સ્વાધ્યાયલોક—૧/કવિતા કાનથી વાંચો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કવિતા કાનથી વાંચો

‘જેને આ કાવ્યના રસનાં કુંડાં પીવાની ઇચ્છા હોય તેને એટલી ભલામણ છે કે તેણે કાવ્ય એકવાર વાંચી ગાઈ જવું. ગાતાં ન આવડે તો બીજાની પાસેથી સાંભળવું, પછી ઉપલી ટીકા વાંચી જે શબ્દો ન આવડે અથવા જેનો અર્થ ન સમજાય તે બરાબર સમજી લેવો ને પછી કાવ્ય પાછું ખુબ વાંચ્યા કરવું એટલે એનો બધો અર્થ મનની આગળ ખડો થશે જ. ઉપરની ટીકા લખનારે કાવ્ય પાંચેક વાર વાંચ્યું.’ — આ શબ્દો કોઈ વિવેચકના નથી, આ શબ્દો મોહનદાસ કરમચંદ ગાંધીના છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે ‘ઇન્ડિયન ઓપિનિયન’. માં એમણે ‘કાલ્યમાધુર્ય’માંથી મણિલાલ નભુભાઈનું પ્રસિદ્ધ કાવ્ય ‘અમર આશા’ અને સાથે એ કાવ્ય પરનું પોતાનું વિવરણ છાપ્યું હતું. આ વિવરણના અંતિમ પૅરેગ્રાફમાં આ શબ્દો છે. આ વિવરણની નીચે કોઈની સહી નથી. પણ એમાં જીવનનું જે દર્શન છે અને ભાષા, શૈલી આદિ જે વર્ણન છે તે પરથી કહી શકાય કે આ વિવરણ ગાંધીજીનું હોય એવો સો ટકા સંભવ છે. આ વિવરણ જો કોઈ અન્ય વ્યક્તિનું હોત તો એની નીચે એ વ્યક્તિની સહી હોત. પણ આ વિવરણની નીચે પૉલ વાલેરીની સહી હોય તોપણ મને સહેજ પણ નવાઈ ન થાય. વાલેરીએ એમના ‘કાવ્યપઠન પર વ્યાખ્યાન’માં કવિતાના રસાસ્વાદમાં કાવ્યપઠનનો આવો જ મહિમા કર્યો છે. કવિતાના રસાસ્વાદમાં આરંભે ‘કાવ્ય એકવાર વાંચી ગાઈ જવું’ એટલે કે કાવ્યનું પઠન કરવું અથવા ‘ગાતાં ન આવડે તો બીજાની પાસેથી સાંભળવું એટલે કે કાવ્યનું પઠન કરાવવું, પછી કાવ્ય સમગ્રનો અને કાવ્યના શબ્દેશબ્દનો અર્થ ‘બરોબર સમજી લેવો’, પછી વારંવાર કાવ્યનું પઠન કરવું, અંતે કાવ્યનો ‘બધો અર્થ મનની આગળ ખડો થશે જ’ એટલે કે રસાસ્વાદ થશે જ એવી ગાંધીજીના આ શબ્દોમાં શ્રદ્ધા પ્રગટ થાય છે. કોઈપણ વિવેચકે અને ભાવકે આ શબ્દોમાં કવિતાના રસાસ્વાદમાં કાવ્યપઠનનો જે મહિમા કર્યો છે અને આરંભે કાવ્યપઠન, પછી કાવ્ય સમગ્રનું અને કાવ્યના શબ્દેશબ્દનું અર્થઘટન અને અંતે વારંવાર કાવ્યપઠન એવો જે કાર્યક્રમ કર્યો છે એથી અન્યથા અથવા વિશેષ એવો કોઈ મહિમા અને કાર્ય-ક્રમ ભાગ્યે જ કરવાનો હોય. આ પુસ્તિકા પણ આ મહિમાના કંઈક વિસ્તૃત પુનરુચ્ચારણરૂપ અને આ કાર્યક્રમના — એક કાવ્યના ઉદાહરણ દ્વારા — શક્ય પાલનરૂપ હશે, દૃશ્યવાચન નાનપણમાં સૌ કવિતા મોટેથી અને મોઢેથી બોલે છે અથવા તો મોટેથી અને મોઢેથી બોલાતી સાંભળે છે. મોટપણે એમાંથી મોટા ભાગનાનો કવિતા એમની દૃષ્ટિએ નિરુપયોગી હોવાથી એની સાથેનો સંબંધ બંધ થાય છે, એમાંથી કેટલાકનો કવિતા એમની દૃષ્ટિએ એક સુંદર વસ્તુ હોવાથી એની સાથેનો સંબંધ વધુ આત્મીય થાય છે. પણ એમાંથી મોટા ભાગના કવિતા — પુસ્તકોમાં મુદ્રિત-મુદ્રાંકિત કવિતા — હોઠ પણ ન હલે એમ મૂગામૂગા હંમેશ માટે આંખથી વાંચે છે. મુદ્રણયંત્રની શોધ પછી કવિતાનું મુદ્રણ થયું ત્યારથી કવિતા જાણે આંખથી આસ્વાદવાની કળા, ચક્ષુર્ગમ્ય કળા હોય એવો ભ્રમ થયો છે. કવિતા જાણે ચિત્ર ન હોય! મુદ્રણયંત્રની શોધ પૂર્વે અને લિપિની શોધ પછી કવિતાની હસ્તલિખિત પ્રતો અસ્તિત્વમાં હતી પણ તે જૂજ સંખ્યામાં. પ્રાચીનકાળમાં ગ્રીસમાં હોમરની કવિતાનું શ્રોતાઓ સમક્ષ પઠન અથવા ગાન કરવાની પરંપરા હતી. મધ્યયુગમાં યુરોપમાં સ્કૉપ જૉન્ગલર, ત્રુવેર, ત્રુબાદુર આદિ રખડુ ગાયકો દ્વારા કવિતાનું શ્રોતાઓ સમક્ષ પઠન અથવા ગાન કરવાની પરંપરા હતી. પ્રેમાનંદ માણભટ્ટ હતા. વડોદરામાં કે નંદરબારમાં કોઈ ચૌટામાં કે ચોકમાં કે સભાગૃહમાં મોડી સાંજથી મોડી રાત લગીમાં કોઈ આખ્યાનનું શ્રોતાઓ સમક્ષ રસપૂર્વક પઠન બલકે ગાન કરી રહ્યા છે એવું પ્રેમાનંદનું ચિત્ર અને શ્રોતાઓ રસપૂર્વક શ્રવણ કરી રહ્યા છે એવું શ્રોતાઓનું ચિત્ર ન કલ્પવું અશક્ય છે. આવાં ઉદાહરણો પરથી સ્પષ્ટ છે કે મુદ્રણયંત્રની શોધ પૂર્વે કવિતાનું મુખ્યત્વે પઠન અથવા ગાન અને શ્રવણ થતું હતું. મુદ્રણયંત્રની શોધ પછી કવિતાનું મુખ્યત્વે દૃશ્યવાચન થાય છે. મુદ્રણયંત્રની શોધ પછી જગતભરની ભાષાઓમાં કવિતા સમેત સમગ્ર સહિત્ય અસંખ્ય પુસ્તકો અને અસંખ્ય પ્રતો દ્વારા અસંખ્ય મનુષ્યોને સુલભ થયું એ ભારે મોટો લાભ થયો છે. તો સાથે સાથે સમગ્ર સાહિત્ય અને સવિશેષ કવિતા જેવી કાનથી આસ્વાદવાની કળા, શ્રુતિગમ્ય કળા એ જાણે આંખથી આસ્વાદવાની કળા છે એવો ભ્રમ થયો છે એ ભારે મોટો ગેરલાભ પણ થયો છે. એથી, આગળ કહ્યું તેમ, મોટપણે જે કેટલાકનો કવિતા સાથેનો સંબંધ વધુ આત્મીય થાય છે એમાંથી મોટા ભાગના કવિતા હંમેશ માટે આંખથી વાંચે છે. જોકે એ કહેવું જોઈએ કે ત્યારે પણ એમની સ્મૃતિમાં કવિતાના શબ્દોના પૂર્વશ્રુત ઉચ્ચારના જે સંસ્કારો સંચિત હોય છે એની સહાયથી આંખ કવિતાના શબ્દો કાનને સુપરત કરે છે અને પછી કાન એ શબ્દો અંદરના કાનને, અંદરના કાન મન-હૃદય-આત્માને એટલે કે સમગ્ર સંવિત્‌ને સુપરત કરે છે. તો સાથે સાથે એ પણ કહેવું જોઈએ કે ત્યારે એમની પેલી કવિતા મોટેથી અને મોઢેથી બોલવાની નાનપણથી ટેવ હંમેશ માટે બંધ થાય છે. શીઘ્રવાચન મુદ્રણયંત્રની શોધ પછી, આગળ કહ્યું તેમ, કવિતાનું મુખ્યત્વે દૃશ્યવાચન થાય છે. અને હવે ભવિષ્યમાં કદાચ કવિતા સમેત સમગ્ર સાહિત્યનું શીઘ્રવાચન