સૌરાષ્ટ્રની રસધાર ભાગ-3/ઘોડાંની પરીક્ષા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઘોડાંની પરીક્ષા

ઘણું કરીને તો એંશી વરસ પહેલાંની આ વાત છે. જસદણ તાલુકામાં લાખાવડ નામે ગામ છે. તેમાં એક જગ્યાધારી બાવો રહેતો હતો. માણસો આવીને રોજરોજ એની પાસે વાત ઉચ્ચારે : “બાવાજી, આપા લૂણાની લખીની તો શી વાત કરવી! લખીને બનાવીને ભગવાને હાથ જ ધોઈ નાખ્યા છે. હવે તો લખી આખા કાઠિયાવાડનાં ઘોડાંને લજવે છે.” ચાડીલો બાવો કોઠી ગામના લૂણા ખાચરની લખી નામની ઘોડીનાં આવાં વખાણ હવે તો સાંખી શકતો નહોતો. એણે એક જાતવંત વછેરી લીધી; મંડ્યો એની ચાકરી કરવા : દૂધભર રાખી; પછી કૌવત આપનારા ભાતભાતના ખોરાક ખવરાવ્યા. બે વરસે ચડાઉ કરી. બીજાં ચાર વરસ સુધી કસી. છ વરસની થઈ એટલે એને માથે હેમના મોવડ અને કિનખાબના ચારજામા સજીને બાવોજી કોઠી ગામે ગયા; જઈને કહ્યું : “આપા લૂણા! આજ આપણી બેય ઘોડિયું ભેડવવી છે.” આપો લૂણો હસીને બોલ્યા : “અરે બાવાજી, માળા બાપ! ભણેં તાળી પંખણીને માળી ગલઢી લખી કીં પોગે! હું તો ગરીબ કાઠી કે’વાઉં! માળી ઠેકડી રે’વા દે, બાવા!” “ના આપા! નહિ ચાલે. રોજરોજ બધા આવીને મારું માથું પકવે છે કે આપા લૂણાની લખી! આપાની લખી! એને કોઈ આંબે નહિ! માટે આજ તો તમારી લખીનું પારખું લીધ્યે જ છૂટકો છે. આપા! છ વરસની મારી મહેનત હું પાણીમાં નહિ જાવા દઉં. હાલો; થાવ સાબદા.” “છ-છ વરસ થયાં દાખડો કરી રહ્યો છો, બાવા? ઈમ છે? ઠીક, કબૂલ. ભણેં, આજ રાત રોકા. કાલ્ય સવારે ભેડવીએ.” બાવાજી રાત રોકાણા. આપા લૂણાએ બેય ઘોડીને રાતબ ખવરાવી; જોગાણ દીધાં. સવારે પહર છૂટ્યા વખતે આપા લૂણાએ જોગીને કહ્યું : “ભણેં બાવાજી, ઊઠ્ય, માળા બાપ! પલાણ માંડ્ય તાળી પંખણી ઉપર. હુંય માળી ટારડી ઉપર ગાભો નાખું લઉં!” બેય અસવાર ઊપડ્યા; બે ગાઉ ગયા, ચાર ગાઉ ગયા, દસ ગાઉની મજલ કરી. તડકા ખૂબ ચડી ગયા. છાશ પીવાનું ટાણું થયું એટલે બાવાએ કહ્યું : “આપા, હવે આપણે બરોબર આવી પહોંચ્યા છીએ. હાલો, હવે ઘોડીઓ પાછી વાળીને ભેડવીએ.” આપાએ કહ્યું : “ભણેં બાવાજી, આસેં થડમાં જ આપડી ગગીનો ગામ છે, થોડોક કામ પણ છે. હાલ્ય, કામ પતાવુંને પાછા વળુ નીકળીએં.” આપાએ બાવાને ઉપાડ્યો. આ ગામ, પેલું ગામ, એમ કરતાં કરતાં બરાબર મધ્યાહ્નનો અગ્નિ આકાશમાંથી જે