સોરઠી બહારવટિયા ભાગ-3/કનડાને રિસામણે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કનડાને રિસામણે

ગીરના ખોળામાંથી વિખૂટો પડી ગયેલ આ કનડો ડુંગરો : એની દક્ષિણે દાદરચો અને દાદરેચી નામના બે ડુંગરાની જુગલ-જોડી ઊભી છે : એને અગ્નિ ખૂણે રાયડો ને રાયડી નામના ડુંગરા-બેલડીએ બેસીને જાણે અહોરાત વિવાહ જ ઊજવ્યા કરે છે. એની છેડાછેડી જાણે કો દી છૂટતી જ નથી. આઘે આઘે ઘેડના કાંઠા માથે સૂરજ જ્યારે આથમતો હોય છે ત્યારે દરિયાના પાણી ઉપર છવાતા ઝળેળાટ આંહીં કનડે ઊભેલાંનેય કોઈ કોઈ વાર નજરે દેખાય છે. એવો આ કનડો ડુંગરો. સોરઠની શૂરવીર પદ્મણી હોથલ એક દિવસ એકલમલ બનીને બાપનું વેર વાળવા બાંભણિયા બાદશાહ ઉપર આંહીંથી ચડી હતી. બાપની મરણ-સજાઈ માથે આપેલા બોલ-કોલ પળાય નહિ ત્યાં સુધી પરણવું નહીં એવા વ્રત ધરનારી હોથલે એ બોલ પાળીને આંહીં કનડે આવી પુરુષના વેશ ઉતાર્યા હતા. વાંભ જેવડી લટો મોકળી મેલીને જે તળાવડીમાં હોથલ નાહવા પડેલી તે તળાવડીની મૂળ જગ્યા પણ કનડાની ગોદમાં બતાવવામાં આવે છે. જેની પાળે ચડીને એક દિવસ ઓઢાએ હોથલ નિહાળી —

ચડી ચખાસર પાર, ઓઢે હોથલ ન્યારિયાં,
બિછાઈ બેઠી વાર, પાણી માથે પદમણી.

એ જ આ શંખાસર તળાવડીની પુરાયેલી જગ્યા : અને એ જ આ ડુંગરો, જ્યાં છેવટે લુંબઝુંબ વનરાઈને આંગણે —

રણમેં કીધો માંડવો, બિછાઈ દાડમ ધ્રાખ,
ઓઢો હોથલ પરણીજે, સૂરજ, પૂરીજેં સાખ.

દાડમ અને દ્રાક્ષના એ વેલ-વળુંભ્યા માંડવામાં ઓઢાના ને હોથલના હથેવાળા મળ્યા, સોરઠની શૂરી સુંદરી ને કચ્છના વંકા મર્દ વચ્ચે છેડાછેડી બંધાણી અને ઈશ્વરની જમણી આંખ જેવા સૂરજે એ પરણેતરમાં સાક્ષી પૂરી એ જ શું આ કનડો! ને એ જ શું આ સૂરજ! ઓઢા-હોથલનાં ભોંયરાં આજ કોઈ વખંભર વનસ્પતિમાં ગાયેબ થયાં બોલાય છે. માલધારીઓ માલ ચારતાં ચારતાં એવી એક વનરાઈ-ઢાંકી જગ્યા પાસેથી નીકળે છે, ત્યારે એ કોતરનાં ઊંડાણમાંથી પારેવાંના ઘુઘવાટ સાંભળીને તેઓના કાન ચમકે છે. ત્યાં કોઈક ઊંડું નવાણ હોવું જોઈએ : કોઈ અકળ અગમ થાનક ત્યાં ગારદ થઈ ગયું હશે : આવી આવી કલ્પના અડાવતા ગોવાળો કનડામાં ભમે છે. કઠિયારાંના જોડલાં કરગઠિયાં વીણતાં વીણતાં માંહોમાંહે વાતો કરે છે કે “હોથલ તો હજી કનડે જીવતી છે, ઈ મરે નહિ ભાઈ! ઈ તો દેવભોમની પદ્મણી હતી. તે દિવસ કચ્છમાં ઓઢે એનું નામ પણ છતરાયું કર્યું, તેથી

ચિઠિયું લખિયું ચાર, હોથલજે હથડે,
ઓઢા, વાચ નિહાર, અસાંજો નેડો એતરો.

— એમ છેલ્લા રામરામની ચિઠ્ઠી ઓઢા માથે લખીને હોથલ પદમણી પાછી આંહીં કનડે આવેલી. પણ પછી તો —

ભૂંડું લાગે ભોંયરું, ખાવા ધાતી ખાટ,
ઓઢા વણનું એકલું, કનડે કેમ રેવાય!

આંહીં કનડામાં એનો જીવ જંપતો નહોતો. તલખતી તલખતી, પાણી બહાર મીન તલખે તેમ તલખતી હોથલ આંહીં જ વસી છે. એકલી ને અટૂલી આંહીં જ દિવસ વિતાવે છે. આયખાના તો અમરપટા લખ્યા છે એટલે મરાતું નથી. ઝૂરતી હશે કોક ભોંયરાની અંદર. એવી એવી વાતો કરીને આથમતે પહોરે, અંધારાં ઊતરવાની વેળાએ, ગોવાળો ને કબાડીઓ કનડેથી નીચા ઊતરે છે; ને, જાણે પોતાના મરેલા બેટા કે બાંધવોની ખાંભી ઉપર સિંદૂર ચડાવી રહી હોય તેવી અબોલ, ઉદાસ, અંધકારરૂપી કાળી કામળી ઓઢેલી કોઈ વિજોગણ મા-બહેન સમી સંધ્યા પણ કનડે ઊતરી પડે છે.

