સ્વાધ્યાયલોક—૧/વિચારશૂન્યતાની વિકાસયોજના
આપણે જો કશાયનો સૌથી વધુ વિકાસ કર્યો હોય તો તે આપણી વિચારશુન્યતાનો. આ વિકાસના કોઈ આંકડા આપી શકાય એમ નથી; કારણ કે આ શૂન્યનો, શૂન્યતાનો વિકાસ છે. આપણી પાસે વિધિસરની તો જે યોજનાઓ હોય તે, પણ આપણે સૌએ અવિધિસરની અને સૌથી વધુ વ્યવસ્થિત જો કોઈ યોજના ‘વિચારી’ હોય તો તે વિચારશૂન્યતાની. આપણી બીજી બધી જ યોજનાઓ કદાચ અધૂરી રહે પણ આ વિચારશૂન્યતાની યોજનાને સમગ્ર પ્રજાનો પૂરેપૂરો સહકાર છે એટલે એ પૂરી કરવાના તો જાણે આપણે સૌએ સોગંધ લીધા લાગે છે. કોઈ વિવેચકે કહ્યું છે કે પ્રજાઓની રાજકીય એષણાઓ અને સાહિત્યિક એષણાઓ એક જ સમયે એકસરખી હંમેશાં ન પણ હોય. ૧૯૨૦ લગી આપણી રાજકીય એષણાઓ મંદ હતી. ત્યારે આપણી સાહિત્યિક એષણાઓ મહાન હતી. ત્યારે આપણને ‘સરસ્વતીચંદ્ર’ જેવું ગદ્યદેહે વિચરતું મહાકાવ્ય મળ્યું. ૧૯૫૦ લગી જ્યારે આપણી સાહિત્યિક એષણાઓ મંદ હતી ત્યારે આપણી રાજકીય એષણાઓ મહાન હતી. ત્યારે આપણને ‘સત્યાગ્રહ’ જેવું એક અપૂર્વ મહાકાવ્ય મળ્યું. આપણી એક પ્રમુખ કવિએ એમના આ કાવ્યસંગ્રહની પ્રસ્તાવનામાં એનો એકરાર કર્યો હતો, ‘કદાચ ગુજરાતનું જીવનકાવ્ય આ વરસોમાં જેટલું વધ્યું છે એટલા પ્રમાણમાં ગુજરાતની કવિતા વધી નથી.’ છેલ્લા આ સૈકા જેટલા (૧૮૫૬-૧૯૪૮) સમયમાં ‘સરસ્વતીચંદ્ર’ અને ‘સત્યાગ્રહ’ એ ગુજરાતના પ્રજાજીવનની સર્વશ્રેષ્ઠ સિદ્ધિઓ છે. આ બન્ને સિદ્ધિઓનું રહસ્ય છે વિચાર. ત્યારે આજના જેવી વિચારશૂન્યતા ન હતી. હવે અત્યારે એ બંને એષણાઓ મંદ છે, કારણ કે આપણા પ્રજાજીવનમાં વિચારશૂન્યતા વ્યાપી વળી છે, આપણી બુદ્ધિને પક્ષઘાત થયો છે. વડોદરા લેખકમિલન પ્રસંગે સાહિત્યમાં વિચાર-શૂન્યતા વિશે ઉલ્લેખ કર્યો હતો. આજથી અઢી માસ પર અાપણા ઉપર્યુક્ત પ્રમુખ કવિએ એમના એક જાહેર વ્યાખ્યાનમાં પ્રજાજીવનમાં વ્યાપી ચૂકેલી વિચારશૂન્યતા વિશે પોતાની હૃદયવેદના ઠાલવી હતી. આ પક્ષઘાતનો કોઈ ઉપચાર હશે કે? આ પરિસ્થિતિનો કોઈ ઉપાય હશે કે? જીવન પોતે તો સૌ પરિસ્થિતિનો ઉપાય છે જ. આપણે પોતે કંઈ જ નહિ કરીએ તો આપણી પોકળતાનું પોલ પ્રગટાવીને આપણી ખોપરી ખાલીખમ છે એનો આપણને સ્પષ્ટ ખ્યાલ આપીને, આપણી બુદ્ધિ બહેર મારી ગઈ છે એનું ચોખ્ખું ભાન કરાવીને અંતે જીવન તો