સ્વાધ્યાયલોક—૮/વાડીભાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વાડીભાઈ

વાડીભાઈએ નવેમ્બરની ૨૦મીએ એમનો જન્મદિન ઊજવ્યો ત્યારે એમને ખબર નહિ હોય કે આ એમનો અંતિમ જન્મદિન ઊજવાય છે, પણ ત્યારે એમણે જે કાવ્યમાં લખ્યું તે જો ડાયરીમાં લખ્યું હોત તો બૉદલૅરની જેમ એમણે પણ લખ્યું હોત : લોકો માને છે કે હું આજે ૬૦ વર્ષનો થયો પણ હું જ જાણું છું કે હું આજે ૧૮૦ વર્ષનો થયો, કારણ કે લોકો ક્યાં જાણે છે કે હું એક દિવસમાં ત્રણ દિવસ જીવું છું. વાડીભાઈ એક જિંદગીમાં ત્રણ જિંદગી જીવ્યા. એવું ઉગ્ર હતું — એવું તીવ્ર હતું એમનું જીવન કે એ જીવનને અનેક બિંદુએ સ્પર્શ્યા હતા. એમનું વ્યક્તિત્વ બહુમુખી હતું. ઉદ્યોગમાં, વ્યાપારમાં, રાજકારણમાં, સમાજસેવામાં એમનો સક્રિય હિસ્સો હતો. ઉદ્યોગપતિઓ, વેપારીઓ, નેતાઓ, સમાજસેવકો સાથેનો એમનો અંગત આત્મીય સંબંધ, પણ વ્યવસાયે એ ઉદ્યોગપતિ, વેપારી, નેતા કે સમાજસેવક ન હતા. એમનો જીવ એ ઉદ્યોગપતિનો, વેપારીનો, રાજકારણનો કે સમાજસેવકનો જીવ ન હતો, એટલે જ આ બધાં ક્ષેત્રમાં એમનું વ્યક્તિત્વ અનોખું હતું. એ નોખા માનવી હતા. એ ચિંતન અને સંવેદનના માનવી હતા. પ્રત્યેક યુગને એનું ચિંતન અને સંવેદન હોય છે એટલે આપણા યુગનું જે ચિંતન અને સંવેદન છે એ એમણે આત્મસાત્ કર્યું હતું. એમની પાસે એક માપદંડ પણ હતો. કોઈ પણ પ્રશ્ન એ વ્યક્તિગત કે ગુજરાતના કે ભારતના સંદર્ભમાં નહિ પણ સમગ્ર માનવજાતના સંદર્ભમાં જોતા, એટલે જ જગતસાહિત્યમાં એમનો પ્રિય નિબંધકાર-સર્જક હતો મૉન્તેન. બીજા શબ્દોમાં કહેવું હોય તો એમનો જીવ કવિતાનો જીવ હતો. યુવાનીમાં કાવ્યો લખ્યાં પછી કાવ્યો લખતા બંધ થયા હતા, પણ કાવ્યો વિશે વાત કરવાનું બંધ નહોતું થયું. ચર્ચગેટથી શિવાજી પાર્ક બસમાં પહેલા મજલે કલાક સુધી કાવ્યો વિશે ગોષ્ઠિ કરી છે. ત્યાં શિવાજી પાર્કને દરિયે ફરતાં-ફરતાં અનેક કાવ્યોનો પાઠ કર્યો છે. મડિયાનું મૃત્યુ થયું ત્યારે એ હલી ગયા હતા. હચમચી ગયા હતા. અને સૉનેટ રચ્યું હતું. એક દિવસ ઑફિસમાં હું બેઠો હતો અને તેઓ ખુરશીમાંથી ઊભા થઈ ગયા, સૉનેટ વાંચવા લાગ્યા. એટલામાં એમની ઑફિસનો કર્મચારી પપુ આવ્યો, એ તો આશ્ચર્યચકિત થઈ ગયો કે આ સાહેબને થયું છે શું? એક દિવસ મુંબઈથી અમદાવાદ ટેલિફોન આવ્યો અને કહે : ઉમાશંકર ઉપર સૉનેટ રચ્યું છે, સાંભળો. કવિતા એમને ઉજાગરો કરાવી શકે. સામાન્ય રીતે રાત્રે દસ-અગિયાર વાગ્યે સૂઈ જાય પણ કવિતા હોય તો રાત્રે એક વગાડી શકે. એ કોઈનું એઠું લખતા ન હતા. કોઈનું અનુસરણ કરતા ન હતા. કોઈના ચાળા પાડવાની ચેષ્ટા કરતા ન હતા. સહજ ભાવે જે લાગે તે લખતા અને સહજ ભાવે જિવાય તેમ જીવતા. એવા એ સહજ મનુષ્ય હતા. એટલે ભારતે, ગુજરાતે, મુંબઈએ એક ચિંતનશીલ, સંવેદનશીલ, લાગણીશીલ માણસ ગુમાવ્યો છે અને મારા જેવા અનેકે આવો પ્યારો દોસ્ત ગુમાવ્યો છે. આપણો શોક આજે આપણે આપણા હૃદયમાં સંઘરી રાખીએ અને આવા જીવનનું ગૌરવ આજે આપણે એમને અંજલિ રૂપે અર્પણ કરીએ.

(મુંબઈમાં શોકસભામાં અંજલિરૂપ વક્તવ્ય. ૨૬ ડિસેમ્બર ૧૯૮૫.)

*