સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/સ્લૅન્ગ વિશે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સ્લૅન્ગ વિશે


સાહિત્યસર્જકો તો ખરા જ પણ લોકો ય કઢંગા ને અવળચંડા શબ્દો સરજે છે. સામાન્યપણે એને લોકબોલી કહેવાય, અંગ્રેજીમાં તો સ્લૅન્ગ શબ્દ છે જ. કાયદાને નેવે મેલીને દારૂ વેચાતો –ગુજરાતમાં આજે વેચાય છે એમ– ત્યારે એવા ‘સેલ’-ને સૂચવવા ‘સ્લૅન્ગ’ શબ્દ વપરાતો થયેલો. ગુજરાતી સ્લૅન્ગમાં ‘ગાંડિયો’ ‘અડબંગ’ ‘બાંગડ’ ‘રાંભો’ કે ‘નૉટી’ વગેરે છે. સ્લૅન્ગ વડે ચીડ તિરસ્કાર તુચ્છકાર કે ગુસ્સો વ્યક્ત કરવા સ્લૅન્ગ પ્રયોજે છે. એટલે કેટલાક વિદ્વાનો સ્લૅન્ગને જામી પડેલી દમ્ભી અને ઠાવકી સમાજવ્યવસ્થા સામેનો વિદ્રોહ ગણે છે. ‘તું બહુ સ્વસ્થ છું’ કહેવાનું ટાયલું લાગે, એટલે સાહૅજ સૅક્સ્યુઅલ સૅન્સ-વાળું ‘કૂલ’ અને એ જ ભાવ માટે ‘હૉટ’ પણ કહેવાતું હોય છે. આજકાલના જુવાનોને ‘વ્હાલા’ કે ‘વ્હાલી’ બોલવાનું ન જ ફાવે. એટલે ‘ડાર્લિન્ગ’ બોલાતું હતું, પણ હવે ‘બેબી’ શું લેવા ક્હૅતી હશે? ‘યુ લૂક સૅક્સી’—મોટે ભાગે જુવાન છોકરીને સીધું જ કહેવાય છે. જુવાનો ‘સૅક્સ’ શબ્દમાં એક જ વસ્તુ વાંચે છે. પણ એનો ખરો અર્થ છે, તું કામુક છું, તું આકર્ષક છું. પણ એ ઉતાવળિયાં એમ તો શું લેવા સમજે? હવે એવું છે કે લોકો ગાળો પણ બોલે છે. ગાળોનું સ્ટેટસ કયું? ભલે એને માટે ‘ચતુરાક્ષરી’ જેવો રૂપાળો શબ્દ ઘડી કાઢ્યો છે. દેખીતું છે કે ગાળોને શિષ્ટમાન્ય ભાષામાં સ્થાન ન જ હોય. ગાંધીજીવાળા ‘સાર્થ જોડણીકોશ’-માં આંખ મોઢું જીભ હાથ આંગળી પગ જેવાં અંગોના અર્થો ઉપરાન્ત તે-તેની સાથે સંકળાયેલા રૂઢિપ્રયોગો અને કહેવતો જેવા અનેક અર્થભાવ-સંકેતોની સુન્દર નિરૂપણા છે. મને તો હમેશાં લાગ્યું છે કે મનુષ્યશરીરનાં અંગાંગો સાથે સંકળાયેલા એ ગુજરાતી પ્રયોગોમાં માતૃભાષાનો પ્રાણ ધબકે છે. આ કોશમાં, એક શબ્દ ‘ઉપસ્થ’ છે. અર્થ આપ્યો છે — ‘પુરુષ અથવા સ્ત્રીની ગુહ્યેન્દ્રિય’. પરન્તુ એ અર્થનો લોકપ્રચલિત બોલ, શિષ્ટમાન્ટ ધોરણને કારણે, યોગ્ય જ છે કે નથી આપ્યો. બાકી, જનવ્યવહારમાં એ બોલની સાથેના સાર્થ અને સાર્થક પ્રયોગો વારે ને ઘડીએ થતા રહે