સ્વર્ગની નીચે મનુષ્ય/સમીક્ષા/સમીક્ષા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પ્રતિકાર અને પ્રતિભાવની કથા

રમણલાલ જોશી

ચારેક વર્ષ પહેલાં યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ સોંપેલા ‘ભારતીય નવલકથા’ પુસ્તકનું લેખનકાર્ય કરતો હતો ત્યારે શ્રી ભોળાભાઈને મેં કોઈ તાજેતરની બંગાળી લઘુનવલ સૂચવવા કહ્યું. તેમણે તત્કાલ સુનીલ ગંગોપાધ્યાયની ‘સ્વર્ગેર નીચે માનુષ’ સૂચવી, એટલું જ નહિ પણ પોતે કરેલો એનો ગુજરાતી અનુવાદ પણ આપ્યો. વાંચી ગયો. કૃતિ ગમી અને મારા પુસ્તકમાં એની સમીક્ષાનો સમાવેશ કર્યો. ત્યારથી એની સાથે એક પ્રકારની આત્મીયતા બંધાઈ. આજે એ પુસ્તકાકારે ગુજરાતીમાં સુલભ બને છે તે આનંદનો વિષય છે. મારા આનંદનું પૃથક્કરણ કરું છું ત્યારે આ લઘુનવલ એકકેન્દ્રી અનુભૂતિને સઘનતાપૂર્વક અભિવ્યક્તિ આપે છે, સમગ્ર કથાવસ્તુ વાસ્તવિકતાનો સંસ્પર્શ પામી છે. એમાં ઔચિત્યપૂર્વકના પરિવેશની રચના દ્વારા અભિવ્યક્તિનું કળાસહજ સંતુલન સધાયું છે અને સૌથી વિશેષ તો જાણીતાં પ્રતીકોનો અસાધારણ વિનિયોગ થયો છે તે એટલે સુધી કે કૃતિ આખી પ્રતીક બનીને ઊભી છે. બંગાળમાં સુનીલ ગંગોપાધ્યાય(૧૯૩૪) મુખ્યત્વે કવિ તરીકે જાણીતા છે, પણ નવલકથાના સ્વરૂપને તેમણે પોતાની પ્રતિભાથી નવો વળાંક આપ્યો છે, તેમની બે નવલકથાઓ ‘અરણ્યેર દિનરાત્રિ’ અને ‘પ્રતિદ્વન્દ્વી’નું સત્યજિત રાયે ફિલ્માયન કર્યું અને એ કૃતિઓ ભૌગોલિક સીમા ઓળંગીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામી. આ ઉપરાંત ‘કવિ ઓ નર્તકી’, ‘તુમિ કે’, ‘સરલ સત્ય’, ‘ભયંકર સુંદર’ વગેરે નવલકથાઓ પણ સુનીલને આધુનિક કથાકાર તરીકે સુપ્રતિષ્ઠિત કરે છે. ‘સ્વર્ગેર નીચે માનુષ’માં ઘટનાસમય ચોવીસ કલાકથીયે ઓછો છે, અને સ્થળ પણ લગભગ એક જ છે. નવલકથામાં પાત્રસંખ્યા મર્યાદિત છે – ત્રણ જ પાત્રો છે. આમ, સ્થળ, સમય અને ઘટનાસંકલનાની ઘટ્ટ એકાત્મતા અને પ્રભાવૈક્ય આ નવલકથાની એક સઘન છાપ ઊભી કરે છે. લગભગ દોઢસો પાનાંમાં નવલકથાના વિશ્વની જે સુપેરે માંડણી થઈ છે તે સુનીલ ગંગોપાધ્યાયની કથાકાર તરીકે સિદ્ધિના નિદર્શન રૂપ છે. ત્રણ પાત્રો તે રંજન નામે પતિ, ભાસ્વતી નામે તેની પત્ની અને મૂળે મણિપુર રાજ્યનો પણ અત્યારે મધ્યપ્રદેશના પહાડી વિસ્તારમાં રહેતો પ્રસેનજિત. લેખકે રંજનની ઓળખાણ આ રીતે કરાવી છે : "ઉંમર ૩૪ વર્ષની છે. શરીરનો બાંધો અને સ્વાસ્થ સારાં છે તેણે ઓછા ચૉકલેટ રંગનું પેન્ટ અને સફેદ પહેરણ પહેર્યાં છે. સફેદ પહેરણ તેને ગમે છે. ખભે કૅમેરા લટકે છે." અને ભાસ્વતી – "ઉંમર ૨૭ વર્ષની છે. તેણે ઘેરા આસમાની રંગની સાડી અને બ્લાઉઝ પહેર્યાં છે. બ્લાઉઝની નીચે બ્રાની આઉટલાઈન નજરે પડે છે. તેની બ્રાનો રંગ કાળો છે, ચણિયાનો રંગ પણ કાળો છે, પછી દેખાશે. તેનું બોલાવવાનું નામ સતી. બધા એ જ નામે બોલાવે છે, પણ તેનું નામ ઝરણું હોત તોય બંધબેસતું આવત. તે ઘણી સુંદર છે અને નાની ઉંમરના બાળકની જેમ મસ્તીખોર છે." કથાના આરંભમાં જ પ્રસ્તુત થયેલા વર્ણનમાં રંજનના શારીરિક સ્વાસ્થ્યનો ઉલ્લેખ, ભાસ્વતીના પ્રચલિત નામ ‘સતી’નો ઉલ્લેખ અને ‘રૂપની વાત’નો નિર્દેશ કથાના સૂરને સમજવામાં ઉપકારક બને છે. લઘુનવલમાં આવતા નિર્દેશો કે સંદર્ભો સમગ્રના આલકનમાં કેવા અનિવાર્ય બનતા હોય છે તે આવા દાખલાઓમાં પ્રતીત થાય છે. કથાનો આરંભ આ વાક્યથી થાય છે : "સામે એક નદી છે. એ નદી પાર કરવી પડશે." આ એક પહાડી નદી છે. મધ્યપ્રદેશના પહાડી વિસ્તારોની. કલકત્તાનો ઑફિસર રંજન અને તેની પત્ની ભાસ્વતી પોતાની ગાડી લઈ થોડા દિવસ માટે આ અજાણી ધરતી પર ફરવા નીકળ્યાં છે. બંને સાહસિક છે. દુરસ્ત કરાવવા માટે ગાડીને ગૅરેજમાં મૂકવાની જરૂરિયાત ઊભી થતાં અનિવાર્યપણે ભાસ્વતીને ડાકબંગલામાં બેસી રહેવું પડે તે એને ગોઠતું નથી. સામે દેખાતા પહાડ પર જવાનું એને મન થાય છે પણ પહાડ વિશે તરેહતરેહની વાતો સાંભળનાર એનો પતિ રંજન એને વારે છે. પણ ભાસ્વતી તો પહાડ પર જવાની રઢ લઈને બેઠી છે. બંને નીકળી પડે છે. રંજન સાહસી છે તો ભાસ્વતી દુઃસાહસિકા. પણ... "સામે એક નદી છે, એ નદી પાર કરવી પડશે." રોજના ઉપયોગની વસ્તુઓ ભરેલી ચામડાની બૅગ ખભે ભરાવી ભાસ્વતી રંજન સાથે નદી ઓળંગે છે. નદી નાની છે પણ એનો પ્રવાહ તેજ છે. પણ ભાસ્વતીને તો બધી વાતમાં મજા પડે છે. આ નાની નદી, નદીનું શીતલ જલ અને તીવ્ર વેગ – આ બધું જ તેની આરપાર વહેવા લાગે છે. ધીરે ધીરે એનું ભાવજગત કશીક ઉત્તેજના અનુભવતું હોય છે. તરવામાં કુશળ એવા રંજનનો હાથ પકડીને નદી ઊતરતાં એ કશોક અદ્‌ભુત રોમાંચ અનુભવે છે. નદી પાર કરતાં પતિ-પત્ની પણ અહીં ‘નરનારી’ બની રહે છે. ભાસ્વતી જાણે ‘આ સ્રોતસ્વિની નદીનું જ પ્રતિરૂપ!’ આ દૃશ્યાલેખન રા. વિ. પાઠકના કાવ્ય ‘એક સન્ધ્યા’નું સ્મરણ કરાવે છે! નદી પાર કરીને તેઓ સામે કિનારે જાય છે. ઉનાળાનો લાંબો દિવસ છે, સ્તબ્ધતા છે અને ભાસ્વતીના આ શબ્દો : "અત્યારે કોઈ અહીં હોત તો મને જરાયે ન ગમત." પહાડ ચઢતાંમાં તો વાદળ ઘેરાઈ આવે છે અને મુશળધાર વરસાદ પડે છે. વરસાદ થંભી જતાં બંને પાછાં ફરવાની તૈયારી કરતાં હોય છે, એટલામાં એકાદ ગીતના જેવો અવાજ સંભળાયો, એક મોટા પથ્થરની આડશેથી એક મનુષ્ય-આકૃતિ નીકળી આવી. અહીં નવલકથામાં ત્રીજા પાત્રનો પ્રવેશ થાય છે. આ છે પ્રસેનજિત. અરણ્યમાં રહેતા પ્રસેનજિતના બરછટ વ્યક્તિત્વ પરિચય આરંભના એના શુષ્ક વ્યવહારથી થાય છે. આ બરછટ વ્યક્તિત્વ અને શરૂઆતના શુષ્ક વ્યવહારને અંતમાં ભાવવિવશ મૃદુતા અને રસિકતામાં પરિવર્તિત કરીને લેખકે એક પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. પરિવેશ પરિસ્થિતિને વાસ્તવિક બનાવે છે. આ પ્રસેનજિતના હાથમાં એક મોટો ચીપિયો છે. વાત કરતાં આ ચીપિયો પછાડવાની એની આદતને કારણે બધા એને ‘પશુ’ કહીને બોલાવે છે. એનો ધંધો છે આ અરણ્યપ્રદેશમાંથી સાપ પકડીને હાફકીન ઇન્સ્ટિટ્યૂટમાં મોકલવાનો. એનું લેખકે કરેલું વર્ણન જુઓ : "...માણસની ઉંમર વધારે નથી. છોકરો જ કહેવાય. ત્રીસ કરતાં વધારે ઉંમર નહિ હોય. માથે ગુચ્છાદાર વાંકડિયા વાળ, અસ્તવ્યસ્ત ઊંચું નાક, તડકે બળીને તાંબા જેવો થયેલો શરીરનો રંગ, તીણી આંખો, ગળાનો અવાજ ભરેલો, વાત કરવાની રીત પણ વજનદાર." આ માણસ નજીકના પ્રદેશમાં જ એક ઘર જેવું બનાવીને રહે છે. એને એક સાથીદાર પણ છે; પણ હમણાં એ બહાર ગયો છે. દિવસોથી આ રુક્ષ અરણ્યપ્રદેશમાં રહેલો પ્રસેનજિત ભાસ્વતીને જોઈ, એના ગળાનો અવાજ સાંભળી જાણે કે મુગ્ધ બની જાય છે. ભાસ્વતીને તે અનિમેષ નજરે જોઈ રહે છે. નદી પાર કરવાના પ્રશ્નની બાબતમાં પ્રસેનજિતે કહેલું કે "આ ખાસ નદી પાર કરવી ખૂબ મુશ્કેલ છે"... તેમ છતાં રંજન નદી પાર કરવાનો આગ્રહ જારી રાખે છે પણ પછી તણાવા લાગતાં પ્રસેનજિત એને બચાવી લે છે. બંનેને તે પોતાને ઘેર લાવે છે. બીજા રૂમમાં સ્ટવ પેટાવીને રસોઈની તૈયારી થાય છે ત્યાં સાપના પાજરામાંથી હિસ્‌ હિસ્‌ અવાજ સંભળાય છે. પછી તો ઘણી વાતો થાય છે. પહાડ પરના મંદિરની વાત નીકળે છે. પહેલાં નિઃસંતાન આદિવાસીઓ સંતાનપ્રાપ્તિ માટે તે દેવતાની પૂજા કરવા જતાં પણ હવે એ મંદિરે કોઈ જતું નથી. ત્યાં સાપનો ભય છે. એટલું જ નહિ ત્યાં ગયા