પણ થાય. આજનો અને આવતી કાલનો યંત્ર- વૈજ્ઞાનિક યુગ એ અકલ્પ્ય ગતિ અને અસંખ્ય પરિવર્તનોનો યુગ છે. આ યુગનો આરાધ્યદેવતા ગતિદેવતા છે. હમણાં હમણાં કેટલાક મનોવૈજ્ઞાનિક શિક્ષણશાસ્ત્રીઓએ વધુ ને વધુ ગતિથી વાંચવાનું, શીઘ્રવાચનનું શાસ્ત્ર રચ્યું છે અને એનું શિક્ષણ આપવાનો આરંભ કર્યો છે. અકલ્પ્ય ગતિથી જે અન્ય અનેક પરિવર્તનો થાય છે એના સંદર્ભમાં કદાચ આ શીઘ્રવાચન આવશ્યક અને અનિવાર્ય હશે. એથી એનો વધુ ને વધુ પ્રચાર થશે, વધુ ને વધુ વાચકોમાં એ પ્રચલિત થશે. પણ આ શીઘ્રવાચનથી જે પ્રશ્ન સાહિત્ય અને સવિશેષ કવિતાના સંદર્ભમાં ઉપસ્થિત થાય છે તે એ છે કે બિન-સાહિત્યિક લખાણોનું શીઘ્રવાચન હોય પણ સાહિત્યનું અને સવિશેષ કવિતાનું શીઘ્રવાચન હોય? સાહિત્યમાં અને સવિશેષ કવિતામાં શબ્દોના અવાજનો શબ્દોના અર્થ જેટલી જ મહિમા છે. કવિતામાં તીવ્ર-કોમળ સ્વર અને કઠોર-મૃદુ વ્યંજન તથા સ્વરવ્યંજનની સંકલના, લય તવા લયનો આરોહઅવરોહ અને લયની દ્રુતવિલંબિત ગતિ. સ્વરભાર, વિરામ, અરે, અવાજનો અભાવ અને મૌન સુધ્ધાં — સમગ્ર નાદસંદર્ભનો, નાદસંકુલનો, અવાજની સમગ્ર સૃષ્ટિનો મહિમા છે. એનું દૃશ્યવાચન પણ, આગળ જોયું તેમ, અનિચ્છનીય છે; પણ એનું શીઘ્રવાચન તો અશક્ય જ છે. કવિતા શ્રુતિગમ્ય અને કાળગત કળા છે. કવિતાના વાચન — બલકે પઠનમાં જેટલો યોગ્ય સમય જોઈએ તેટલો જોઈએ જ. સહેજ વધુ નહિ, સહેજ ઓછો નહિ. તો પછી યોગ્ય સમયથી ઓછા સમયમાં એનું વાચન, શીઘ્રવાચન ક્યાંથી થાય? કવિતાનું શીઘ્રવાચન એ ‘વાચન’ જ ન કહેવાય. અને એને વાચન કહેવાનો દુરાગ્રહ થાય તો એ કવિતાનું વાચન ન કહેવાય. કવિતાનું શીઘ્રવાચન એ વદતોવ્યાઘાત છે. કવિતાનું શીઘ્રવાચન થાય એથી ઓછા સમયમાં, ઓછા પરિશ્રમથી વધુ પરિગ્રહ થાય પણ સૌંદર્યનો અને આનંદનો અનુભવ થાય? કવિતાનો રસાસ્વાદ થાય? સાહિત્ય અને સવિશેષ કવિતાનું શીઘ્રવાચન એ દૃશ્યવાચનનું અધમ સ્વરૂપ છે, એ યાંત્રિક અનુભવ છે, આધ્યાત્મિક અનુભવ નથી. છતાં જે વાચક ‘મેં માત્ર આટલા જ કલાકોમાં ‘સરસ્વતીચન્દ્ર’નું શીઘ્રવાચન કર્યું, મેં માત્ર આટલા જ કલાકોમાં રામાયણ — મહાભારત-નળાખ્યાનનું શીઘ્રવાચન કર્યું’ — એવું એવું કહે એને વિશે શું કહેવું? નર્યો બર્બર! દૃશ્યકવિતા કવિતા એ ત્રિંગુણાત્મક કળા છે. એના ત્રણ ગુણો છે : આકાર, અવાજ અને અર્થ. કવિતામાં આ ત્રણે ગુણોનો વત્તા-ઓછા પ્રમાણમાં મહિમા છે. ઉત્તમ અથવા મહાન કવિતામાં આકારથી અવાજનો અને અવાજથી અર્થનો વિશેષ મહિમા છે. કવિતારસિકો કવિતાના રસાસ્વાદ પછી જ્યારે કવિતા વિશે વિચાર કરે કે વાત કરે ત્યારે આ ત્રણ ગુણો જાણે કે અલગ અલગ હોય એમ વિચાર કરે કે વાત કરે તે ભલે પણ કવિતાના રસાસ્વાદના અનુભવની ક્ષણોમાં તો તેઓ આ ત્રણે ગુણોનો એકસાથે આસ્વાદ કરે છે. કવિતામાં અવાજ અને અર્થને કારણે અને એમની દ્વારા આકાર સિદ્ધ થાય છે. સાહિત્યનાં અન્ય સ્વરૂપો ગદ્યસ્વરૂપોની સરખામણીમાં કવિતામાં એના નિશ્ચિત અને વિશિષ્ટ લયએકમોનાં સતત નિયમિત અને નિયંત્રિત આવર્તનો એટલે કે વૃત્ત, છંદ અથવા પદ્યને કારણે આ આકારનો સવિશેષ મહિમા છે. કવિની હસ્તપ્રતમાં કવિતાનું જે પ્રકારે, જે રીતે લેખન થાય છે અને પાના પર કવિતાનું જે પ્રકારે, જે રીતે મુદ્રણ-મુદ્રાંકન થાય છે એ દ્વારા કવિતાનો આ શ્રુતિગમ્ય અને કાળગત એવો સૂક્ષ્મ આકાર — લિપિ એ શ્રૃતિગમ્ય અને કાળગત અવાજનું ચક્ષુર્ગમ્ય અને સ્થલગત રૂપાંતર છે એથી — ચક્ષુર્ગમ્ય અને સ્થલગત એવા સ્થૂલ આકારરૂપ પ્રગટ થાય છે અને એના આ સવિશેષ મહિમાની પ્રતીતિ થાય છે. કવિ આ આકાર દ્વારા કવિતાનું પઠન કેમ કરવું એ વાચક-ભાવકને સૂચવે છે અને એમ વાચક-ભાવકને કવિતાના પઠનમાં અપ્રત્યક્ષ રહીને સહાય કરે છે. આમ, આ આકાર એ કવિતાનું, કવિતાના વ્યક્તિત્વનું અનિવાર્ય અને અંતર્ગત અંગ છે. કોઈ પણ કાવ્યનું કવિની હસ્તપ્રતમાં જે પ્રકારે, જે રીતે લેખન થયું હોય અથવા તો પાના પર જે પ્રકારે, જે રીતે મુદ્રણ-મુદ્રાંકન થયું હોય એથી અન્ય કોઈ પણ પ્રકારે કે રીતે એનું લેખન કે મુદ્રણ-મુદ્રાંકન થાય તો એથી એ કાવ્યના વ્યક્તિત્વનો, એ કાવ્યનો કંઈક હ્રાસ થશે; એ એક અસહ્ય, અકાવ્યમય અનુભવ હશે. એથી જ કોઈપણ કવિ એના પ્રત્યેક કાવ્યના આકાર વિશે અત્યંત સભાન અને સંવેદનશીલ હોય છે. પીએર આલ્બેર્ત-બીરોત જેવો કવિ તો પોતાનાં કાવ્યોનું મુદ્રણ-મુદ્રાંકન પોતે જ કરે છે. વિલિયમ બ્લેઈકે તો વળી પોતાનાં કેટલાંક કાવ્યો — ધાતુપટ પર અંકન એન્ગ્રેવિંગ દ્વારા — પોતાના હસ્તાક્ષરમાં જ પોતે જ પ્રસિદ્ધ કર્યાં હતાં. કવિતામાં ક્યારેક અવાજથી આકારનો વિશેષ મહિમા હોય છે. ચીની આઇડીઓગ્રામ, યુરોપી એમ્બ્લેમ અને કેલિગ્રામ એનાં પ્રસિદ્ધ ઉદાહરણો છે. અનેક ભાષામાં અનેક યુગમાં અનેક કવિઓએ ગ્રીક ટૅક્નોપીગીના લેટિન કાર્મેન ફીગ્યુરેટમ, જર્મન બીલ્ડગેડીશ્ટ આદિ પ્રકારનાં કાવ્યો રચ્યાં છે. આ કાવ્યોમાં, અલબત્ત, અવાજ અને અર્થનો મહિમા તો છે જ; પણ એમાં આકારનો કવિતામાં સામાન્યપણે જે મહિમા હોય એથી કંઈક વિશેષ મહિમા છે. દોસીઆદીસ, પુટેનહામ, એલ્સીઆતી, ક્વોર્લ્સ વીધર, હેરીક, હર્બર્ટ, લેન્ગ્લોઝ, ત્રેહર્ન, પેનાર્દ, પો, હ્યુગો, લુઈસ કેરલ, બીરોત, મેરીનેત્તી આપોલીનેર, ડીલન ટૉમસ આદિ અનેક કવિઓએ વેદી, કુઠાર, અંડ, ક્રૂસ, મદ્યપાત્ર, પક્ષ્મ, પુચ્છ, હીરક, વર્ષાધારા, શબવાહિની, શય્યા, દેવાલય, તારક, તોપ, હૃદય દર્પણ, મુકુટ, પથ આદિ અનેક આકારોમાં આવાં કાવ્યો રચ્યાં છે. ચિત્ર, સંગીત અને કવિતા — પ્રત્યેક સ્વતંત્ર અને સ્વાયત્ત કળા છે. પ્રત્યેક અનન્ય અને અદ્વિતીય કળા છે. પ્રત્યેકને એની વિશેષતા અને વિશિષ્ટતા છે. ચિત્ર ચક્ષુર્ગમ્ય અને સ્થલગત કળા છે; એ આંખ દ્વારા, દર્શનેન્દ્રિય દ્વારા આત્મામાં સંક્રાન્ત થાય છે. સંગીત શ્રુતિગમ્ય અને કાળગત કળા છે; એ કાન દ્વારા, શ્રવણેન્દ્રિય દ્વારા આત્મામાં સંક્રાન્ત થાય છે. કવિતા એ શ્રુતિગમ્ય અને કાળગત કળા છે અને જ્યારે એનું લેખન કે મુદ્રણ-મુદ્રાંકન થાય છે ત્યારે એ શ્રુતિગમ્ય અને કાળગત ઉપરાંત ચક્ષુર્ગમ્ય અને સ્થલગત કળા છે, કવિતામાં આકાર અને સવિશેષ તો અવાજને અર્થ હોય છે; એથી એ આંખ અને કાન દ્વારા, દર્શનેન્દ્રિય અને શ્રવણેન્દ્રિય દ્વારા તથા મન-હૃદય-બુદ્ધિ દ્વારા આત્મામાં સંક્રાન્ત થાય છે. કવિતામાં ક્યારેક આકાર અને અવાજ શૂન્યવત્ હોય છે અને અર્થનો અતિરેક, અભિનિવેશ હોય છે, અર્થ જ સર્વસ્વ હોય છે. ત્યારે ૧૮મી સદીમાં યુરોપમાં. થયું તેમ ગદ્યની કંગાલ અવેજી જેવી તર્કબદ્ધ અને બુદ્ધિજન્ય કવિતાનું સર્જન થાય છે. કવિતામાં ક્યારેક આકાર અને અર્થ શૂન્યવત્ હોય છે અને અવાજનો અતિરેક, અભિનિવેશ હોય છે, અવાજ જ સર્વસ્વ હોય છે. ત્યારે ૧૯મી સદીમાં યુરોપમાં થયું તેમ સંગીતની કંગાલ અવેજી જેવી કવિતાનું સર્જન થાય છે. કવિતામાં ક્યારેક અવાજ અને અર્થ શૂન્યવત્ હોય છે અને આકારનો અતિરેક, અભિનિવેશ હોય છે, આકાર જ સર્વસ્વ હોય છે. ત્યારે ૨૦મી સદીના પૂર્વાર્ધમાં ફ્રાંસ. ઇટલી, રશિયામાં અને સવિશેષ ૨૦મી સદીના મધ્યભાગમાં બ્રાઝિલ, જર્મની, સ્વીડનમાં અને ત્યાર પછી હવે જગતભરમાં થયું તેમ ચિત્રની કંગાલ અવેજી જેવી કવિતાનું સર્જન થાય છે. કવિતાનો આ ત્રીજો પ્રકાર દૃશ્યકવિતા કહેવાય. અત્યારે અનેક ભાષામાં અનેક પ્રકારની દૃશ્યકવિતા અસ્તિત્વમાં છે. ટાઇપોગ્રાફી, ટાપરાઇટર, પીંછી આદિ સાધનો વડે આધુનિક ચિત્રકળાની અનેક ટેક્‌નીકની અસરમાં કાગળ, પોસ્ટકાર્ડ, પોસ્ટર, વસ્ત્ર, કાષ્ઠ, શિલા, ઇમારતોની ભીંતો, નગરની બસો અને સમગ્ર નગર આદિ ફલક પર આ કવિતાનું સર્જન થાય છે. એમાં ‘ક્રૉન્ક્રીટ પોએટ્રી’ મુખ્ય છે. કવિતાનો આ પ્રકાર પ્રાચીન છે. ભારતવર્ષમાં ૬ઠ્ઠી-૭મી સદીમાં ભારવિ અને માઘનાં ચિત્રકાવ્યો પ્રસિદ્ધ છે. એકની એક ભાષામાં, એકના એક સ્થળમાં ભિન્ન ભિન્ન કાળમાં એનું ભિન્ન ભિન્ન નામકરણ-નામાભિધાન થયું છે. એથી એમ સૂચવાય છે કે દૃશ્યકવિતા અસ્તિત્વમાં આવે છે, પછી તરત અદૃશ્ય થાય છે; વળી અસ્તિત્વમાં આવે છે, પછી તરત અદૃશ્ય થાય છે. દૃશ્યકવિતા અલ્પજીવી, ક્ષણજીવી છે. એમાં દીર્ઘાયુષી કવિતા. દીર્ઘ કવિતા, ઉત્તમ કવિતા, મહાન કવિતા અથવા ‘કવિતા’ શબ્દમાં જે ઉત્તમ અને મહાન અર્થ છે એ અર્થમાં કવિતા અશક્ય છે. રસશાસ્ત્રમાં, કાવ્યશાસ્ત્રમાં આ કવિતા નિકૃષ્ટ અને અધમ કવિતા કહેવાય છે. દૃશ્યકવિતા એ કવિતા નહિ પણ કવિતાની વિકૃતિ, વિડંબના છે. દૃશ્યકવિતા એ કવિતાનો નહિ પણ ચિત્રનો એક પ્રકાર છે — બલકે ચિત્રની કંગાલ અવેજી છે. દૃશ્યકવિતાના જગતભરના સર્જકો, વિવેચકો અને પુરસ્કર્તાઓ આ સત્ય સમજે, સ્વીકારે છે. એથીસ્તો દૃશ્યકવિતાનાં પ્રદર્શનો — આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો યોજાય છે. દૃશ્યકવિતાના શ્રોતા નહિ, પ્રેક્ષકો હોય છે. દૃશ્યકવિતા કાનથી નહિ, આંખથી વાંચવાની હોય છે. દૃશ્યકવિતા એ શ્રાવ્ય નહિ, દૃશ્યકળા છે. કળા? ના, બાળકોને શબ્દના અવાજની થરડ-મરડથી મઝા આવે છે તેમ કેટલાંક મોટી વયનાં ‘બાળકો’ને શબ્દના આકારની થરડ-મરડથી મઝા આવે છે, એથી એક રમત-ગમત તરીકે એનું અધિકારપૂર્ણ સ્થાન છે. પણ કળા તરીકે? કવિતા તરીકે? આ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી, આ પ્રશ્ન અપ્રસ્તુત છે. તો ‘દૃશ્યકવિતાનું પઠન’, ‘દૃશ્યકવિતા કાનથી વાંચો!’ આ પ્રશ્ન તો ઓર અપ્રસ્તુત છે. શ્રાવ્યવાચન — પઠન જે સર્જનાત્મક ન હોય અને જેમાં નર્યું ગદ્ય હોય એવાં સૌ લખાણોનું દૃશ્યવાચન થાય. પણ જે સર્જનાત્મક હોય એવાં સૌ લખાણોનું. એટલે કે સાહિત્યનાં સૌ લખાણોનું સાહિત્યનાં સૌ સ્વરૂપોનું — માત્ર કવિતાના પદ્યસ્વરૂપનું જ નહિ પણ ગદ્યકવિતા, ગદ્યકાવ્ય, નવલકથા, ટૂંકી વાર્તા, નિબંધ આદિ સૌ ગદ્યસ્વરૂપોનું — શ્રાવ્યવાચન એટલે કે પઠન થવું જોઈએ. નાટક — પદ્યનાટક અને ગદ્યનાટક — તો દૃશ્ય અને શ્રાવ્યકળા છે એથી એ ભજવાય ત્યારે એનું આપોઆપ પઠન થાય છે. પરંતુ નાટક વંચાય ત્યારે પણ એનું પઠન થવું જોઈએ. સાહિત્યનાં સૌ સ્વરૂપોમાં અર્થનો, અર્થસંકુલનો જેટલો મહિમા છે એટલો જ અવાજનો, નાદસંકુલનો મહિમા છે — બલકે અર્થ અને અવાજ, અર્થસંકુલ અને નાદસંકુલ અભિન્ન, અનોખા અથવા એકરૂપ હોય છે. સાહિત્યનાં સૌ સ્વરૂપોમાં લયનો મહિમા છે. પણ સાહિત્યનાં સૌ ગદ્યસ્વરૂપોમાં હોય એથી કવિતામાં લયનો વિશેષ મહિમા છે. આ કારણે કવિતા, મોટે ભાગે, પદ્યમાં હોય છે; કવિતા પદ્યસ્વરૂપ હોય છે. વળી કવિતા જ્યારે ગદ્યમાં હોય છે ત્યારે એનું ગદ્ય એ કવિતાનું ગદ્ય હોય છે. એ ગદ્યમાં કવિતા સિદ્ધ થાય છે એથી એ ગદ્ય