વાતચીત શરૂ થતી હોય તેમ તે બારણા ઉપર જોઈ રહેતા અને મને ઉપાડી લેતા. ‘માએ મારી છે કે? લે ચાલ, જો આ તારે માટે કાજુ લાવ્યો છું.’ અને બાપુજી મારા ગજવામાં કાજુસીંગ ભરી દેતા, વધે તે મારી ચૂંદડીના છેડે બાંધી આપતા. હું રાજી થઈ નાચવા લાગતી. બાપુજી મને એક ટપલી માથે મારતા, બીજી ગાલે મારતા અને મારી માને ત્રાડો પાડતા ઘરમાં ચાલ્યા જતા, ‘કેવીક છોકરાંને મારે છે તે. હીબકી જાય ત્યાં સુધી.’ મને થતું હવે માને ખબર પડશે કે બીજાને મારીએ તે કેવું થાય. પણ અંદરથી તો ખડખડાટ હસવાનો અવાજ આવતો. લકડદાદા પણ જાણે હસતા અને મને કહેતા, ‘દીકરી મારી, મને બે દાણા નહિ આપે!’ અને દાદાની વારતા ચાલુ થતી. ‘તે લાકડામાં ચણો પેસી ગયો તે નીકળે જ નહિ. ચકલી કહે..પણ લે જો, પેલો તારો દાણો પણે ફાટમાં જતો રહ્યો. કાઢી લે તો, નહિ તો પાછો સુતાર કુહાડો લઈને આવશે.’ ‘અને તમને કાપ મૂકે એમ ને, દાદા? ના, ના. આ લઈ લઉં.’ ‘બહુ ડાહી દીકરી.’ કહી આ બારણું હતું. અને મને હસવું આવતું. દાદાજીની વાતો, બાપુજીના કાજુ અને મા અંદર હાલરડું ગાતી હોય, મારા નાના ભાઈને...
કેવા તો હાલા! સાંભળ્યા જ કરીએ. એ ગાય એટલા માટે તો હું રડ્યા કરતી. મા પારણું હીંચોળે અને ગાય. હું રડતી રહી જાઉં ને એ ગાતી બંધ પડે. અને એવું ખાલીખમ્મ લાગે કે એમાંય રડી પડાય. મા..મા... બહુ મારતી, બહુ ગાળો દેતી, પણ ગાતી ત્યારે કેવું મીઠું! મા બધું જ ગાય, એવું તો મીઠું મીઠું. અમને હાલરડાં ગાય, લગનનાં ગીતો ગાય... હા, અહીં સામે જ મારી ચોરી મંડાઈ હતી, અહીં જ માંડવો બંધાયો હતો અને માએ અહીં આ ઉંબરા ઉપર બેઠાં બેઠાં ગીતો ગાયેલાં. અહીં માથે ટોડલા પરથી લીલાં તોરણ લટકતાં ને એમનો વરઘોડો આવેલો, આ સામેને તોરણે. અને મા પોંખવા ગયેલી અને હું અહીં આવીને ઊભી રહી ગયેલી. હું કેટલી તો નાની! બધા કહે, અલી તારા વર કેવા છે તે જોયા છે કે? ભાઈ, વર તે કોઈએ જોયા હોય છે? એ તો પરણ્યા પછી જોવાના, પછી જોગવવાના. પણ વરરાજા આવ્યા, આવ્યા એમ થઈ રહ્યું કે હું અંદરથી નીકળી અહીં ઉંબરા પર આવી ગયેલી. બારણાની વચ્ચોવચ્ચ ઊભી રહી ગયેલી. સામે વરરાજા પોંખાતા હતા. લોક તો બસ આમ તેમ, હરફર હરફર, અંદર બહાર આવે જાય, જાય આવે અને હું તો બારણા વચ્ચે જ ઠોયા જેવી ઊભી રહી ગયેલી. મારી ગોઠણ બોલી પડી, ‘અલી, કેવી આ તે તું! જા, અંદર જા. અહીં કેમ આવી ગઈ? અંદર જા.’ અંદર જા, અંદર જા! બાપ રે, અવાજ જાણે ત્યારથી સંભળાતો રહ્યો છે. બહાર જાણે કે કોઈ ભૂતાવળ છે, અંદર જાણે કે કોઈ દેવ છે એમ કહેતી દુનિયા મને અંદર ધકેલે છે. અને મારે બહાર જવાનું મન છે. અંદર તો અત્યાર લગી હતી જ ને! એમાંથી શું મળ્યું તે હું જાણું છું. પણ બહાર તો મને કોઈએ બતાવ્યું નથી, કોઈ લઈ ગયું નથી. બધા પોતે ચાલ્યા જાય, મને અહીં જ મૂકી રાખે. તે હું પણ એક દિવસ જઈશ. આ જ બારણામાં થઈને સો ચાલ્યાં ગયાં છે તેમ હું પણ જઈશ. નાનો ભાઈ ગયો. બાપાએ બાથમાં ઉપાડેલો, અને હું એમની આંગળીએ વળગવા જતી હતી, ત્યાં માએ રડતાં રડતાં મને પકડી લીધી અને અહીં જ ઊભી રાખી દીધી. ‘પણ મારે જવું છે, ભાઈને લઈ જાય છે ને?' મને ના ખબર પડી કે માએ મને ત્યારે કેમ ભાંડી નહિ, કેમ મારી નહિ. હું રડતી હતી, તેવી એય રડતી હતી. અને પછી ભાઈની જોડે રમવાને જાણે બાપુજી પણ ચાલ્યા ગયા. એમને તો ઠાઠડીમાં સુવાડ્યા ત્યારે મને બધીય ખબર હતી. આ જ બારણામાં થઈને એમને સ્મશાન લઈ ગયેલા. બાપુજીની પાછળ તો મને રડતી જોઈ મા પણ ઘડીક પોતે રડવાનું ભૂલી ગઈ. મને લઈને એ અહીં જ ઊભી રહી ગઈ. હા, આ બારસાખ પકડીને જ હું રડતી હતી અને મા મૂંગી મૂંગી મારે માથે હાથ ફેરવતી હતી. પણ મા ગઈ ત્યારે એમણે, હા, એમણે માત્ર મને આંખના ઇશારાથી જ અહીં ચોંટાડી દીધી. મારી આંખો નીચે ઢળીને એમના પગમાં જ જડાઈ ગઈ. માના જવાનું દુઃખ હતું, પણ એ મને કેવી ધારશે, કેવી તો દુર્બળ, પોચી, ઢોલી ધારશે એની બીક મને ઝાઝી હતી. અને જ્યારે પતિ ગયા...
પતિ ગયા ત્યારે મને આ બારણાએ જ રોકી રાખી. ઘરમાં એના વિના હવે કોઈ રહ્યું ન હતું. ‘શું મને આમ ઉઘાડું મૂકીને ચાલી જઈશ?' એની આંખો મૂંગી મૂંગી મને કહેતી હતી. ‘ના, લકડદાદા, તમને ઉઘાડા કે વાસેલા મૂકીને નથી જવાની.’ તો શું ભૂંડી, તારા પતિને તેં એમ ને એમ જ જવા દીધા? પણ તમે શું સમજો છો? એમણે કહ્યા મુજબ જ મેં કર્યું છે. એમાં મારો ગુનો નથી, ઊલટો ગુણ છે. એમણે કહેલો એકેએક અક્ષર હું પાળતી રહી છું. એમણે કહ્યું કે મારે કોઈને કહેવું નહિ કે હું ક્યાં ગયો છું. મારે ખભે હાથ રાખીને તે ઊભા. મારી આંખો તો બરફનાં ચોસલાં ઓગળે તેમ ઓગળતી હતી. એમના પગ મૂકીને મારી આંખોથી બીજે કયાંય જવાતું ન હતું. એમના મોં સામું જોવાની