*

એવી એક સાંજને ટાણે દક્ષિણ દિશાએથી બે ઘોડેસવાર ડુંગરા ઉપર ચડ્યા આવે છે. ડુંગરના પેટાળે પડેલી લાંબી કેડીએથી બેય ઘોડા ઠેઠ ટોચ ઉપર પહોંચે છે. ડુંગરા ઉપર કેમ જાણે કોઈ માનવી સૂતેલાં હોય અને કેમ જાણે જરા જેટલા બોલાશથી પણ એની ઊંઘ ઊડી જાશે એવી ચુપકીદી રાખીને એક અસવારે પલાણ છાંડ્યું અને બીજાની સામે પણ નાકે આંગળી મૂકી અબોલ રહેવાનો ઇશારો કર્યો. પગરખાં છેટે ઉતારીને બેય જુવાનો ડુંગર ઉપરના એ પહોળા ચોકની વચ્ચોવચ આવી ઊભા રહ્યા. સાગ, સીસમ, દૂધલો, ધ્રામણ અને ખેરનાં ઝાડવાંનાં અધસૂકેલાં ઠૂંઠાં એ ચોકને કાંઠે કાંઠે છૂંટાંછવાયાં ઊભેલાં છે. વચ્ચોવચ એક મોટું ને બળી જળી ગયા જેવું સાગનું ઝાડવું ઊભું છે. એ ઝાડના થડ ઉપર સિંદૂરનાં બે ત્રિશૂળ કાઢેલાં છે. થડ પાસે બે પાવળિયા છે. તેના ઉપર પણ સિંદૂરનું અક્કેક ત્રિશૂળ આલેખ્યું છે. એ બે પાવળિયાની મોખરે એક, બે, ત્રણ, ચાર ને પાંચ લાંબી હાર્યોમાં એંશીક જેટલી ખાંભીઓ ખોડેલી છે. પહેલી જ હાર્યમાં જમણા હાથ તરફની પહેલી બે ખાંભીઓ ઉપર બબ્બે ગોળ કૂંડાળાં કંડારેલાં છે. (બાઈ માણસનાં બે થાનેલાંની નિશાનીઓ લાગે છે.) બાકીની ખાંભીઓમાં કશું જ કોતરકામ નથી, જમીનમાં ખોડેલા સાદા પથરા જ છે. માત્ર એને સિંદૂર ચડાવ્યો છે. જાણે કોઈ ધરતીકંપ થાતાં આખો એક દાયરો ત્યાં બેઠો ધરતીમાં સમાયો હોય એવો દેખાવ લાગે છે. “ભાઈ! હું ખાંભી જુવારી લઉં. તમે આ પાણકાના ઢગલા ઉપર બેસો.” એટલું બોલીને બેમાંથી એક મોટી ઉંમરના ને મોટી મૂછોવાળા અસવારે એક ફૂટેલા નાળિયેરની રખડતી કાચલી ગોતી લીધી. અંદર દિવેલ પૂરીને વાટ્ય પલાળી અને ખાંભીઓની ડાબી બાજુએ પાણકાઓની બનાવેલી આડશ વચ્ચે એનો દીવો પેટાવી, પાઘડીનો છેડો અંતરવાસ (ગળાની આસપાસ) નાખી પાયલાગણ કર્યું. બીજી કાચલીમાં સિંદૂર પલાળીને એ ખાંભીઓ ઉપર લેપ કરવા લાગ્યો. કામ પૂરું કરીને જ્યારે એ ઊઠ્યો ત્યારે એની ચળકતી મોટી આંખોમાં બે આંસુડાં હતાં. પાઘડીને છેડે આંસુ લૂછી નાખીને એ પોતાના ભેરુને ડુંગરાની જમણી બાજુએ લઈ ગયો. આંગળી ચીંધીને એક ધાર બતાવી. પૂછ્યું, “ઓલી ધારનું નામ શું, જાણો છો?” “ના.” “એનું નામ તોપધાર. ત્યાં અમારા સામી તોપ ચડાવીને માંડેલી.” “તમારા સામી? કોણે?” “જૂનાગઢના રાજે.” “ક્યારે?” “આજથી છેતાલીસ વરસ ઉપર : સં. 1939ની પોષ સુદ પાંચમે. તે દિવસ સૂરજ હજુ ઊગ્યો નહોતો; માણસો હજુ જાગ્યાં નહોતાં; પંખીડાં બોલતાં નહોતાં; અને અમારા મહિયાઓની કતલ ચાલી હતી. આ કનડો અમારાં રાતાંચોળ લોહીની નીકોમાં નાયો’તો. અમારા નવસો મહિયા આંહીં કનડે ચડીને એક મહિના સુધી રહેલાં, તેમાંથી એંશીની કતલ થઈ ગઈ છે.” “શા માટે નવસો ચડેલા? બહારવટે?” “ના ભાઈ. બહારવટે નહિ, પણ રિસામણે : વગર હથિયારે : રાજ આપણો ધણી છે ને આપણને મનામણાં કરશે એવી આશાએ : પણ મનામણાંને સાટે તે કુવાડા ચાલ્યા. અમારા એંશી જણ ચુપચાપ બેઠા બેઠા રામનું નામ લેતા કપાઈ ગયા.” “વાહ વાહ! શાબાશ મહિયા! ઊંચામાં ઊંચી રાજપૂતી એનું નામ. ત્યારે તો હવે મને એ આખી વાત કહો, ભાઈ!” એક ઢોરા ઉપર બેય જણાએ બેઠક લીધી અને પછી મહિયા કોમના એ મોટી આંખોવાળા, આધેડ ઉંમરના માણસે વાત આદરી :

