– અને ભૌમિતિકા/આખુંયે વન લઈ
Jump to navigation
Jump to search
આખું યે વન લઈ...
આખું યે વન લઈ ઊડ્યું વિહંગ...
ટહૂકા ઝરે છે કાંઈ લીલા કે આભમાં
અંકાયા રઢિયાળા મેઘધનુરંગ...
કાળુંડિબાંગ આભ ઢૂક્યું દખ્ખણમહીં.
મોકળું મેલીને કાંઈ મંન,
પંખીના નીડ થકી છટક્યો, પોઢેલ જરી,
રોક્યો રોકાય ના પવંન.
લાખલાખ શમણાંનો રંગ ધરી અંગ
હવે ઝીણું એકલ કોઈ ભમતું પતંગ...
ઊંડું આકાશ ભરી આવ્યો આંગણ
મોર, ખેરવીને જાય એક પીંછું;
હળવેથી ફૂલશું ઉપાડું, શમણાની કોઈ
તાણી લકીર નેણ મીંચું.
ટહૂકો મેલ્યો ને આભ કોળ્યું કે કલગીમાં
ફરકે છે આખાયે વનનો ઉમંગ...
૨૨-૪-૧૯૬૮