સોરઠી બહારવટીયા - 2/૧૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૩

સંધ્યાની રૂંઝ્યો રડી ગઈ છે. માણસ હાથતાળી દઈને જાય, એવી ગટાટોપ ઝાડી વચ્ચે ગિરની રાવલ નામની ઉંડી નદીનાં આછાં છીછરાં પાણી ચુપચાપ ચાલ્યાં જાય છે. નદીની બન્ને બાજુ ઝાડી, અને ઝાડીની ઉપર આભે ટેકો દેતી હોય તેવી ઉંચી ભેખડો : એ ભેખડો ઉપર પણ કોઈ કોઈ ઠેકાણે ડુંગરા ઉભા થયેલા : નદીના વેકરામાં સાવઝ દીપડાનાં પગલાં પડેલાં : બેય બાજુની બોડ્યોમાંથી નીકળીને 'જનાવર' જાણે હમણાં જ તાજાં પાણી પીને ચારો કરવા ચાલી નીકળ્યાં હોવાં જોઈએ, એવું દેખાતું હતું. રાવલ નદીને એવે ભયંકર સ્થાને રોળ્ય કોળ્ય દિવસ રહ્યાને ટાણે જોગીદાસ પોતાના ચાલીસ ઘોડેસવારો સાથે તુલસીશ્યામ જાતાં જાતાં રસ્તે ઘડી બેઘડી વિસામો લેવા ઉતરેલ છે. ચાલીસે ઘોડીઓ રાવલ નદીનાં લીલુડા મીઠાં ઘાસ મોકળી ઉભીને ચરે છે, અસવારોમાંથી કોઈ ચકમક જેગવી ચલમો પીવે છે ને કોઈ વળી કરગઠીયાં વીણીને હોકો ભરવા માટે દેવતા પાડે છે. જોગીદાસ પોતે તો પોતાની ભુજા ઉપર ચડાવેલો બેરખો ઉતારીને સૂરજના જાપ કરી રહ્યો છે. સૂરજનાં અજવાળાં સંકેલાય છે, તેમ આંહી બહારવટીયાની આંખો પણ ઈશ્વરભકિતમાં બીડાય છે. “જોગીદાસ ખુમાણ! એક ચણેાંઠી ભાર અફીણ હશે તમારા ખડીયામાં?” એક કાઠીએ આવીને પ્રશ્ન કર્યો. “ના બાપ! મારા ખડીયામાં તો તલ જેટલુંયે નથી રહ્યું.” “કાંઈ ડાબલીમાં વળગ્યું હશે?” “હજી કાલ્યજ ડાબલી લૂઈ લીધી'તી ને! કાં? એવડી બધી શી જરૂર પડી છે?” “ભાઈ ભાણ ખુમાણની આંખ્યું ઉઠી છે. માંહીથી ડોળા જાણે નીકળી પડે છે. તે પોપચાં માથે ચોપડવું'તું. અફીણ ચોપડત તો આંખનું લોહી તોડી નાંખત, ને વ્યાધિ કંઈક ઓછી થાત.” "બીજા કોઈની પાસે નથી?" “બાપ! તારા ખડીયામાં ન હોય તો પછી બીજાના ખડીયામાં તે ક્યાંથી હોય?” “આંખે ચોપડવા જેટલું યે નહિ?” “ક્યાંથી હોય? એક કોરી પણ કોઇની પાસે ન મળે. શેનું લેવું?” “ઠીક જીતવા! જેવી સુરજની મરજી!” ચાળીસ ખડીયામાંથી – ચોરાશી પાદરના માલીકોના ચાળીસ ખડીયામાંથી દુ:ખતી આંખ ઉપર ચોપડવા જેટલું ય અફીણ ન નીકળ્યું, એવી તાણ્યનું ટાણું ભાળીને જોગીદાસનો જીવ ઉદાસ થઈ ગયો, પણ તરત જ એને અંતરમાં ભેાંઠામણ ઉપડ્યું. જાણે વિપત્તિ સામે પડકાર દેતો હોય એમ એણે છાતી ગજાવીને ખોંખારો ખાધો. ફરી વાર બધું વિસરી જઈને આથમતા સૂરજ સામે બેરખાના પારા ફેરવવા લાગ્યો. માળા પૂરી થઈ. એ વખતે એક કાઠી ખેાઈમાં કાંઈક ભરીને જોગીદાસની પાસે આવ્યો. મૂઠી ભરીને એણે કહ્યું, “આલ્યો આપા!” “શું છે ભાઈ?” “આ બે મુઠી ટેઠવા ખાવ : એટલે કોઠામાં બે ચાર ખોબા પાણીનો સમાવો થાય.” “ટેઠવા વળી શેના બાફ્યા?” “બાજરાના.” “બાજરાના! બાજરો ક્યાંથી?” “ઈ યે વળી સાંભળવું છે આપા? સુગાશો નહિ ને?” “ના રે ભાઈ! સુગાવા જેવી શાહુકારી બારવટીયાને વળી કેવી! કહો જોઈએ?” “આપા! આ ચાલીસે ઘોડીને કોક દિ' જોગાણ ચડાવ્યું હશે તેનો ચાટેલ બાજરો ચપટી ચપટી ચાળીસે પાવરામાં ચોંટી રહ્યો હશે, એમ ઓસાણ આવ્યાથી ચાળીસે પાવરા ખંખેરીને ઈ બાજરાની ધૂધરી બાફી નાખી છે!” “અરર! ઘોડીયુંનો એ બાજરો!” “એમાં શું આપા! પાણીમાં ધોઈને ઓર્યોતો. બાકી તો શું થાય? આજ આઠ આઠ જમણથી કડાકા થાય છે. અને સૈાને ચપટી ચપટી ખાધે થોડોક ટકાવ થઈ જાશે ત્યાં તો આપણે તળશીશ્યામ ભેળા થઈ જાશું, આપા! ખાઈ લ્યો. કાંઈ ફકર નહિ.” “સૌને વેંચ્યો કે?” “હા, સૌને. તમ તમારે ખાવ.” ભૂખમરો ભોગવતા ચાલીસ જણાએ એ બાજરાની મૂડી મૂઠી ધરી ખાઈ, બાકીનો ખાડો રાવલનાં પાણીથી પૂર્યો. અને અંધારૂં થયે આખી ટોળી રાવલની ભેખડો ઓળંગી ભયંકર ડુંગરાઓમાંથી કેડીઓ ગોતી ગોતી તુલશીશ્યામને માર્ગે પડી.