આ પક્ષઘાતનો ઉપચાર આજે નહિ તો કાલે કરશે જ. પણ એ ઉપચાર જલદમાં જલદ હશે. તો આજે આપણી પાસે આનો કોઈ ઉપાય છે? જોઈએ. પણ પહેલાં તો આ વિચારશુન્યતાની કોઈ સબૂત છે? એનો કોઈ પુરાવો છે? હા. આ વિચારશૂન્યતાનું પ્રદર્શન આપણા વર્તનમાં અને આપણી વાણીમાં થાય છે. જાહેર સભાઓ અને જાહેર સમારંભોમાં આપણું વર્તન કેવું છે? જાહેરમાં શું શું થાય એ ન સમજાય એ સમજાય એવું છે. પણ અમુક તો ન જ થાય એ પણ જાણે આપણે નથી સમજ્યા એવું છે. અને વાણીમાં? જાહેર વાણીની તો વાત જ જવા દઈએ, પણ આપણા ખાનગી વાર્તોલાપોમાં, આપણી રોજની વાતચીતોમાં, આપણી સામાન્ય ચર્ચાઓમાં આપણી વાણી કેવી છે? એમાં વિચારો હોય છે કે માત્ર વાયુ? એમાં શબ્દો શૈલી, પ્રવાહ, લય, વાક્યરચના વગેરેમાં ક્યાંય વિચારનો વહેમ પણ આવે છે? જો ભેજું વિચારોથી ભર્યું ભર્યું હોય તો વાણીનાં આ તત્ત્વોમાં એક પ્રકારની વ્યવસ્થા આવે છે, સંવાદ અને સુંદરતા આવે છે. વાગ્મિતા અને વાગ્છટાની અહીં વાત નથી, આપણી વાણી વિચારોના વહનમાંથી વેરાતાં તેજસ્ફુલ્લિંગો જેવી છે? વાગ્યાતુરી તો વેગળી રહી પણ એમાં હળવું હાસ્ય પણ છે? પ્રજાના વિચારોનો પરચો એના વર્તન અને વાણીમાં થાય છે. તો પ્રશ્ન એ છે કે આજે આપણી પાસે એનો કોઈ ઉપાય છે? વિચારો વાયુમંડળમાં નહિ, માનવીના વેંત જેવડા મગજમાંથી જન્મ છે ને પુસ્તકોનાં પાનાંઓ ઉપર જીવે છે. ત્યાંથી પાછા માનવીના મગજમાં પ્રવેશે છે અને પાછા પ્રગટે છે; એમ એ વિચારો વિનાચરણ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. કહે છે ને કે વિચારોને પગ હોય છે! એ પગ એટલે પુસ્તકો. જૂનીપુરાણી ચીજવસ્તુઓ વાસી થાય છે એટલે એનું મ્યુઝિયમ બને છે. પણ વિચારો વાસી થતા જ નથી એટલે પુસ્તકો એ સજીવ વિચારનો સંગ્રહ છે. એથી પુસ્તકાલય એ મ્યુઝિયમ નથી. પણ વિચાર વિશે પણ વિચાર ન કરતી પ્રજાનાં પુસ્તકાલયો મ્યુઝિયમ બની જાય છે. એટલે વિચારપૂર્વક પુસ્તકો લખાય, છપાય અને વંચાય એ વિના આપણી આ બૌદ્ધિક પક્ષઘાતનો કોઈ ઉપાય નથી. હમણાં એક પ્રકાશકમિત્રે કહ્યું ‘શું છાપવું? કોઈ લેખક વિચારપૂર્વક લખતો જ નથી!’ એમની આ અકળામણ એકંદરે સાચી અને સૌ લેખકોએ સ્વીકારી લેવા જેવી છે. (અલબત્ત લેખક નામનું પ્રાણી એટલુ પ્રમાણિક અને નમ્ર હોય તો.) જોકે આ પ્રકાશકમિત્રે આ લખાય છે ત્યાં લગી તો હજુ એમની પ્રકાશનપેઢીનું પાટિયું ઉતારી લીધાના સમાચાર આવ્યા નથી. કારણ કે એ પુસ્તકો છાપે છે, ખૂબ છાપે છે, રંગબેરંગી છાપે છે : પણ કહે છે તેમ, હલકાં અને હળવાં પુસ્તકો. રેડીમેઇડ રસિકતાનું રેશમ પહેરીને ફરતા યુવાનોને અને વાંચ્યા વિના પણ આંખે ચશ્માં — અનેક વાદનાં અને વિવાદનાં રંગીન ચશ્માં — ચડાવીને ફરતા વિદ્યાર્થીમિત્રોને પૂછીએ કે તેઓશ્રી શું વાંચે છે? જોકે એમને કશું ન પૂછતાં કોઈ જાહેર પુસ્તકાલયોનાં વધુમાં વધુ વંચાતાં પુસ્તકોનો પ્રકાર જાણી લઈએ અથવા એમના છાપાના ફેરિયા પાસેથી કે દુકાનોના ઓટલા પરના બૂકસ્ટોલ પરથી વધુમાં વધુ વેચાતા છડેચોક ને છાનાંમાનાં વંચાતાં સામયિકોના પ્રકાર જાણી લઈએ એ જ ઠીક છે. કારણ કે એમને પૂછશું તો એ કદી પેલા પ્રકાશક જેવો પ્રલાપ નહિ કરે કે ‘શુ વાંચવું? કોઈ લેખક વિચારપૂર્વક લખતો જ નથી!’ પ્રકાશકો જે કંઈ ગમતું અથવા અણગમતું પેટભરીને છાપે છે તે તેઓ વાંચે છે. પેટભરીને મનગમતું વાંચે છે. ‘કોઈ લેખક વિચારપૂર્વક લખતો નથી’ — આજથી ૫૦-૭૦ વર્ષ પરના આપણા લેખકોની વિચારસમૃદ્ધિની સરખામણીમાં આજના આપણા લેખકોમાં વિચારના દરિદ્રનું દર્શન થાય તો એમાં નવાઈ નહિ! એટલે જૂજ અપવાદો બાદ કરતાં આ વિધાન એકંદરે વધાવી લેવા જેવું છે. પણ હવે વિચારપૂર્વક લખતા લેખકો ક્યાંથી પેદા કરવા? એની કોઈ પંચવર્ષીય યોજના નથી. લેખક એ કોઈ યાંત્રિક કારખાનાની પેદાશ નથી. એટલે લેખકોએ વિચારપૂર્વક લખવું જોઈએ એવો કોઈ વટહુકમ કે કાયદો નહિ કરી શકાય. લેખકોએ આવડે એવું લખવું જોઈએ એટલું જ કહી શકાય. હવે વિચારપૂર્વક લખતા લેખકો વિના પણ જે કરવાનું છે તે પ્રકાશકોએ અને આપણે પ્રજાએ કરવાનું છે. શિક્ષકો, શિક્ષણસંસ્થાઓ, અધ્યાપકો, વિદ્યાપીઠો, પત્રો, પુસ્તકાલયો, સાહિત્યસંસ્થાઓ અને સંસ્કારસંસ્થાઓએ શું કરવું એ તેઓ જો પોતાના અસ્તિત્વ અને કર્તવ્ય વિષે સચિંત હોય તો એમણે પોતે જ વિચારવું જોઈએ. પ્રકાશકો અને પ્રજાએ શું કરવું? સમકાલીનોનું વિચારપૂર્વકનું બેપાંચ વરસનું કોઈ નવું પુસ્તક ન હોય તો સમકાલીનોને મેલો માળિયે! પુરોગામીઓએ તો વિચારપૂર્વકનું બસો- પાંચસો વરસમાં લખ્યું છે ને? એમાંથી અપ્રાપ્ય પુસ્તકો ફરી છાપી શકાય. એ લખાણોની સટીક આવૃત્તિઓ અને