સૌરાષ્ટ્રની રસધાર/કરિયાવર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કરિયાવર

“આ માંડ્યું-છાંડ્યું ને ચાકળા-ચંદરવા કોના સારુ રાખી જાછ, બેટા હીરબાઈ? બધુંય ઉતારીને તારા ઘર ભેળું કરી દે, બાપ!” “ના, બાપુ, ભીંત્યું અડવી ન કરાય.” “અરે બેટા, હવે વળી મારે ભીંત્યું અડવી શું ને ભરી શું? ઉતારી લે, બાઈ! એકેએક ચીજ ઉતારી લે. મેંથી એ નહિ જોયું જાય, બેટા! મને એ માંડ્યછાંડ્ય કરનારી સાંભરશે ને ઠાલું મારું મન બળશે.” નિસરણી માંડીને દીકરી દીવાલો ઉપરથી શણગાર ઉતારી રહી છે, અને બુઢ્ઢો બાપ એને ઘરની તમામ શોભાસંપત્તિ કરિયાવરમાં લઈ જવા આગ્રહ કરે છે. માનું ઘણાં વર્ષથી અવસાન થયું છે. સાત ખોટની એક જ દીકરી હીરબાઈને ઉછેરી ઉછેરી બાપે આજ અઢાર વર્ષની ઉંમરે એને પરણાવી છે. આજ ભાણેજ (જમાઈ) તેડવા આવેલા હોવાથી બાપ દીકરીને દાયજો દેવા લાગ્યો છે. બેડાં, ત્રાંબાકૂંડીઓ, ડબરાં, ગાદલાં, ગોદડાં, ધડકીઓ, તોરણ, ચાકળા, ચંદરવા, સોનારૂપાના દાગીના — જે કાંઈ પિતાના ભર્યાભાદર્યા ઘરમાં હતું, તે તમામ પિતા દીકરીને દેવા આગ્રહ કરે છે. ગાડાં ને ગાડાં ભરાઈ રહ્યાં છે. “હાંઉ બાપુ! હવે બસ કરી જાઓ.” હીરબાઈએ આડા હાથ દીધા. “પણ હું રાખી મેલું કોના સાટુ, બાપ? હું તો હવે બે ચોમાસાં માંડ જોઈશ. અને મારું ગામતરું થયે તો આ પિતરાઈઓ આંહીં તને થોડા ડગલુંય ભરવા દેવાના છે?” દીકરી મોં છુપાવતી જાય છે, પાલવડે આંસુડાં લૂછતી જાય છે અને બાપુના ઘરના શણગાર ઉતારતી જાય. છે. “હીરબાઈ,” ડોસો પોતાની પાઘડીને છેડે ચીંથરામાં બાંધેલા વાઘનખ લઈને આવ્યો. “આ લે, બેટા, અમારો ભાણેજ થાય એને ગળે પહેરાવજે. મેં તો કૈંક વરસો થયાં દીપડો મારીને કાઢી રાખેલ — તારે ભાઈ થાય એની ડોકે બાંધવાની આશાએ; પણ સૂરજે એ સાવઝના નખ પહેરનારો નહિ સરજ્યો હોય... હશે! હવે પ્રભુ તારું મીઠું મોં કરાવે ત્યારે પે’રાવજે, હો!” માનો જણ્યો ભાઈ એ વખતે હીરબાઈને સાંભરી આવ્યો : આજ ભોજાઈ વગર નણંદનું માથું ઓળી મીંડલા ગૂંથી દસેય આંગળીએ ટાચકા ફૂટે એવાં મીંઠડાં લઈ સાસરીયે વળાવનાર કોઈ ન મળે! અને બાપનું ભાણું દસ વરસથી પોતે સાચવેલું તેનું હવે જતન રાખનાર કોઈ ન રહ્યું. હીરબાઈએ એકાંતે આંસુ ઠાલવ્યાં. પચીસેક ગાડાંની હેડ્યો ભરાઈ ને કરિયાવર તૈયાર થયો. હીરબાઈએ નાહીધોઈ, આણાતને અરઘે તેવાં વસ્ત્રાભૂષણો સજી, રૂપનીતરતાં અંગને જાણે સોનેરૂપે મઢી લીધું. માવતરના ઘરને છાંયડે ફરી વાર કદી બેસવું