સોરઠી બહારવટીયા - 2/૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

"મા૨ા દાદા સામત ખુમાણે ભાઈ બેટાઓનાં લીલાં માથાં વઢાવી વઢાવી કુંડલાની ચોરાશી ઘેરે કરી; રાવણ જેવા ખસીઆઓનું જડાબીટ કાઢી મીતીઆળા સરખા કિલ્લા હાથ કર્યા, અને શું આજ ઠાકોર આતોભાઈ પોતાની બંદુકડી બતાવી અમારાં ચોરાશી પાદર આંચકી લેશે? ના, ના, તો તો અમે સામત ખુમાણના નવે પોતરા, બાપ આલા ખુમાણના અમે નવે બેટડા બારવટાં ખેડશું.” “આપા હાદા! તમારા આઠ ભાઈઓની આશા તો હવે મેલી દ્યો.” ખબર દેનારે કહ્યું. “કાં?” “એને તો ઠાકોર વજેસંગે પાળેલાં પશુડાં બનાવી લીધાં. ઇ તો એ પૂછડીયું પટપટાવે!” “એટલે?” “એટલે શું? સહુ પોતપોતાનાં છ છ ગામ દબાવીને બેસી ગયા ત્યાં તો ઠાકોરનો સંદેશો આવ્યો કે મારી શરત નહિ માનો તો શેત્રુંજીને કાંઠે ફરીને તોપખાનું ફેરવીશ; અને ખુમાણોને ફુંકી દઈશ.” “શી શરત?” “અકેકક ગામ ડુંગરી (સુવાંગ) અને પાંચ પાંચ ગામમાં ભાવનગર દરબારના ત્રણ ભાગ : ફકત ચેાથ જ તમારી ખુમાણોની : એમ જો ગરાસ ખાવા હોય તો જ ખાવા દેશું. નીકર ભીંસીને ભાંગી નાખશુ.” “વાહ ઠાકોર! કરામત સારી કરી. પછી? કોણે કોણે કરાર કબુલ કર્યો?” “પેલો ભાઈ ભોજ ખુમાણે અને એની વાંસે બાકીના સાતે જણાએ.” “પીઠાએ, વીરાએ, સૂરાએ, લૂણાએ, તમામે?” “તમામે.” “ડાડા સામત ખુમાણના પોતરાએ? ખોરડું વેચી નાખ્યું? બંદુકડીથી બીના?” “મરવું દોયલું છે આપા! ભાવનગરને પોગાય એમ નથી. સુરજ સામી ધુડ ઉડાડવી છે ને? તમે પણ બેસી જાવ. ઠાકોર કે'વારે છે–" "કે?" "કે આપા હાદાને પણ એક ડુંગરી ગામ, ને બાકીના પાંચમાં ચેાથ.” “નીકર?” “નીકર તોપખાનાને મોઢે બાંધશે. ભાઈયુંનું જોર તો હવે ભાંગી ગયું. હવે કોનાં બાવડાં માથે ઝૂઝશો આપા હાદા?” “મારા ત્રણે વીરભદરનાં બાવડાં માથે! મારા ગેલા, ભાણ ને જોગીદાસનાં બાવડાં માથે. ભલે ભોજ કુવાડાનો હાથો બન્યો. ભલે ભાઈયું બેસી ગયા. ભગવાને દીકરા શીદ દીધા છે? શોભા સાટુ નહિ, મરવા મારવા સાટું. અમે મરશું, પણ ભાવનગરનાં અઢારસેંય ઉજ્જડ કરશું. ઠાકોર દૂધ ચોખાની તાંસળીમાં રોજ ખુમાણોનાં ભાલાં ભાળશે. ઉઠો બાપ ગેલા! ઉઠો ભાણ! ઉઠો આપા!” ત્રણ દીકરા ને ચોથો બુઢો બાપ: ઘોડે ચડી ચાલી નીકળ્યા. “આપા! શું કરછ બાપ!” હાદા ખુમાણે કુંડલાની નદીમાં ઉભા રહી ગયેલા પુત્ર જોગીદાસને સાદ કર્યો. જોગીદાસને સહુ 'આપો' કહીને બોલાવતા. “કાંઈ નહિ બાપુ! ઈ તે કુંડલા ન કામીએ ત્યાં સુધી નાવલીનું પાણી અગરાજ કરતો આવું છું.” નાવલીનાં અખંડધારાં નીર: નીલો ઘટાદાર કિનારો: કાંઠે ચરતી ભેંસો: અને કાંબી કડલાં પહેરીને ત્રાંબા-બેડે પાણી ભરતી કણબણો: એને માથે મીટ માંડીને બાપ બેટા ચાલી નીકળ્યા

સંવત અઢાર પંચોતરે
ફળહળીઆ ફરંગાણ;
ધર સોરઠ જોગો ધણી
ખોભળતલ ખુમાણ

[સંવત ૧૮૭૫માં જે વખતે ફીરંગીઓ(અંગ્રેજો) સોરઠ ધરામાં ઉતર્યા, તે વખતે જોગો ખુમાણ સોરઠની ધરતીને રોકી રાખીને ઉભો રહ્યો હતો.]