પછી કોઈ જીવતું પાછું આવતું નથી એવી લોકવાયકા પ્રવર્તે છે. આદિવાસીઓ માને છે કે એ મંદિરના શિખર પર ‘હારાબુરુ’– ‘સ્વર્ગ’ છે અને મંદિરમાં ગયેલું હરકોઈ પછી તો સીધું સ્વર્ગ જ સિધાવે છે! પ્રસેનજિતે તે સ્થળેથી એક અજગર પકડ્યો હતો, એવી વાત નીકળે છે. રંજનને આજુબાજુમાં પણ ક્યાંક અજગર હોવાની ભીતિ થઈ આવે છે! વાતચીત ચાલે છે પણ પ્રસેનજિતની દૃષ્ટિ તો ભાસ્વતી પર જ ઠરેલી હોય છે. ઘરમાં પાણી નથી. નદીએથી લાવવાનું હોય છે. વિવેક ખાતર રંજન નીકળી પડે છે. ભાસ્વતી પ્રસેનજિતની હાજરીથી અકળામણ અનુભવતાં તેને મોકલે છે. રસ્તામાં લપસી જવાને કારણે એને પથ્થર વાગે છે અને લોહી નીકળે છે, ભાસ્વતી લાગણીસભર બની એને પાટો બાંધે છે. જમ્યા પછી સૂવાની વ્યવસ્થા થાય છે, સાપવાળા ઓરડામાં પ્રસેનજિત અને તેની બાજુના ઓરડામાં પતિપત્ની એમ ગોઠવાય છે. રંજન તો આખા દિવસના થાકને લીધે ઊંઘી જાય છે. તંદ્રાના ભારણમાં ભાસ્વતીને પણ નાનાં નાનાં સપનાં આવે છે. કુલ ત્રણ સ્વપ્ન સૂચક છે. રંજન-ભાસ્વતીના દામ્પત્યજીવન પર પ્રકાશ પાડતાં એ સ્વપ્નો (તેઓ નિઃસંતાન છે, ભાસ્વતી સ્વેચ્છાએ રંજનને પરણી છે) અને ત્રીજું સ્વપ્ન એની સોડમાં જાણે કે મોટો સાપ સૂઈ ગયો છે તેનું છે. આ ત્રણેનો સંબંધ ‘વૈતરણી’ નદી અને પહાડ પરના ‘સ્વર્ગ’ની સાથે છે. ‘સ્વપ્ન’ની ટેકનિકનો ઉપયોગ ઘણી નવલકથાઓમાં થાય છે; પરંતુ અહીં નાયિકાના ‘અસંપ્રજ્ઞાત’નું પ્રગટીકરણ એકદમ અનિવાર્ય હતું, એ સાંપ્રત ઘટનાને પુષ્ટ કરે છે. વળી એની સાથે રંજન પર ચઢી આવતો સ્વપ્નનો ઓથાર અને એના ઊંઘતા મોં પર અંકાતી વ્યથાની રેખા પણ પરિસ્થિતિ પર પ્રકાશ નાખે છે – રંજનની ટોર્ચ લાઈટની જેમ. ખાસ તો પ્રસેનજિત ભાસ્વતી સમક્ષ પ્રેમની માગણી કરે છે. એ પ્રસંગનું આલેખન પણ સરસ થયું છે. પરિસ્થિતિ પામી જઈ ભાસ્વતી પ્રસેનજિતના અંતરતમ માનવ્યને સ્પર્શે છે ત્યારે પણ તે તો "મને સુંદર ક્યારેય મળ્યું નથી. મારે જોઈએ, મારે જોઈએ, મારે જોઈએ." એમ બાળકની જેમ હઠ લે છે. પ્રસેનજિતના જીવનની કૃતાર્થતા ‘સુંદર’ને પામવામાં રહેલી છે. એટલે તો તે કહે છે કે "તમને પામવાં એટલે બધું પામવું." તેના માથામાં આગ બળે છે, તેને નિદ્રા શાની હોય? પણ તત્કાલ તો ભાસ્વતીનો વિજય થાય છે, તે બચી જાય છે. પણ છેવટ સુધી બચી શકતી નથી. ભાસ્વતીની સ્ત્રીહઠ અને સભાન સાહસની વૃત્તિએ પેલા મંદિર પર જવા