સોનાની દ્વારિકા/અઢાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

અઢાર

કાંતિલાલ શેઠ એમની કેબિનમાં બેઠા હતા. સડસઠતેત્રીસના ઉત્પાદનનું બરાબર ગોઠવાઈ ગયું હતું. મિલની બધીયે પાળી ધમધોકાર દોડતી હતી. અચાનક ફોનની ઘંટડી રણકી. ઓપરેટરે કહ્યું કે ભાવનગરથી કોલ છે. શેઠે ‘હલો!’ કહ્યું અને સામે છેડેથી અવાજ આવ્યો : ‘હું વજુભાઈ! ભાવનગરથી...’ ‘અરે! બોલો, બોલો વજુભાઈ! મજામાં?’ ‘હા. મજામાં. એક કામ હતું...’ ‘બોલોને સાહેબ એક નહીં બે..!’ ‘વાત જાણે એમ છે કે આપણી શિક્ષણસંસ્થામાં એક યુગલ છે કાનજીભાઈ અને કાંતાબહેન. બંને હોનહાર શિક્ષકો છે. અહીં સંસ્થામાં એમણે ખૂબ કામ કર્યું. હવે એમનો એક પ્રશ્ન છે કે નોકરી કરવી ને પગાર લેવો એટલાથી શું? કંઈક વધારે સારું અને સ્વતંત્ર રીતે કરવા ઈચ્છે છે, ખાસ કરીને ગામડામાં. મને ઘણા વખતથી કહેતાં હતાં કે અનાથ અને ગરીબ બાળકો માટે કંઈક કરવું જોઈએ.’ ‘હા... હંઅ... તે એમાં મારે શું કરવાનું છે બોલો!’ ‘મારા મનમાં છે કે એ બંનેને સુરેન્દ્રનગર મોકલી આપું!’ ‘પણ, એ બેય નીકળી જશે તો સંસ્થાને ખોટ નહીં પડે?’ ‘પડશેજ તો! મારે માથે ફરી એક વાર, છોડેલી જવાબદારી અદા કરવાનું અને બીજા શિક્ષકોને તૈયાર કરવાનું આવશે. પણ, એમનાંમાં જે શક્તિઓ છે તેનો પણ રચનાત્મક ઉપયોગ થાય એ જરૂરી છે. વળી એ બંને સમાજ માટે કામ કરવાની ભાવનાને કારણે જ લગ્નગ્રંથિથી જોડાયાં છે. એમનાં સ્વપ્નો પ્રમાણે આપણી સંસ્થા નાની પડે એ સ્વાભાવિક છે... ‘તો મોકલી આપો... હું ધનસુખભાઈ કોઠારીને આખી વાત સોંપી દઈશ અને ધ્યાન પણ રાખીશ. એક વાર એમની યોજના સમજી લઉં અને પછી શું થઈ શકે છે એ કહું!’ ‘પણ આવતાવેંત એમને પગ મૂકવાની જગ્યા તો કરવી પડશે ને …’ ‘એ બધું થઈ રહેશે...’ ‘સારું ત્યારે...’ ફોન મુકાઈ ગયો. થોડી વાર પછી શેઠે ફોનનું રિસિવર ઉઠાવ્યું. તરત જ ઓપરેટરનો અવાજ આવ્યો : ‘નંબર પ્લીઝ...’ ‘બસ્સો પિસ્તાલીસ...’ અને સામે છેડે રીંગ વાગી. ફોન રિસિવ થયો. ‘અરે! ધનસુખભાઈ નવરા પડો ત્યારે આ બાજુ આવજો!’ એટલું કહીને શેઠે ફોન મૂકી દીધો. પછી તો શેઠ કામે લાગી ગયા... સાંજે લગભગ પાંચ વાગ્યાના સુમારે ધનસુખભાઈએ શેઠની કેબિનના કાચ પર ટકોરા માર્યાં. બારણું ખોલીને અંદર ગયા. શેઠ પોતાની ખુરશીમાંથી ઊભા થઈને સામેના સોફામાં ધનસુખભાઈની બાજુમાં બેઠા. શેઠ ઊઠ્યા ત્યારે જ ધનસુખભાઈની નજર સામેની દીવાલે ગયેલી. સરસ મજાનું નવું પેઈન્ટિંગ લાગેલું હતું. એમણે ધ્યાનથી જોયું. પાછળ દૂર ભૂરા આકાશમાં જયભારત મિલની લાંબી ચીમની, ચીમની ઉપર વાદળ એવી રીતે છવાયેલું કે છત્રીનો આભાસ રચે. એની નીચે આખું નગર. ટાંકી ચોક. નાની નાની ગલીઓ. એક ગલી તો સ્પષ્ટ દેખાય. ગલીમાં ક્યાંક ખાટલા પડ્યા છે. એક સ્ત્રી બારી પાસે બાંધેલી દોરી પર વસ્ત્ર સૂકવી રહી છે અને એની પાસે ચોકડાવાળી બ્લ્યૂ લુંગી પહેરેલો માણસ ઊભો છે. નીચે જમીન પર એક ડોલ અને તબડકું. એક બકરી નાનકડી એવી પૂંછડી ઊંચી લઈને ચાલવા પગ ઉપાડી રહી છે. એનું ખેંચાયેલું મોં હવામાં લય ઊભો કરે છે. બે-ચાર છોકરાઓ ભમરડા ફેરવી રહ્યા છે. દૂરથી કોઈ ફકીર હાથમાં ધૂપદાન લઈને આવી રહ્યો છે. ઊંચી સેરમાં ધૂપનો ધૂમાડો સ્પષ્ટ દેખાય. ગલીના નાકે કેટલાક લોકો જુગાર રમે છે. ડાબી બાજુના બધાં ઘરોના પડછાયા લંબાઈ રહ્યા છે. ઈલેક્ટ્રિકના થાંભલાના સહારે કોઈ સાયકલ ટેકવી ગયું છે. થાંભલા ઉપર એક-બે પતંગનાં ઝોલાં અને અનેક જાતની લપેટાયેલી દોરી. વચ્ચે વચ્ચે સૂર્યનો પ્રકાશ. દૂર ઊંડે કાળા ધુમાડા કાઢતી સગડી. ચીમનીથી જરાક નીચે મસ્જિદનો દેખાતો અડધો ગુંબજ. ગુંબજની ડાબી બાજુએ ટાવર. એક-બે ઊડતાં પક્ષીઓ. મોટેભાગે વાદળી, કાળો, લાલ, લીલો, પીળો અને સફેદ એવા રંગો વપરાયા હતા. ધનસુખભાઈ ખુશ થઈ ગયા. ચિત્રની સામે આંગળી ચીંધીને શેઠને કહ્યું : ‘આ ચિત્ર નવું આવ્યું!’ ‘કેવું લાગ્યું?’ ‘બહુ સરસ, એકદમ જીવતું! પણ રંગો રવિભાઈની સ્કૂલના નથી. ભડક રંગો આટલા બધા સુંદર લાગે એની આમાં ખબર પડે છે. કોણે બનાવ્યું?’ ‘આપણા ગામનો જ મિયાણાવાડનો જુવાન છે. મુંબઈ જે. જે. ફાઈન આર્ટસમાં છેલ્લા વર્ષમાં ભણે છે. ચિત્રસેનભાઈએ ભલામણ કરી હતી... પણ છે પ્રતિભાશાળી! મારે એના બારામાં રવિભાઈ સાથે પણ વાત થઈ હતી. હમણાં આવ્યો હતો, આ પેઈન્ટિંગ આપી ગયો……’ ‘શું નામ છે એનું? નીચે સહી કરવાનોય વખત લીધો નથી!’ ‘મેં એ જ પૂછેલું! તો કહે કે ‘કોઈ પૂછે કે આ કોનું? એ જ મારી સહી ...!’ ‘પણ, તો ય... નામ તો કહો!’ ‘ગુલામઅબ્બાસ મન્સૂરી! આ એણે પોતાના ઘર વાળી ગલી જ ચીતરી છે!’ ‘પણ, કમાલ કરી છે નહીં? એક જ ગલીમાં આખું ગામ આવી ગયું!’ ‘હા. સરસ છે એટલે તો ટીંગાડ્યું ને!’ ધનસુખભાઈને ખ્યાલ આવી ગયો કે શેઠ બીજી વાત કરવા ઈચ્છે છે. એટલે હળવેકથી પૂછ્યું, ‘બોલો શીદ યાદ કર્યો? ‘આપણા દોશી વિદ્યાલયમાં બે શિક્ષકોને સેટ કરવાનાં છે. પતિ-પત્ની છે. ભાવનગરથી વજુભાઈની ભલામણ છે. કહે છે કે કંઈક કરી છૂટવાની ભાવનાવાળાં છે. થોડાં સ્વતંત્ર મિજાજનાં હશે એમ લાગે છે, અને આપણને તો એવાં જ ખપે! બોચિયા માસ્તરો શું ઉકાળવાના?’ ‘હમણાં તો આચાર્યની જગ્યા ખાલી છે, પણ આપણે એ જગ્યાએ કોઈ બહેનને લેવા ધારીએ છીએ…’ ‘તો એ બહેનને આચાર્યા બનાવો...!’ ‘એમ માનો ને કે એ તો થઈ ગયું. પણ, એમના શ્રીયુત પતિદેવનું શું કરશું?’ ‘એમની તૈયારી આચાર્યાના હાથ નીચે કામ કરવાની હોવી જોઈએ!’ ‘પણ, એ ભાઈ માટે તો જૂનમાં જગ્યા થાય. ત્યાં સુધી...?’ ‘ત્યાં સુધી એ આપણા સહુનો, સંસ્થાનો, ગામનો અને ભવિષ્યની યોજનાઓનો વિચાર અને અભ્યાસ કરશે! તમે હા કહેતા હો તો બોલાવી લઈએ.’ ‘બોલાવો જ. મળીએ વાત કરીએ તો કંઈક વધુ ખ્યાલ આવે.’ આ સંવાદ થયાના બીજા અઠવાડિયે એક સવારે ભાવનગરથી કાનજીભાઈ અને કાંતાબહેન ધનસુખભાઈ સમક્ષ આવી ઊભાં. એમણે બંનેને પગથી માથા સુધી જોયાં અને બેસવા કહ્યું. ગાંધીછાપ ચંપલ, ઈસ્ત્રી વિનાનું ખાદીનું સફેદ પહેરણ અને એવો જ લેંઘો. ખભા ઉપર થેલો. કાનજીભાઈનો વર્ણ શ્યામ, એકદમ મોટી અને ઉપસેલી પણ સુંદર આંખો. મજબૂત બાંધો. અવાજમાં રણકો અને આત્મવિશ્વાસ. ઊભા કે બેઠા હોય તો કોઈ એમની નોંધ લીધા વિના આગળ ન જઈ શકે એવું પડછંદ કાઠું. કાંતાબહેન તો જાણે મીણની પૂતળી જ! કોઈ રઈસ બાપની દીકરી હોય એવી ગરવી. ખાદીની સાડી ને એવી જ સાદી ચંપલ. શરીરે એક પણ ઘરેણું નહીં, તોય રૂપ નિખરી આવે. નાજુક બાંધો. ધીમે ધીમે તોળી તોળીને બોલે. આંખમાં એકલું અમી. ઘડી વાર તો એમ થાય કે આ શાલિગ્રામ જોડે કેવી રીતે મેળ પાડ્યો હશે? બંને ધનસુખભાઈની સામે ગોઠવાયાં અને ચાં પીતાં પીતાં વાત શરૂ કરી. ધનસુખભાઈએ પહેલા વાક્યમાં જ સ્પષ્ટતા કરી દીધી કે કાંતાબહેનને તો અમે દોશી વિદ્યાલયનાં આચાર્યા હમણાં બનાવી શકીએ, પણ કાનજીભાઈએ બે તૈયારી રાખવી પડે. એક તો કાંતાબહેનના હાથ નીચે કામ કરવાની અને બીજું કે જૂન સુધી રાહ જોવાની. કાનજીભાઈને બેમાંથી એકેય બાબતે વાંધો નહોતો. પણ એમણે એક વ્યવહારુ વાત મૂકી : ‘બીજો પગાર ચાલુ થાય તે પછી જ અમે ભાડાનું મોટું ઘર લઈ શકીએ. ત્યાં સુધી રહેવા માટે ઓછા ભાડાની એકાદ ઓરડી મળી જાય તો…’ ધનસુખભાઈએ બેએક