સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/દ્રૌપદીનું દૃષ્ટાન્ત
સ્ત્રી-સશક્તિકરણની વાતો ચાલે છે ત્યારે નારીરત્ન દ્રૌપદીને યાદ કરવી જોઈએ. ખાસ તો, કવિ ભારવિએ આલેખેલી દ્રૌપદીને. કાલિદાસની સાથે ભારવિ (c. 6th century CE) -નું નામ હમેશાં લેવાય છે. ૧૮ સર્ગના એમના ‘કીરતાર્જુનીયમ્’ મહાકાવ્યમાં નિરૂપણ પામેલો દ્રૌપદીએ યુધિષ્ઠિરને આપેલો ઉપાલમ્ભ -ઠપકો- સંસ્કૃત સાહિત્યનું મૉંઘેરું ઘરેણું છે. અહીં મેં એના કેટલાક અંશ ગુજરાતીમાં ભાવાનુવાદ કરીને મૂક્યા છે. ‘ઉપમા’ માટે કાલિદાસ, ‘પદલાલિત્ય’ માટે દણ્ડી તેમ ‘અર્થગૌરવ’ માટે ભારવિ સુખ્યાત છે. એમના એ વિશેષને મેં અહીં બરાબર યાદ રાખ્યો છે. સંદર્ભ એવો છે કે વનેચર યુધિષ્ઠિરને દુર્યોધનની સફળતા વિશે સઘળી બાતમી આપ્યા પછી કહે છે: આપ પ્રત્યે કપટનું આચરણ કરવાને તત્પર દુર્યોધનના બારામાં આપ જે કંઈ કરવા માગતા હો, તુરન્ત કરો: યુધિષ્ઠિર એને ઉચિત પુરસ્કાર આપે છે. વનેચર જતો રહે છે. યુધિષ્ઠિર દ્રૌપદી-ભવનમાં જાય છે. દ્રૌપદીને અને ભાઈઓને વનેચરે કરેલી વાત કરે છે. કપટ અને અન્યાયની વાતથી દ્રૌપદીનું અન્તરમન દુ:ખી થઈ જાય છે. પાંચેય ભાઈઓમાં જે ધર્મરાજ કહેવાયા એ યુધિષ્ઠિર પર પછી એ એકધારે વાક્પ્રહાર કરે છે. એ કાજે કવિએ ૨૦-થી પણ વધુ શ્લોક ફાળવ્યા છે. દ્રૌપદી કહે છે: આપ જેવાને સ્ત્રી ઉપદેશ આપે એ વસ્તુ તો તિરસ્કરણીય, પણ શું કરું, સ્ત્રીયોચિત મર્યાદાનું ઉલ્લંઘન કરાવનારી આ મનોવ્યથા મને મજબૂર કરી રહી છે. યુધિષ્ઠિરના ક્રોધને જગાડનારી તીખી પણ વિનયગર્ભ વાણી ઉચ્ચારતી દ્રૌપદી આપણને યુદ્ધવાદી લાગે, લાગે કે પતિને ચડાવી રહી છે, અવમાનના કરી રહી છે, પણ સાથોસાથ, પતિ પ્રત્યેના અનર્ગળ પ્રેમને વરેલી એ એક સુજ્ઞ સન્નારી છે એમ પણ અનુભવાય. હું ભણતો’તો ત્યારે દ્રૌપદીની એ સંસ્કૃત વાણી એના જેવા ક્રોધભાવથી ઉચ્ચારી શકતો’તો. આ ભાવાનુવાદી ગુજરાતી અંશોને પણ ઉચ્ચારી શકાય. સારો અભિનેતા વધારે સારી રીતે કરી શકે. દ્રૌપદી ધીમે ધીમે ભભૂકે છે: ઇન્દ્ર-સમ તેજસ્વી તમારા કુળ-રાજવીઓએ ચિરકાવ્ય અખણ્ડ રાખેલી પૃથ્વીને તમે પોતે તમારા હાથે ફગાવી દીધી -જેમ મદમસ્ત હાથી પોતા પર પડેલી માળાને ઉછાળી દે! ધૂર્તોની સાથે ધૂર્ત નથી થતા એ મૂઢ-મતિજનો પરાભવને પામે છે. ધૂર્તો એવા અ-સુરક્ષિત અંગવાળાઓને તીક્ષ્ણ બાણની જેમ અંદર પેસી, હણી નાખે છે… આજે આપણે સ્ત્રીને અશક્ત કરવાના કાર્યક્રમ હાથ ધરવા પડ્યા છે એ શું પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાનું જ દુષ્પરિણામ નથી? બીજું એ પણ છે કે સામ્પ્રતમાં સ્ત્રી-પુરુષ સમ્બન્ધ વચ્ચેની ગાંઠ બહુ ઢીલી પડી ગઈ છે. વારંવારના ‘આઈ લવ યુ’ પછી પણ બ્રેક-અપ ને પૅચ-અપનો સિલસિલો. બૉયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ જેવા ઍકસ્ટ્રામૅરિટલ અફેર્સ. ડિવોર્સ ને લિવ-ઇન જેવા ‘ઈઝી’ મનાતા ઇલાજો. સાથોસાથ, દુષ્કર્મો, ઑનર-કિલિન્ગ કે લવ-જેહાદ જેવી રોજિન્દી આપત્તિઓ. લાગે કે આજકાલ સમાજ ત્રસ્ત અને વેરવિખેર છે. લાગે કે એમાં પ્રેમતત્ત્વની કટોકટી પ્રવર્તે છે. યુધિષ્ઠિર માટે ‘મૂઢમતિ’ અને ‘અ-સુરક્ષિત અંગવાળા’ જેવાં નાનમભર્યા વચન ઉગ્રતાથી પ્રયોજનારી દ્રૌપદી, પછી શું કહે છે, સાંભળો: અનુકૂળ સાધન-સહાયવાળા ને કુલાભિમાની એવા તમારા સિવાયનો બીજો કયો રાજવી કુલીન ને સુન્દર પત્ની જેવી રાજલક્ષ્મીને પોતાને જ હાથે અન્યોને લૂંટી જવા દે? હે નરદેવ! વીર પુરુષો જેની નિન્દા કરે છે, આપ, એ રસ્તે ભટકી રહ્યા છો! તમારા ક્રોધને ઉદ્દીપિત કરવાનો યત્ન કરી રહી છું પણ મને સમજાતું નથી કે તમને એ સળગાવી શકતો કેમ નથી. બાકી, સૂકા શમીવૃક્ષને અગ્નિ તો ઝટ સળગાવી દે છે… દ્રૌપદીએ યુધિષ્ઠિરને અમર્ષશૂન્ય ગણ્યા છે -ઇર્ષા-અદેખાઈ વગરના. એમને એ સ-ફળ ક્રોધી નથી ગણી શકતી. કહે છે: સફળ ક્રોધવાળી વ્યક્તિની આપદાઓ ફટ કરતીક ને નષ્ટ થઈ જાય, સૌ એના આધિપત્યને સ્વીકારી લે, પણ ક્રોધ-હીન જોડે તો મિત્રતા હોય કે શત્રુતા, કશું વળતું નથી… મેં કહ્યું કે આજે પ્રેમતત્ત્વની કટોકટી પ્રવર્તે છે. પરિણામે, પુરુષ આજે બેબાકળો દીસે છે. સ્ત્રી દીનહીન અને લાચાર દીસે છે. તોછડાઈથી એકમેકને ધમકાવી શકે ખરાં, પણ લાગે કે એમનામાં એકમેકને પ્રેમથી ઉપાલમ્ભ આપવાની હામ કે ધીરજ નથી બચી -આત્મશ્રદ્ધા જ ખૂટી પડી છે. છૂટાં થઈ જવાનું દુ:ખ તો એકેયને નથી. દ્રૌપદી પોતાના અન્ય પતિઓની હાલત વિશે પણ કહે છે. એનો એઓને વિશેનો પ્રેમ પણ વ્યક્ત થાય છે. કહે છે: રક્તચન્દનલેપને પાત્ર આ મહારથી ભીમ આજકાલ ધૂલિ-ધૂસરિત ગાત્રો સાથે પહાડોના અન્તરાલમાં પગે ચાલીને જતો હોય છે; હે સતવાદી! એથી આપના મનને કશું કષ્ટ કેમ નથી થતું? અગાઉ કુરુઓ પર વિજય મેળવીને સોના-ચાંદી રૂપે ધન