નથી એવું જાણીને છેલ્લી મીટ માંડી બહાર નીકળી. ગાયો-ભેંસો એને બહુ વહાલી હતી, એટલે જઈને પશુડાંને ગળે બાઝી પડી; પશુ જાણે જુદાઈની ઘડી પારખી ગયાં હોય તેમ મોમાંથી ખડનાં તરણાં મેલી દઈ હીરબાઈના હાથપગ ચાટવા લાગ્યાં. “બાપુ, આ વોડકી વીંયાય ત્યારે મને બળી ખાવા બોલાવજો, હો! નીકર બોઘરું ભરીને ખીરું મોકલજો.” હીરબાઈએ પોતાની માનીતી ગાય સામે આંગળી ચીંધીને બાપને ભલામણ દીધી. “અરે બેટા, બોલાવવાની વળી કોને ખબર છે? તારા ભેળી ગાડાને ઠાઠે બાંધતી જ જા ને, બાઈ!” એમ કહીને બાપુએ વોડકી પણ પુત્રી ભેળી વળાવી. આગળ દીકરીનું વેલડું : પડખે લાકડી લઈને ડગુમગુ વળાવવા જતો બુઢ્ઢો બાપ : અને પાછળ કરિયાવરનાં પચીસ ગાડાં : એવી આખી અસવારી ચાંપરડા ગામના દરબારગઢમાંથી અમૃત ચોઘડિયે ચાલતી થઈ. હીરબાઈ તો ચાંપરડાનો હીરો હતી, એટલે અરધું ગામ એને વળાવવા હલક્યું છે. એક બાજુ અઢાર વરસની યૌવનમસ્ત કાઠી કન્યા રેવાળ ચાલે ઘોડી ખેલવતા પોતાના કંથને નિહાળીને આવતી કાલથી મીઠો ઘરસંસાર માંડવાના મનોરથને હીંડોળે હીંચે છે... અને બીજી બાજુ બુઢ્ઢા, બોખા બાળક જેવા બાપને પોચો પોચો રોટલો ઘડી, એના ગરભને ઘીમાં ચોળી, તાણ કરી કરી કોણ ખવરાવશે એની ચિંતા જાણે કે એના મનોરથ-હીંડોળાને છેદી રહી છે.


દાદાને આંગણે આંબલો,
આંબલો ઘોર ગંભીર જો!
એક તે પાન દાદા તોડિયું,
દાદા, ગાળ નો દેજો જો!
અમે રે લીલા વનની ચરકલી,
ઊડી જાશું પરદેશ જો!
આજ રે દાદા કેરા દેશમાં,
કાલે જાશું પરદેશ જો!

એમ કરતાં આખી અસવારી ચોરે પહોંચી, એટલે હીરબાઈનો કાકો અને તેના બે જુવાન દીકરા ચોરેથી હેઠા ઊતર્યા. હીરબાઈએ જાણ્યું કે મળવા આવે તો મળીને બાપુની ભરભલામણ પણ દઈ લઉં. એવી ઈચ્છાથી એણે જમણે પડખે વેલડીના માફાનો પડદો ઊંચો કર્યો. આંખો ભીની હતી છતાં ઓશિયાળું હાસ્ય આણીને એણે પોતાના કાકા-પિતરાઈ ભાઈઓનાં છેટેથી ઓવારણાં લીધાં. “કાકા, મારા બાપને સાચવ —” એટલું વેણ પૂરું નથી થયું તો બન્ને જુવાનો બોલ્યા : “ગાડાં પાછાં વાળો.” “કાં, શીદ પાછાં વળાવો છો?” બુઢ્ઢાએ પૂછ્યું. “તું નિર્વંશ છો, ડોસા! અમે કાંઈ નિર્વંશ નથી. અમે કાંઈ મરી નથી પરવાર્યા, તે આખો દરબારગઢ દીકરીના દાયજામાં ઠાલવીને પારકે પાદર મોકલી રિયો છો!” “અરે ભાઈ, મારે એકનું એક પેટ, એને આજ નથી મા કે નથી ભાઈ, એને હું કરિયાવર પણ ન દઉં? અને હવે તો હું મૂએ મારો ગરાસ ને દરબારગઢ તો તમારા જ છે ને?” “તું તો ઘણુંયે લુંટાવી દે! પણ અમે