પળ વિચાર કર્યો અને કહ્યું કે મહાજનના પાલમાં મજૂર મહાજનની જૂની ઑફિસ છે. કહેવાય ઑફિસ, ખરેખર તો બે રૂમ ઓસરીવાળું મકાન છે. અવાવરુ હશે. કદાચ થોડુંઘણું ફર્નિચર હોય પણ ખરું. તમે જોઈ લો અને ગમે તો રાખી લો. આખા વરસનો એક રૂપિયો ટોકનભાડું...! કલાકેકમાં તો ચાવી લઈને એક માણસ આવી ગયો. જાળી ઉઘાડીને અંદર ગયાં તો ચારેબાજુ ધૂળ અને બાવા! હાથ આઘાપાછા કરતું જ આગળ જવાય. ઓસરીમાં જમણી બાજુએ પાકું પાણિયારું. બેય રૂમ ખોલ્યા ત્યારે ખબર પડી કે લાકડાની બે પાટો અને એક ટેબલખુરશી પણ પડ્યાં છે. બારીની ઉપર અભેરાઈ પર કબૂતરનો માળો. અધૂકડી બારીમાંથી કબૂતરી આવજા કર્યા કરે. આખા રૂમમાં કાગળિયાંના ઢેર. જૂનાં ડબલાં અને ઈલેક્ટ્રિકના વાયરનાં ગૂંચળાં પડ્યાં હતાં. બીજા કચરાનો તો પાર જ નહીં! એક પછી એક બારી ખોલી અને આખો સૂર્ય અંદર ધસી આવ્યો. કાંતાબહેનને એ ક્ષણે ઘર ગમી ગયું. કાનજીભાઈએ પૂછ્યું, ‘કાંતાબહેન ફાવશે આ ઘર?’ ‘આમાં ન ફાવવા જેવું શું છે? હું તો પંદર દિવસ પછી કેવું લાગશે એની કલ્પના કરતી હતી. અને આમેય આપણે આખો દિવસ તો વિદ્યાલયમાં હોઈશું!’ કાનજીભાઈએ સુધાર્યું, ‘આપણે નહીં, તમે!’ ‘ખરું.’ કહીને કાંતાબહેન વિચારમાં પડી ગયાં. કાનજીભાઈએ એમના વિચારને ઇરાદાપૂર્વક આગળ વધવા ન દીધો. કાંતાબહેનનો હાથ પકડીને પ્રેમથી બોલ્યા, ‘જૂન સુધી હું એકલો ઘર સંભાળીશ. નવી જગ્યા છે એટલે તમારે પણ સંસ્થાને ઠીક ઠીક સમય આપવો પડશે ને? બીજું, હું એ દરમિયાન ગામ સાથે પરિચય અને નાતો કેળવીશ. બહાર રહીને તમને મદદ કરીશ.’ મકાન જોઈ લીધા પછી બંને ધનસુખભાઈ પાસે ગયાં અને કહી દીધું કે- ‘બધું જ સરસ છે. કહો અમે ક્યારે આવીએ?’ ધનસુખભાઈ હસી પડ્યા ને બોલ્યા, ‘તમે આવી જ ગયાં છો! હવે તો તમારે વજુભાઈની રજા અને સામાન લેવા જ જવાનું છે ને? જઈ આવો! આજે ગુરુવાર તો થયો. રવિવારે આવતાં રહો... હું સફાઈ કરાવવાની વ્યવસ્થા ગોઠવી દઉં છું.’ કાંતાબહેનને પિતાજી એટલે કે મોટાભાઈની યાદ આવી ગઈ. એ અત્યારે અહીં હોય તો આ વાક્ય આમ જ બોલે! અને એમની આંખમાંથી ખર ખર કરતાં બે-ચાર આંસુ ટપકી પડ્યાં. ધનસુખભાઈ જાણે એ ક્ષણને સાચવી લેતા હોય એમ બોલ્યા, ‘તમે મારાં ત્રણસો છોકરાંઓને જાળવવાનાં છો તો હું તમને બે ને ન જાળવી શકું?’ નક્કી કર્યા મુજબ કાનજીભાઈ અને કાંતાબહેન રવિવારે આવી ગયાં. એમના માટે ભાવનગર છોડવું અઘરું હતું. એક તો ગમતી સંસ્થામાં બંનેની નોકરી. વજુભાઈ અને સ્ટાફના મિત્રોનો અઢળક પ્રેમ. નવી રંગોળી કરવા માટે પોતે જ કરેલી વીંખી નાંખવાની! કોણ આવી હિંમત કરે? પણ પોતે જોયેલાં સ્વપ્નો અને અંદરનો અજંપો આવાં સાહસ ન કરાવે તો જ નવાઈ! બે દિવસમાં તો મહાજનની ઑફિસનાં દીદાર ફરી ગયાં. બંને બે દિવસ ધનસુખભાઈના ઘેર જમ્યાં હતાં એટલે એમના પરિવાર સાથે પણ એક આત્મીય સંબંધ ઊભો થઈ ગયો હતો. બપોરે જમીને કાંતાબહેને ધનસુખભાઈને પૂછ્યું : ‘આવતી કાલથી અમે રસોડું ચાલુ કરીએ?’ એ અમારે ઘેર એવું બોલી ન શક્યાં. ‘એમ ઉતાવળ નહીં કરવાની! ગુરુવારથી શરૂ કરો. અને... સાંજે શું જમવું છે એ લતાને કહી દો! તમને ભાવતી વસ્તુ જ બનાવીએ…’ ‘ધનસુખભાઈ!’ એવું સંબોધન કરવાને બદલે કાંતાબહેન સહજભાવે જ બોલી પડ્યાં, ‘મોટાભાઈ! એક શરતે આજે સાંજે જમીએ!’ ‘બોલો!’ ‘કાલે સાંજે તમે બધાં અમારે ઘેર આવો તો! હું તમને ભાવે એવાં ભજિયાં બનાવીશ...’ ધનસુખભાઈએ સહેજ હોઠ ભીડ્યા, આંખો બંધ કરી. પછી હળવેથી આંખો ખોલતાં કહે કે- ‘સારું!’ કાંતાબહેનનો ચહેરો ખરેખર ખીલી ઊઠ્યો. હસતાં હસતાં બંને જણ ઘેર ગયાં. થોડા દિવસમાં તો કાંતાબહેને દોશી વિદ્યાલય બરાબર સંભાળી લીધું. આખા શહેરમાં પણ એમની એક સંનિષ્ઠ શિક્ષિકા તરીકેની છાપ ઊભી થઈ. આ બાજુ કાંતાબહેન વિદ્યાલયે ગયાં ને બીજી બાજુ કાનજીભાઈએ ટાવર પાસે આવેલા મ્યૂનિસિપલ ગ્રંથાલય તરફ પગ ઉપાડ્યા. એમને થયું કે ‘ધૂમકેતુ’ને વાંચ્યાને ઘણો વખત થયો. કશુંક મળી જાય તો વાંચવાની મજા આવશે. પગથિયાં ચડીને અંદર ગયા. આટલા નાના શહેરમાં ભવ્ય ગ્રંથાલય જોઈને ખુશ થઈ ગયા. અંદર જઈને જોયું તો ડાબી બાજુના ખૂણામાં સૌથી પહેલું બાળકો માટેનું મોટું ટેબલ હતું. નાની નાની ખુરશીઓ જોઈને હરખાયા. બે-ત્રણ છોકરાઓ ‘ફૂલવાડી’, ‘ઝગમગ’, ‘ચાંદામામા’ અને એવું બધું વાંચતા હતા. અંદર ટેબલ હતું. ખુરશીમાં કોઈ બેઠું હતું. જઈને પૂછ્યું, ‘ચૌલાદેવી મળશે?’ ‘ક... ઈ... ચૌ... લા... દે... વી...?’ ‘ધૂમકેતુની...’ ‘ક... યો... ધૂ... મ... કે... તુ...?’ કાનજીભાઈને આઘાત લાગ્યો. એમને થયું કે આ માણસને અને લાયબ્રેરીને શું લેવાદેવા? પોતે શિક્ષક છે એવી ઓળખાણ આપી અને કહ્યું કે તમને વાંધો ન હોય તો હું કાલ સવારથી જ આવી જાઉં અને આપણે બંને થઈને બધાં પુસ્તકો બરાબર ગોઠવી દઈએ. થોડો પરિચય વધારે કર્યો તો જાણવા મળ્યું કે આ મોહનલાલ લાડાણી, મ્યૂનિસિપાલિટીના એક સભ્યના પડોશી છે અને નવરા બેઠા આખો દિવસ ઘરમાં કારણ વિનાની માથાકૂટ કર્યા કરતા હતા એટલે એમનાં પત્નીની ભલામણે અહીં નોકરીએ લાગ્યા હતા. એમની નોકરીને કારણે પત્ની અને સભ્ય બંનેને ઘણી રાહત થઈ હતી! મોહનલાલે વિચાર્યું કે પોતાને તો આમાં કંઈ ખબર પડવાની નથી તો ભલેને આ માસ્તર ગોઠવતા. સારું તો આપણું જ દેખાવાનું ને? અને એમણે તરત હા પાડી. કાનજીભાઈએ એમની ‘હા’ને પણ ગ્રંથાલયમાં યોગદાનરૂપ ગણી! કાનજીભાઈએ મ્યૂનિસિપલ ગ્રંથાલય સરખું કરવાનું બીડું ઝડપ્યું. એકેએક પુસ્તકને વિષયવાર, સ્વરૂપવાર અને લેખકવાર ગોઠવવામાં એમનો આખો દિવસ ક્યાં જતો એની ખબર ન રહે. કેટલીય અપ્રાપ્ય અને મહત્ત્વની ચોપડીઓ જોઈને ખુશ થઈ ગયા. ગ્રંથાલયમાં ગ્રંથપાલ તો દૂરની વાત, પણ કોઈ વ્યવસ્થિત કહી શકાય એવો એક પણ માણસ નહોતો. જે ગણો એ આ મોહનલાલ! પુસ્તક સાથે સ્નાનસૂતકનોય સંબંધ નહીં, એવા રોજમદાર મોહનલાલ ગ્રંથાલયને સમયસર ખોલબંધ કરે. રોજ ચોપડીઓની આપલે કરે. બાકી તો આખું ગ્રંથાલય વાચકોના હવાલે! કાનજીભાઈએ રજિસ્ટરોમાં પુસ્તકોની નોંધણી શરૂ કરી. એક તો ગમતું કામ અને કોઈ રોકટોક નહીં, એટલે એમનો આનંદ બેવડાતો. ખૂબ મજૂરી કરીને સાંજે ઘેર આવે ત્યારે કાન્તાબહેનનો હસતો ચહેરો જોઈને એમનો થાક ઊતરી જતો. નાના ગામમાં નાની નાની વાતો પણ છાની ન રહે. અઠવાડિયા-દસ દિવસમાં તો બધાંને ખ્યાલ આવી ગયો કે લાયબ્રેરી વ્યવસ્થિત થઈ ગઈ છે! ધનસુખભાઈને ખબર ન પડે એવું તો બને જ ક્યાંથી? એક દિવસ સાંજે મહાજનના પાલમાં આવી ચડ્યા. કાંતાબહેને કહ્યું કે એ તો સ્ટેશન બાજુ ફરવા ગયા છે. ધનસુખભાઈને આશ્ચર્ય થયું, ‘રોજ જાય છે? આખો દિવસ આટલું બધું કામ કરે છે તોય થાકતા નથી?’ ‘મોટાભાઈ, એમનું તો એવું છે કે કામ ન હોય તો થાકે!’ કાંતાબહેને હવે હકથી એમને મોટાભાઈ કહેવાનું શરૂ કરી દીધું હતું. થોડી વાર રાહ જોઈને મોટાભાઈ ગયા. એ રાત્રે કાનજીભાઈ ખૂબ મોડા આવ્યા. કાંતાબહેન તો ચિંતા કરતા હતા. આવ્યા એટલે મીઠો ઝગડો કર્યો. ‘તમને વિચારેય ન આવ્યો કે હું એકલી છું! આટલું બધું મોડું કરાય?’ ‘કાંતાબહેન તમે એકલાં છો એમ નહીં, પણ એકમાત્ર છો એવી પ્રતીતિ થઈ પછી મેં પળ વારેય ક્યાં વિલંબ કર્યો હતો?’ અને બંને એકબીજાંને વળગી પડ્યાં...

***