Many-Splendoured Love/કોલ્ડ કૉફી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કોલ્ડ કૉફી અને ચટણી સૅન્ડવિચ

ન્યૂયૉર્કના એ સબર્બનાં ઘણાં ઇન્ડિયન ઘરોમાં વાત પહોંચી ગઈ હતી - માયા પરણવાની છે.

શોમાને જાણ બધાંથી મોડી થઈ હશે, એટલે સમાચાર મળતાં જ એ તો ખુશ થઈને કહેવા લાગી, લાવ, હમણાં જ નીલાને ફોન કરીએ. એ તો બહુ જ આનંદમાં હશે. દીકરીનાં લગ્ન છે એટલે હવે તો એને બીજા કશા માટે ટાઇમ નહીં મળવાનો. ચાલ, નીલાને ફોન કરીએ. હરખ કરીએ.

મંજુએ એને રોકી. અરે, ઊભી રહે. અહીં તો હરખ નહીં, ખરખરો કરવો પડે તેવી વાત છે.

શું કહે છે? માયા પરણવાની છે, એમ કહ્યું, તો ખરખરાની વાત ક્યાં આવી?

બંને જણ કોલ્ડ કૉફી લઈને બેઠાં. ઠંડી શરૂ થઈ જાય પછી પીવી નહીં ગમે, એમ કહીને બંનેને આજે ગરમ ચ્હાને બદલે કોલ્ડ કૉફી પીવી હતી. બરાબર ઇન્ડિયામાં પીતાં હતાં તેવી બનાવજે, હોં, મંજુએ શરત મૂકેલી.

શોમાએ કોલ્ડ કૉફીની સાથે લીલવાની કચોરી બનાવેલી. બનાવેલી એટલેકે ફ્રીઝરમાંથી કાઢીને અવનમાં ગરમ કરીને તૈયાર રાખેલી. હવે અહીં ફ્રોઝન આઇટમોનું બહુ સુખ થઈ ગયું છે, નહીં?, અમેરિકામાં આવ્યા પછીથી ગૃહિણી બનેલી ઇન્ડિયન બહેનપણીઓ એકબીજાંને કહેતી.

કૉફી સરસ થઈ છે, હોં. તને આવડી ખરી બનાવતાં. મંજુએ શોમાને જરા ચિડાવી. તે કોલ્ડ કૉફી તો ઇન્ડિયામાં કેટલી યે વાર પીધી હોય. સ્વાદ કાંઇ ભુલાયો નથી. પણ હવે તો કહે કે આ માયાના લગનની શું વાત છે?

મંજુએ ધીમેથી કહ્યું - આસપાસ કોઈ હતું નહીં તોયે - અરે, ગયા વર્ષે કુટુંબ સાથે માયા ઇન્ડિયા ગઈ પછી ત્યાં રહી ગઈ હતીને, કર્ણાટકમાં - કે કેરાલામાં - કોઈ એનજીઓમાં કામ કરવા? તે ત્યાં કોઈ મળ્યો એને, ને એવો ગમી ગયો કે બસ, એને હવે એ છોકરાને જ પરણવું છે. નીલાએ અને ડૉ. રગડેએ બહુ સમજાવી, કે તું અમેરિકામાં જન્મી, ઊછરી, ભણી, મોટી થઈ, તને સાવ એક ઇન્ડિયન સાથે નહીં ફાવે.

પણ નીલાએ તો હંમેશાં એમ જ કહ્યા કર્યું છે કે એ માયાને ઇન્ડિયનની સાથે જ પરણાવશે. તો ઇન્ડિયન જ તો છે એ કર્ણાટકવાળો - કે કેરાલાવાળો, પછી શેનો વાંધો હશે? નાત-જાતનો? જા, જા, ડૉ. રગડે જેવા ભણેલા-ગણેલા પણ નાત-જાતમાં માનતા હશે?