મારી હિંમત ન હતી. ત્યાં જોતી અને જાણે બધું ભૂલી જવાતું. મારું દરદ પણ ઘુમ્મ થઈ જતું અને એ દરદ તો જાણે દિલનું દોસ્ત હોય તેમ એને ગળે વળગાડી હું ફર્યા કરતી. હું નીચે જોતી રહી અને એ કહેતા રહ્યા, મારા ખભા પર પોતાનો હાથ રાખીને ‘કોઈને કશી વાત ન કરીશ. કોઈ સમજવાનું નથી. અને તું હેરાન થઈ જઈશ. હું આવીશ અને તને લઈ જઈશ. તારે અહીં જ રહેવાનું. તને બધું મળતું રહેશે. મોકલતો રહીશ. પણ તને જે આપવા આવે તેને પણ પૂછતી નહિ. જે આવે ને જે કંઈ લઈ આવે તે લઈ લેજે, અને મારી રાહ જોજે. હું આવીશ, અને તને લઈ જઈશ. સમજી ને?' અને મારી હડપચી પકડી મારું મોં ઊંચું કરી, મારી આંખમાં એમણે જોયું. ધીરે ધીરે એમની આંખ સામે મેં આંખ માંડી... કોણ જાણે કેમ મારો ભાર એકદમ ચાલ્યો ગયો અને ગાડા જેટલું કામ તો મેં ઘડીના છઠ્ઠા ભાગમાં પતાવી દીધું. કેટલી બધી તૈયારીઓ કરવાની હતી! મોડી રાત સુધી તો લોક પર લોક આભે જ ગયા. આ ફળિયું, પેલું ફળિયું, આ ગામ, પેલું ગામ એમ આવનારનો તો સુમાર નહિ અને એય જાણે નિરાંતે બેઠા બેઠા વાતો કર્યે જાય. બાર પર એક થયો અને એ આવ્યા. લે લાવ ત્યારે મારો સામાન બાંધી લઉં અને બીજું પણ કેટલું બધું બાકી છે!’ કપડાંલત્તાં, ચોપડા, કાગળપત્તર, દસ્તાવેજ, હિસાબ, લેવડદેવડ બધું ગોઠવી ગોઠવીને ઠીક કરવા માંડ્યું. એમનું ભાથું બનાવીને હું એમનો બિસ્તર બાંધતી હતી ત્યાં એ મારી પાસે આવીને બોલ્યા ‘લે હવે તો સૂવાનો વખતેય ક્યાં રહ્યો છે!' તેમની ઊંચી સોહામણી કાયામાંથી ઊંડી ઊંડી ઘેરી ઘેરી આંખો મને જોતી હતી. મેં તેમના તરફ માથું ઊંચું કરીને જોયું. ‘આ શું? રડતી તો નથી ને?' એ બોલ્યા, અને તે જ ક્ષણે હું રડી પડી. ‘ગાંડી રે ગાંડી!' કહેતાં તેઓ મારી પાસે બેસી ગયા. મને ખબર નથી પછી શું થયું. મારી આંખમાં ભાન આવ્યું ત્યારે તેમનો કોમળ હાથ તે મારા લલાટ પર ફેરવતા હતા. અને બહુ મીઠા અવાજે તે બોલ્યા ‘ચાલ, ઠીક થઈ જા. હવે વખત થઈ ગયો છે. લોકો રાહ જોતા હશે.’ એ બોલે છે ને બધું તરત જ થઈ જાય છે જાણે. મારી દુઃખની પોટલી જાણે કયાંય ઊડી ગઈ. એમનો સરસામાન, ભાથું, પાણી બધુંય મેં તૈયાર કરી દીધું, મજૂરને માથે બધું ચડાવ્યું, એમના ગજવામાં ઘડિયાળ મૂકી આપી– એ કેવા ભુલકણા છે એ તો હું જ એક જાણું છું. બહારગામ નીકળે ત્યારે ઘડિયાળ તો ભૂલી જવાની જ હોય... અને મારે દોડતાં દોડતાં પહોંચાડવાની હોય...