– અને ભૌમિતિકા/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



કૃતિ-પરિચય

– અને ભૌમિતિકા

સાબરકાંઠાના કપોડા ગામમાં જન્મેલા, ઉછરેલા અને પછીથી મુંબઈમાં સ્થાયી થયેલા ભીખુ કપોડિયાનો આ એકમાત્ર કાવ્યસંગ્રહ છે. સંગ્રહના શીર્ષકકાવ્યમાં ‘ભૌમિતિકા' – પૃથ્વીની દેવી – જે હજુ સુધી ક્યારેય પ્રગટ નથી થઈ તેને પામવાની અભિપ્સા વ્યક્ત થઈ છે. આ સંગ્રહમાં ગીતોનું પ્રાધાન્ય છે, ઉપરાંત નવા નવા સંવેદનવિષયોને રચનાબદ્ધ કરતી કેટલીક અછાંદસ રચનાઓ પણ અહીં સમાવિષ્ટ છે. ગ્રામજીવન અને ગ્રામસંસ્કૃતિ વચ્ચે ઊછરેલા આ કવિના ગીતોમાં પ્રણયરાગ અને પ્રકૃતિરાગ મુખ્ય છે. ગ્રામવતનનાં સ્મરણોના લયમધુર ગીતોમાં રમણીય ગ્રામીણ-પ્રાકૃતિક પરિવેશ અનાયાસ ગૂંથાયો છે. ગીતોમાં તળપદ અનુભૂતિઓની અભિવ્યક્તિમાં દૃશ્યકલ્પનોનો વિનિયોગ, ઈન્દ્રિયસંવેદ્યતા, ભાષામાધુર્ય, અલંકાર-પ્રતિક-કલ્પનો અને ગીતપ્રવાહને અપેક્ષિત લયગ્રથન દ્વારા કવિકર્મનો સંસ્પર્શ અનુભવાય છે. આધુનિકતાનો પ્રભાવ ઝીલતી ‘જોડાં' અને ‘અળસિયું' જેવી કવિની પ્રયોગશીલ અને વિલક્ષણ અછાંદસ રચનાઓ અહીં છે તો દ્રુતગતિ લયમાં રચનાબદ્ધ ‘તમે ટહુકયાં ને આભ મને ઓછું પડ્યું' જેવી કવિની આકર્ષક અને લોકપ્રિય નીવડેલી ગીતરચના પણ અહીં છે. કવિની સંવેદનશીલતા અને પ્રયોગશીલતા – એમ ઉભયમાંથી પ્રગટ થતી આકર્ષક કવિમુદ્રાનો પરિચય કરાવતી આ રચનાઓમાંથી પસાર થવું વાંચકોને ગમશે.

— અનંત રાઠોડ