શોમા, શોમા, તું ધડાધડ જે મનમાં આવ્યું તે સામટું બોલી ગઈ. હવે હું કાંઈ કહું? પછી મંજુએ એને સમજાવ્યું, હા, એ સાવ સાચું છે કે નીલાને માયા માટે ઇન્ડિયન વર જ જોઈએ છે. પણ ઇન્ડિયન એટલે અહીંનો ઇન્ડિયન, ઇન્ડિયાનો ઇન્ડિયન નહીં.

આવું શોમાએ ક્યારેય સાંભળ્યું નહતું, અને કલ્પ્યું પણ નહતું. એ જરા ડઘાઇ ગઈ. ઇન્ડિયાનો ઇન્ડિયન નહીં. એની સાથે નહીં ફાવે માયાને. વિચાર કરતાં કરતાં શોમા બબડતી ગઈ. પછી કહે, પણ કેમ નહીં ફાવે? નીલા અને એના હસબંડ તો જિંદગી આખી બડાઇ મારતાં રહ્યાં કે એમની માયામાં એમણે ઇન્ડિયન સંસ્કાર ખૂબ સરસ સીંચ્યા છે. એ બિલકુલ શાકાહારી છે, આપણી ભાષા પણ બોલે છે, અને અમારી સાથે મંદિરે પણ રૅગ્યુલરલિ આવે. શોમા આગળ બોલી, તો છોકરીને અમેરિકામાં ઇન્ડિયનની જેમ ઉછેરી, ને એ બાબતે અભિમાન કર્યું, તો હવે છોકરીને ઇન્ડિયામાંના એક સ્થાનિક કન્નડ - કે મલયાલી - સાથે પરણવું હોય તો એમને તો ગૌરવ થવું જોઇએ.

હા, નિરાંત તો થવી જ જોઇએ. તને યાદ છે કે નહીં, મને ખબર નથી, પણ માયાને પહેલાં એક વાર એક ગોરા અમેરિકન સાથે બહુ ગાઢ મૈત્રી હતી. બંને કૉલૅજમાં સાથે હતાં. તે વખતે માયાને એ ડેવિડ સાથે જ પરણવું હતું. ખાસ્સી ધમાલ કરેલી એણે. પછી વળી પેલો આર્મિમાં ગયો, ને લાંબી રાહ જોવાનો રિવાજ તો આ જમાનામાં છે નહીં.

હા, મેં એવું કાંઈ સાંભળ્યું હતું ખરું, શોમા બોલી. મા-બાપને કેવી શાંતિ વળી હશે એ વખતે - એ ઘેલછા પૂરી થઈ ગઈ હશે ત્યારે. ત્યાં આ ફરીથી ધમાલ જેવું શરૂ થયું લાગે છે. કદાચ આ પ્રૉબ્લૅમ પણ એની મેળે ઉકેલાઈ જાય. શું લાગે છે તને?

ભઇ, મારે એ લોકોની બાબતે માથું નથી દુઃખાડવું. મંજુએ કૉફી પૂરી કરતાં વાત બદલી, તું હવે લંચ પાર્ટીને બદલે આવી કોલ્ડ કૉફીની પાર્ટી રાખજે.

હા, કોલ્ડ કૉફી, અને સાથે ચટણી સૅન્ડવિચ. બરાબર હૅવમૉરનું મૅન્યુ, નહીં? પણ મંજુએ તો હૅવમૉરનું નામ પણ નહતું સાંભળ્યું. એ કહે, ભઇ, અમારે નાગપુરમાં છોકરીઓ માટે બહુ બહાર જવાનું બનતું નહતું. જે ખાવું હોય તે ઘેર જ બને, નહીં તો ક્યારેક નાનો ભાઈ જઈને ખરીદી લાવે - કાલોજામ, કચૌડી - પણ તે પપ્પા ના હોય ત્યારે જ. ફરીથી એ ધીમા અવાજે કહે, પરણવાથી તો મારું ભાગ્ય ખુલી ગયું. શરદ નાગપુરથી સીધી મને અહીં ન્યૂયૉર્કના આવા સરસ સબર્બમાં લઈ આવ્યો, ને ઘરમાં આખું બજાર ખડું કરી દીધું. શરૂઆતમાં તો અમે રોજ બહાર ખાવા જતાં. મૅક્સિકન શું, ને ઇટાલિયન શું, ત્યારે એવી કશી ખબર જ ક્યાં હતી. ને હવે જુઓ.