અને એ હાથ લંબાવીને ઘડિયાળ લે, અને મને જોઈને સહેજ હસે... અને એમ એમની સવારી પણ અહીંથી નીકળી, આ બારણામાંથી. માથું સહેજ ઝુકાવીને તેમણે બહાર પગ મૂકયો – એમને તો એમ જ કરવું પડે છે. બાપદાદાનાં આ નીચાં ઘર, નીચાં બારણાં, અને એમના જેવા ઊંચા માણસ! બાપદાદાઓને કોઈનેય ખબર ન હતી કે કુટુંબમાં આવો કોઈ ઊંચો માણસ આવશે... અને બહાર નીકળીને મારી તરફ ફર્યા, બોલ્યા ‘તું અહીં જ રહે હવે. હજી તો બહુ અંધારું છે.’ હા, તે વેળાએ અંધારું હતું, બહુ અંધારું હતું. એમની પાછળ પાછળ, પણ હું ક્યાં સુધી જાત? હું અહીં જ અટકી ગઈ, આ જ બારસાખ પકડીને, એના પર માથું ઢાળીને. અને એ દાદાનો મીઠો ભરેલો અવાજ મને સંભળાયો ‘દીકરા, કાં ગભરાય છે? હું તો છું ને? આપણે બે છીએ, પછી શો ભય છે?’ અને કમાડ વાસી હું અંદર જતી રહી. અંદર જઈને મેડે ચડી. અમારી પથારીઓ એમ ને એમ જ પડી હતી. કોઈ એને અડ્યું સરખું પણ ન હતું. પૂરવની બારી ઉઘાડી હતી. એમાંથી આછો ઉજાસ આવતો હતો. આજે જ મને પૂરેપૂરું ભાન આવ્યું કે ઘરની અંદરથી પણ બહારની દુનિયા દેખાય છે. અંદર જઈને, કદાચ અંદર જઈને જ બહારની દુનિયા જોવાની બારી જડે છે. બારીમાં ઉજાસ વધતો જતો હતો. ત્યાંથી સ્ટેશને જવાનો રસ્તો દૂર દૂર સધી દેખાતો હતો. મારી નજર એ રસ્તા પર ચાલવા લાગી. પૂરવની દિશા ઊજળી ને ઊજળી થતી જતી હતી. કાળાં વાદળને સોનેરી કિનારો મઢાતી હતી. એ સોનું ધરતી પર પણ વરસતું હતું. ધાનનાં ભર્યા ખેતરો ડોલી રહ્યાં હતાં. અને એમની વચ્ચેથી મારગ જતો હતો, બ્રાહ્મણની સફેદ જનોઈ જેવો, લાંબો લાંબો, ક્યાંય સુધી. એ મારગ પર માણસો ચાલતા હતા. એમાં પતિ પણ હતા. ખેતરમાંનાં માથાવડ ધાન કરતાં પણ એ ઊંચા હતા. એ બધાંય માણસોમાં, એ ખેતરોમાં, ઊંચા ઊંચાં ધાનમાં એમની ઊંચાઈનું કોઈ ન હતું. એમનું ઊંચું મસ્તક સ્થિર કદમ આગળ ને આગળ વધતું ગયું અને પૂરવમાં પ્રકાશ પણ વધુ ને વધુ વિસ્તરતો ગયો.
અને એમ એ ગયા. એ ગયા... એ ગયા... આંખો દેખાયું ત્યાં લગી જોતી રહી. ઓ દેખાય... ઓ દેખાય... અને એમ ને એમ ને એમ જોતાં જોતાં જ બારીની અંદર મારું માથું ઢળી ગયું. એમ જ એમના પગમાં માથું મૂકી કેટલીયે વાર સૂતી છું, અને જાગી છું. અને એમ ફરીથી પણ જાગી. પણ જાણે હવે ફરી કદી ઊંઘ જ ન આવવાની હોય એમ થઈ ગયું