*

અમે મૂળ તો મારવાડના મેણા (મીણા) રજપૂત. પછી અમે જે આણી મેર ઊતર્યા તે મહિયા કહેવાણા. આજથી ત્રણસો-સાડા ત્રણસો વરસ ઉપર અમારા વડવા ભીમા મહિયાએ મારવાડ ઉપરથી ઊતરતાં ઊતરતાં સોહામણી સોરઠ ભોમનાં સોણલાં દીઠાં. વાતો સાંભળી કે કાંઈ લોભામણો હાલાર દેશ છે! નીલાં તટ મચ્છુ તણાં, નીલી વાંકાનેર, એકરંગીલા આદમી, પાણી વળેજો ફેર. [મચ્છુ નદીના લીલા તટ : લીલૂડી વાંકાનેરની ધરતી : અને એકરંગીલા એ પ્રદેશના માનવી : એવો હાલાર દેશ છે. એ પ્રતાપ એના પાણીના છે.] મચ્છુ કાંઠો અને મોરબી, વચમાં વાંકાનેર, નર પટાધર નીપજે, પાણી હંદો ફેર. એવા એકરંગીલા માનવીને પેદા કરનાર પાણીવળાની દિશાએ અમારા વડવા ભીમા મહિયાએ ઉચાળા ઉતાર્યા. મચ્છુ અને પતાળિયોએ બે નદીનો જ્યાં સંગમ થાય છે તેને કાંઠે વાંકાનેર નામનું એક ગામડું વસાવ્યું. એક દિવસ ભીમા મહિયાની દોઢીએ આવીને એક બાઈ ઊભી રહી. હાથમાં બાળ તેડ્યું છે. આંખે આંસુ ઝરે છે. ભેળું રક્ષા કરનારું કોઈ નથી. ભીમે મહિયે પૂછ્યું, બે’ન! કોણ છો તું? શીદ આવવું થયું? તને આંહીં રામરક્ષા છે. તારા દુઃખની વાત દિલ મોકળું મેલીને કહે, બા!” “ભાઈ! મારા ધરમના વીર! હું પડખેના જાડેજા રાજાની રાણી છું. પાટ-ઠકરાણી છું, પણ અણમાનેતી છું. અમને બેય શોક્યુંને દેવે દીકરા દીધા, પણ મારું ફૂલ બે ઘડી વહેલું અવતર્યું. તેથી મારો બાળક ટિલાત ઠર્યો ખરો કે ની? એટલે અપર-મા એને મારવા ફરે છે. મને કોઈ સંઘરે તેમ નથી. આજ મચ્છુને કાંઠે તમ જેવા રજપૂતનું બેસણું સાંભળીને તમારી ઓથ લેવા આવી છું.” “વાહ વાહ! મારાં વડાં ભાગ્ય, મારી બોન! તું ભલે આવી. તારો જાડેજા રાજા કદીક બળિયો હશે, તો અમેય કે દી પારોઠનાં પગલાં દીધાં નથી. અમેય રજપૂત છીએ. તું તારે આંહીં સગી માનું પેટ સમજીને રે’જે.” આંહીં રાણીને આશરો અપાયાની વાત ફૂટી ને ત્યાં પડખેના રાજમાંથી જાડેજો રાજા વાંકાનેર ભાંગવા માટે કટક લઈને ઊતર્યો. અમારા ગામને ફરતી ફોજ વીંટીને પડ્યો કેમ કે ગઢ તો જિતાય તેવું નહોતું. રાતમાં ચાર-આઠ મહિયા જુવાનોએ ભીમાની રજા લીધી, પૂછ્યું કે “ફોગટની શીદ લડાઈ માંડવી? મૂળ ધણીને જ ઢોલિયા સોતો ઉપાડી આણીએ તો કેમ?” “તો તો રંગ રહી જાય, બેટાઓ!” ચોકીઓ ભેદીને ચાર મહિયાઓ રાજાના ડેરામાં ઊતર્યા. પોઢેલા રાજાને પલંગ સોતો ઉપાડી, દાંતોમાં ઉઘાડી તરવારો પકડી, મચ્છુનાં ઊંડાં પાણી વટાવીને ઢોલિયો દોઢીમાં હાજર કર્યો. રાજા તો હજી ભરનીંદમાં જ છે. પ્રભાતે ભીમા મહિયાએ કસુંબો કાઢીને તૈયાર કર્યો. દાતણ ને ઝારી હાજર રાખ્યાં, મહેમાન જાગે તેની વાટ જોતા બેઠા. મહેમાને આંખો ઉઘાડી ત્યાં એ વરતી ગયો કે કાળના હાથમાં પડ્યો છું. “જાડેજારાજ! આ દાતણ કરીને મોં પખાળો. કસુંબો ખોટી થાય છે.” એટલું કહીને ભીમા મહિયાએ અતિથિને દાતણ કરાવ્યું. કસુંબો પાતી વેળા ફોડ પડાવ્યો કે “રાજ! તમારાં ઠકરાણાં તો મારી ધરમની બે’ન છે. ક્યાંયે બચવાની બારી ન રહી ત્યારે મારા ઉચાળામાં એ રિસામણે આવી છે. હવે જો તમારે લડવું હોય તો અમે કટકા થઈ જાવા તૈયાર છીએ. બાકી અમારાં બે’નને પાછાં તમારા રાણીવાસમાં તો નહિ જ મોકલીએ. અમારો ભાણેજ આંહીં જ રે’શે. અમે એને વાંકાનેર ગામ દઈએ છીએ. બોલો! તમે એને શું દ્યો છો, રાજ?” રાજાએ પણ અણમાનેતીના દીકરાને પોતાની જમીન કાઢી દીધી. બે’નને દીધેલું વાંકાનેર છોડીને મહિયા ચાલી નીકળ્યા. ત્યારથી વાંકાનેરનો રાજા મહિયાને મોસાળ કરી માનતો થયો. ભાઈ! આ કનડાની કતલ થઈ ને, તે પહેલાં જૂનાગઢ રાજ સાથે મહિયાની તકરાર ચાલતી’તી ત્યારે વાંકાનેર રાજે અમને કહેવરાવેલું કે ‘શીદ તકરારમાં ઊતરો છો? જૂનાગઢ જાકારો ભણે તો આંહીં આવતા રહો. ત્રણ ગામ આપું. મારાં તો તમે મોસાળ છો.’ પછી તો અમે રાજકોટના કુવાડવા મહાલમાં જઈ વસ્યા. રાજકોટની ચાકરી કરી. થાનના ગોરખા ભગતે અમારા વડવા ભાણા મહિયાને સોણે આવી થાન પરગણું હાથ કરવાનો સંદેશો દીધો. અમે નાજા કરપડા નામના કાઠી પાસેથી થાન જીત્યું.