શોમાએ પણ ધીરેથી જ કહ્યું, મનમાં કશા બીજા જ વિચાર ચાલતા હોય તેમ, તો આપણે પણ ઇન્ડિયન તો રહ્યાં, છતાં એવાં બદલાયાં કે ઇન્ડિયાનાં ઇન્ડિયન જેવો ભેદ કરતાં થઈ ગયાં. ફરીથી લગભગ એનું એ જ બોલતી ગઈ - આપણે ઇન્ડિયન રહેવું તો છે, ને આપણી સંસ્કૃતિના નામનું ગાયા કરવું છે, પણ જેમ આપણે અમેરિકનો અને બીજી જાતિઓના લોકોથી જુદાં છીએ તેમ શું હવે આપણે આપણા બાપદાદાથી પણ જુદાં થઈ ગયાં છીએ? એના અવાજમાં ધ્રૂજારી હતી.

પણ હવે મંજુને ઘેર જવાની ઉતાવળ હતી. શોમાના અન્યમનસ્ક ગણગણવાથી એ કંટાળી. કહેતી ગઈ, સાંભળ, તું નીલાને ફોન કરીને બાફતી નહીં. જો એ તને ફોન કરે તો તું તારો હરખ વ્યક્ત કરજે. ને વધારે જાણવું હોય તો ક્યારેક કાન્તા સાથે વાત કરજે. એને બધી ગૉસિપની ખબર હોય છે.

એકલાં પડ્યા પછી પણ શોમા વિચારોમાં ફસાયેલી જ રહી. પોતે તો છવ્વીસ જેટલાં વર્ષોથી અમેરિકામાં હતી, ને વારંવાર દેશ જતી હતી. એના સાસરામાં અને પિયરમાં હજી બધાંની સાથે આત્મીયતા હતી. એક-બે મિત્રો જોકે એને કહ્યા કરતી હોય છે કે, તું બહુ લકી છું કે હજી તમારાં કુટુંબોમાં આટલા સારા સંબંધ છે. જીવનની વાસ્તવિકતા એવી ખરી કે જેમાં દરેક વ્યક્તિ એકમેકથી જુદી હોય જ. જગ્યા, ઉછેર, બોલી, ખોરાક વગેરેને કારણે દરેક જણ જુદું તો પડવાનું જ. પણ સામાંને ઊતરતાં કઈ રીતે માની લેવાય?, તે શોમાને મૂંઝવતો પ્રશ્ન હતો.

એમ તો પોતે પણ અંદરખાનેથી ઘણી બદલાઈ હતી, પણ ફરવા દેશ જાય અને સગાંની સાથે હોય ત્યારે કોઈને એવો ખ્યાલ પણ ના આવે. અચાનક એને ભોલી યાદ આવી ગઈ. ભોલી તો પરણીને હજી બે વર્ષ પહેલાં જ અમેરિકા આવી હતી. એનો વર જસબીરસિંઘ ખાસ અમૃતસર જઈને પરણી આવેલો. બંને ટ્રૅડિશનલ શીખ કુટુંબ, પેઢીઓનો પરિચય, ને જસબીરસિંઘ માટે વધારે કશી તપાસ કરવાની જ નહતી.

પણ જેવાં બે જણ ન્યૂયૉર્ક આવ્યાં કે જસબીરે દાઢી કાઢી નાખી, માથાના વાળ મૉડર્ન કપાવી નાખ્યા. હબક ખાઈ ગયેલી ભોલીને કહે, બે-ચાર વર્ષે જ્યારે દેશ ફરવા જાઉં ત્યારે વધારીને જતો હોઉં છું. એણે ભોલીને કહી દીધું, સરવાલ-કમીઝ અહીં રોજ ના પહેરાય. બધાંની જેમ તૈયાર થતાં શીખી જા. પછી તો ભોલીને જીન્સ જ નહીં, ટૂંકાં ફ્રૉક પહેરવાની ટેવ પણ પાડવી પડી. એક દિવસ જસબીરસિંઘે કહ્યું, જો ડાર્લિન્ગ, અમેરિકામાં કોઈને તારું નામ બોલતાં આવડતું નથી. તને બધાં ‘ભોલી’ નહીં પણ ‘બોલી’ કહે છે, એ ખ્યાલ કર્યો તેં? અહીં કોઈ “ભ” ચોખ્ખો બોલી ના શકે. તેથી હવેથી તારું નામ પૉલી છે. પૉલા, પૉલી, ને પુરુષો માટે પૉલ જેવાં નામ એમને ફાવે.