નાના ગીગલા નથી. પાછાં વાળો ગાડાં, નીકર કાંઈક સાંભળશો!” હીરબાઈએ આ દેખાવ નજરોનજર દીઠો : બુઢ્ઢો બાપ બે હાથ જોડી કરગરે છે અને પિતરાઈઓ ડોળા ફાડી ડાંગો ઉગામે છે. દીકરીને રૂંવાડે રૂંવાડે ઝાળ લાગી ગઈ. માફાનો પડદો ઉછાળી ઘૂમટો તાણી ઠેકડો મારીને હીરબાઈ નીચે ઊતરી અને બાપુનો હાથ ઝાલી કહ્યું : “બસ બાપુ, પતી ગયું; હાલો, પાછા વળો. ભાઈ ગાડાખેડુઓ, ગાડાં તમામ પાછાં વાળો. આજ શકન સારાં નથી.” “પાછાં શીદ વળશે?” એવી હાક દેતો હીરબાઈનો વર ઘોડીને મોખરે હાંકી લાવ્યો; એનો પંજો એની તરવારની મૂઠ ઉપર પહોંચ્યો. “કાઠી!” હીરબાઈ એ ઘૂમટો આડો કરીને હાથ ઊંચો કર્યો : “કાઠી, આજ કજિયાનું વેળુ નથી; અને તું મૂંઝા મા. સૌ પાછા વળો.” ગાડાં પાછાં વળ્યાં. હીરબાઈ અડવાણે પગે પાછી ઘેર આવી. ડેલીમાં આવીને જોયું તો બાપુ હજુ પાછળ દૂર ચાલ્યા આવે છે; ઘોડી પર બેઠેલ ધણી વિચારમાં પડી ગયો છે. એને જોઈને હીરબાઈ બોલી : “કાઠી, તારે હૈયે ધરપત રાખ; તને સંતાપવો નથી.” એમ કહી પોતાના હેમે મઢ્યા ગળામાંથી ઝરમર કોટિયું, કાંઠલી, ચંદનહાર વગેરે દાગીના કાઢી ધણીને આપતાં આપતાં બોલી : “આ લે કાઠી, તું બીજું ઘર ગોતી લેજે — અને મારી વાટ્ય જોવી મેલી દેજે.” “કાં?” “કાં શું? હવે તો બાપને ઘેર દીકરો ન જન્મે ત્યાં સુધી મારે સંસાર વાસવો નથી. મારા બાપના ઘરમાં પીંગલે ભાઈ ન મળે, એટલે જ ભરી બજારમાં જીવતર બગડે ને! હવે તો પારણામાં ભાઈને હીંચોળીને જ આવીશ, નીકર જીવતરભરના જુહાર સમજજે, કાઠી ને તું વાટ્ય જોઈશ મા; તને રાજીખુશીથી રજા છે : ઘર કરી લેજે. આ લે, આ ખરચી.” એટલું કહીને બાઈએ દાગીનાની અને રૂપિયાની પોટલી પોતાના ધણીના હાથમાં દીધી. કરિયાવરનો સામાન પાછો ઠલવાઈ ગયો. વળતા દિવસથી હીરબાઈએ બાપના ઘરમાં આખું ખાડું હતું તેમાંથી ડુંગરની ટૂંક તોડી નાખે એવી, દેવળના થંભ જેવા પગવાળી ત્રણ ત્રણ આંટાળાં શીંગે શોભતી, ફાંટફાંટ જેટલાં આઉવાળી સાત કૂંઢી ભેંશોને નોખી તારવી ગોવાળોને આજ્ઞા દીધી કે “ભાઈ આયડુ, આપણી સીમના ઊભા મોલમાં આ સાતેયને પહર ચારવા મંડો અને — મારો બાપ કરું! — ડિલે ક્યાંય માખી નામ ન બેસવા દેજો; અને એને મન હોય ત્યાં સુધી માંદણે બેસવા દેજો.” ભરવાડો એ રીતે ભેંસોને સાચવવા મંડ્યા. ભેંસોના દૂધના ફગર ચડવા લાગ્યા. બબે જણા બદલાય ત્યારે તો દોવાઈ રહે એવાં તો આઉ ભરાતાં થયાં. એક ભેંસનું દૂધ બીજીને પવાય, બીજીનું ત્રીજીને, ત્રીજીનું ચોથીને... અને એ રીતે છેક