સાહિત્યનાં સૌ ગદ્યસ્વરૂપોના ગદ્યથી કંઈક ભિન્ન હોય છે. એથી ગદ્યકવિતામાં, ગદ્યકાવ્યમાં પણ લયનો વિશેષ મહિમા છે. કવિતામાં લયનો આ જે વિશેષ મહિમા છે એનું કારણ છે ઊર્મિ, ધ્વનિ અને રસ. કવિતા એટલે મુખ્યત્વે ઊર્મિ, ધ્વનિ અને રસ. કવિતામાં લય દ્વારા આ ઊર્મિ, અને અને રસ પ્રગટ થાય છે. અથવા એમ પણ કહી શકાય કે કવિતામાં ઊર્મિ, ધ્વનિ અને રસને કારણે લય સિદ્ધ થાય છે — બલકે વિશિષ્ટ, વિલક્ષણ લય સિદ્ધ થાય છે, કોઈ એક નિશ્ચિત લયએકમનું સતત આવર્તન સિદ્ધ થાય છે, લયનું નિયંત્રણ — નિયમન અને સાતત્ય સાદ્યંતત્વ સિદ્ધ થાય છે. એને વૃત્ત અથવા છંદ, પદ્ય કહેવાય છે. ગદ્યની સરખામણીમાં પદ્ય એકવિધ અને કૃત્રિમ છે. પણ એમ તો પશુપક્ષીના અવાજોની સરખામણીમાં મનુષ્યના અવાજો, અર્થપૂર્ણ અવાજો એટલે કે ભાષા, બોલચાલની ભાષા કૃત્રિમ છે. અને બોલચાલની ભાષાની સરખામણીમાં ગદ્ય પણ કૃત્રિમ છે. ગદ્ય અને પદ્ય જ નહિ પણ કલામાત્ર મનુષ્યનું સર્જન છે એથી કૃત્રિમ છે. પણ પદ્ય, હમણાં જ જોયું તેમ, સકારણ અને સહેતુક — કહો કે સભાનપણે અને અનિવાર્યપણે એકવિધ ને કૃત્રિમ છે. પદ્ય સાધન છે, કવિતા સાધ્ય છે. કવિતા સિદ્ધ થાય એટલે પદ્ય, પદ્યની એકવિધતા અને કૃત્રિમતા સાર્થક અને ચરિતાર્થ થાય છે. પ્રત્યેક ભાષામાં એના શબ્દોના, અક્ષરોના ઉચ્ચારને આધારે છંદ અથવા પદ્ય સિદ્ધ થાય છે. ભારતવર્ષમાં સંસ્કૃત ભાષામાં છંદના બે પ્રકાર છે : વૈદિક અને લૌકિક. ગુજરાતી ભાષામાં વૈદિક છંદો નથી, લૌકિક છંદો છે. ગુજરાતી ભાષામાં આ લૌકિક છંદોના ચાર પ્રકાર છે : ૧. અક્ષરમેળ (અથવા વૃત્ત. એમાં અક્ષરનું લઘુત્વ-ગુરુત્વ, વજન, અક્ષરની નિશ્ચિત સંખ્યા, લઘુ-ગુરુ અક્ષરનું નિશ્ચિત સ્થાન, લઘુ-ગુરુ અક્ષરનો સ્થિર ક્રમ તથા યતિ આધારરૂપ છે. એમાં અનાવૃત્તસંધિ છે. એમાં અખંડ પંક્તિ છે. એમાં સમગ્ર પંક્તિ એ લયએકમ છે અને એનું સતત સાદ્યંત આવર્તન થાય છે.) ર. માત્રામેળ (અથવા જાતિ. એમાં અક્ષરની માત્રા, કાલમાત્રા તથા તાલ અને પ્રાસ આધારરૂપ છે. એમાં આવૃત્તસંધિ છે. એમાં સખંડ પંક્તિ છે. એમાં પંક્તિની અંદર એક નિશ્ચિત સંધિ એ લયએકમ છે અને એનું સતત સાદ્યંત આવર્તન થાય છે.) ૩. સંખ્યામેળ (એમાં અક્ષરની માત્રા કાલમાત્રા, તાલ, અક્ષરનું લઘુત્વ-ગુરુત્વ, વજનથી નિરપેક્ષ અક્ષરની સંખ્યા તથા યતિ અને પ્રાસ આધારરૂપ છે. એમાં આવૃત્તસંધિ છે. એમાં સખંડ પંક્તિ છે. એમાં પંક્તિની અંદર એક નિશ્ચિત સંધિ એ લયએકમ છે અને એનું સતત સાદ્યંત આવર્તન થાય છે.) ૪. લયમેળ (અથવા દેશી, પદ, રાગ. એમાં સંગીતના સ્વરો, આરોહ-અવરોહ તથા તાલ અને પ્રાસ આધારરૂપ છે. એમાં આવૃત્તસંધિ છે. એમાં સખંડ પંક્તિ છે. એમાં પંક્તિની અંદર એક નિશ્ચિત સંધિ એ લયએકમ છે અને એનું સતત સાદ્યંત આવર્તન થાય છે. એ ગેય છે. એનું ગાયન થાય છે, થવું જોઈએ. એથી એક અર્થમાં એ સંગીતના સંદર્ભમાં પ્રસ્તુત છે. કવિતાના પઠનના, ‘કવિતા કાનથી વાંચો’ના સંદર્ભમાં અપ્રસ્તુત છે.) આ પ્રત્યેક પ્રકારમાં અનેક છંદો છે. છંદ એ અક્ષરોનું માપ છે, ગણિત છે. અન્ય ઉપમા દ્વારા કહેવું હોય તો છંદ એ કવિતાનું અસ્થિપિંજર છે. એમાં લય પ્રાણરૂપ છે, મજ્જા અને રુધિરરૂપ છે — કહો કે આત્મારૂપ છે. અને કવિતામાં આ લય, દેહમાં આત્માની જેમ, અણુએ અણુમાં સર્વત્ર વસે છે. છંદ એકવિધ અને કૃત્રિમ છે છતાં આ લય દ્વારા અંતે વિવિધ રૂપે અને સહજ રૂપે પ્રગટ થાય છે અને કવિતાના પઠન દ્વારા એની પ્રતીતિ થાય છે. લયની આ લીલા છે, અનંત લીલા છે. કોઈપણ એક પ્રકારના કોઈ પણ એક છંદના ઉદાહરણથી આ સ્પષ્ટ થશે. હવે પછી જે કાવ્યના પઠનનું વર્ણન આવે છે એ કાવ્યમાં જે છંદ છે એનું ઉદાહરણ વધુ અનુકૂળ રહેશે. એ કાવ્યનો છેદ છે મંદાક્રાન્તા. એનો લગાત્મક ન્યાસ આ પ્રમાણે છે :

ગાગાગાગા । લલલલલગા । ગાલગાગાલગાગા

આ અક્ષરમેળ છંદ છે. એમાં સત્તર અક્ષર છે અને ત્રણ (બે મધ્ય અને એક અંત્ય) યતિ છે. એમાં લઘુ-ગુરુ અક્ષરનું નિશ્ચિત સ્થાન છે, લઘુ-ગુરુ અક્ષરનો સ્થિર ક્રમ છે : ચાર ગુરુ અક્ષરો, પછી પાંચ લઘુ અક્ષરો, પછી બે ગુરુ અક્ષરો, પછી એક લઘુ અક્ષર, પછી બે ગુરુ અક્ષરો, પછી એક લઘુ અક્ષર, પછી બે ગુરુ અક્ષરો છે. ચાર અક્ષરો પછી એક મધ્યયતિ, દસ અક્ષરો પછી એક મધ્યયતિ અને સત્તર અક્ષરો પછી એક અંત્યયતિ છે. પ્રત્યેક પંક્તિમાં આ પ્રમાણે જ છે. એમાં કોઈ વિકલ્પ નથી. પણ જ્યાં જ્યાં લઘુ અક્ષરો છે ત્યાં પ્રત્યેક પંક્તિમાં ભિન્ન ભિન્ન હ્રસ્વ સ્વરોનો વિકલ્પ છે અને જ્યાં જ્યાં ગુરુ અક્ષરો છે ત્યાં પ્રત્યેક પંક્તિમાં ભિન્ન ભિન્ન દીર્ઘ સ્વરોનો વિકલ્પ છે. વળી પ્રત્યેક પંક્તિમાં સત્તરે અક્ષરોમાં ભિન્ન ભિન્ન વ્યંજનોનો વિકલ્પ છે. પ્રત્યેક પંક્તિમાં સરવાળે સત્તર અક્ષર થાય એ શરતે ભિન્ન ભિન્ન સંખ્યાના અક્ષરોના ભિન્ન ભિન્ન સંખ્યાના શબ્દોનો વિકલ્પ છે. આથી સમગ્ર કાવ્યમાં પ્રત્યેક પંક્તિમાં એકનો એક છંદ છે છતાં દ્રુત-વિલંબિત ગતિની, તીવ્ર-કોમળ સ્વરોની, કઠોર-મૃદુ વ્યંજનોની સ્વરવ્યંજનસંકલના સિદ્ધ થાય છે. આ ઉપરાંત કોઈ પણ પંક્તિમાં મધ્યયતિભંગ, અંત્યયતિભંગ, વિરામ, મૌન, સ્વરભાર, આંતર- પ્રાસ, અંત્યપ્રાસ, અનુપ્રાસ, અર્થાનુકાર આદિ પણ યોજાય છે. આ સૌ દ્વારા લયની લીલા, અનંત લીલા પ્રગટ થાય છે અને એથી અનેક તાણાવાણામાંથી તારમાંથી જેમ સૂક્ષ્મ સળંગ વસ્ત્ર વણાય છે તેમ કાવ્યમાં શ્લેષ સધાય છે અને છંદની એકવિધતામાં વિવિધતા, કૃત્રિમતામાં સહજતા પ્રગટ થાય છે. કવિતાનું અગેયપઠન — આધુનિક પરંપરા ‘કવિતા કાનથી વાંચો!’ અથવા કવિતાનું અગેયપઠન એ આધુનિક પરંપરા છે. એમાં અંગ્રેજી કવિતાના પઠનની અસર છે — બલકે એનું અનુકરણ છે. ૧૭મી સદીથી અંગ્રેજી કવિતાનું અગેયપઠન થાય છે. યુગોથી યુરોપમાં પ્રાચીન અને મધ્યકાલીન ગ્રીક, લેટિન અને અન્ય ભાષાઓની કવિતાના ગેયપઠનની પરંપરા હતી. એમાં અપવાદ રૂપે લેટિન ભાષાની કેટલીક કવિતાના અગેયપઠનની પરંપરા હતી. યુગોથી ભારતવર્ષમાં સંગીતના સ્વરો અને આરોહ-અવરોહ સાથેના કવિતાના ગેયપઠનની પરંપરા હતી. આધુનિક યુગમાં જગતભરમાં કવિતાના અગેયપઠનની પરંપરા છે કારણ કે વાચક-ભાવકે કવિતાના નાદસંકુલ અને અર્થસંકુલ — બલકે એકસાથે નાદ-અને-અર્થસંકુલ દ્વારા કવિતાનો રસાસ્વાદ કરવાનો છે. પ્રાચીનકાળમાં ભારતવર્ષમાં પણ ભરત અને અભિનવગુપ્તે વાગભિનય અંગે પ્રયોજકને કાવ્યના છંદ પ્રમાણે નહિ પણ કાવ્યના અર્થ પ્રમાણે કાવ્યનું પઠન કરવાનું કહ્યું છે. કવિતાનું પઠન છંદને આધારે પણ અર્થને અનુસરીને કરવું જોઈએ. પણ આ પઠનનું સ્વરૂપ સિદ્ધ કરવાનો માર્ગ કયો? જે કાવ્યનું પઠન કરવાનું હોય તે કાવ્યમાં જે છંદ હોય તે છંદનું પ્રથમ તો વારંવાર પરંપરાગત ગેયપઠન કરવું જોઈએ. પછી એ કાવ્યની પ્રત્યેક પંક્તિમાં જે અવાન્તર અર્થો હોય તેને અનુસરીને પંક્તિખંડોનું, પ્રત્યેક પંક્તિનું અને સમગ્ર કાવ્યમાં હૃદય, બુદ્ધિ અને આત્મા માટે જે ‘અર્થો’ હોય તેને અનુસરીને સમગ્ર કાવ્યનું વારંવાર અર્થગેયપઠન કરવું જોઈએ અને ક્રમેક્રમે અંતે અગેયપઠન કરવું’ જોઈએ. વાલેરીએ એમના ‘કાવ્યપઠન પર વ્યાખ્યાન’માં આ જ ઉપક્રમ સૂચવ્યો છે. ગાંધીજીએ પણ, પુસ્તિકાને આરંભે મૂકેલા અવતરણમાં, આ જ કાર્યક્રમ સૂચવ્યો છે. કોઈ પણ કાવ્યના પઠનનું સ્વરૂપ સિદ્ધ કરવાનો આ જ સર્વોત્તમ માર્ગ છે. પઠન — એક કળા ‘કવિતા કાનથી વાંચો!’ કાનથી? ના, કાનથી નહિ, આત્માથી — સમગ્ર સંવિત્‌થી. કવિતા અંતે તો આત્માથી — સમગ્ર સંવિત્‌થી આસ્વાદવાની છે. મજ્જા, રુધિર, પ્રાણ, મન હૃદય, બુદ્ધિ — અણુએ અણુથી પણ આસ્વાદવાની છે. પણ એનો આરંભ કાનથી થાય છે. સૌ કલાઓ અંતે તો આત્માથી — સમગ્ર સંવિત્‌થી આસ્વાદવાની છે પણ એમના રસાસ્વાદનો આરંભ દેહથી, દેહની કોઈ ને કોઈ ઇંદ્રિયથી થાય છે. દૃશ્યવાચનના આ યુગમાં અને શીઘ્રવાચનના યુગની પૂર્વસંધ્યાએ, વાચક-પાઠકમાં સૌપ્રથમ તો કવિતાનું શ્રાવ્યવાચન કરવાની ઇચ્છા હોવી જોઈએ. પછી કવિતાના પઠનની પૂર્વતૈયારી રૂપે, પાઠક થવાની પાત્રતા રૂપે, વાચક-ભાવકમાં પોતાના કંઠ અને અવાજનું, એની ખૂબીઓ અને ખામીઓનું જ્ઞાન હોવું જોઈએ; જે ભાષાની કવિતાનું પઠન કરવાની ઇચ્છા હોય તે ભાષાનું, તે ભાષાના ઉચ્ચાર અને લયનું, વ્યાકરણ અને શબ્દકોશનું, અલંકારો અને છંદોનું — સૌ પ્રકારના સૌ છંદો અને એમની સૌ નાનીમોટી વિગતોનું તથા એમના પરંપરાગત ગેયપઠનના સ્વરૂપનું જ્ઞાન હોવું જોઈએ, જે સર્જનાત્મક હોય તેવા ગદ્યલખાણો એટલે કે સાહિત્યના ગદ્યસ્વરૂપોના પઠનનો કંઈક અનુભવ હોવો જોઈએ, કારણ કે કવિ જ્યારે કવિતાનું સર્જન કરે છે ત્યારે ભાષા, છંદ અને અવાજની સૌ શક્યતાઓનો પૂરેપૂરો કસ કાઢે છે અને એ દ્વારા સૌંદર્ય, આનંદ, ધ્વનિ અને રસ સિદ્ધ કરે છે. વળી વાચક-ભાવકમાં સંવેદના અને કલ્પના હોવી જોઈએ. કારણ કે કવિ એના સમગ્ર સંવિત્‌થી કવિતાનું સર્જન કરે છે, તો વાચક-ભાવકે પણ એના સમગ્ર સંવિત્‌થી કવિતાનો રસાસ્વાદ કરવાનો છે. કાવ્ય સમગ્રનો અર્થ (જે કાવ્યના સૌ શબ્દોના અર્થોના સરવાળાથી કંઈક વિશેષ અને કંઈક અન્ય હોય છે તે અર્થ), કાવ્યખંડોનો અર્થ, શબ્દસમૂહોનો અર્થ, શબ્દેશબ્દનો અર્થ, હૃદય-બુદ્ધિ-આત્મા માટેનો અર્થ — આ સૌ અર્થોને અનુસરીને એમને અનુરૂપ અનુકૂળ અવાજ, લય, આરોહ-અવરોહ, સ્વરભાર, કાકુ, વિરામ, મૌન આદિ દ્વારા વિવેકપૂર્વક, ઔચિત્યપૂર્વક, સમજપૂર્વક, સૂઝપૂર્વક, ધ્યાનપૂર્વક કવિતાનું પઠન કરવાનું છે. કવિતાનું પઠન એ સમાધિ છે. રસસમાધિ છે. કવિતાનું પઠન એ સર્જન છે, સર્જનનો અનુભવ છે. વળી વાચક-ભાવક જ્યારે કોઈપણ કાવ્યનું પઠન કરે છે ત્યારે જ, એક અર્થમાં, એ કાવ્ય અસ્તિત્વમાં આવે છે, એ કાવ્યનું સર્જન થાય છે — કહો કે પુનઃસર્જન થાય છે. સુન્દર કાવ્યનું સુન્દર પઠન થાય ત્યારે જ એનો સાચો રસાસ્વાદ થાય છે. અસુન્દર પઠન થાય ત્યારે સુન્દરમાં સુન્દર કાવ્ય પણ અસુન્દર લાગે. પઠનમાં સહેજ ક્ષતિ થાય એટલે બધું બેસૂરું બની જાય ક્યારેક તો એ નર્યો ઘોંઘાટ જ લાગે. કવિતાનું પઠન એક કળા છે, શ્રમસાધ્ય અને કષ્ટસાધ્ય કળા છે, દુઃસાધ્ય અને દુર્લભ કળા છે. પઠન — એક સાહસયાત્રા કવિતાના ત્રણ પ્રકાર છે : ૧. ઊર્મિકવિતા — પદ, સૉનેટ, સ્તોત્ર આદિ. ર. વર્ણનાત્મક, કથનાત્મક કવિતા — ખંડકાવ્ય આખ્યાન, મહાકાવ્ય આદિ. ૩. નાટ્યાત્મક કવિતા — એકોક્તિ, સંવાદકાવ્ય, પદ્યનાટક આદિ. આ પ્રત્યેક પ્રકારમાં અનેક પ્રકારનાં કાવ્યો છે, અનેક પ્રકારનાં વસ્તુ-વિષય અને શૈલી-સ્વરૂપનાં કાવ્યો છે. પ્રત્યેક કાવ્ય અનન્ય અને અદ્વિતીય છે. એથી પ્રત્યેક વાચક — ભાવકે કાવ્યે કાવ્યે પઠનનું ભિન્ન ભિન્ન સ્વરૂપ સિદ્ધ કરવાનું રહેશે. વળી પ્રત્યેક વાચક-ભાવક અનન્ય અને અદ્વિતીય છે એથી ભિન્ન ભિન્ન વાચક-ભાવકો એકના એક કાવ્યનો ભિન્ન ભિન્ન અર્થ કરશે, અને એથી એના પઠનનું ભિન્ન ભિન્ન સ્વરૂપ સિદ્ધ કરશે. આમ, કવિતાનું પઠન એ એક ફૂટ પ્રશ્ન છે. એનો કોઈ સર્વસામાન્ય સર્વસામાન્ય ઉત્તર કે ઉકેલ નથી. ઈંગ્લંડ અને અન્યત્ર થાય છે તેમ કવિતાના પઠનનું એ માટેની ખાસ શાળાઓમાં શિક્ષણ અપાય, કવિતાના પઠનના જાહેર સમારંભો અને ઉત્સવો યોજાય. ઉત્તમ અભિનેતાઓ, દિગ્દર્શકો, પાઠકો અને સ્વયં કવિઓના સ્વમુખે કવિતાના પઠનના જાહેર પ્રયોગો અને કાર્યક્રમો થાય અથવા એની ટેઇપ્સ અને લૉન્ગ પ્લેઇન્ગ રેકૉર્ડ્ઝ થાય — અરે, આ ‘કવિતા કાનથી વાંચો!’ જેવી પુસ્તિકાઓ લખાય તો પણ આ પ્રશ્નનો ઉત્તર કે ઉકેલ સહેલો અને સરલ નથી. પ્રત્યેક વાચક-ભાવકે — બલકે પાઠકે પોતે જ આ પ્રશ્નનો ઉત્તર આપવાનો રહે છે, ઉકેલ શોધવાનો રહે છે. આ સંદર્ભમાં પ્રત્યેક પાઠક એકલયાત્રી છે. અને એની યાત્રામાં એકમાત્ર પથપ્રદર્શક છે કવિતા વિશેની એની પોતાની આંતરસૂઝ. કવિતાનું પઠન એ અવાજલોકમાં, નાદવિશ્વમાં એક સાહસયાત્રા છે — અનેક ભય અને સંકટ, અનેક વિસ્મય અને આશ્વર્યથી સભર એવી આહસયાત્રા છે — સૌંદર્યયાત્રા છે, રસયાત્રા છે, આનંદયાત્રા છે. ‘ભણકારા’નું પઠન અંતમાં એક કાવ્ય-‘ભણકારા’નું પઠન હું કયા સ્વરૂપે કેમ સિદ્ધ કરું એ વિશે — વક્રતા એ છે કે ‘કવિતા કાનથી વાંચો!’ પુસ્તિકામાં પઠન નહિ, પ્રયોગ નહિ (એ માટે તો પ્રકાશકે પઠનની ટેઇપ કે રેકૉર્ડ પુસ્તિકાની સાથે પ્રગટ કરવી રહી! અને એમ થાય તો તે પછી પણ, આગળ જોયું તેમ, પ્રત્યેક વાચક-પાઠકે કવિતા વિશેની પોતાની આંતરસૂઝને આધારે આ કાવ્યના પોતાના પઠનનું સ્વરૂપ પોતે જ સિદ્ધ કરવું રહ્યું!) પણ વર્ણન જ શક્ય છે એથી વર્ણન, આંખથી વાંચવા માટેનું વર્ણન કરું તો આશા છે કે વાચકો એને ક્ષન્તવ્ય ગણશે.

                  ભણકારા
આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,
વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે;
ઊંચાંનીચાં સ્તનધડક શાં હાલતાં સુપ્ત વારિ,
તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મ્હારી.
માથે જાણે નિજ નરિ જુવે કાંતિ તો સૃષ્ટિ સૂતી
ચોંકી જાગે, કુસુમવસને તેથિ જ્યોત્સના લપાતી;
ને બીડેલાં કમલમહિં બંધાઈ સૌંદર્યઘેલો
ડોલે લોટે અલિ મૃદુ પદે, વાય આ વાયુ તેવો.

ત્યાં સૂતેલો લવું નવલ અર્ધા અનાયાસ છંદ,
કે આંદોલૂં જરિ લય નવે બીનના તાર મંદ,

તેમાં આ શી-રજનિ ઉરથી, નર્મદા વ્હેનમાંથી,
સ્વર્ગગાની રજત રજ, કે વાદળી ફેનમાંથી,
— પુષ્પે પાને વિમલ હિમમોતી સરે,તેમ છાની
બાની ભીની નિતરિ નિંગળે અંતરે શીય, સેહ્ની!
                           બલવંતરાય કલ્યાણરાય ઠાકોર

આ કાવ્ય ૧૪ પંક્તિનું સૉનેટ — ઊર્મિકવિતા છે. એમાં. આગળ જોયું તેમ, મંદાક્રાન્તા છંદ છે. એમાં કક, ખખ, ગગ, ઘઘ, ચચ, છછ, જજ — એમ પ્રાસ-અર્ધપ્રાસયુક્ત સાત યુગ્મો છે. આ પ્રાસયોજનાને આધારે નહિ વિચાર અને ઊર્મિની યોજનાને આધારે આ કાવ્ય સૉનેટ છે. એથી એમાં બે વિભાગ છે : આરંભની આ પંક્તિનું અષ્ટક. અને અંતની ૬ પંક્તિનું ષટ્ક. એમાં પંક્તિ ૧. ૭, ૯, ૧૩માં મધ્યયતિભંગ અને પંક્તિ પ. ૯, ૧૩માં અંત્યયતિભંગ છે. સૌપ્રથમ તો મંદાક્રાન્તા છંદના પરંપરાગત ગેયપઠનને આધારે હું આ કાવ્ય વારંવાર ગેયપઠન કરું. પછી હું હૃદય-બુદ્ધિ-આત્મા દ્વારા, સમગ્ર સંવિત્ દ્વારા, કાવ્ય સમગ્રનો, કાવ્યખંડોનો, કાવ્યપંક્તિઓની શબ્દસમૂહોનો, શબ્દેશ્બ્દનો, શબ્દના ક્રમનો અર્થ સમજીને એને આધારે, એને અનુસરીને, એને અનુરુપ, અનુકૂળ દ્રુત-વિલંબિત ગતિની, તીવ્ર-કોમળ સ્વરોની, કઠોર- મૃદુ વ્યંજનોની સ્વરવ્યંજનસંકલના દ્વારા તથા મધ્યયતિભંગ, અંત્યયતિભંગ, વિરામ, મૌન, સ્વરભાર, આંતરપ્રાસ, અંત્યપ્રાસ, અનુપ્રાસ, અર્થાનુકાર દ્વારા લય, લયના આરોહઅવરોહ સમજીને આ કાવ્યનું વારંવાર અર્ધગેયપઠન કરું અને ક્રમે ક્રમે અંતે યોગ્ય અને ઉચિત અવાજમાં અગેયપઠન કરું અને એમ આ કાવ્યના પઠનનું સાચું અને સુન્દર સ્વરૂપ સિદ્ધ કરું. આ કાવ્યમાં ચૈત્રવૈશાખના શુક્લપક્ષની અગિયારશથી કૃષ્ણપક્ષની ત્રીજ લગીની કોઈપણ એક જ્યોત્સ્નારાત્રિએ નર્મદાના બે તટની મધ્યના જલપ્રવાહમાં એક નૌકામાં કાવ્ય-નાયકની એકોક્તિ, કાવ્યનો અંતિમ શબ્દ ‘સેહ્ની’ સૂચવે છે તેમ પોતાને — ના, પોતાના અંતરતમ સ્વરૂપને સંબોધનરૂપ સ્વગતોક્તિ છે. કાવ્યનું શીર્ષક — ‘ભણકારા’ — સ્પષ્ટ સૂચવે છે તેમ આ સમગ્ર કાવ્ય, કાવ્યની ૧૪ પંક્તિઓ, ૨૩૮ અક્ષરો એ કાવ્યને અંતે છાની, ભીની, નીતરી એવી જે શીય બાની છે એના ભણકારા છે. કાવ્યનો પ્રથમ શબ્દ ‘આઘે’ અને કાવ્યનો અંતિમ શબ્દ ‘સેહ્ની’ (કાવ્યનાયકનું અંતરતમ) સ્પષ્ટ સૂચવે છે તેમ આ કાવ્યમાં દૂરથી અન્તિકની યાત્રા છે. એમાં ‘આઘે’, ‘વચ્ચે’, ‘માથે’, ‘મહીં’, ‘ત્યાં’, ‘અંતરે’, ‘સેહ્ની’ — આમ ચતુષ્પરિમાણ છે. કાવ્યના અષ્ટકમાં ચિત્રમય, સંગીતમય બહિર્જગત છે, કાવ્યના ષટ્કમાં રહસ્યમય, આશ્ચર્યમય આંતરજગત છે. આ બહિર્જગત અને આંતરજગતની વચ્ચે પૂર્ણ અને પરમ સંવાદ, સંવાદિતા છે; પૂર્ણ અને પરમ ઐક્ય, અદ્વૈત છે. કાવ્યના આરંભમાં અષ્ટકમાં ‘નીંદ’, ‘સ્વપ્ને’ ‘મૃદુ’, ‘શાંત’, ‘સુપ્ત’, ‘મેળે’, ‘સૂતી’, ‘લપાતી’, ‘મૃદુ’ આદિ શબ્દો સ્પષ્ટ સૂચવે છે તેમ પૂર્ણ અને પરમ શાંતિ છે. ‘ડોલે લોટે અલિ મૃદુ પદે વાય આ વાયુ તેવો’, એથી ‘હાલતાં... વારિ’, અને એથી ‘પડે ઊપડે નાવ’ — આટલી ક્રિયા થાય છે. પણ શાંતિનો ભંગ ન થાય એવી આ સૌ ક્રિયા છે. એથી પૂર્ણ અને પરમ શાંતિ છે. કાવ્યના ષટ્કમાં આરંભમાં ‘લવું...