બે એકલાં સાથે હતાં ત્યારે એક વાર ભોલીએ શોમાને કહ્યું હતું, દિદિ, બહારથી જેટલી જુદી લાગું છું તેટલી અંદરથી હું હજી સુધી નથી બદલાઈ. પણ જઈ તો રહી છું એ જ દિશામાં. પતિ સાથે ક્લબમાં જતાં જતાં ભોલી વાઇન પીતી થઈ ગઈ હતી. ક્યારેક જસબીરસિંઘ પોતાના હાથમાંની સિગારેટ એને આપતો. જસબીરને પોતાને પણ અમૃતસરની ટ્રૅડિશનલ શીખ છોકરી જ જોઈતી હતી - ફક્ત એનાં મા-બાપને જ નહીં. પણ વાઇફ થયા પછી એ મૉડર્ન સ્ટાઇલની વાઇફ હોય, એવું જ એને પસંદ હતું. શોમા પાસે ભોલીએ દિલ ખોલ્યું હતું એક વાર. દિદિ, કેટલી હદ સુધી મારે એને ગમે, અને ગમતી રહે એવી મૉડર્ન સ્ટાઇલની વાઇફ બનવાનું? મને તો એ વિષે વિચાર કરતાં જ ડર લાગવા માંડે છે ભવિષ્ય માટે.

બે-ત્રણ દિવસ થઈ ગયા, પણ શોમાએ કોઈને ફોન કર્યા નહીં. નીલા કદાચ ઉદાસ હોય, અને કોઈ મિત્ર સાથે વાત કરવા માંગતી પણ હોય. છતાં શોમા એ ફોન કરે એની રાહ જોતી રહી. એણે કાન્તાને પણ ફોન ના કર્યો. ગૉસિપ કરવાનું એને મન નહતું થતું. એના પર જે ફોન આવ્યો તે કૅથૅરીનનો આવ્યો. એને પણ માયાના પરણવાની, અને પૅરન્ટ્સના વિરોધની વાતની ખબર પડી હતી. કૅથૅરીન કાન્તાના ભાઈની વાઇફ હતી. જાણે એ એક જ નૉન-ઇન્ડિયન ફ્રૅન્ડ આ ગ્રૂપમાં હતી. સારી ભળી ગઈ હતી, ને તોયે બધી ઇન્ડિયન-અમેરીકન ગૃહિણીઓ એને ફૉરેનર જ ગણતી. અમુક તો એમ પણ માનતી કે ઓહ, કૅથૅરીન વળી શું સમજે?

આ ઇન્ડિયાના ઇન્ડિયન અને અહીંના ઇન્ડિયનનો રૅફરન્સ હું સમજી નથી શકતી, કૅથૅરીને શોમાને કહ્યું. શોમા પણ ક્યાં એ સમજી શકતી હતી. કૅથૅરીન ન્યૂયૉર્કમાં વકિલાત કરતી હતી. એની વાતો હંમેશાં બુદ્ધિપૂર્વકની રહેતી. પણ આવા ભેદ પાડો તો એ ગેરકાનૂની ના ગણાય?, એણે પૂછેલું. પછી તરત એ ગંભીર ભાવે જરા હસેલી, કે પર્સનલ ભેદભાવ રાખવામાં જો કાનૂનનો ભંગ થતો ગણાતો હોત તો દુનિયા આખીની બધી જેલો ઊભરાતી હોત. ખરું કે નહીં?, એણે ઉમેરેલું. ફોન પર એના ભાવ દેખાય તો નહીં, પણ એના અવાજ દ્વારા એ શોમાને જાણે સંભળાયા હતા ખરા.