છઠ્ઠીનું દૂધ સાતમીને પિવરાવવા લાગી. છેવટે સાતમીના દૂધમાં સાકર, કેસર ને એલચી-જાયફળ નાખી, અંદર સળી ઊભી રહે એવો ઘાટો કઢો કરી સગી જનેતા જેમ પેટના બાળકને પિવાડે તેમ દીકરી બાપુને પિવડાવવા લાગી. બાપને તો એક હસવું ને બીજી હાણ જેવું થઈ પડ્યું છે. શરમિંદો બનીને પિતા કન્યાની સામે કાલાવાલા કરે છે કે, “ગગી બેટા, મને આ અવસ્થાએ કેસર ને આ કઢા તે કાંઈ શોભે? અને તું તારી આ ધારણા મેલી દે, બા! મા’ મહિનાનું તો માવઠું કે’વાય.” “કાંઈ બોલશો મા, બાપુ.” એટલું કહીને પુત્રી પિતાને દૂધના કઢા પાવા લાગી. દીકરી હતી તે માતા બની ગઈ. એક મહિનો, બે મહિના ને ત્રણ મહિના — ત્યાં તો સાઠ વરસના ડોસાને જુવાનીના રંગ ફૂટવા લાગ્યા. કાયાનું અણુયે અણુ કિરણો કાઢતું થયું. ધોળા વાળને કાળપ ચડી. ઘોડે સવારી કરીને સવાર-સાંજ બાપ સીમાડાની બહાર દોડતાં હરણ સાથે હોડ કરવા લાગ્યો. અને મોંમાગ્યાં મૂલ ચૂકવીને દીકરીએ બાપને કાઠીની એક જુવાન કન્યા વેરે પરણાવ્યો. એક વરસ અને એક દીકરો : બીજું વરસ, બીજો દીકરો; દેવના ચક્કર જેવા બે ભાઈઓ બહેનના ખોળામાં ઘુઘવાટ કરવા લાગ્યા; અને હીરની દોરીએ હીંચોળતી બહેનને હાલરડાં ગાતી ભાયાતોએ સાંભળી. રાત ને દિવસ બહેન તો પોતાના ભાઈઓને નવરાવવા-ધોવરાવવામાં, ખવરાવવા-પિવરાવવામાં ને એનાં બાળોતિયાં સાફ કરવામાં તલ્લીન બની ગઈ છે. એમ કરતાં તો ત્રણ વરસની રૂંઝ્યો વળી ગઈ અને ચોથે વરસે સીમાડા ઉપર ખેપટ ઊડતી દેખાણી. જોતજોતામાં કોઈ રોઝી ઘોડીનો અસવાર ઝાંપામાં દાખલ થયો. ગામની પનિહારીઓ ઠાલાં બેડાં લઈ ને દરબારગઢમાં દોડી : “બા, વધામણી! ધાધલ આવી પહોંચ્યા છે!” આવીને કાઠીએ ઘરાણાં-રૂપિયાની પોટલી પડતી મેલી. “બાપુ,” હીરબાઈએ બાપને કહ્યું: “હવે આ વખતે તો ગઢની ખીલી પણ નહિ રહેવા દઉં, તમે નવી વસાવી લેજો!” એમ બોલીને હીરબાઈએ ગાડાં ભર્યાં; દરબારગઢમાં એક ખીંટી પણ ન રહેવા દીધી. ફરી વાર વેલડું જોડાણું : ગામ વળાવવા હલક્યું : ચોરો આવ્યો : માફાની ફડક ઊંચી થઈ : હીરબાઈએ ગલગોટાના ફૂલ જેવું ડોકું બહાર કાઢ્યું, અને ચોરે પ્રેત જેવા નિર્જીવ બની બેઠેલા ભાયાતોને પડકારી સંભળાવ્યું : “આવો, કાકા અને ભાઈઓ! હવે ફરો આડા!” “ના...રે, બેટા, અમે ક્યાં કહીએ છીએ?” “શેના કહો? પારણે એકને સાટે બે રમે છે. અને હવે તો ગાડાંની હેડ્યું ગણ્યા જ કરજો!” [આ ઘટના જૂનાગઢ નજીક ચાંપરડા ગામે બની છે. કાઠીનું નામ વાઘો વાળો અથવા ઊગો વાળો બોલાય છે. કોઈ વળી આ