છંદ’ અને ‘આંદોલૂં...બીનના તાર’ — શબ્દો સ્પષ્ટ સૂચવે છે તેમ આ શાંતિનો ક્ષણેક, ક્ષણાર્ધ કંઈક ભંગ થાય છે, એથી ક્ષુબ્ધતા છે. પણ ‘અનાયાસ છંદ અર્ધા લવું’ અને ‘બીનના તાર મંદ લય નવે જરિ આંદોલૂં’ ત્યાં તો; લવું ન લવું, આંદોલૂં ન આંદોલૂં ત્યાં તો બે રહસ્યો અને બે આશ્ચર્યો — ક્યાંથી અને શીય બાની-નો અનુભવ થાય છે. પછી કાવ્યના ષટ્કમાં અંતમાં ‘સરે’, ‘છાની’ આદિ શબ્દો સ્પષ્ટ સૂચવે છે તેમ પૂર્ણ અને પરમ શાંતિ છે. આમ, કાવ્યના આરંભમાં શાંતિ છે અને કાવ્યના અંતમાં શાંતિ છે. આ બે શાંતિની વચમાં ક્ષુબ્ધતા છે. આ બે શાંતિમાં ભેદ છે. કાવ્યના અંતમાં જે શાંતિ છે એમાં ક્યાંથી અને શીય બાની એવાં બે રહસ્યો અને બે આશ્ચર્યો છે. કાવ્યના આરંભમાં જે શાંતિ છે તે પછી ક્ષુબ્ધતા છે એથી જ અંતમાં આ બે રહસ્યો અને બે આશ્ચર્યોથી સભર અને સમૃદ્ધ એવી શાંતિ છે. આ ક્ષુબ્ધતા દ્વારા જ, આ ક્ષુબ્ધતાને કારણે જ આરંભની એક શાંતિમાંથી અંતની આ અન્ય શાંતિ પ્રગટે છે, બે રહસ્યો અને બે આશ્ચર્યોથી સભર અને સમૃદ્ધ એવી બાની પ્રગટે છે. અને આ બાનીના ભણકારા જેવું આ કાવ્ય પ્રગટે છે. આ કાવ્યમાં સર્જન, કાવ્યસર્જનની ક્ષણનો, પૂર્વક્ષણનો, અનુક્ષણનો અનુભવ છે. એમાં કાવ્યસર્જનની પ્રક્રિયા, પરિસ્થિતિ, પૂર્વભૂમિકા એ વસ્તુ-વિષય છે. કાવ્યના આરંભમાં પરમેશ્વરની વિરાટ વિભૂતિ છે અને કવિની નમ્રતા છે, કાવ્યના મધ્યમાં કવિની સાધના-આરાધના-ઉપાસના છે, કાવ્યના અંતમાં પરમેશ્વરની કરુણા-કૃપા છે, પ્રસાદરૂપ બાની છે અને કવિની ધન્યતા છે. કાવ્યનું શીર્ષક અને કાવ્યના અંતમાં ક્યાંથી અને શીય બાની એવાં બે રહસ્યો અને બે આશ્ચર્યો સ્પષ્ટ સૂચવે છે તેમ કવિના, મનુષ્ય માત્રના ભાગ્યમાં કવિતા નથી, કવિતાના ભણકારા જ છે. અને એય તે કંઈ ઓછું સદ્ભાગ્ય નથી. ‘આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,’ : ‘આઘે ઊભાં’માં આ, એ, ઊ, આ દીર્ધ સ્વરોથી બન્ને તટ, ધુમસ અને દ્રુમોની દૂરતા તથા ‘ઊભાં’ ક્રિયાપદથી ગતિહીનતા સૂચવાય છે. આ દૂરતાને કારણે જ્યોત્સ્નાનો પુંજ જાણે ધુમસ ન હોય અને તેમાં દ્રુમો જાણે નિદ્રાધીન ન હોય! આ સજીવારોપણ દ્વારા કાવ્યને આરંભે જ પ્રકૃતિનું ચૈતન્ય સૂચવાય છે. મ. દ મૃદુ વ્યંજનોના પુનરાવર્તનથી દ્રુમો નીંદ સેવે છે એમ સૂચવાય છે. તટ, ધુમસ અને દ્રુમોની ગતિહીનતા પછી એનાથી વિરોધી એવી રેવાની ગતિશીલતા — બંનેમાં નિદ્રાધીનતાના સામ્ય સાથે — સૂચવાય છે. ‘વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે;’ : ‘વચ્ચે’ દ્વારા બન્ને તટની દૂરતા અને બન્ને તટ અને કાવ્યનાયકની વચ્ચે જે અંતર છે તે સૂચવાય છે. ‘વચ્ચે સ્વપ્ને’, ‘મૃદુ’ અને ‘શાંત’માં પાંચ યુક્તાક્ષરોથી રેવાની ગતિશીલતા અને ‘સ્વપ્ને’ દ્વારા રેવાની નિદ્રાધીનતા સૂચવાય છે. રેવાનાં જલના તરંગો પર જ્યોત્સનાની ધારા સરે છે એથી જાણે નિદ્રાધીન રેવાના તરંગરૂપ અધરની ધાર પર સ્મિત છે — રેવા સ્મિત કરે છે — રેવા ‘સ્વપ્ને મૃદુ મલકતાં’ છે! ‘મૃદુ મલકતાં શાંત’માં રેવાનાં જલનો મંદ કલકલ રવ સૂચવાય છે. ‘મૃદુ’, ‘સુહાવે’માં ઉ, ઉ, ઉ સ્વરોથી આ રવની મૃદુતા સૂચવાય છે અને ‘મૃદુ’ વિશેષણ સાર્થક થાય છે. સમગ્ર પંક્તિમાં એ, એ, આ, આ, એ, આ, આ. એ દીર્ઘ સ્વરોથી રેવાની ગતિશીલતામાં ધીરગંભીરતા અને એ દ્વારા શાંતિ સૂચવાય છે અને ‘શાંત’ વિશેષણ સાર્થક થાય છે. ‘મલકતાં’માં માનાર્થે બહુવચન અને સજીવારોપણ દ્વારા રેવા માતા છે અને કાવ્યમાં ભક્તિરસ છે, વાત્સલ્ય છે તથા કાવ્યનાયકમાં નિર્દોષતા, પવિત્રતા, શિશુતા છે એમ સૂચવાય છે. ‘ઊંચાંનીચાં સ્તનધડક શાં હાલતાં સુપ્ત વારિ,/તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ ‘મ્હારી.’ : ‘ઊંચાંનીચાં’માં ઊ, આ, ઈ, આ દીર્ધ સ્વરોથી શ્વાસોચ્છ્વાસને કારણે નિદ્રામાં પણ માતાનું વક્ષસ્થલ અને તે પરનાં સ્તનોની જેમ ‘વાય આ વાયુ’ અને રેવાનાં જલની પ્રવાહિતાને કારણે શાંત રેવા અને એનાં સુપ્ત વારિની ઊર્ધ્વ-નિમ્ન ગતિ અને ક્રિયા સૂચવાય છે. ‘સ્તનધડક’, ‘હાલતાં’, ‘સુપ્ત’માં ત, ધ, ડ, ક કઠોર વ્યંજનોથી સ્તનોની ધડક સૂચવાય છે. ‘હાલતાં’ ક્રિયાપદથી સુપ્ત વારિની હાલવાની ગતિ અને ક્રિયા સૂચવાય છે. ‘મેળે’માં શ્લેષ દ્વારા જેમ નિદ્રામાં પણ શ્વાસોચ્છ્વાસને કારણે સ્તનની ઊર્ધ્વ-નિમ્ન ગતિ અને ક્રિયાને કારણે સ્તન પરનો તલ મેળે, આપમેળે, વિના પ્રયત્ને પડેઊપડે છે અને સ્તનની વક્ષસ્થલની ગતિ અને ક્રિયાની સાથે મેળે, મેળમાં, સંવાદમાં પડેઊપડે છે તેમ નાવ પણ હાલતાં સુપ્ત વારિને કારણે મેળે, આપમેળે, વિના પ્રયત્ન પડેઊપડે છે અને ‘હાલતાં સુપ્ત વારિ’ની ગતિ અને ક્રિયાની સાથે મેળે, મેળમાં, સંવાદમાં પડેઊપડે છે. ‘પડે ઊપડે’માં ‘પડે’ના પુનરાવર્તનથી અને વચમાં ‘ઊ’ દીર્ધ સ્વરથી તથા પંક્તિમાં, છંદમાં ‘પડે ઊપડે’ જે સ્થાને યોજાવા છે તેને કારણે ‘પડે’ અને ‘ઊપડે’ની વચ્ચે મધ્યયતિથી તલની અને નાવની પડવા-ઊપડવાની ગતિ અને ક્રિયા સૂચવાય છે. સ્તનો, વક્ષસ્થલ તથા જ્યોત્સનાની ધવલતાથી વિરોધી એવી તલ તથા નાવની શ્યામલતા સૂચવાય છે. નાવ જો તલ સમ હોય, અલ્પ હોય તો નાવમાંનો કાવ્યનાયક કેવો અલ્પાતિઅલ્પ હોય એમ કાવ્યનાયકની અલ્પતા અને એ દ્વારા કાવ્યનાયકની નમ્રતા સૂચવાય છે. માથે જાણે નિજ નરિ જુવે કાંતિ તો સૃષ્ટિ સૂતી / ચોંકી જાગે કુસુમવસને તેથિ જ્યોત્સના લપાતી;’ : પ્રથમ પંક્તિમાં ‘આઘે’થી એક પરિમાણ — સમરેખ — સૂચવાય છે. પછી ‘માથે’થી બીજું પરિમાણ — ઊર્ધ્વરેખ — સૂચવાય છે. ‘માથે...