*

“વખત જાતાં તો અમારાં મહિયાનાં લોહી આયરના લોહી ભેળાં ભળ્યાં.” “એ શી રીતે?” મહેમાને પૂછ્યું. “તે દી અમારો વડવો ભાણ મહિયો ભરજોબન અવસ્થાએ : ઘોડીએ ચડીને ગામતરે નીકળેલા : ગુંદા ગામને પાદર અષાઢ મહિનાના મોરલાએ ગળક દીધી ત્યાં એની ઘોડીએ ઝબકીને ઠેક મારી. હરણ જેવી ઘોડી પંદર હાથ ઉપર જઈ પડી. ભાણ મહિયો તો પલાણ પરથી ડગ્યા નહિ, પણ એની પાઘ એના માથા પરથી વીંખાઈને નીચે પડી ગઈ. પાઘ વીંખાતાં જ માથા ઉપરના પેનીઢક મોવાળાનો ચોટલો છૂટી ગયો. વીખરાયેલી જટાએ ઘોડીને પણ ઢાંકી દીધી. ચંદ્રમાને વાદળીઓ વીંટે એમ કાળી લટોએ ભાણ મહિયાનું મોઢું છાઈ દીધું. “કૂવાને કાંઠે, ટીબકિયાળી ચૂંદડીએ અને ભરત ભરેલે કાપડે બે પનિયારીઓ હેલ્ય ભરીને હાલું હાલું થાતી હતી, તે આ દેખાવ દેખીને થંભી ગઈ. ભાણ મહિયાનો ચોટલો સંકેલાણો, પાઘ બંધાઈ ગઈ, ઘોડી પાદર વટાવી અણદીઠ થઈ, તોયે બેમાંથી એક પનિયારી તો ખસતી જ નથી. એની આંખોની મીઠી મીઠી મીટ એ જ દિશામાં મંડાઈ ગઈ છે. માથે બેડું મેલ્યું છે તેનો ભાર પણ ભુલાણો. જાણે બાઈ કાગાનીંદરમાં ઘેરાણી. અંતે બીજી પનિયારીએ એને ઢંઢોળી : ‘કાં બા! હવે તો બેડાને ભારે માથાની ટાલ્ય બળે છે, હો! અને તમારે જો તમારી હેલ્ય પરબારી ત્યાં જ જઈને ઉતારવી હોય તો પછી મને ઘરભેળી થાવા દ્યો.’ “તે વખતે તો પનિયારી છાનીમાની ભોજાઈ ભેગી ચાલી ગઈ. પણ ઘેર ગયે એને જંપ ન વળ્યો. ભોજાઈનું મે’ણું માથામાં ખટકતું હતું અને નજરમાં રૂડો અસવાર રમતો હતો. હૈયું ક્યારનું એની પાછળ પંથ કરી રહ્યું હતું. ઘરમાંથી માણસો આઘાંપાછાં થયાં એટલે પોતે હેલ્ય લઈને ચાલી. પાદરને એ જ કૂવેથી પાણી ભર્યું અને હેલ્ય માથે ઉપાડી કુવાડવા ગામને માર્ગે પડી. ગામમાં જઈને ભાણ મહિયાની ડેલીએ ઊભી રહી. માથે હેલ્ય ને મોઢે મલીરનો ઘૂમટો; પગ ઉપર ઢળતી પડી છે રાતીચોળ જીમી : ભાણ મહિયો જોઈ રહ્યો. પાસવાનોને કહ્યું, ‘પૂછો, આ બાઈ કોણ છે? અને શા કામે આવી છે?’ “માણસો પૂછવા ગયા. ઘૂમટાવાળીએ કહેવરાવ્યું કે ‘ભાણ મહિયાને કહો, હું ગુંદા ગામના આયર જીવા પટેલની દીકરી : મારું નામ રાણદે : કુળની લાજમરજાદ મેલીને આવી છું. માટે આજ કાં તો મૂછોના વળ ઉતારી મૂછ નીચી કર, ને કાં તો આ હેલ્યને હાથ દે!’ “ભાણ મહિયો ઘડીભર વિચારમાં પડી ગયો. આયરોનાં વેર માથે લઈ જીવવું વસમું હતું. પણ તેથી વસમું તો હતું મૂછ નીચી કરવાનું કામ. મહિયો થઈને મૂછનો વળ કેમ કરી ઉતારે? ઊઠીને એણે આયર કન્યાની હેલ્યે હાથ દીધો. રૂપાળી, રઢિયાળી અને શૂરવીરનું ઓઢણું ઓઢવા સગાંવહાલાંના વિજોગ સહેનારી રાણબાઈ ગઢમાં ચાલી ગઈ. શાં એનાં સોજાં શીળ! ઓરડાય હસી ઊઠ્યા. “બાઈના બાપ જીવા આયરને જાણ થઈ કે દીકરી મહિયા માથે મોહીને ગઈ. આયરનું ડિલ તપી હાલ્યું અને મહિયા ઉપર દળકટક હાંકવા મન કર્યું. મૂછો મરડીને આયર બોલ્યો કે ‘કુવાડવા ઉપર મીઠાનાં હળ જોડાવું તો હું આયર સાચો.’ ‘આપા જીવા!’ ડાહ્યા ચારણો હતા તેમણે શિખામણ દીધી, ‘એમ કાંઈ મહિયો ગાંજ્યો નહિ જાય. અને પછી દેખાશો ભૂંડા. માટે હાથે કરીને માત્યમ ખોવા શીદ ચડો છો?’ ‘પણ મહિયો શું એમ મારી દીકરીને રાખે?’ ‘આપા! દીકરી ગઈ છે તો મુછાળાને ને? કોઈ નમૂછિયા ઉપર તો નથી મોહી ને?’ ‘ના.’ ‘ત્યારે મહિયાને સગો બનાવી લે ને! અરે ભૂંડા! તારે તો ભડ વસીલો મળ્યો.’ “એ રીતે રાણદે આઈનો વસ્તાર મહિયા અને આયરનાં મોંઘાં લોહીમેળથી શોભી ઊઠ્યો. રૂપ ને શૂરાતન બેયનાં સરખાં પાણી મહિયાના વંશને ચડવા લાગ્યાં. એ રાણદે આઈનો દેહ અમારા શેરગઢ ગામના ટિલાત અમરાભાઈના ગઢમાં જ પડ્યો. ભાઈ! હજી જાણે ગઈ કાલની જ વાત.”