છે, ને એ તો કોને નથી આવડતા? કાનમાં કહું કે એક વાર કોઈના લગનમાં ભેગા થયેલા કેટલાક સાહિત્યકારમિત્રો રીસેપ્શન અને બૂફે પછી એક રૂમમાં મજ ફરમાવતા’તા. કોઈ એવી ઘડીએ, એ અંગ સાથેના લોકપ્રયોગો બોલી બતાવવાનો સૌએ મુક્ત મને, હાસ્યની છૉળો સાથે, જબરો આનન્દ લૂંટેલો. ગણાતાં, એ પ્રયોગો ૧૫-૨૦ તો આમ જ થઈ ગયેલા. હા પણ, એનું સ્ટેટસ? એ જ કે એ સ્લૅન્ગ છે. વિચક્ષણ બુદ્ધિવાળા સાહિત્યકારો ખાનગીમાં આવી અ-મર્યાદ મજાઓ માણી લેતા હોય છે, પણ પોતાનાં લેખનોમાં ગાળો ન લખે. શિષ્ટ-તા પૂરા જાળવે. સારસ્વત તરીકેનો દરજ્જો તે સમાજ તરફથી ફિટકાર મળવાનો ડર. અરે, જાહેરમાં આપણો વિદ્વાન ‘ગાળ’ શબ્દ ઉચ્ચારતાં પણ લજવાઈ જાય છે અને શું કહૅ છે, જાણો છો? – ‘અપભાષા’! – ‘શિષ્ટેતર પ્રયોગ’! અમસ્તાં અમસ્તાં સાહિત્યકારની કલમમાંથી ‘ચાંપલી’ ‘છછૂંદર’ ‘ગાંડિયો’ કે ‘અડબંગ’ પણ ન જ પ્રગટે એ વાત નક્કી સમજવી. ચતુરાક્ષરી? છિ: છિ:! એ તો નહીં જ નહીં. જોકે પોતાને ‘બાગી’ કે ‘વિદ્રોહી’ સમજતા આપણા એક લેખકે વાર્તા લખેલી. વાર્તામાં સ્ત્રી-પુરુષના જાતીય સમાગમ માટેનો લોકખ્યાત શબ્દ વાપરેલો. એના જ જેટલા બહાદુર દેખાવા માટે તન્ત્રીએ છાપેલો પણ ખરો. વાચકોમાંના કોઈએ કાૅર્ટ જવાની ધમકી આપી તો એ બન્નેએ ખનગીમાં માફી માગી લીધી. એક વાર્તાકારે ગુજરાતીમાં લખાયેલી પોતાની વાર્તામાં ‘ફકિન્ગ’ ક્રિયાપદનો અને તેનાં રૂપોનો અતિ વપરાશ કરેલો. પણ પછી બદલીને કોઈ કારણે ‘સકિન્ગ’ કરી લીધેલું. નિષ્ણાતોએ કીધું કે મિસ્ટર, ‘સકિન્ગ’ પણ એટલો જ સૅક્સ્યુઅલ વર્ડ છે. વાતનો સારસંદેશ એ કે સાહિત્યિક હેતુ ન હોય તો આવા ચાળા ન કરવા. અને સમજી રાખવું કે હેતુ હોય ત્યારે પણ એને ચરિતાર્થ કરવા માટેનાં ભાષામાં હજાર સાધનો છે. કેમકે માનવીય સર્જકતા અનેકમુખી બહુહસ્તપાદ સત્ છે. સમજુ સાહિત્યકારો એ પરમ સત્-ની ખેવનાપૂર્વક સાધના કરતા હોય છે. બાકી, લોકને તો ન કશો છોછ કે ન કશી બીક. ગામડાંમાં કોઈ કોઈ સ્ત્રીઓ આરામથી જેમ બીડી પી શકે છે એમ ગાળો —પુરુષો બોલે એવી પણ— એટલી જ સહજતાથી બોલતી હોય છે. અને બોલનારીના મનમાં બધી જ વખતે સૅક્સ્યુઅલ મીનિન્ગ નથી હોતો. લઢણ પડી ગઈ હોય. કહે છે, સૂરતબાજુ ચતુરાક્ષરી