સૂતી’માં બબ્બે અક્ષરના ટૂંકા શબ્દોથી અને એમાં જ, ન, ત, સ વ્યંજનોના પુનરાવર્તનથી સમગ્ર આકાશમાં જ્યોત્સનાની ‘નરિ’-નગ્ન કાંતિ સૂચવાય છે. ‘ચોંકી જાગે’માં ચોંકીને જાગવાની અને ‘લપાતી’માં લપાવાની ક્રિયા સૂચવાય છે. પંક્તિને આરંભે ‘ચોંકી’ અને પંક્તિને અંતે ‘લપાતી’ ક્રિયાપદોથી બન્ને ક્રિયાઓ વચ્ચેનો સંપૂર્ણ વિરોધ સૂચવાય છે. સૂતી સૃષ્ટિ જાણે માથે નિજ નરિ કાંતિ જુવે ને ચોંકી જાગે એવા સાશંક ભયથી, ચિંતાથી જ્યોત્સ્ના કુસુમવસને લપાતી — એમાં સજીવારોપણ અને રૂપક દ્વારા શૃંગારમૂલક લજ્જાભાવ સૂચવાય છે. ‘ને બીડેલાં કમલમહિં બંધાઈ સૌંદર્યઘેલો/ડોલે લોટે અલિ મૃદુ પદે, વાય આ વાયુ તેવો.’ : રાત્રિના સમયે સમગ્ર વિશ્વ જાણે ઉન્મીલિત કમલ જેવું છે અને એમાં સૌંદર્યલુબ્ધ એવા અલિ જેવો બદ્ધ વાયુ વાય છે. પંક્તિમાં ચાર અનુનાસિકોથી અલિ અને વાયુનું ગુંજન સૂચવાય છે તથા શ્લેષ સધાય છે, બંધ સુદૃઢ થાય છે અને ‘બંધાઈ’ના અનુનાસિકથી મધ્યયતિભંગ ઢંકાય છે. બ,ડ,લ,મ,દ,ત વ્યંજનોના પુનરાવર્તનથી તથા ઈ, ઉ અને સવિશેષ તો એ, ઓ દીર્ધ સ્વરોના પુનરાવર્તનથી અલિ અને વાયુના ડોલવા-લોટવાની ગતિ અને ક્રિયા સૂચવાય છે. ‘આ’ સ્વરના પુનરાવર્તનથી વાયુની વ્યાપકતા અને ત્રીજું પરિમાણ — ચતુર્દિક — સૂચવાય છે. કમલની ધવલતાથી વિરોધી એવી અલિની શ્યામલતા સૂચવાય છે. અલિ જેવો વાયુ જ નહિ પણ અલિ જેવો જ આ વિશ્વમાં સૌંદર્યલુબ્ધ કાવ્યનાયક પણ છે એમ સૂચવાય છે. અલિ અલ્પ અને વાયુ અદૃશ્ય સૂક્ષ્મ હોય તો કાવ્યનાયક પણ એવો જ અલ્પ, અદૃશ્ય અને સૂક્ષ્મ હોય એમ સૂચવાય છે અને એ દ્વારા કાવ્યનાયકની નમ્રતા સૂચવાય છે. કાવ્યના બે વિભાગ-અષ્ટક અને ષટ્ક-ની વચ્ચે, ‘તેવો.’ અને ત્યાંની વચ્ચે ‘હું’ એટલે કે કાવ્યનાયક અધ્યાહાર છે. ‘ત્યાં સૂતેલો લવું નવલ અર્ધા અનાયાસ છંદ, / કે આદોલૂં જરિ લય નવે બીનના તાર મંદ,’ : ‘ત્યાં’ એટલે કે કાવ્યના પ્રથમ વિભાગ-અષ્ટકમાં જે સમગ્ર વિશ્વ છે તેમાં, તેના કેન્દ્રમાં એમ સૂચવાય છે દેહલીકદીપકન્યાયે ‘અર્ધા’ વિશેષણ ‘લવું’ ‘નવલ’. ‘અનાયાસ’ અને છંદ — સૌની સાથે જાય છે તથા ‘જરિ’ વિશેષણ ‘આંદોલૂં’, ‘લય’, ‘નવે’, બીનના તાર’ અને ‘મંદ’ — સૌની સાથે જાય છે એમ સૂચવાય છે. આ, એ, ઊ દીર્ધ સ્વરોના પુનરાવર્તનથી તથા ત, લ, વ, ન, ય, દ, ર, વ્યંજનોના પુનરાવર્તનથી વિલંબિત લયમાં લવવાની અને બીનના તાર આંદોલવાની ગતિ અને ક્રિયા તથા કાવ્યના પ્રથમ વિભાગ — અષ્ટક — માં જે વિશ્વની શાંતિ છે એમાં ક્ષણિક ક્ષુબ્ધતા સૂચવાય છે. ‘લવું’ અને ‘આંદોલૂં’માં કાવ્યનાયકની બેધ્યાન-બેભાન અવસ્થા, સૌંદર્યલુબ્ધતાની અવસ્થા સૂચવાય છે. ‘તેમાં આ શી — રજનિ ઉરથી, નર્મદા વ્હેનમાંથી, / સ્વર્ગગાની રજત રજ, કે વાદળી ફેનમાંથી’ : ‘આ શી’માં સ્વરભાર દ્વાર તથા ‘આ શ્રી’ પછી અલ્પ વિરામ અને મૌન દ્વાર રહસ્ય અને આશ્ચર્ય સૂચવાય છે. આ બે પંક્તિઓમાં સ્થલસૂચક શબ્દઝૂમખાં અને પ્રત્યેક શબ્દઝૂમખા પછી અલ્પ વિરામ અને મૌન દ્વારા તથા ર, જ વ્યંજનોના પુનરાવર્તન દ્વારા, અને સવિશેષ તો આ બે પંક્તિઓમાં જે દ્રુત લય છે તે દ્વારા આશ્ચર્યચકિત નેત્રથી આગળપાછળ, આજુબાજુ, ઉપરનીચે જોવાનું રહસ્ય અને આશ્ચર્ય સૂચવાય છે. ‘ — પુષ્પે પાને વિમલ હિમમોતી સરે, તેમ છાની બાની ભીની નિતરિ નિંગળે અંતરે શીય, સેહ્ની!’ : ‘પુષ્પે પાને’ અને ‘હિમમોતી’થી કાવ્યના આરંભમાં જે ધુમસ અને દ્રુમો છે તેમની સાથે અનુસંધાન સૂચવાય છે. ‘પુષ્પે પાને’માં નિર્દોષતા, પવિત્રતા, સુકુમારતા સજીવતા સૂચવાય છે. કાવ્યને આરંભે સૂચવાય છે તેમ જ કાવ્યને અંતે પ્રકૃતિનું ચૈતનય સૂચવાય છે. ‘હિમમોતી’ (ઝાકળબિન્દુ) અને તેય ‘વિમલ’ — એક સુન્દર, સૂચક. વિરોધાભાસી સમાસ છે! હિમ આર્દ્ર. કોમલ, શીતલ, ક્ષણિક. મોતી ઘન, કઠોર, સતેજ, શાશ્વત. જાણે કે કવિતાનું પ્રતીક! અનેક અનુપ્રાસ દ્વારા, એ, આ, ઈ દીર્ઘ સ્વરો અને પ, ન, મ, ત. ર વ્યંજનોના પુનરાવર્તન દ્વારા, અને સવિશેષ તો આ બે પંક્તિઓમાં જે વિલંબિત, અતિવિલંબિત લય છે તે દ્વારા પુષ્પે પાને વિમલ હિમમોતી સરે તેમ અંતરમાં, અંતરતમમાં કોઈ અકળ, આર્દ્ર, પવિત્ર (‘છાની’, ‘ભીની’, ‘નિતરિ’) વાણીનો અનુભવ થાય એનું રહસ્ય અને આશ્ચર્ય સૂચવાય છે. ‘હિમમોતી’માં મધ્યયતિભંગ દ્વારા સરવાની, છાની સરવાની ગતિ અને ક્રિયા સૂચવાય છે. ‘શીય’માં સ્વરભાર દ્વારા તથા ‘શીય’ પછી અલ્પ વિરામ અને મૌન દ્વારા રહસ્ય અને આશ્ચર્ય સૂચવાય છે. ‘અંતરે’ અને ‘સેહ્ની’માં ચોથું પરિમાણ — અંતર, અંતરતમ — તથા પરમ અને ચરમ રહસ્ય અને આશ્ચર્ય સૂચવાય છે. ૧૯૭૨

*