*

“પણ તમે જૂનાગઢ પંથકમાં ક્યાંથી આવ્યા?” “નવાબના તેડાવ્યા આવ્યા’તા, ભાઈ! નવાબને એક કોર કાઠીની ભીંસ. બીજી કોર ચોરવાડ-વેરાવળમાં રાયજાદા રજપૂતોનો દા બળે. ત્રીજી કોર બીલખાના ખાંટ ખાંડાં ખખડાવે. એ સહુની આડા દેવા નવાબે મહિયા નોતર્યા. કાઠી અને રાયજાદાનો તા ન ઝિલાવાથી મહિયા ત્રણ વાર તો આવી આવીને પાછા કુવાડવે ગયા. પણ આખરે મહિયાનાં નાકાં બંધાણાં. કાઠી ને રાયજાદાનાં જોર ભાંગ્યાં. મહિયાને ચોવીસી મળી. શેરગઢ, અજાબ અને કણેરી જેવાં અમારાં મોટાં મથક બંધાણાં. અમારું ટિલાત ખોરડું શેરગઢમાં વસવા લાગ્યું. આજ પણ અમારા આગેવાન ધારાભાઈના ગઢમાં થાન ભાંગ્યું તે દિવસનાં કાઠીસાઈ માળડા, ચંદરવા વગેરે મોજૂદ છે. અમારે ઘેર હડ્ય રહેતી. અમારા બે હજાર મહિયાના એક જ શ્વાસ : આજ તો એ વારા વહી ગયા. સમો પલટાઈ ગયો. કાયદા, કરારો અને કોરટોએ અમ ફરતા આંટા લઈ લીધા ને આંહીં કનડે ડુંગરે અમારાં ઢીમ ઢળી ગયાં.” “હાં હાં! ઝટ એ વાત ઉપર આવો. અંધારાં ઘેરાય છે ને આ ડુંગરાની ખાંભીઓ જાણે સજીવન થાય છે. મારું હૈયું સ્થિર રહેતું નથી. હું આ ધરતીને રોતી સાંભળું છું. કનડાની વાત કહો.” “સાંભળો ભાઈ! સંવત 1939ની સાલ સુધી મહિયો કરવેરા વિનાનો હતો. લીલાં માથાં ઉતારી આપનાર મહિયાને માથે લાગા નહોતા. પણ પછી તો નાગરોનો કારભાર જામ્યો. અને મહિયા ઉપર રાજની ચિઠ્ઠી ઊતરી કે ‘કાંઈક કર તો તમારે રાજને ભરવો જ પડશે.’ “આવી તવાઈના જવાબમાં શેરગઢથી અમારા આગેવાન અમરાભાઈએ લખી મોકલ્યું કે ‘મહિયાને નવા કર ન હોય, અમથી ખમાય નહિ.’ “તે વખતે મહોબતખાનજી ગાદીએ. કુંવર બહાદુરખાનજી શાહપર બાંધીને નોખા રહે. અમારા અમરાભાઈને તો બહાદુરખાન ‘ચીચા બાપુ’ કહીને બોલાવે ને અમરા મહિયાના એક દીકરાને પોતાની પાસે જ રાખે. એવાં હેત ને એવી પ્રીત. એ બહાદુરખાનજીએ અમરા મહિયાને કહેણ મોકલ્યું કે ‘ચીચા બાપુ! તમે શાહપર આવો. આપણે વષ્ટિ કરીએ.’ “અમરો મહિયો ઘોડીએ ચડી શાહપર ગયા. બહાદુરખાનજીએ ઘણા ઘણા સમજાવ્યા, પણ ભાઈ! સલાહ અવળી પડી ગઈ. પડખિયાએ અમરાભાઈને સમજાવી દીધા કે ‘રાતમાં ને રાતમાં દીકરાને લઈ શેરગઢ ભેળા થઈ જાઓ. નીકર ઠામ રે’શો!’ “અમરો મહિયો દીકરાને લઈ ચોરીચુપકીથી ચાલ્યો ગયો. સવારે બહાદુરખાનને ખબર પડી. એને પડખિયાએ ભંભેર્યો એટલે એને આ વાતની ખટક રહી ગઈ. મહોબતખાનનો દેહ પડ્યો, બહાદુરખાન તખ્ત પર આવ્યા. પછી એના હુકમ છૂટ્યા કે ‘હાં, મહિયા કર ન કબૂલે તો એનાં ખળાં જપત કરો.’ “અમારાં ખળાં પર જપ્તી બેઠી. પણ માથાકઢા મહિયા તો ચોરીછૂપીથી ખળાં ખાવા લાગ્યા. ફરી હુકમ છૂટ્યો કે ‘એનાં ઘાસચારોળાં જપત કરો.’ “પછી તો અવધિ આવી રહી. ઢોરઢાંખર ઉપર જે ગુજારો ચાલતો તે અટકી ગયો. “માગશર મહિનાની મધરાતે અમે નીંદર કરતા હતા ત્યાં અમારા ચોરા પાસે એક સાંઢિયો ઝૂક્યો અને અસવારે ડેલીએ આવી અવાજ દીધો કે ‘મહિયા ભાઈઓ, જાગો! હવે ઊંઘવાનું ટાણું નથી રહ્યું!’ “બેબાકળા જાગીને અમે પૂછ્યું, ‘કેમ ભાઈ! ક્યાંનો સાંઢિયો?’ ‘સાંઢિયો છે શેરગઢનો. અમરાભાઈએ કહેવરાવ્યું છે કે ઘેરઘેરથી અક્કેક મહિયો પ્રાગડના દોરા ફૂટ્યે કનડા ડુંગરને માથે આવી પોગે. હું જાઉં છું. મારે આજ રાતોરાત જ આખી ચોવીસી ફરવી છે.’ ‘પણ, ભાઈ, બા’રવટે કે રિસામણે?’ ‘રિસામણે. હથિયાર હોય તે પણ ઘેર મેલીને નીકળજો.’ “એટલું કહીને સાંઢણી-સવાર ઊપડતે પગલે ચાલી નીકળ્યો. “અને પ્રાગડના દોરા ફૂટતાંની વાર તો કનડાને માર્ગે ઘોડા, સાંઢિયા, ગાડાં અને પાળાઓની કતાર બંધાઈ ગઈ. ચોવીસ ગામમાંથી નવસો મહિયા કનડે રિસામણે મળ્યા. અમારા મુખીને એક જ બોલે અમે કટકા થઈ જનારા : અમે મહિયા તો અમારા સરદારના શબ્દ પર તોપે બંધાઈ જનારા : એક ઘર પણ પોતાનો જણ મોકલ્યા વિના ન રહ્યું.” “જ્યાં મોટો પુરુષ ન હોય તેનું શું?” “તે ઘરથી નાનો છોકરો આવે. તરસીંગડાવાળી બાઈઓએ ઘરમાં કોઈ પુરુષ નહોતો તે દસ વરસનો દીકરો મેલ્યો’તો.” “એના ભેગી બે બે’નો આવી હતી તે વાત સાચી?” “એ વાતમાં મોટો ભેદ છે. હું હમણાં જ કહું છું. નવસો મહિયા કનડે બેઠા. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ એમ બેઠા જ રહ્યા. આસપાસ કાઠીનો મુલક : મધુવંતીને કાંઠે મેંદરડાના હાંડા જેવાં ગામડાં : વસ્તીને અમારી ભે તો બહુ લાગી કે મહિયા ક્યાંક લૂંટી ખાશે. પણ અમારા મુખી અમરાભાઈએ કહી દીધું કે ‘મહિયાના પેટનો હોય તે આંહીં ભૂખ્યો મરી જાય, પણ લૂંટફાટ ન કરે.’ “એટલો બોલ બસ હતો. અમારામાંયે ચોરીલૂંટ કરનારા હશે. અમારી મથરાવટી જ મેલી ગણાય. પણ કનડે તો અમે તપ તપવા મળ્યા’તા. ધણીની રામદુવાઈલોપવામાં મહિયો મહાપાપ ગણતો’તો. અમે કનડા ઉપર પોષ મહિનાની ટાઢ્ય વેઠતા અને ગાંઠનું ખીચડું ખાતા બેઠા. મનમાં આશા હતી કે હમણાં અમારો ધણી જૂનાગઢથી ઊતરશે અને અમને મનામણાં મેલશે. વષ્ટિઓ આવવા પણ માંડી. રાજે અમને કહેવરાવ્યું કે ‘વીંખાઈ જાઓ. કનડો છોડી દ્યો. પછી તમારો વિચાર કરશું.’ “અમે જવાબ વાળ્યો કે ‘મહિયા ધર્માદો નથી ખાતા. માથાં દીધા બદલની જમીન ખાય છે. અમ માથે નવા લાગા ન હોય. બાકી તો ધણી છો. બધુંય આંચકી લ્યો ને! અમારે લૂણહરામી થઈને રાજ સામી સમશેરું નથી ખેંચવી.’ ”