આઠેક દિવસ થઈ ગયા હશે. નીલાએ કોઈને ફોન કર્યા હોય તેવું લાગતું નહતું. શોમા પર તો નહતો જ આવ્યો એનો ફોન. પણ શોમાએ ખરાબ ના લગાડ્યું. ઊલટું, નીલા પોતે કેવી દુઃખી થતી હશે એમ વિચારીને શોમા જીવ બાળતી હતી. એક દિવસ અમિતાનો ફોન આવ્યો. મંજુ પાસેથી સાંભળ્યા પછી એને કોલ્ડ કૉફી અને ચટણી સૅન્ડવિચની આફ્ટરનૂન પાર્ટી પોતાને ત્યાં કરવી હતી, અને શોમાની મદદ જોઇતી હતી. શોમાને હસવું આવેલું કે બીજું કાંઇ નહીં તો કોલ્ડ કૉફી માટે પોતે ફેમસ થવાની હવે.

અમિતાની દીકરી એક અમેરિકનને પરણેલી, ને બંને ડૉક્ટર હતાં. એક વાર કૅથૅરીને શોમાને સમજાવેલું કે અમિતાનો જમાઇ અમેરિકામાં જેને “બૉસ્ટન બ્રાહમિન” કહે છે તેમાંનો, એટલેકે પેઢીગત કૌટુમ્બિક વારસાની તેમજ આભિજાત્યની દૃષ્ટિએ અમેરિકાના ઇતિહાસમાં જે ઉત્તમ ગણાય તેવા સામાજિક વર્ગમાંનો હતો. આ લોકો ખૂબ પૈસાદાર હોય, ખૂબ ભણેલા હોય, અને સાથે જ, “શો-ઓફ” કરવામાં, કે મોટાઇ બતાવવામાં ના માનતા હોય.

આટલું સમજ્યા પછી શોમાને લાગતું કે અમિતા એના જમાઇ અને વેવાઇ-કુટુંબ પાસેથી ઘણું શીખી છે. બડાઇ મારવાને બદલે જાણે એ હવે એકદમ સાધારણ ભાવે દીકરીના ખબર આપતી. વળી, બહેનપણીઓનાં છોકરાંઓને વિષે રસ લેતી, સાચી લાગણી બતાવતી. કૅથૅરીનનું ધ્યાન પણ આ ચેન્જ પર ગયું હશે, કારણકે એણે શોમાને કહ્યું હતું, મોટે ભાગે લોકો પાસેથી આપણે મોટી મોટી વાતો સાંભળવી પડતી હોય છે, પણ અમિતા બહુ સ્વીટ છે, એ એના ફેમસ જમાઇની વાતો પણ ભાગ્યે જ કરે છે.

કૅથૅરીન પણ બહુ સ્વીટ હતી. એ ક્યારેય “તમે ઇન્ડિયન, તમે ઇન્ડિયન” કરીને બોલતી નહીં. એ હંમેશાં ક્યાંતો ‘બધા લોકો’, અથવા ‘આપણે બધાં’ કરીને જ વાત કરતી. પોતે કોઈ રીતે જુદી, કે વધારે હોંશિયાર છે તેવું ક્યારેય ના લાગે તેનો ખ્યાલ એ રાખતી. શોમાને થતું, કેટલાં બધાંએ કૅથૅરીન પાસેથી પણ સ્વભાવની ઉદારતા શીખવા જેવી છે.

અમિતાને ત્યાં શોમા આગળથી પહોંચી ગઈ હતી. કૅથૅરીન પણ મદદ કરવા આવી ગઈ હતી. કોલ્ડ કૉફી અને સૅન્ડવિચની સાથે અમિતાએ ઢોકળાં અને પાપડ-પૌંઆ બનાવ્યાં હતાં, અને ફરસી પૂરી એ પટેલ બ્રધર્સની દુકાનમાંથી લઈ આવી હતી. સરસ રીતે બધું ગોઠવતાં ગોઠવતાં ફરી માયાની જ વાત નીકળી હતી. એ ત્રણેને નીલા પ્રત્યે સહાનુભૂતિ હતી. અમિતા કહે, દીકરી તો અહીં જન્મી એટલે એ પોતે તો અમેરિકન જ થઈ. તેથી એ અમેરિકનને પરણે તો પણ પૅરન્ટ્સને વાંધો ના હોવો જોઈએ. કૅથૅરીન કહે, અને ધારો કે ઇન્ડિયાનો ઇન્ડિયન હોય, તો પણ શું? જેવી દીકરીની ઇચ્છા. ખરું કે નહીં?