ઘડીએ ઝરવા લાગ્યો, તે ઘડીએ બેય ઘોડી લીંબડીના પાદરમાં આવીને ઊભી રહી. પચીસ-ત્રીસ ગાઉનો પંથ કાપીને પરસેવે નીતરતી ઘોડીઓ હાંફી રહી હતી. આપો લૂણો ઠાવકું મોઢું રાખીને બોલ્યા : “ભણેં બાવાજી! આપડે તો મારગ ભૂલ્યા. મુંહેં તો કાંઈ દશ્ય જ નો સૂઝી! ભારે કરી! આ તો ભણેં લીંબડી! લ્યો, હાલો પાછા.” “ના આપા! એમ તો ઘોડી ફાટી જ પડે ને! હવે તો પોરો ખાઈએ.” આપાએ પોતાની ડાબલીમાંથી એક રૂપિયો કાઢીને બાવાને આપ્યો. કહ્યું : “બાવાજી, ભણેં આપડા સારુ સુખડી અને ઘોડિયું સારુ રજકો લઈ આવ્ય.” લીંબડીને પાદર ઝાડની છાંયડીમાં ચારેય જણાંએ તડકા ગાળ્યા; ધરાઈને ખાધું-પીધું. રોંઢાટાણું થયું એટલે આપાએ કહ્યું : “ભણેં બાવાજી, હવે ઊઠ્ય, તાળી પંખણીને સાબદી કરું લે, હુંય માળી ટારડીનો તંગ તાણું લઉં. હાલ્ય, હવે ઘર દીમની ઘોડિયું વે’તી મૂકીએ, એટલે કોઠીના પાદરમાં પારખું થઉં રે’શે.” બેય જણા અસવાર થયા. આપો કહે : “ભણેં બાવાજી, લીંબડીની બજાર બહુ વખાણમાં છે. હાલ્ય, ગામ સોંસરવા થઈને જોતાં જાયેં.” બરાબર ચૉકમાં કાપડની એક મોટી દુકાન છે. દુકાનમાં એક છોકરો બેઠો છે; ગળામાં બેએક હજારનું ઘરેણું ઝૂલી રહ્યું છે; કપાળમાં મોટો ચાંલ્લો છે. મેલાં પીળાં ડાઘવાળાં લૂગડાં પહેરેલાં છે. આપા લૂણાએ બરાબર એ દુકાનના થડમાં ઘોડી ઊભી રાખીને છોકરાને પૂછ્યું : “શેઠ, પછેડી છે કે?” ‘શેઠ’ એવો ઇલકાબ મળવાથી મોઢું ભારેખમ કરી નાખીને છોકરાએ પછેડીઓ કાઢી. આપાએ ઘોડી પર બેઠાં બેઠાં પછેડી પસંદ કરી અને એની કિંમત રૂપિયા બે ફગાવીને કહ્યું : “આ લે, કાગળમાં વીંટુને પછેડી લાવ્ય.” પછેડી કાગળમાં વીંટીને એ છોકરો પોતાની દુકાનના ઉંબરા ઉપર ઊભો થયો, અને આપાની સામે જેવો એણે હાથ લંબાવ્યો, તેવો જ આપાએ એનું કાંડું ઝાલીને એને ઘોડી ઉપર ખેંચી લીધો; પોતાના ખોળામાં બેસાડી લીધો, લખીના પડખામાં એક એડી મારી અને સાદ કર્યો : “ભણેં બાવાજી, હાલ્ય, હાંક્યે રાખ્ય તાળી પંખણીને! હવે ઘોડાં ભેડવવાનો મજો આવશે.” “અરે આપા! ભૂંડી કરી!” કહીને બાવાએ પણ પોતાની ઘોડી ચાંપી. ખોળામાં બેઠેલો છોકરો ચીસો પાડવા લાગ્યો. ઊભી બજારે તમામ વાણિયા હાટ ઉપર ઊભા થઈ ગયા અને હેઠા ઊતર્યા વિના જ બૂમો પાડવા લાગ્યા : “એ જાય! ચોર જાય! વરરાજાને ઉપાડી જાય! કાઠી જાય!” ગામના નગરશેઠનો દીકરો : મોડબંધો વરરાજો : અને વળી અંગ ઉપર બે હજાર રૂપિયાનું ઘરાણું! એ લૂંટાય તે વખતે કાંઈ ગામનો રાજા છાનોમાનો બેઠો રહે કદી? કડિંગ ધીન, કડિંગ ધીન! કોઠા ઉપર મરફો થયો, અને પલક વારમાં તો પાંચસો ઘોડેસવારો લૂંટારાની બે ઘોડીઓની પાછળ ચડી નીકળ્યા. પાછળ જેમ વાદળું ચડ્યું હોય તેમ વહાર ચાલી આવે છે. પણ બેય ભાઈબંધની રાંગમાં એવી તો કસેલી ઘોડીઓ છે કે દરબારી ઘોડાં પહોંચી શકે તેમ નથી. હરણાંની માફક ફાળ ભરતી ભરતી ને ઘડીક વળી પારેવાંની જેમ તરવર તરવર પગલાં પાડતી એ ઘોડીઓ પાંચસો ઘોડાંની વચ્ચે એટલું ને એટલું અંતર રાખતી આવે છે. આપો પાછળ નજર નાખતા આવે છે, વરરાજો તો ધાકમાં ને ધાકમાં હેબતાઈને ચુપચાપ બેઠો છે. એમ કરતાં કરતાં આપાએ જોઈ લીધું કે પાંચસો ઘોડાંમાંથી પાંચ-દસ, પાંચ-દસ ધીરે ધીરે ડૂકતાં આવે છે, અને મોયલાં ઘોડાં થોડું થોડું અંતર ભાંગતાં જાય છે. એમ કરતાં કરતાં સાંજ પડી. કોઠી ગામનાં ઝાડવાં દેખાણાં. સાંજ ટાણું થવા આવ્યું. આપાએ પાછળ જોયું તો પાંચસો અસવારમાંથી માત્ર પચાસેક ઘોડાં પવનને વેગે પંથ કાપતા આવે છે, અને બાવાની ઘોડી પણ હજુ નથી ડૂકી. આપાને વિચાર થયો : ‘આ તો ફોગટનો આંટો થયો. ઘોડીનું પારખું તો પડ્યું નહિ અને આ તો ગામનાં ઝાડવાં દેખાણાં. એક તો આ લંગોટો ડાયરામાં બેસીને બડાઈ હાંકશે અને વળી આ વિણાઈને બાકી રહેલ પચાસ ઘોડાં હવે મને છોડશે નહિ. ગામમાં ગરીશ કે તરત આવીને મને ચોર ઠેરવશે. મારી લાજ જાશે. હવે કરવું શું? હે સૂરજ ધણી! સમી મત્ય દેજે!’

આપાને કંઈક વિચાર આવ્યો. એણે ચોકડું ડોંચ્યું, લખીને તારવી. ગામ એક પડખે રહી ગયું. બાવળની કાંટ્યમાં ઘોડી વહેતી થઈ. બાવોજી પણ આપાને પગલે પગલે હાંકતા ગયા. પચાસ અસવારો પણ પાછળ ને પાછળ ચાંપતા આવ્યા. એ ઝાડની અંદર ઘોડાં જાણે સંતાકૂકડીની રમત રમવા લાગ્યાં. દિવસ ઝડવઝડ જ રહ્યો હતો. જંગલમાં ઘોડાની ઘમસાણ બોલતી હતી; ડાબલાના પડઘા ગાજતા હતા. એકાએક વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ આપાની ઘોડી થંભી ગઈ. આપાએ જોયું તો સામે એક વૉંકળો ચાલ્યો જાય છે અને પાછળ ચાલ્યા આવે છે પચાસ શત્રુઓ. હવે આપો લૂણો ક્યાંથી છટકે? ઘોડી ટપી જાય એટલો સાંકડો એનો પટ નહોતો. આપા લૂણાએ વૉંકળાની ઊંચી ભેખડ ઉપરથી ઘોડીને વેકરામાં ઝીંકી. વાંસોવાંસ બાવાજીએ પણ પોતાની ઘોડીને ઝીંકી. સામે કાંઠે નીકળવા માટે આપાએ પોતાની લખીના પડખામાં એડીનો ઘા કર્યો; પણ ભેખડની ટોચે ભટકાઈને લખી પાછી પડી; આપાએ લખીને જરાક પાછી ફરી વાર દાબી. બચ્ચાં સોતી વાંદરી જેમ છલંગ મારીને જાય તેમ લખી બે જણાંને ઉપાડીને સામે કાંઠે નીકળી ગઈ, પણ બાવાજીની ઘોડીનું એ ગજું નહોતું. બીજીવાર ને ત્રીજીવાર એની ઘોડી ભટકાઈને પાછી પડી, એટલે પછી ગભરાઈને બાવાએ બૂમ પાડી : “આપા, મને રાત રાખ્યો!” ત્યાં તો પાછળનાં પચાસ ઘોડાં ભેખડ ઉપરથી વેકરામાં ખાબક્યાં. બાવો કહે : “એ આપા!” આપા બોલ્યા : “કાં, ભણેં બાવાજી! ઘોડી ભેડવી લીધી! લાવ્ય લાવ્ય, તાળો હાથ લંબાવ્ય.” બાવાએ હાથ લંબાવ્યો. આપાએ ખેંચીને એક હાથે બાવાને ઊંચે તોળી લીધો. પોતાની બેલાડ્યે બેસાડ્યો, અને પછી લખીને મારી મૂકી. થોડી વારમાં લખી અલોપ થઈ ગઈ. એના ડાબલાના પડઘા જ સંભળાતા હતા. પચાસ ઘોડાં વૉંકળામાં ઊભાં ઊભાં સામસામાં જોઈ રહ્યાં, કારણ કે સામે કાંઠે ઠેકવાની તાકાત નહોતી રહી. પછવાડે પણ ઊંચી ભેખડ આવી ગઈ. વાંકળો વીંધીને વેકરો ખૂંદતા ખૂંદતા ઘોડેસવારો ઘણી વારે બહાર નીકળ્યા. રાત પડી હતી. આસપાસનાં ગામોમાં આંટા માર્યા. પણ ચોર હાથ લાગ્યો નહિ. લોકોએ આખી વાત સાંભળીને કહ્યું કે કોઠી ગામના આપા લૂણા વિના આ પંથકમાં બીજા કોઈનું ગજું નથી કે આવી હિંમત કરી શકે. ઘોડેસવારો મોડી રાતે કોઠી ગામમા દાખલ થયા. આપા લૂણાની ડેલીએ જઈને પૂછ્યું : “આંહીં લૂણો ખાચર રહે છે ને?” “હા ભણેં, માળો જ નામ લૂણો. હાલ્યા આવો, બા, કીં કામ છે? કીંહેંથી આવડું બધું કટક આદું?” ઢોલિયામાં પડ્યા પડ્યા આપો હોકો પીતા હતા — જાણે કે એક ગાઉની પણ મુસાફરી કરી નથી એવી લહેરમાં પડ્યા હતા. “આપા, અમે લીંબડીના અસવાર છીએ. અમારા નગરશેઠના વરરાજાને તમે બાન પકડી લાવ્યા છો, તે સોંપી દ્યો.” “ભણેં જમાદાર! તમે ઘર ભૂલ્યા લાગો છો!” “ના, આપા! ઉડામણી કરો મા, નીકર ધીંગાણું થાશે.” “ધીંગાણો! તો ભણેં હુંયે કાઠીનો દીકરો છું. માળી પાંસળ દસ કાઠી છે. ધીંગાણો કરવો હોય તોય ભલે! બાકી ગામમાં જો કોઈ તમારો વરરાજો લાવ્યો હશે, તો યાને માળા ખોળામાં બેઠેલો માનજો. ભણેં, કાલ્ય સવારે ધીંગાણો કરશું; અટાણે તો વ્યાળુ કરો, હોકો પીવો, નીંદર કરો, ઘોડાને ધરવો. સવારે પછી ધીંગાણો