ગાળો છૂટથી બોલાય છે. પણ એન અર્થ એ નથી કે દરેક પ્રસંગે સૂરતી લાલો સામાને ગાળ દે છે. ગાળ બોલવી ને કોઈને ગાળ દેવી એ બન્ને વાતમાં ફર્ક છે. ગાળ દેવી સારી વસ્તુ નથી જ. અરીસા સામે બોલવાથી તરત સમજાઈ જશે. છતાં લોકો મા/બેન સમાની ગાળો દેતાં ખંચકાતા નથી. મને ઘણી વાર થાય કે ગાળો મા/બેન સમાની જ કેમ છે? ગાળોમાં પુરુષજાત કેમ નથી? પણ પછી વિચાર આવે કે પુરુષપ્રધાન સમાજમાં એ તો ન જ હોયને! અતિ નીચ મનોદશાની એ પેદાશ વિશે વધારે શું કહેવું… પૉર્નોગ્રાફીમાં કે કામશાસ્ત્રામાં, સ્ત્રી-પુરુષનાં જનનાંગો માટેના શબ્દો સીધા પ્રયોજાય કે સમજી શકાય એવું છે. સંસ્કૃતમાં તો એ શબ્દો શાલીન લાગે છે —જાણે વાક્ તત્ત્વથી સંસ્કારેલા છે. ગાળોના મુદ્દાને સાહિત્યિક ધોરણે જોઈશું તો સંભવ છે કે સારું જ લાગે. પણ સમાજની રીતેભાતે જોઈશું તો ગમશે નહીં. હિન્દીમાં, ‘સ્લૅન્ગ’ માટે ‘ગ્રામ્યભાષા’ કે ‘ગંવારુ બોલી’ પર્યાયો છે! એવી ભ્રાન્ત માન્યતા છે કે માણસ અભણ છે. ગરીબ છે, એટલે ગાળો બોલે છે. પણ નગરવાસીઓ કે ભણેલાં અને તવંગરો નથી બોલતાં એવું થોડું છે? કેટલાક આછકલા શ્રીમન્તો પત્ની કે સન્તાનોને ‘રાસ્કલ’, ‘ઇડિયટ’ બોલે જ છે. એક બૌદ્ધિક ગુસ્સે થાય એટલે અંગ્રેજી ગાળો બોલવા માંડે. બને એવું કે સામાવાળો અંગ્રેજી બાબતે ‘બુઠ્ઠો’ હોય એટલે એઓશ્રી ટાઢા પડી જાય. જોકે એ જ કારણે ઊંધું પણ થાય. પેલાને થાય કે, ફટકારું હરામજાદાને! આ ‘હરામજાદા’ ગાળ નથી? જોકે ‘સાર્થ જોડણીકોશ’-માં આપ્યો છે. ગાળો યુદ્ધમાં દોરી જા છે, જાણીતું છે. દેહની જેમ શબ્દો જન્મે, જુવાન થાય, જીર્ણ થઈને મરી જાય. પણ તાજા તમતમતા નવા જન્મે ય છે, જેમાંના કેટલાક સ્લૅન્ગ હોય છે. ઘસાઈ ગયેલી ભાષિક અભિવ્યક્તિઓને સ્લૅન્ગને પ્રતાપે જતે દિવસે ભાગવું પડે છે. સભ્યતા-સંસ્કૃતિમાં નિષ્પ્રાણ થઈ ચકેલા અર્થસંકેતોના નાશને માટેનું આક સાધન સ્લૅન્ગ છે. ભાષાની ઉત્ક્રાન્તિમાં અને સંસ્કૃતિના વિકાસમાં એનો ઘણો હિસ્સો છે. એટલે તો ભાષાવિજ્ઞાનીઓ સ્લૅન્ગને ‘ઍન્ટિ-લૅન્ગ્વેજ’ કે ‘કાઉન્ટર-લૅન્ગ્વેજ’-નો દરજ્જો આપે છે. શિષ્ટની જોડે સ્લૅન્ગને પણ સાર્થક અને રસપ્રદ ગણીએ –પણ, સમજી-વિચારીને…

= = =