એ લેખકોની સત્ત્વગ્રાહી આવૃત્તિઓ છાપી શકાય. એમના ગદ્ય-પદ્યના વિવિધ દૃષ્ટિએ — વિષય અને શૈલીની વિવિધ દૃષ્ટિએ — સંચયો છાપી શકાય. વળી સંસ્કૃત અન્ય ભારતીય ભગિનીભાષાઓ અને પરદેશી ભાષાઓનાં વિચારપૂર્વકનાં પુસ્તકોના સરલ, સ્વચ્છ અને સુન્દર અનુવાદો છાપી શકાય. પણ આજકાલ આધુનિકતાનો અતિરેક થયો છે. એટલે આધુનિકતા વિશેનો આ ખોટો ખ્યાલ આપણામાં છે. આપણે સૌ આધુનિકતાના શહીદો છીએ. કહે છે કે આ યુગ ક્રાંતિનો છે. શાણી પ્રજા યુગેયુગે ક્રાંતિ નથી કરતી, ઉત્ક્રાંતિ કરે છે, આથી પ્રાચીન પુસ્તકોની આધુનિકતા આપણે પામી જ શકતા નથી. જેમ અનેક આધુનિક પુસ્તકો પ્રાચીન હોય (કારણ કે એમના લેખકોનું આયુષ્ય એમનાથી વધુ લાંબું નીવડે છે. એ ભૂતકાળમાં કોઈ ને કોઈ સમયે લખી શકાયા હોત એવાં એમનાં વસ્તુ અને શૈલી હોય છે, એટલા નિર્જીવ અને નકલી હોય છે) તેમ કેટલાંક પ્રાચીન પુસ્તકો તદ્દન આધુનિક હોય છે, કારણ કે એમાં પ્રત્યેક યુગને પોષી-સંતોષી શકે એવો કોઈ ને કોઈ એક મહાન વિચાર હોય છે. એથી એક જર્મન વિદ્વાને કહ્યું છે કે જગતના બધા જ મહાગ્રંથો આજે સવારે જ રચાયા છે. વાલ્મીકિ, વ્યાસ, ભાસ, કાલિદાસ, ભવભૂતિ, શુદ્રક, હોમર, પ્લેટો. સોફોક્લિસ, વર્જિલ, ડેન્ટિ આદિના ગ્રંથો અપટુડેઇટ છે એટલે કે આધુનિક છે. એમને માટે કોઈ કેલેન્ડર નથી પણ વિદ્યમાન લેખકો લખે, સમકાલીન સાહિત્યકારો સર્જે એ જ સાહિત્ય એવી એવી આધુનિકતાની ભક્તિથી, એવા ભ્રમથી કેટલાય ભોળા વાચકો પીડાય છે! પણ જો એમાંથી કોઈને પૂછીએ કે હસમુખ પાઠકની કવિતા વાંચી છે?’ અને સામેથી ‘હસમુખ પાઠક કોણ?’ એવા પ્રશ્ન ન પુછાય તો એટલા પૂછનારના અને હસમુખ પાઠકનાં સદ્ભાગ્ય. આમ, આધુનિકતાને નામે કશું જ નહિ વાંચવાની, આધુનિકમાં પણ અગત્યનું કશું જ નહિ વાંચવાની જેમની પ્રતિજ્ઞા છે એવા નિર્દોષ જીવોને જતા કરીએ પણ જે પોતાને માટે પ્રેમથી સાહિત્યપ્રિય, શોખથી સાહિત્યભોગી કે જનમોજનમથી રસિકજન વગેરે વગેરે વિશેષણો વાપરે છે એ જો એમ કહે કે ‘હા, હસમુખ પાઠકની કવિતા વાંચી તો છે પણ સમજાતી નથી,’ અને જો એમને પૂછીએ કે ‘તો તમને કોની કવિતા સમજાય છે?’ તો પૂછો તે પહેલાં કહેશે કે ‘પ્રેમાનંદની.’ પ્રેમાનંદની કે કોઈ પણ ‘કવિ’ નામને લાયક કવિની કવિતા સહેજમાં સમજાય એવી છે એવું સમજી બેસવાની ભૂલ કરીને પણ પછી એમને પૂછીએ કે તમે પ્રેમાનંદની કવિતા વાંચી છે?’ અને જો એ ઉત્તર આપવા તમારી સમક્ષ સાક્ષાત્ ઊભા રહે ને મૂંગા મૂંગા ‘ના’ કહે તો આજની વિચારશૂન્યતાનું રહસ્ય એક પળમાં પ્રગટ થાય કે નહિ? મૂળ મુદ્દાની વાત એ છે કે જેમાં બુદ્ધિનો ઉપયોગ કરવો પડે એવું કશું આપણે વાંચવું જ નથી. આથી વધુમાં વધુ છાપીને ઓછામાં ઓછું વાંચવાની અથવા કંઈ જ ન વાંચવાની, વાંચ્યા વિના જીવવાની કળા આપણને આવડી ગઈ છે. વિચારના ભાર વિના — અને શીંગડાં ન ઊગ્યાં હોવાથી માથે એનાયે ભાર વિના — મનુષ્યના નામથી આ પૃથ્વી પર વિચરવાનું (કે ચરવાનું?) સાહસ આપણે સફળતાપૂર્વક સિદ્ધ કર્યું છે. આજથી સિત્તેર વર્ષ પર મણિશંકર રત્નજી ભટ્ટ નામના આ વીસ-પચીસ વર્ષના ગુજરાતી છોકરડા પાસે જીવનયાત્રા માટે કેટલું પાથેય હતું, ખબર છે? કલ્પના કરો તો એમના સૉનેટ ‘ઉપહાર’ની એક પંક્તિ —
‘અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના મયૂરોની કેકા...’
એને વિશે એ સૉનેટના પાત્ર અને કવિના પરમ મિત્ર બળવંતરાય ઠાકોરે વિવેચન કરતાં એક વ્યાખ્યાનમાં કહ્યું છે : ‘આ કુંજો કઈ? આ મયૂરો કોણ?... પહેલે દરજ્જે ઈંગ્રેજી સાહિત્યની કુંજ, બીજે દરજ્જે પ્રાચીન ગ્રીક સાહિત્યની કુંજ, અને એ કુંજોમાંના મયૂરો તે એકલા કવિઓ અને નાટકકારો નહિ, કેમ કે મણિશંકરને લેન્ડોર અને રસ્કિન, બેકન, બર્કલી અને માર્ટીનો, ગિબન અને હિરોડોટસ, પાસ્કાલ અને પ્લેટો, પ્લુટાર્ક, કારલાઇલ, ગ-અ-થ અને ટૉલ્સ્ટૉય ઉપર કંઈ ઓછી પ્રીતિ ન હતી. દૂમા અને લિટન, લેસિંગ, હ્યુગો અને જ્યોર્જ ઇલિયટ, મેથ્યુ આર્નલ્ડ અને સેંત બવ પણ એમણે ઠીક વાંચ્યાં હતાં.’ આપણે આવી એકે કુંજમાં વિહરીએ છીએ? આપણે આવા મયૂરોની કેકા શ્રવણ કરીએ છીએ? વિચારશૂન્યતા વિશેનો આ વિચાર જો હૃદયમાં વસે તો ઓછામાં ઓછું એક વિચારપ્રધાન કે વિચારપ્રેરક પુસ્તક જીવનભર વાંચવાનો આપણે સંકલ્પ કરીએ. અને આપણી બીજી યોજના ભલે સફળ થાય પણ મનુષ્યે અંતે તો એની એકેએક યોજના જેમ નિષ્ફળ બનાવી મૂકી છે તેમ આ વિચારશૂન્યતાની આપણી વિકાસયોજના આપણે આરંભથી જ નિષ્ફળ બનાવી મૂકીએ. નહિ તો પછી કુદરતે જેમ એની એકેએક શૂન્યતાનો ઉપચાર કર્યો છે તેમ અંતે આનો પણ કરશે. શું કરશે? આપણી સર્વનાશ! ૧૯૫૬-૫૮