You Can Heal Your Life

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


You Can Heal Your Life-title.jpg


You Can Heal Your Life

Louise Hay


A classic of self-realization with practical and spiritual advice for emotional and physical problems.

તમારું જીવન-સ્વાસ્થ્ય, તમારા હાથમાં


શ્રીમતી લુઈસ હે



શારીરિક અને સાંવેગિક સમસ્યાઓ માટે વ્યવહારુ આધ્યાત્મિક માર્ગદર્શન સાથે સ્વાનુભૂતિનું ઉત્તમ પુસ્તક


ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર (૫ કરોડ પ્રત વેચાઈ)


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: ચૈતન્ય દેસાઈ


લેખિકા પરિચય:

લુઈસ હે (૧૯૨૬-૨૦૧૭)એક સુખ્યાત સેલ્ફ-હેલ્પ લેખિકા અને મોટીવેશનલ સ્પીકર હતાં. કેલીફોર્નીયાના લોસ એંજલસમાં જન્મેલાં હે ને બાળપણમાં ઘણી મુશ્કેલી ને પડકારો આવ્યાં, અને પછી ૫૦ની ઉંમરે કેન્સરગ્રસ્ત થયાં. આ બધા અનુભવોએ તેમને માનસિક-સાંવેગિક સ્વાસ્થ્ય અને શારીરિક તંદુરસ્તી વચ્ચેના ઊંડા આંતરસંબંધ શોધવા, સમજવા પ્રેર્યાં.

તેઓ પ્રેરણાદાયી વક્તા, લેખિકા અને પ્રકાશક હોઈ New Thought અને Religious Science ચળવળ જોડે સંકળાયેલાં હતાં. તેમણે મહર્ષિ મહેશ યોગી જોડે પણ આ ક્ષેત્રે અને કાર્ય કર્યું છે. સર્વાઈકલ કેન્સરના નિદાન પછી, તેઓ મનના વિજ્ઞાન અને આધ્યાત્મિક શુદ્ધિ-પ્રક્રિયા તરફ આગળ વધ્યાં, વાંચ્યું, ચિંતન કર્યું, લખ્યું, મોટીવેશનલ ગુરુ બની રહ્યાં.

પોઝીટીવ એફરમેશન્સ અને સેલ્ફ હીલીંગના ક્ષેત્રે એમની કામગીરી-લેખન-પ્રકાશન-વક્તવ્યે એમને વ્યાપક પ્રસિદ્ધિ અને પ્રશંસા અપાવ્યાં. તેમણે Hay House નામની પ્રકાશન સંસ્થા સ્થાપી છે, જે સ્વ-વિકાસ, જીવન-વિકાસના સાહિત્યનું પ્રકાશન કરે છે. એમનાં પુસ્તકો અને ઉપદેશોએ અસંખ્ય લોકોને સ્વ-જીવન-નિયંત્રણ, વિપત્તિ-વિજય, સ્વ-સ્નેહ અને સ્વ-સ્વીકારની પ્રેરણા આપી છે. તેઓની હયાતી બાદ પણ, તેમનું કામ, તેમનો વિચાર-વારસો લોકોને સ્વસ્થ રહેવા અને જીવનપરિવર્તન કરવા શક્તિમાન કરતો રહે છે.

વિષય પ્રવેશ :

૧૯૮૪માં પ્રકાશિત આ પુસ્તક You can Heal your Lifeસ્વાનુભૂતિ અને હીલીંગ-સ્વાસ્થ્ય સુધારની પ્રશિષ્ટ કૃતિ જેવું છે. ૩૯ મીલીયનથી પણ વધુ નકલોનો ફેલાવો ધરાવતું આ વાચન, જીવનને કાયમને માટે બદલી નાખનાર આધ્યાત્મિક અને વ્યવહારુ માર્ગદર્શન તમને સાંવેગિક અને શારીરિક સમસ્યાઓ દૂર કરવામાં સહાયક બની શકે તેમ છે.

પ્રસ્તાવના :

(ત)મારા લાભની વાત : પોઝીટીવ થીંકીંગના પરિવર્તનક્ષમ ફાયદાઓ મેળવો...

આજકાલ સૌથી વધુ વેચાતાં ને વંચાતાં Self help Booksમાં આગવી ભાત પાડનારું અને સમગ્ર દુનિયામાં લાખો લોકોના જીવનને સ્પર્શનારું આ પ્રેરણાત્મક અને જીવન પરિવર્તક પુસ્તક. આપણાં વિચારો, લાગણીઓ અને શારીરિક સ્વાસ્થ્ય વચ્ચેના ઊંડા ને મૂળભૂત આંતર સંબંધોને સમજાવનારું કાલાતીત સર્જન/માર્ગદર્શન છે. લુઈસ હેની માન્યતા છે કે આપણી વિચારતરાહોને બદલીને, આત્મરતિ અને ક્ષમાભાવનાને સંગોપીને આપણે શારીરિક અને સાંવેગિક પીડાઓની પાર જઈ શકીએ, સ્વ-વિકાસ સાધી શકીએ અને વધુ સુખી, સંતોષપ્રદ જીવન જીવી શકીએ.. આનો રોડમેપ દોરી આપીને સ્વાસ્થ્યસુધાર, વ્યક્તિગત સશક્તિકરણ અને આત્મખોજ જેવી મંઝિલનાં દર્શન કરી શકીએ.