કરશું. એમાં શું, બા! લીંબડીની ફોજ હારે આફળીએ ઈ તો ઝાઝી વાત કે’વાય ને!” ઘોડસવારોની નાડીમાં જીવ આવ્યો. નીચે ઊતર્યા. પચાસેય ઘોડાંને આપાએ પાલી પાલી બાજરાનું જોગાણ મુકાવ્યું. પણ ચાળીસ ગાઉનો પંથ કાપીને લોથપોથ થઈ જનાર ઘોડાંએ બાજરો સૂંઘ્યોયે નહિ. સામે જ આપા લૂણાની લખી ઊભી ઊભી બાજરો બટકાવતી હતી. ઘોડેસવારો પણ દિંગ થઈ ગયા કે લીંબડી જઈને આવનારી આ ઘોડી શી રીતે બાજરો કકડાવતી હશે? ઘોડેસવારોની સરભરા કરવામાં આપાએ મણા ન રાખી. સવાર પડ્યું એટલે જે વાણિયાને ઘેર આપાએ વરરાજો સંતાડ્યો હતો તેને ત્યાંથી બોલાવી લીધો; કહ્યું : “લ્યો બાપ, સંભાળું લ્યો! આ તમારો વરરાજો અને લ્યો આ વરરાજાની પે’રામણી.” કહીને રૂપિયા બસોની ઢગલી કરી. વરરાજાના અંગ ઉપરની સોનાની એક રતી પણ ઓછી નહોતી થઈ. વરરાજો પણ ખુશ હાલતમાં હતો. ઘોડેસવારોએ આપાને પૂછ્યું : “આપા, ત્યારે આ છોકરાને લાવ્યું કોણ? અને શા માટે લાવેલ?” “ભણેં બા! આ બાવોજી વેન લઈને બેઠો હુતો કે હાલ્ય ઘોડાં ભેડવવા! હાલ્ય ઘોડાં ભેડવવા! પણ માળી લખી એકલી એકલી કોને એનો પાણી દેખાડે? લખીનો પાણી જોનાર માણસ તો જોવે ને! હવે જો તમું હીં ભણીંયે કે હાલો બા, માળી લખીની રમત જોવો, તો તમે પાંચસો જણા કીં બા’ર નીકળત! માળે તો તમુંને બા’ર કાઢવા હુતા. બાકી, આ છોકરાના અંગની સોનાની કટકીયે ગૌમેટ બરાબર! હું જાણતો સાં કે ઈ મોડબંધો વરરાજો કે’વાય! એનાં પાલવડાં ચૂંથું તો સૂરજ ધણી માળો કાળો કામો સાંખે નહિ!” આપાની કરામત ઉપર ધન્યવાદ વરસાવનારા ઘોડેસવારો ઘોડાં છોડી લીંબડી જવા માટે ચાલ્યા. પણ ઘોડાં ખીલેથી એક ડગલુંયે દેતાં નથી. એના પગ તળવાઈ ગયેલાં; અતિશય થાક લાગેલો. આપો હસવા લાગ્યા. ઘોડેસવારો હાથ જોડીને બોલ્યા : “આપા, બીજું તો કાંઈ નહિ, પણ આ વરરાજાનાં માવતરનાં ખોળિયાંમાં અત્યારે પ્રાણ નહિ હોય; લીંબડીમાં રોકકળ થાતી હશે. ત્યાં ફક્ત ખબર પહોંચી જાય તો બસ.” આપાએ પોતાના દીકરાને તૈયાર કર્યો. એ જ લખી ફરી વાર ત્રીસ ગાઉની મજલ ખેંચીને આપા લૂણાના દીકરાને લીંબડી ઉપાડી ગઈ. ત્યાં જઈને ખબર દીધાં કે “તમારો વરરાજો સહીસલામત છે; આવતી કાલે આવી પહોંચશે.” બીજે દિવસે વરરાજા હેમખેમ પહોંચી ગયા. પછી આપો લૂણો બાવાજીને વારે વારે કહેવરાવતા : “ભણેં બાવા, હાલ્ય ને ઘોડિયું ભેડવિયેં!”