સુન્દરમ્ની શ્રેષ્ઠ વાર્તાઓ/દુનિયાનું મોં
હું બરાબર સ્પષ્ટ જોઈ શકતો હતો તેમ મને યાદ આવે છે. માથે ફાળિયાં ઓઢીને દયારામ કાકા, જીવા મોટા, શિવનાથ દાદા, ઉત્તમરામભાઈ અને શિવજીભાઈ એક પછી એક ભીતને અડી અડીને બેસી ગયા. દરરોજ ગામ ગજાવે તેટલો ઘાંટો પાડતી મારી માતા પણ ચૂપ થઈને હરતી ફરતી હતી. જે ઘરમાં એક મિનિટ પણ વાસણના ખખડાટ, છોકરાંના ધમધમાટ અને મોટેરાંના બડબડાટ અને ચડભડાટ વગર ન જાય, ભલે ને ઘેર મહેમાન આવ્યા હોય, ભલે ને ઘેર સાજુંમાંદું હોય, ભલે ને દિવાળી કે હોળી હોય, ભલે ને સવાર હોય કે સાંજ હોય, કે બળબળતા બપોર હોય; કાળની અનાદિ અનંત લીલા પેઠે એ કુટુંબ – મારું કુટુંબ ઘડી પણ આનંદ સિવાયની બધી જ લાગણીઓ પ્રગટાવે તેવું કાર્ય કર્યા વગર રહી શકતું ન હતું, તે પણ અણધારી રીતે શાંત થઈ ગયું. જગતમાં નવો બનાવ બન્યો કે મારા ઘરમાં શાંતિ પધારી. મારી માતા મારા ઓશીકા આગળ ઢળી પડી અને આ શાંતિની ભૂમિકા ઉપર તેણે પ્રાણપોક પાડી. ‘ઓ મારા દીકરા રે...' મારા પિતાએ પણ અવાજ કાઢ્યો. ઓરડામાં બેઠેલી મારી એ પત્ની – જમના રવિને ખોળામાં લઈ તેના માથાને પકડી ચૂપચૂપ રડી રહી. પાંચ વરસનો મારો શંકર બારણાને કોલ લપાઈને આંગળી મોંમાં ઘાલીને આંખમાંથી આંસ રેલાવી રહ્યો હતો. ‘ઓ માડી...દીકરો ફાટી પડ્યો રે...' મારી માની સાથે મદદમાં પાડોશીનાં ડોશીડગરાં, સોનાસણો, વિધવાઓ ભેગી થઈ હતી. તેમણે રીતસર બધી તૈયારી કરવા માંડી. તેમનો વિલાપ ઘરને ભરી વળ્યો. પુરુષો, મારા મિત્રો અને મુરબ્બીઓ ઉદાસ થયેલાં મોઢાં સાથે, અને કોક કોક આવતાં આંસુને લૂછી નાખીને સ્વસ્થ થવા પ્રયત્ન કરતા તૈયારીઓ કરવા લાગ્યા. હવે સાંજ પડી જશે. રણછોડભાઈ (મારા પિતા), રડવાનું તો નસીબમાં લખાયું જ; આપણે નીકળવાની ઉતાવળ કરો.' શિવજીભાઈ ઠરેલ રીતે બોલ્યા. ઉછાંછળો અંબાલાલ (મારો મિત્ર) શાંત ને ડાહ્યો થઈને શેઠને ત્યાં ખાંપણ લેવા ગયો. દરમિયાન વાંસડા પણ આવી ગયા હતા. ‘મંછાબા, વહુને તૈયાર કરો ત્યારે. પડોશણ અંબા રોતાં રોતાં મોઢા પર પ્રગટેલાં આંસ, લીંટ વગેરે ઘૂંઘટમાં જ સમેટી લેતાં બોલ્યાં. લગ્નના સમારંભ જેટલી તૈયારીઓ થવા લાગી. પટારો ઊઘડ્યો. રાતું અંબર, કિનખાબનું કાપડું, હાથીદાંતના ચૂડા, મશરૂનો ઘાઘરો બહાર કઢાયાં. ‘વહુ, લાવો રવિને મારી કને. આ પહેરી લો.’ એ ઊઠી અને વસ્ત્રના તે ઢગલા કને ગઈ. ‘પહેરી લે, બે'ન, છેલ્લવેલું બધું પહેરી લે.’ એની સહિયર બોલી ને એ બંને હૈયાફાટ રડી પડી. ‘વહુ, દીકરી, આખો જનમારો રોવાનું છે. છાનાં રહો, ટાણું વહ્યું જાય છે. જલદી કરો.' અંબાએ રવિને પોતાની કને લીધો. તે પોતાની હજી વળેલી રહેતી મુઠ્ઠીઓવાળા હાથ હલાવવા લાગ્યો. ‘દીકરા, દીકરા.’ એણે હસી રહેલા છોકરાને છાતીએ બઝાડી ફરી રડવા માંડ્યું. પછી તે અચાનક ચૂપ થઈ ગઈ. ‘લો, માશી.’ તેનું મોટું કોરું થઈ ગયું દેખાયું. તેણે સ્વસ્થ થઈ રવિને અંબાને આપ્યો. તેણે વસ્ત્ર પહેર્યા. ‘ઓ મા, કયાં જાય છે તું? મને લેતી જજે.’ બારણાને કોલ લપાયેલો શંકર એકદમ દોડીને એને વળગી પડ્યો. અચાનક ધોધ તૂટી પડે તેમ ધોધમાર આંસુ સાથે એ ભોંય પર ઢળી પડી. ‘ઓ ગાંડાં, દહીં મોંમાં મૂક્યું કે નહિ? ધૂપ કરો. ઠાકોરજીના ગોખલામાં દીવો કરો. લાડ વાળો. બજારમાંથી જલેબી લઈ આવો.' બધી વિગત યાદ કરતાં અને કરાવતાં ઘરડાં ચંપા માશી બોલતાં હતાં. ‘માશી, બધુંય કરું છું. મારી મા કહેતી અને તૈયારીઓ થઈ. ‘શંકા, તારાથી હાંડલી ઝલાશે કે? જો પાછું વળીને જોવાનું નહિ, હોં?' ઉછાંછળાનો શાંત થયેલ અંબાલાલ શંકરને સમજાવતો હતો. ‘અરે એ તો છોકરું, તું સાથે રહેજે એની?' જીવણ મોટાએ આ પ્રથમ ક્રિયાની, ચાલનારની ચોકસાઈ કરી. ધુમાતાં છાણાંની હાંડલી લઈને આગળ શંકર ચાલ્યો અને પાછળ પુરુષો અને તે પાછળ સ્ત્રીઓ ચાલી. બધાં ફળિયા બહાર નીકળ્યાં. અંબા રવિને લઈને ઘેર રહ્યાં હતાં. મારે પ્રવાસ શરૂ કરવો જોઈએ. એ છેલ્લું પ્રાણી, મારાથી દુનિયામાં અવતાર પામેલું બાળક જોવા હું થંભ્યો. અંબાના હાથમાં તે રમતો હતો. બધાં નીકળી ગયા પછી હવે રડવાની જરૂર ન રહી હોય તેમ અંબા હસતા રવિ સાથે હસતી હતી. તેને પારણામાં નાખીને તે દોરી ખેચતી ઊમરા પર બેઠી અને કંઈક ગણગણતી સંભળાઈ. ‘બાપડું નબાપુ બાળક, મા કેવોયે ઉછેરશે હવે? મારે ઘેર પડ્યું હોત તો ફૂલાંપાનાંમાં રાખત. દીકરા, તારા જેવા તો ચાર ડોસાએ મરવા દીધા. પણ એક દમડી વૈદ દાક્તરને, માતા મહાદેવ ખાતે ન ખરચી. નહિ તો આમ વાડી ઊજડ થાય? રણછોડભાઈ, ખાનાર મલ્યાં તોય મહિને શેરનું બશેર ઘી ખાવાનું ના થયું. કોટે બાંધીને લઈ જજો હવે તમારા ધનના ઢગલા.’ આ...હ. મારે આગળ ચાલવું જોઈએ. ચકલામાં સ્ત્રીઓનું ટોળું કૂટતું હતું. ચીંથરાંની ઢીંગલીને કપડાં પહેરાવ્યાં હોય તેમ એ ચાલતી હતી. એની જુવાનીનું જોર ક્યાં ગયું? ‘ઓ મા, ધણી જેવો ધણી મરી ગયો, પણ આ બાઈ ફૂટે છે જરીકે?' એક પછી એક એમ ત્રણેક કુંડાળાની બે સ્ત્રીઓ વાત કરતી હતી. ‘ઓવ, આજકાલનીઓની વાત જવા દે. ગરબે રમવા આવી હોય જાણે.’ માડી હવે હેતપ્રીત પરવાર્યા. બીજી હોત તો છાતી તોડી ના નાખે?' ‘મારી ચંચળ રાંડી ત્યારે એટલું કૂટેલી કે એને ચોપાડેથી ખાટલામાં ઘાલીને લઈ જવી પડેલી.’ ‘બા, હૈયે તે હોઠે. એક ગયો તો કાશ ગઈ. એનાં માબાપાંનો ગયો ભાયડા ખૂટી પડવાના છે દુનિયામાં? દેહને કષ્ટી શું કામ દેવી?' ‘હા, મા, અને કેમ જાણ્યું, નહિ હોય.' ‘હા, મા, કોને નથી હોતા?' આડોશીપાડોશીએ એને વચલા કુંડાળામાં લીધી. રાંડેલી અને સોવાસણોના બોડા અને ચુડીઓવાળા હાથ ઊંચાનીચા થતા હતા. વાળંદણે મીઠો લહેકે રાજિયો ઉપાડ્યો હતો. ‘વહુ, જરા હાથ ઊંચા કરો, ઝીલો રાજિયો. એની પડખે ઊભેલી એક ઊંચા ઊંચા હાથ કરી કૂટતી બોલી. મને થયું આ ઊડતી સમડીમાં મારાથી પેસી શકાય તો તેના કાળજાને કોચી ખાઉં. ભારે ચૂડા એના હાથ ઉપર ઊંચાનીચી ખટખટ થતા પડતા હતા. તે ઢીલા હાથે ચીંથરાંની ઢીંગલી જેવી કુટવા પ્રયત્ન કરતી હતી. ‘બાઈ, આ તે વહુ છે કે કોણ?' પહેલાં કૂંડાળામાંથી ફૂટતાં કૂટતાં ખસી જતી એક સ્ત્રી બોલી. ‘એ ખભો આપો, ખભો આપો.’ વાંકા વળેલા દયારામ કાકા જુવાનિયાઓને કહેતા હતા. ઉપાડવાની હરીફાઈ કરતા જુવાનો ડોસાને નકામી ટકટક માટે ગાળો દેતા દેતા રહી ગયા. ગામનો ઝાંપો ગયો. તળાવની પાળ આવી. ‘રણછોડભાઈ, છાના રહો. પરભુની મરજી. થાય તે વેઠી લેવાની.’ જીવણ મોટાએ મારા પિતાને રડતાં રોક્યા. ‘જાવ છોકરાઓ, તમે જાવ. રણછોડભાઈ, બેસો આપણે અહીં.’ ‘હવે મારે ઘડપણમાં કેડ બાંધવાની આવી, ભાઈ!’ જીવણ મોટાને ખભે ઢળીને મારા પિતા રડી પડ્યા. બેચાર ઘરડેરા ત્યાં જ બેઠા. જુવાનિયા અને બીજા આગળ વધ્યા. બીજા ઓવારા ઉપર બૈરાં ચૂડાકરમ કરવા ગયાં. વાળંદણે એક પથરો લીધો. ‘નાહી લો, વહુ' એણે તળાવનાં સફેદ ભૂખરાં પાણીમાં પગથિયા પર બેસી ડૂબકું ખાધું. ‘રતન વહુ, કેટલા ચૂડા ભાંગ્યા આ જનમમાં?' કોને પૂછ્યું. ‘ઓ, માડી, એ શું પૂછ્યું. ભગવાન ભાંગે છે ને માંડે છે. મારોય માડી, ભાંગી ગયો.’ એના હાથમાં કંકણ–સૌભાગ્યચિહ્ન ભાંગી ગયાં. બધાં બૈરાં નાહવા લાગ્યાં. આડાંઅવળાં જઈ વસ્ત્ર બદલવા લાગ્યાં. એ પલળેલ લુગડે બેસી રહી. ‘દીકરી, બે દીકરા આપ્યા છે. ભગવાનને ગમ્યું તે ખરું. કાલે મોટા થશે.’ એને એક જણ આશ્વાસન આપતું હતું. એ સાંભળી દૂર બેઠેલી બે સ્ત્રીઓ બોલવા લાગી. ‘દીકરા ન આપ્યા હોત તોય કેમ જનમારો ના નીકળત? ઊલટો મારગ ખુલ્લો રહેત.’ ‘અને તેય કોના દીકરા લાવી છે તેય કોણ જાણે છે?' એનો વાંક ના કહેવાય. ધણી એવો હોય તો શું કરે? છોકરામાંય શા રામ બળ્યા'તા?’ ‘શંકરની મોરછા તો પેલો આફ્રિકા ગયો છે એના જેવી. ‘મા, મેલો પડતી વાત. સૌ સૌનું ભોગવશે. ધણી મરી ગયો છે ને આંખમાંથી આંસુ તો પડતું નથી. જાણે વિવાહ મહાલવા નીકળી ન હોય.' ‘મરશે બા, હવે કંઈ સતીઓના જગ છે? બીજી હોય તો તલાવમાંય ડબી મરે.’ રાંડેલી સ્ત્રીઓ કાપડાની ગજવીમાંથી ડાબડી કાઢી બોડી હાથે છીંકણીના ચપટા સુંઘતી બોલતી હતી. મારી પત્ની, મારાં બાળકો અને મારી વાતો કરતા જગતને મેં સાંભળી લીધું. ઠીક. આ જ, આવું જ એને કહેવાનું છે? આવું જ... હશે. મારે વિલંબ કર્યો પાલવે તેમ નથી. તળાવની પાળે વડ હેઠળ મારા પિતા અને તેમના સમોવડિયા બેઠા હતા. ‘ભાઈ, ઘરેઘડપણ આ શું તમારે!’ ‘હવે પાછું ના જોશો, રણછોડ મોટા. દીકરાનું નામ રહે તેવું કરજો.’ ‘રામના પોકાર સાથે આગળ વધતી તે મંડળીનો સંઘ મારે લેવો જોઈએ. ‘હવે ધીમા ધીમા ચાલો.’ ઉતાવળે ચાલતા ડાઘુઓને કેટલાક પાછળ પછી જનારા રોકતા હતા. ‘એ તમે આવો ધીમે ધીમે. અમે જઈએ છીએ વહેલા. નકામો ભાર શું કામ વેઠવો? જેમણે ઊચકવાની જવાબદારી લગભગ વહોરી લીધલી તે જુવાનોમાંથી એક બોલ્યો. પણ આ બધાંથી મારે ખરેખર વિદાય લેવાની આવી શું? પેલું ઘર, પલું ફળિયું...પેલું ચૌટું... પેલી દુકાન... પેલો ક્વો, તળાવ... પેલા મિત્રો... પલાં પાડોશી. મારી એ. શંકર... રવિ... મા-બાપ... એ બધાથી હવે વિદાય લેવાની? ખરેખર? ના... ના... હું તો આ રહ્યો... આ તળાવ, આ એમાં ભેંસો નહાય... આ વડ ઝૂકે... પેલા બે પોપટ ઊડ્યા... આ બધાં મને ભલી જશે? ... ભુલવાની તૈયારી જ કરે છે... એ ભૂલશે પણ હું કયાં ભૂલી શકવાનો છું? આ જગતની હકીકત તો મારે દરેક સ્થળે કહેવાની રહેશે જ. મારે શું એમ કહેવું પડશે જગત એટલે થોડોઘણો પ્રેમ, ઘડીકની લીલી વાડી, બાકી ઊજડ વેરાન, ઈર્ષા અને અપ્રેમ, દુષ્ટતા અને સ્વાર્થ, શિરજોરી અને બળજોરી? એ વાત હમણાં નહિ...મારે વખત ન ગુમાવવો જોઈએ. હાં, અર્ધ સુધી આવી ગયું. અંબાલાલ ચિતા સંકોરે છે. ‘લાકડાં ખૂટશે તો નહિ ને?’ માધવ કણબી બોલ્યા કે શું? ‘અરે બિચારાને, મૂઠીભર હાડકાંને બળવા કેટલું જોઈએ?' ‘ના, ના, એમ હોય તો જાઓ. આ ખળામાંથી ભરી લાવો થોડાં.’ ‘અરે, કોઈને શિયાળે તાપવા એક કરાંઠું ન લેવા દે તે લાકડાં આપે?' ‘જીવતાને તાપવા તો નહિ પણ મૂઆંને બાળવા તો કેમ ના આપે? આખી દુનિયા મરી જતી હોય તો એના ઘરનું માળિયું પણ કાઢીને આપે.’ ‘મરશે ભાઈ, હશે.’ ચિતાની જવાળાઓ વાયરાથી જેમ દિશાઓ બદલતી હતી તેમ વાર્તાલાપ પલટાતો હતો. ‘હવે મારને બે ગોદા વધારે, જલદી બળે તો પંચાત મટે અને તો ઘરભેગા થઈએ. હમણાં અંધારું થશે.' ‘પંચાત મટવાની શી વાત? હવે તો ડોસા કનેથી બધી કંજૂસાઈનો બદલો પડાવવાનો છે.’ ‘મારે છોકરા, મારે વાપરનારા છોકરા’ કર્યા કરતો હતો. તે હવે જુઓ કોણ રહ્યું છે વાપરનારું!’ ‘એમ કેમ બોલો છો. મરનારેય બે દીકરા મૂકી ગયો છે. કાલે સવારે મોટા થશે.’ ‘ઓ ભાઈ, કાલે તેની શી વાત? કાલે શું થયું?' ‘આ ડોસાનો પૈસો જ અધરમનો છે. એના પાંચ છોકરાને ભરખી ગયો તોય ડોસાની આંખ ઊઘડતી નથી. મેં કહ્યું કે ડોસા, ચાર છોકરા ગયા એમને એમ, હોં, કંઈ કાશી જાઓ, ગયાજી જાઓ, કાંઈ વાપરો, પણ ડોસો દમડી છોડે! અરે ભાઈ, આ મરી ગયો તે શું અમથો મરી ગયો? અલ્યા પચીસ રૂપિયા નથી વાપર્યા, પચીસ રૂપિયા દવા કરાવવા. આકડાના ફૂશ્રી પેઠે બધું ઊડી ન જાય તો સંભારજો કે હું શું કહેતો હતો.' ચંપકલાલ, અમારી પેઢીના હરીફ, કહેતા હતા. પાંચ-છ જણ ટોળું વળી સાંભળતા હતા. ‘એલા, દેવતા લાવો, જરા.' તેમણે બીડી સળગાવવા દેવતા માગ્યો ‘ઓ ભાઈ.’ વાત આગળ ચાલી, ‘આ છોકરાને કન્યા ક્યાંથી મળવાની હતી? એ તો મેં વચ્ચે પડીને કાંટું કરાવ્યું અને પછી બાયડીને ઉપાડી જવા આવ્યા'તા તેય મેં પાછા વાળ્યા. મારો ગુણ કોણ સમજે છે?' ‘કાકા, કહે છે વૈદે ધીમું ઝેર આપ્યું હતું – ખરી વાત?' ‘એ ભા, મને કંઈ ખબર નથી.’ ‘સાચી વાત, ના શું? પેલા ઉમરાવાળાઓએ વૈદને સાધેલો.’ ‘અરે, એની બૈરીએ ઝેર અપાવેલું.' ‘બૈરી ના અપાવે. કોઈકેય શું કામ અપાવે?’ ‘એ તો હવે ખબર પડશે. બૈરી કેવી રહે છે તે તો જોજો!’ ‘બે દીકરા છે એને મૂકીને ક્યાં જશે?' ‘જેના દીકરા હશે તેને ત્યાં.' જગતની જીભ અદૃશ્ય રીતે ચાલ્યા કરતી હતી. ‘એ હવે અંધારું થયું, ચાલો. ઊઠો.’ ‘આજથી બારમે દહાડે લાડવા-પાણી. નાતમાં રમઝટ ઉડાડવી છે.’ અમારો પાડોશી બોલતો હતો. ‘તું ફાવ્યો હવે, હોં. બધીય મોકળાશ મળી.’ એક જણે તેને આંખ મચકારી કહ્યું. ‘નહિ તોય ક્યાં નહોતી મોકળાશ?' ‘હવે તે વેળા તો મરનાર જમ્મ જેવો હતો. જીવતોજોધ. ફાડી ન ખાય.’ ‘હવે મેલો માથાકૂટ, મરી ગયું તેનું શું બોલવું હવે?' ‘મરી ગયો તો ઓછો થયો. વાત હોય તે કરવી જ પડે.’ ‘હા ભાઈ, નાતવહેવાર છે, નીતિ-રીતિની વાત છે. માણસનાં કરમ અકરમની વાત છે. જેવું દેખે તેવું સૌ બોલે. ચાલો ભાઈ ચાલો. બધુંય ભૂલી જવાશે. દુનિયાનું મોં કાળું.’ બધાય ઊડ્યા. દુનિયાનું કાળું મોટું મને સ્પષ્ટ દેખાતું હતું. દૂર ક્ષિતિજ નીચેથી વાદળાં ઉપર ચડતાં હતાં. જગતને કાળું કરવા સૂર્ય પોતાનાં કિરણો સંકેલી લેતો હતો. રાત ચડતી હતી. મને રડવાનું મન થયું. ખરેખર, મારી આંખમાં પાણી તો નહિ આવી ગયાં હોય એમ માની મારા હાથ આંસુ લૂછવા વળ્યા. અરે, પણ ભૂતને વળી આંસુ આવતાં હશે? હું સ્પષ્ટ જોઈ શકતો હતો. મારી ચિતાની અંદર છેલ્લો અંગારો પણ હોલાવાની તૈયારી કરતો હતો. [‘તારિણી']