અમિતા બોલી, હા, એ છોકરો કોણ છે, કેવો છે, શું ભણેલો છે -જેવી બાબતોની તપાસ તો કરવી જ જોઇએ, પણ ખરેખર તો, મૅચ્યૉર થયેલી દીકરી માટે મા-બાપે બહુ ચિંતા કરવાની ના હોય.

શોમા કહે, ભઇ, આ તો મૉડર્ન જમાનો છે. મા-બાપે બધું જોઈ-કરીને પરણાવ્યાં હોય તો યે ભૂલ થયેલી લાગે છે ઘણી વાર. એના મનમાં ભોલીની જિંદગીનો સંદર્ભ તરી આવેલો, પણ એણે એ વિષે કશું કહ્યું નહીં. ત્યાં જ કૅથૅરીનને કશું સૂઝ્યું હશે, તેથી એ ફરીથી કહેવા લાગી, મેં જોયું છે કે લગભગ બધાં કુટુંબોમાં છોકરાની વાઇફ ઇન્ડિયન હોય તેવી જ ઇચ્છા વધારે હોય છે. અહીં જો સારી, ડાહી, દેખાવડી ઇન્ડિયન છોકરી નજરમાં ના આવે તો દેશમાંથી શોધી લાવવામાં આવતી હોય છે. જરાક શ્વાસ લઈને પછી એણે પૂછ્યું, ઇન્ડિયાની ઇન્ડિયન છોકરી જો ડૉટર-ઇન-લૉ તરીકે બહુ ડિઝાયરેબલ ગણાતી હોય, તો ઇન્ડિયાનો ઇન્ડિયન છોકરો સન-ઇન-લૉ તરીકે કેમ ડિઝાયરેબલ નથી ગણાતો?

શોમા અને અમિતાએ એકબીજાની સામે જોયું, પણ બંને કશું કહી ના શક્યાં. કૅથૅરીન ઇન્ડિયન મૅન્ટાલિટીને કેટલા ઊંડાણથી સમજતી હતી. ને એનો પ્રશ્ન એકદમ લૉજિકલ હતો, પણ કોઈ પણ રીતે એનો જવાબ આપવો સહેલો નહતો.

એટલામાં જ બારણાની બૅલ વાગી. કૅથૅરીને જઈને બારણું ખોલ્યું. મંજુ હતી. એનો સ્વભાવ કહેલા સમયથી વહેલાં આવવાનો. આજે એનું ધ્યાન કૅથૅરીન, કે શોમા, કે હૉસ્ટૅસ અમિતા પર પણ નહતું. એના એક હાથમાં ઘરના બાગમાંથી ચૂંટેલાં ફૂલોનો ગુચ્છ હતો, અને બીજા હાથમાંના સૅલ ફોન પર એની વાતો ચાલુ હતી.

જા, જા, શું કહે છે, ખરેખર? એટલું કહેતાંમાં તો એનું હસવું માતું નહતું. ના હોય. ખરેખર? હસતાં હસતાં એનો બીજો હાથ પેટ પર કે મોઢા પર જતો હતો. એ હાથમાંનાં ફૂલો ક્યારે નીચે પડ્યાં, ને વિખેરાઇ ગયાં તેની પણ એને ખબર નહતી.