માટે આગ્રહ રાખ્યો અને બીજા દિવસે ત્યાં તેઓ ગયાં પણ. ત્યારે પ્રસેનજિત મંદિર તરફ ચાલવા કહે છે અને પ્રબળ ઉન્મત્તતાથી કૃતનિશ્ચયી બની ‘સુંદર’ના ઉપભોગ તરફ વળે છે ત્યારે આગલી રાતની જેમ ભાસ્વતીએ દલીલો તો ઘણી કરી, પ્રતિકાર પણ આપ્યો પણ તેનું કાંઈ વળ્યું નહિ. એ વખતે પ્રસેનજિત તો અડીખમ ઊભો છે. લેખકના શબ્દોમાં "તે નારી છે, એક જણ – પુરુષ તેને કહે છે, હું તમને પામવા ઇચ્છું છું. ત્રીજું કોઈ પ્રાણી અહીં સાક્ષી નથી, તો પણ આ બધો ઇચ્છવા-પામવાનો પ્રશ્ન પૃથ્વી પર અતિ જટિલ છે." અહીં રંજન સાથેના પ્રસંગમાં ભાસ્વતીના આવા જ પ્રતિભાવનું સ્મરણ થાય છે. એ એક નોંધપાત્ર સંદર્ભગત કોન્ટ્રાસ્ટ છે. ભાસ્વતી એના પર દયા કરવાનું પ્રસેનજિતને કહે છે ત્યારે તે જવાબ આપે છે : "દયા? મારા ઉપર તો કોઈ દયા કરતું નથી. તું મારા પર થોડી દયા નહિ કરે? હું શું માગું છું તારી પાસે, દયા સિવાય?" – આગળ તે કહે છે : "તારી પાસે રૂપ છે. હું અભાગિયો પહાડોમાં, જંગલમાં પડ્યો છું – મને જરા રૂપનો સ્પર્શ નહિ આપે? એથી શું જવાનું છે? ફૂલ ગમે છે ત્યારે ડાળી પરથી તોડી લઈએ છીએ. અને એક નારી જો ગમે તો તેને સ્પર્શી પણ ન શકાય?" પોતે પરિણીતા સ્ત્રી છે એ દલીલ તે સ્વીકારતો નથી કારણ કે તે કહે છે કે "અહીં કોઈ સમાજ નથી." એનું તો રટણ જ એ છે કે "તું મારે જોઈએ, આ ક્ષણે." છેવટે ભાસ્વતીને તે એના પતિના ખૂનની ધમકી આપે છે, પાપ-પુણ્યની વાતને તિરસ્કારે છે, ‘સુંદર’ માટેની પોતાના જીવનભરની ઝંખનાને મુખરિત કરે છે. તે કહે છે : "મારી પાસે આ ક્ષણ જ સત્ય છે. આ ક્ષણ જો મારા જીવનમાં અમર બની જાય, તો તેનું મૂલ્ય નથી?" આ બધી આજીજી, વિનંતી, પ્રતિકાર, માનસિક સંઘર્ષને અંતે લેખકનું નિરૂપણ અહીં આવીને ઊભું રહે છે : "પથ્થરિયા જમીન પર પાસે પાસે બે શરીર, બિન્દુ બિન્દુ પરસેવો મોતીની જેમ ફૂટ્યો છે. પવન ક્રીડા કરે છે ચારે બાજુએ, પ્રકૃતિની સુગંધનું ઝાપટું આવે છે. સ્વચ્છ તડકામાં ઉજ્જ્વળ લાગે છે આ પૃથ્વી. નિષ્પાપ બે મોઢાં પર પણ તડકો આવીને પડે છે – હાસ્ય જેવો તડકો." ઉપરના પ્રસંગોએ લેખકે ભાસ્વતીના મનની અકળ સ્થિતિને યથાતથ મૂકી આપી છે. ભાસ્વતી રંજનથી પૂરી સંતુષ્ટ હતી, બંને પ્રેમલગ્નથી જોડાયાં હતાં અને બંને વચ્ચે પૂરો સંવાદ પ્રવર્તે છે, તેમ છતાં પ્રસેનજિત પ્રત્યે એને તિરસ્કાર નથી, કૂણી લાગણી છે. નીતિ-અનીતિના