છે. એમના ગયા પછી ઊંધ્યું છે જ કોણ? ઊંઘ પણ જાણે એમના નામથી ડરતી હોય તેમ બીતી બીતી સહેજ ડોકિયું કરી જાય છે અને ચપટી વગાડતાં ચકલી ઊડી જાય તેમ પાછી ઊડી જાય છે. એમ રાત તે દિવસ, દિવસ તે રાત. આ ઝાડનાં પાંદડાં ખરે છે, ને નવાં આવે છે, આકાશમાં વાદળાં ચડે છે ને નીચે ઊતરે છે. આ પેલો પીપળો એ ગયા ત્યારે નાના છોકરા જેવો હતો. આજે તો તે મંદિરથી પણ ઊંચો થઈ ડોલી રહ્યો છે. આ પેલી આમલી લોઢા જેવી નક્કર દેખાતી હતી તેય પડી ગઈ છે. અને હું તો એવી ને એવી જ ઊભી છું. લોકો ભાતભાતનું બોલવા લાગ્યા છે. ભાતભાતની સલાહ આપવા લાગ્યા છે. જાતજાતની વાતો લોકો લઈ આવે છે અને દરિયાનાં મોજાં કિનારે પછડાઈને પાછાં જાય તેમ અહીંથી પાછાં ફરે છે. કોઈ કહે છે, તારા પતિ હવે નહિ આવે. એ તો પાયમાલ થઈ ગયા છે. પણ હું કહું છું, તમને શી ખબર, ભલા માણસ, એમનાં ચરણોમાં મેં લક્ષ્મીનો વાસ જોયો છે, તે તમે કાંઈ જોયો છે? કોઈ કહે છે, એમણે તો સંસાર છોડી દીધો છે. પણ હું કહું છું, ભલે ને સંસાર છોડ્યો પણ પોતાનું વચન તો છોડ્યું નથી ને? કોઈ કહે છે, અરે શી ખબર ભાઈ, એ જીવતા પણ હશે કે નહિ? હવે ગાંડી, કંઈ બીજે જીવ લગાડ. પણ હું કહું છું, તમને શી ખબર? યમરાજાને લઈને એ અહીં આવે એવા છે. ધરમરાજાને હાથે પણ એ અધરમ કેવી રીતે થવા દે? જેને પોતે રાહ જોવાનું કહીને ગયા છે તેને એક વાર આવીને લઈ જવી તો પડશે જ. એવાંને કંઈ બેસાડ્યાં છે ત્યાં ને ત્યાં જ ના બેસાડી રખાય. જાઓ તમે, એ આવે ત્યારે જોજો. માત્ર આ એક જ જીવ મને ઊલટસૂલટી વાત કહેતો નથી. આ કમાડ, આ લકડદાદા હજી ટટાર ઊભા છે. બધાંની ટકટક સામે એ એક મીઠા અવાજે બોલતા રહે છે. હું થથરી જાઉં છું તો મને પડખામાં લઈ સાબદી કરી દે છે. હવે સાંભળવા જેવી કોઈની વાત રહી હોય તો એમની જ છે. એટલે હું પણ અહીં બેઠી બેઠી એમની વાતો સાંભળું છું. વાત કહેતાં કહેતાં દાદાને ઝોકું આવી જાય છે ત્યારે એમને કહું છું, લો હવે દાદા, જરા જપી લો. હું મારે મેડીએ જાઉં. દાદા ઝબકીને જાગે છે. ‘ના દીકરા, મારે જંપવાનું ના હોય. તું ઊંઘી જા, હું જાગતો બેઠો છું. આપણે બેય ઊંઘતાં હોઈએ ને ભાઈ આવે તો કેવું ખોટું દેખાય!’ એમ દાદા જાગે છે નીચે, ત્યારે હું મેડીએ સૂવા જાઉં છું. પણ ત્યાંયે સૂવાનું ક્યાં છે? એ પૂરવની બારીમાંથી અજવાળું આવ્યું જાય છે.