*

“એવે સમે એક દિવસ મોણિયા ગામથી શામળોભાઈ નામે ચારણ ઊતર્યા. મોણિયું એટલે તો આઈ નાગબાઈનું બેસણું : અને નાગબાઈ તો મહિયાની ઇષ્ટદેવી : નાગબાઈ ઉપર અમારી હાડોહાડની આસ્થા : એ ચારણીનું છોરુ તે આ શામળોભાઈ. શામળાભાઈએ રાજની ને અમારી વચ્ચે વષ્ટિયું લાવવા-લઈ જવા માંડી. છેલ્લે દિવસ તો શામળોભાઈ અમને કસુંબા સાટુ અઢી શેર અફીણ સોત આપી ગયા. અને પોષ મહિનાની અજવાળી ચોથની રાત સૂસવતી હતી ત્યારે શામળાભાઈએ આશાભર્યો સંદેશો આણ્યો કે ‘વષ્ટિ લઈને રાજના મોટા અમલદાર કાલે પ્રભાતે મનામણે પધારશે, માટે હથિયાર પડિયાર હોય તેટલાં આઘાંપાછાં કરી દેજો.’ ‘હથિયાર!’ મોટા ચોટલાવાળા મહિયા જુવાનોની આંખો તાપણાને અજવાળે ચમકી ઊઠી. ‘હથિયાર તો અમારા હાથમાંથી સરકારે સંવત 1929થી આંચકી લીધાં છે, શામળાભાઈ!’ ‘આકળા મ થાવ, જુવાનો!’ શાણો સરદાર અમરો મહિયો બોલ્યો. ‘અને શામળાભાઈ! હથિયાર હોય તોય આજ અમે વાપરવા નથી નીકળ્યા. આજે તો અમારે બેઠું બા’રવટું ખેડવું છે. આજ ધણીની સામે કંઈ ઘાય હોય? અને તું તો અમારે ગૌસ્વરૂપ : તું ચારણ આડો ઊભો હો ત્યાં હત્યા ન હોય. ખુશીથી સરકારના સરદારો પધારે.’ ‘અને હથિયાર લેવાં હોત તો આંહીં કનડે શીદ બેસત? ગર છેટી છે?’ એક જુવાન નીકળ્યો. ‘શું કરીએ, ભાઈ! આજ અમારો મુખી અમને ભામણપણાનું ભણતર ભણાવે છે.’ ‘મહિયા જુવાનો!’ ચારણે ખાતરી દીધી, ‘હું તમને ઠાલો રૂડું મનવવા નથી આવ્યો. રાજના પેટમાં કૂડ નથી દેખાતું. તમારાં રિસામણાં રાજને ભારે પડે તેવાં છે. તમારે એક જ ડગલામાં ગર પડી છે, એટલે જ આજ રાજનાં મનામણાં આવે છે. આજની રાત જંપીને ઊંઘજો.’ “મહિના મહિનાના ઉજાગરા હતા. ભૂખ, ટાઢ ને તડકા ઘણાં ઘણાં વેઠ્યાં હતાં. ઘરના વિજોગ, ગરાસની ચિંતા અને મરવું કે મારવું તે વાતના વિચારો થકી મહિયા થાક્યા હતા. આજ નવસોયે જીવ જંપી ગયા. કાલ તો કનડેથી ઊતરીને ઘરને છાંયડે જાવું છે એવી ધરપત થકી મીઠી નીંદરે આંખો મળી ગઈ. ઘસઘસાટ નીંદર : પણ ત્યાં તો સૂરજની કોર ફૂટતાં અમને સૂતેલાંને કોણે જગાડ્યા? મનામણાંને મીઠે બોલે નહિ, પણ બંદૂકને સણસણાટે! આટલી સેના ક્યાંથી ઊમટી? કનડો ઘેરી લીધો! રાતમાં ને રાતમાં આ હજારું હથિયારવાળા ક્યાંથી ઊતર્યા? સંધવાડના સાંતી ને કોસ છોડાવી છોડાવીને શું હજારુંને મોઢે સંધી ઉતાર્યા? ઝબકેલાં મહિયામાંથી કેટલાકને પોતાનો ધર્મ સૂઊ્યો તે સામી છાતી પાથરીને ઊભા રહ્યા. ને બીજા દશ્ય ભૂલીને ડુંગરેથી દોટ દેતા ઊતરી ગયા. એંશી ને ચાર, ચોરાશી જવાંમર્દો, એક બોલ પણ બોલ્યા વિના ઊભા રહ્યા. એના લાંબા લાંબા ચોટલા ઝાલીને એક હારમાં બેસાડ્યા. પછી માથાં કાપ્યાં — તરવારે નહિ હો, કુવાડે. એની આ ખાંભિયું, ભાઈ! એ ખાંભિયું અમારે પૂજ્યાનાં ઠેકાણાં. ચોરાશી જણાએ જીવ દઈ જાણ્યાં.” “અને ઓલી બે બાઈઓની ખાંભીઓ વિશે શું?” “હા, લોકો બોલે છે કે તરસીંગડાવાળા બાળ મહિયાને સાચવવા બે બે’નો આવેલી. મહિના સુધી એ બે જુવાનડીઓ પોતાના બાળા ભાઈને વીંટીને બેસી રહી હતી. સાત ખોટનો એક જ કલૈયા કુંવર જેવો એ ભાઈ હતો. કતલ ચાલતી’તી તે ટાણે ‘અમારા ભાઈને મારશો મા! ભલા થઈને મારશો મા! એને સાટે અમને મારી નાખો!’ એવી કાળી વરાંસ્યો નાખતી એ બે’નોએ પોતાના ભાઈની કતલ કરનારની આડા દેહ દીધેલા એટલે એને પણ કાપેલી. પણ વળી કોઈક આ વાતને ખોટી ઠરાવે છે. મુખીઓ કહે છે કે એક મહિના સુધી કોઈ બાઈ માણસ અમારા સંઘમાં નહોતું. મુખીનો હુકમ જ નહોતો. તેમ છતાં ફોજવાળા વાતો કરે છે કે ‘અમે જ્યારે કાપતા હતા ત્યારે એક નાની કુંવારકા એક રૂડારૂપાળા બાળ મહિયાની આડાં અંગ દઈને ધા નાખતી હતી કે ‘મારા ભાઈને મ મારો! મારા વીરને મ મારો! એને સાટે મને મારો!’ એને પણ અમે તો મારેલી. પછી ગાડામાં નાખીને અમે સહુનાં માથાં લઈ જતા હતા ત્યારે પણ એક ગાડે એક આંગડિયાળી કુંવારકાનું શબ સૂતેલું દેખાતું હતું. દેહ પર જખમ નહોતો, રગતનો છાંટો નહોતો, પણ મરેલી પડી હતી. કોણ જાણે કેમ થયું, પણ જૂનાગઢ પહોંચતાં પહેલાં એ શબ અલોપ થઈ ગયું… વોંકળો વળોટ્યા પછી અમે એને દેખી જ નહિ.’ આમ ગિસ્તવાળા વાતો કરતા હતા.” “કોણ હશે એ કુંવારકા?” “બીજી કોણ? આઈ નાગબાઈ! પાંચ મહિયા મરે ત્યાં આઈ પણ ભેળી મરે છે. વારે વારે મરે છે, બાપ! મરી ન જાણ્યો એક શામળોભાઈ ચારણ.” “ખૂટામણ હશે?” “ના, ના, ના, ના! હોય નહિ, કહેનારની જીભ કપાય. ચારણ છેતરાઈ ગયેલો. એ સમજ્યો નહિ. દગાની રમત એના કળ્યામાં ન આવી; એટલે એણે જોયું ને અમે કપાણા.” “તો એણે મરવું’તું.” “હા, એણે મરવું’તું. પણ એને મરતાં આવડ્યું નહિ, આખી ચારણ કોમે એને ફટકાર દીધો.” “તમે મહિયા આ વાતને કેવા દિલથી યાદ કરો છો?” “ઊજળા દિલથી. અમે જૂનાં વેર જગાડવા આ ખાંભીઓ નથી જુવારતા. અમે તો જુવારી જુવારીને સંભારીએ છીએ કે ખાનદાનીથી મૉતને શી રીતે ભેટાય છે? અમે મરી જાણવાના પાઠ ભણીએ છીએ. બાકી વેર કેવાં? કડવાશ કેવી? માનવી બિચારો કોણ માત્ર? જે માનવી મત્ય ભૂલી જાય, તેના ધોખા શા હોય? ખાંભીઓ અને ઇતિહાસની વાતો ઝેરવેર શીખવવા સાટુ ન્હોય.” “પછી રાજને માથે શું થયું?” “અમારી સો બાઈઓ રાજકોટ ગઈ. જઈને સરકારને જાણ દીધી. સરકારનું કમિશન બેઠું. કંઈક રમતો રમાણી. નવાબ ખા. બ. સાલેહહિંદી અને બાપાલાલભાઈનો કારભાર તૂટ્યો. સરકારને ઠપકો મળ્યો. થોડીક તોપની સલામી કમી થઈ ને અમારા હક અખંડ રહ્યા. અમને એજન્સીની હકૂમત હેઠળ લીધા. અમારે રાજને રૂપિયા પાંચ હજાર સાતસો એંશી ખરચ ભાગે આપવા ઠર્યા. ત્રણ વરસ પછી અમે રાજને કુલ સાઠ સાંતીની જમીન કાઢી આપીને એ કરમાંથી મોકળા થયા અને પાછા જૂનાગઢ રાજ્યની હકૂમતમાં આવ્યા. આજ અમારા ઉપર લાગો નામ ન મળે. આ અમારી કથની થઈ, ભાઈ! “હાલો હવે ચંદ્રમા ચડ્યો છે. શૂરાપૂરાને જાગવાની વેળા થઈ છે. હવે આપણે ઊતરી જઈએ.”