સંપડાવતો’તો એ ઇન્દ્ર-સમ આ અર્જુન તમારા માટે આજકાલ વલ્કલનાં વસ્ત્રો લાવે છે -તો પણ તમે તો નથી ઉશ્કેરાતા. વનભૂમિ પર સૂવાથી શરીર જેમનાં કઠોર ને વાળ વાળથી છવાઈ ગયાં છે એ આ નકુલ-સહદેવ પહાડી હાથી જેવા દીસે છે -તો પણ તમે તો આત્મ-સંતોષને અને તમારા જક્કી નિયમોને ફગાવી દેવાને જરા જેટલું ય ચસકતા નથી! દ્રૌપદીએ વળી કહેલું: તમારી સૂઝબૂઝને હું આમ, નથી પામી શકતી. સમજું છું -ચિત્તવૃત્તિઓ ચિત્રવિચિત્ર હોય છે. છતાંપણ, આ આપત્તિના વિચારથકી જન્મેલી મનોયાતના મને બળાત્ પીડી રહી છે… હજી એવું એવું તો એ ઘણું કહે છે: મૂલ્યવાન શયન પર સૂવાવાળા અને વૈતાલિકો વડે કરાતા માંગલિક સ્તુતિગાનથી જાગનારા આપ, આજકાલ વિપુલ ઘાસથી છવાયેલી ઢંગધડા વગરની શય્યા પર સૂઓ છો, ને અમાંગલિક પ્રાણીઓના કકલાણથી જાગી જાઓ છો. હે નૃપ! તમારી આ કાયા રમણીય વરતાતી’તી, પણ હવે જંગલી ફળફળાદિ ખાવાથી, આપના યશની સાથોસાથ, કરમાઈ રહી છે. મણિમય બાજઠ પર રહેતાં તમારાં ચરણને પહેલાં તો રાજાઓની શિરોમાલાઓની પરાગરજ રંજિત કરતી’તી, પણ આજે આપનાં એ ચરણને અણિયાળાં કુશ-ઘાસથી આચ્છાદિત વન-ભૂમિ પર ચાલવું પડે છે. વ્યથાને દ્રૌપદીએ આ શબ્દોમાં પણ કહી બતાવી: આ દશા શત્રુઓને લીધે છે ને એટલે મારા મનને મૂળસહિત ઉખાડી રહી છે. હે નૃપ! શાન્તિ છોડો ને શત્રુનાશ માટે પ્ર-સિદ્ધ ક્ષાત્રતેજ પુન: ધારણ કરી સજ્જચિત્ત થઈ જાઓ! કામક્રોધાદિ શત્રુઓને શમશાન્તિથી તો મુનિજનો જીતે રાજા-મહારાજાઓ નહીં! હું પૂરો ઉપાલમ્ભ ન વર્ણવી શકું. બાકી, દ્રૌપદીનું આ દૃષ્ટાન્ત સ્ત્રીમાત્રને અને સ-શક્તિકરણના હિમાયતી સૌ આયોજકોને દૂર દૂરથી પણ ખપ આવે એવું છે. છે ઉપાલમ્ભ પણ એમાં કાવ્યત્વ છલકાય છે. એમાં સંગુપિત નારીહૃદયસમ્પદા આપણ સૌ માટે એક મહા મોટું પ્રેરણ છે, અંકે કરવા લાયક છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં કહ્યું છે કે સાહિત્ય કાન્તાની જેમ ઉપદેશ આપે છે. એટલે એમ સમજવાનું કે રાજા આજ્ઞા કરે, મિત્ર સલાહ આપે, પણ કાન્તા એટલે કે પ્રિયા તો સમજાવટથી લાડથી ચુમ્બન-આલિંગન જેવાં નાનાં-મોટાં વાનાંથી કાન્તને પ્રેરે. સૌ કાન્તનો આ જાત-અનુભવ છે. દ્રૌપદીનો ઉપાલમ્ભ પણ છેવટે તો કાન્તાસમ્મિત ઉપદેશ છે. મને એમાં કાવ્યશાસ્ત્ર અને જીવનશાસ્ત્ર એકરૂપ થઈ ગયાં દીસે છે. જોકે એનો યશ ભારવિને કહેતાં, સાહિત્યકલાને આપવો જોઈએ.