અજવાળું આવ્યે જાય છે. અજવાળું, અજવાળું, ઊજળા દૂધ જેવું, સોનાની રેલ જેવું. પણ હજી આંખનો ભરોસો નથી. સૂવાનું હોય ત્યારે એ જાગ્યા કરે છે. જાગવાનું હોય ત્યારે એ ઊંઘી જાય છે. આમે તે કાંઈ ચાલે? કોઈકે અખંડ જાગનાર જોઈએ; નહિ તો અમે ઊંઘતાં હોઈએ ને એ આવી જાય તો કેવું લાગે! એટલે જ પેલો પીપળો પૂછવા લાગ્યો કે તમે બે જણાં શી વાતો કર્યા કરો છો, ત્યારે અમે બધું એને કહ્યું. એ તો રાજી રાજી થઈ ગયો. તે તમે નિરાંત રાખો. મારે બીજું શું કામ છે? અને આટલો બધો ઊંચો છું તે શા કામમાં આવવાનો છું? તમારા કરતાં તો હું કેટલેય દૂરથી સાધુ મહારાજને આવતા જોઈ શકીશ?’ મને થયું, ચાલો, બેથી ત્રણ ભલા. પછી એક દહાડો પીપળો કહે, આ સમડી તો હવે બહુ પજવે છે. પૂછી પૂછીને થકવી નાખે છે. પીપળાભાઈ, તમારાં પાનમાં આ નવી ચમક શેની છે? આ નવી સુવાસ શેની છે? તે એ ફરદીને શું કહેવું એમાં? ત્યાં તો એ કરગરી પડી એટલે પછી મેં કહ્યું છે. એ તો તરત જ ખુશ થઈ ગઈ. ‘લો, આ જ વાત છે ને? તે હું તો કેટલુંય ફરફર કરું છું. તમારા કરતાં તો ગુરુ મહારાજની આવવાની ખબર હું બરાબર કાઢતી રહીશ.’ પછી સમડીએ પર્વતને વાત કહી. એ ધ્યાની મુનિરાજ તો આવા જ કોઈ કામની શોધમાં હતા. કહે, આટલો બધો આકાશમાં પહોંચી ગયો છું, પવન પણ થંભી જાય તેટલે. તે મારી આંખો મારે શું કરવાની છે? દેવ મહારાજનો રસ્તો તો હું બરાબર જાળવીને બેસીશ. રાતદહાડો હું તો જાગતો જ બેઠો છું. અને પછી નદીએ, ડુંગરદાદાની દીકરીએ પણ દાદાની વાત ઉપાડી લીધી. ‘દાદાજી, તમે ઊંચા તે તો સાચું, પણ જંગલની ઝાડીમાં, વનવગડાની ગલીકૂચીઓમાં તમને કશું દેખાય નહિ ને? તે એવું આગળ પાછળનું, ઉપર નીચેનું કામ મને કરવા દો ને? જોજો ને, એમની ચરણરજ સૌથી પહેલી હું જ ધોઈશ તો!' અને આમ હવે જાગનારાંઓનું એક ખાસું મંડળ થઈ ગયું છે, લાંબી લાંબી એક વણજાર બની રહી છે.
હવે તો એમને આવવું જ પડશે. ગમે ત્યાં હશે ત્યાંય અમારો પોકાર તેમને પહોંચી જશે, અમારા અંતરનો. શ્વાસ એમને અડી આવશે. આ અમારી સેના તો ધરતીને છેડે અડી આવે એવી થઈ જવાની છે. પણ બધું આવી આવીને મારા પર ઠલવાય છે. આટલું બધું છતાંય આંખમાં આંસુ આવી જાય છે, મન ઉદાસ થઈ જાય છે. કોણ જાણે હવે શું થવાનું હશે? ત્યારે આ લકડદાદા મારાં આંસુ લૂછે છે, મને પીઠનો સહારો આપે છે અને કહે છે, ‘દીકરી, તું રડીશ તો પછી બીજાનું શું થશે? તું જ જો ઢીલી થશે તો બીજા...’ અને દાદા બોલતા બંધ થઈ જાય છે. હું સમજી જાઉં છું. હું સજગ થઈ જાઉં છું. એ આવ્યા અને અમે ઊંઘણશી રહ્યાં, રોતલ રહ્યાં તો એમને શું લાગશે? એમનાં પગલાં અહીં થાય ત્યારે અમે બધાં હોશિયાર, ખુશખુશાલ હઈશું, જાગતાં, જુવાનજોધ હોઈશું. અમે એમને પજવવાનાં નથી. તેઓ એમનું કામ પૂરું કરીને અહીં આવો. ભલે, ગમે ત્યારે, ગમે ત્યારે... અમે અહીં બેઠાં છીએ. એમના સ્વાગતની સામગ્રી તૈયાર કરીએ છીએ. એટલે આજે તો, હવે તો હું અહીં જ ઊભી છું, અહીં જ ઊભી રહેવાની છે, અહીં જ ઊભી રહીશ. [‘તારિણી']