ચોકઠામાં લેખક આ સંઘર્ષને મૂકી શક્યા હોત; પણ તેમણે એ કર્યું નથી. પ્રસેનજિતના પૃથ્વીતત્ત્વ પ્રત્યેના ભાસ્વતીના અસંપ્રજ્ઞાત આકર્ષણમાં તેની અપત્યેષણા માત્ર કારણભૂત નથી. મનુષ્યના મનની – સ્ત્રીના મનની અકળ ગતિ પ્રત્યે લેખક ધ્યાન દોરે છે. અંતિમ ઘટનામાં ભાસ્વતીનું કથન ખૂબ નોંધપાત્ર છે : "હું મને પોતાનેય બરાબર સમજી શકતી નથી." પ્રસેનજિત દુર્બળ છે તો ભાસ્વતી પણ દુર્બળ છે – બંને પોતપોતાની રીતે. લેખકે આ બંને પાત્રોનાં મનોગત દ્વારા એક પ્રશ્ન રજૂ કર્યો છે. વાચકે પણ એની ભૂમિકા સમજીને ‘પ્રશ્ન’ તરીકે એને લેવો જોઈએ. નિશ્ચિત વૈચારિક અભિગ્રહ કૃતિના આસ્વાદનમાં વ્યવધાનરૂપ નીવડતો હોય છે. પરંતુ આ કથાને પુસ્તકાકારે પ્રગટ કરતાં મૂળ લેખકે એમાં ફેરફાર કર્યો છે. ત્યાં પ્રસેનજિતનની મનોમન ઇચ્છા કરતી ભાસ્વતી નિર્વસન થયાની અણી પર પ્રસેનજિતને કોણ જાણે કેમ પણ ધક્કો મારી બેસે છે અને પ્રસેનજિત ખાઈમાં ઢળી પડે છે. અને પછી ભાસ્વતી એકાએક રડી પડે છે.... અહીં અનુવાદકે અગાઉનો અંત સ્વીકાર્યો છે. નવલકથાનો પરિવેશ અસામાન્ય છે. ‘પ્રતિદ્વન્દ્વી’ના લેખક સુનીલ ગંગોપાધ્યાય કલકત્તાના મહાનગરની આબોહવા શ્વસે છે. પણ અહીં તો નગર તો શું એકાદ નાના-શા ગામડાનો પણ સંસ્પર્શ નથી. તેમની બીજી જાણીતી નવલકથા ‘અરણ્યેર દિનરાત્રિ’ની જેમ અહીં પણ મનુષ્યમાં રહેલી કામવાસના એકાદ વિશિષ્ટ સંદર્ભમાં કેવી રીતે પ્રગટ થયો છે. સામાજિક પરિવેશનો બુરખો હઠાવી લઈને લેખક જાણે મનુષ્યને એક મનુષ્ય તરીકે, સમાજનિરપેક્ષ એકમના સંદર્ભમાં રજૂ કરવા મથે છે. ‘અરણ્યેર દિનરાત્રિ’માં પાત્રો જેમ નગરની માયા છોડી એક દૂરના આદિવાસી વિસ્તારમાં એક દિનરાત્રિ માટે ઊતરી પડે છે એવું કંઈક અંશે અહીં પણ બન્યું છે. કથાની નાયિકા ભાસ્વતી દૈહિક સૌંદર્યનું પ્રતીક બને છે, તો પ્રસેનજિત મનુષ્યહૃદયની રૂપઝંખનાનું. કથામાં ‘સાપ’નો ઉલ્લેખ અનેક વાર થયો છે. સાપને સૅક્સના પ્રતીક તરીકે ગણવામાં આવે છે. કથામાં આ રીતનો ઉલ્લેખ loud બને તો એની અસરકારકતા ઓગળી જાય. પણ અહીં પ્રસેનજિતના પાત્રની કલ્પનામાં જ આ વસ્તુ એટલી વણાઈ ગઈ છે કે એવા દોષને બહુ ઓછો અવકાશ રહ્યો છે. આવી એક સુગ્રથિત કલાત્મક લઘુનવલને ગુજરાતીમાં ઉતારવા માટે શ્રી ભોળાભાઈ પટેલ આપણા સૌના અભિનંદનના અધિકારી છે.


અમદાવાદ-૯
૨૧ એપ્રિલ, ૧૯૭૭
રમણલાલ જોશી


૦ ૦ ૦