ફોન બંધ કરીને તરત એ કહેવા માંડી, માયાની આખી વાત શું છે, ખબર છે? આ હમણાં કાંતાએ મને બધું કહ્યું. પેલાં ત્રણે કશો રસ બતાવ્યો નહીં, પણ મંજુએ આગળ ચલાવ્યે રાખ્યું. માયાને પેલા સ્થાનિક કન્નડ - કે મલયાલી - સાથે કેમ પરણવું છે - એટલેકે કેમ પરણવું હતું તે ખબર છે? એટલા માટે કે માયા એ બિચારાને મદદ કરવા માગતી હતી. પોતે અમેરિકન એટલે એને પરણીને પેલાને પણ અમેરિકાની સિટિઝનશીપ મળી જાય, ને એમ એની જિંદગી સુધરી જાય. પછી બંને છૂટાં પડી જાય, એવું માયાને કરવું હતું. કૅથૅરીને તરત મુદ્દો ઉઠાવ્યો, કાનૂન પ્રમાણે આમ પરણવું ને છૂટાં થઈ જવું કાંઇ હવે સહેલું ... મંજુએ એને ત્યાં જ અટકાવી. અરે, તારા કાનૂનને હમણાં બાજુ પર રાખ. આખી વાત સાંભળ.

શોમાએ જોયું કે કૅથૅરીન ગંભીર થઈ ગઈ હતી. કદાચ ઉદાસ પણ. ગૉસિપમાં એ ક્યારે પણ રસ લઈ નહતી શકતી. અને બીજાંની વાત પર આમ હસવું ને એની મજાક કરવી તે એને બહુ ક્રુડ લાગતું હતું. એ તરફ મંજુનું ધ્યાન નહતું. એ બોલ્યે ગઈ, મૂળ વાત એમ છે કે માયાએ છાનાંમાનાં લગ્ન તો કરી પણ લીધાં છે. ને પાછાં ક્યારનાં યે. હવે તો અમિતા પણ સ્તબ્ધ થઈ ગયેલી. અરે, માયા તો એના બીજા અમેરિકન બૉયફ્રૅન્ડ માઇકલને પરણી ગઈ છે. એ તો છેલ્લે એના જ પ્રેમમાં હતી, પણ એનજીઓમાં કામ કરતાં એને કોઈ સ્થાનિક છોકરાનું ભવિષ્ય સુધારવાનો વિચાર આવેલો. ફરીથી મંજુ ખડખડાટ હસવા લાગી. કહે, પેલી નીલાડી એ જ લાગની છે. એણે છોકરીને રાજકુમારીની જેમ રાખેલી. હવે શું મોઢું બતાવે બધાંને?

કૅથૅરીને ચૂપચાપ નીચે પડેલાં ફૂલોને ભેગાં કરવા માંડેલાં. એણે ગુચ્છ શોમાના હાથમાં આપ્યો, ને એ બારણા તરફ જવા માંડી. શોમાએ રોકવા પ્રયત્ન કર્યો, પણ એ ફીક્કું હસીને બહાર નીકળી ગઈ. એટલાંમાં બીજી બહેનપણીઓ અંદર આવવા લાગી. એ બધાંને ફરીથી મંજુ વિગતે માયાની અને નીલાની વાત કરવા લાગી. જોકે એના જેટલું બીજું કોઈ હસતું નહતું.

શોમાને બહુ શરમ જેવું લાગતું હતું. એને થયું કે એ પણ જતી રહે. એ એક વાર કૅથૅરીનની પાછળ જોતી રહી, અને પછી ભેગી થયેલી સ્ત્રીઓ તરફ. અમિતા સમજી ગઈ હોય તેમ જરા દૂરથી એની સામે જોતી હતી. એણે આંખોથી જ શોમાને વિનંતી કરી, તું ના જતી રહેતી. પ્લીઝ. મારે ખાતર.

શોમાએ બાજુના નાના ટેબલ પર રહેલા વાઝમાં ફૂલો મૂક્યાં, અને એમાં થોડું પાણી નાખવા રસોડા તરફ ગઈ. એણે જોયું કે ડાઇનિંગ રૂમના ટેબલ પર ગોઠવેલા છ-સાત ગ્લાસમાં કોલ્ડ કૉફી ગરમ થતી હતી, અને પ્લેટમાં મૂકેલી ચટણી સૅન્ડવિચ સૂકાતી જતી હતી.