આવું એ જ કરી શકે, જેને આમાંથી પસાર થવાનું બન્યું હોય. લુઈસ હેને જયારે સર્વાઈકલ કેન્સર થયાનું નિદાન થયું ત્યારે તેણે માન્યું કે લાંબા સમયની શારીરિક-માનસિક યાતનાઓનું જ એ પરિણામ છે. આથી એક વિચારશીલ વ્યક્તિ તરીકે તેમણે રોગના મૂળ સુધી જવાની કોશિશ કરી-નેચરોપથી અને હોલીસ્ટીક ઉપચારોનો માર્ગ પસંદ કર્યો, અને એના ઉપર ડગ માંડતાં પોતાની જાતને ચાહવી કઈ રીતે અને સ્વાસ્થ્ય જાતે કેવી રીતે પુનઃપ્રાપ્ત કરવું તે શીખવા માંડ્યું. તેમને લાગ્યું કે આપણા મન અને પોતાના વિશેની આપણે લાંબા સમયથી ધારી લીધેલી માન્યતાઓ એ જ આપણી બધી મનોદૈહિક બીમારીઓનું મૂળ છે. તેથી આપણે આપણા મનના ઘાટ બદલીએ. વિચાર-તરાહો બદલીએ તો ઉપરોક્ત સમસ્યાઓનું સમાધાન જરૂર થઈ શકે.

આ પુસ્તકનાં પ્રકરણો, લેખિકાની આ માનસ-પરિવર્તન પ્રવિધિમાં ડોકિયું કરાવશે, તમને તેનાં વ્યાવહારિક સાધનો બતાવીને તેનો ઉપયોગ કેમ કરવો તેનાં તાલીમ અને પ્રેરણા આપી જીવન-સ્વાસ્થ્યના માર્ગે અગ્રેસર કરશે.

તો આવો, આ પ્રકરણો ઉપર નજર ઠેરવીએ :

  • આપણા મન મંદિરની સફાઈ કેવી રીતે કરીશું?
  • આપણા અતીત સાથે દોસ્તી/ભૂતકાળ સાથે ભાઈચારો કેવી રીતે કેળવીશું?
  • આપણા વિચારોના ઘોડા ઉપર લગામ કેવી રીતે લગાવીશું?

ચાવીરૂપ ખ્યાલો :

(૧) ‘જેવા વિચાર કરીએ, તેવા આપણે હોઈએ/થઈએ’

લુઈસ હેની પરિવર્તનક્ષમ સેલ્ફ હીલીંગ મેથડનું પહેલું પગથિયું છે—‘તમારા જીવનની દરેક વસ્તુ માટે તમે પોતે જ જવાબદાર છો’ (અન્ય કોઈ નહીં) આ બાબત સમજીને સ્વીકારવી. પણ એનો અર્થ એ નથી કે તમારી ગાડીને રસ્તામાં પંચર પડે તે પણ તમારી જ જવાબદારી છે.પણ આવું બને ત્યારે તમે એને કઈ રીતે મન ઉપર લો છો અને પ્રતિક્રિયા આપો છો તે અગત્યનું છે અને એ તમારા કાબૂમાં છે. ત્યારે તમને થાય કે—‘અરે..રે..પંચર થઈ ગયું? મારી સાથે જ કેમ હંમેશા આવું થાય છે? આ ખીલાને મારી કારના ટાયરમાં જ ઘૂસવાનું મળ્યું? મારું બદનસીબ જ બીજું શું?’ આવો self-pityનો વિચાર જ તમને ત્યારે ઘડતો હોય છે. પ્રેમલ મહારાજનું ભજન છે—

‘જેવા વિચાર કરશો, તેવા તમે થવાના
દિલના વિચાર નક્કી જીવન બની જવાના.’

એક વાત પાક્કી સમજી લઈએ કે વિશ્વનિયંતા, પરમાત્મા કે સૃષ્ટિનો સર્વશક્તિમાન સંચાલક-તમે જે નામ આપો તે, અને તે જ્યાં હોય ત્યાં-તમારી ભીતર કે આકાશમાં યા મંદિરમાં-તમારી પડખે જ છે, તમારે જે કંઈ કરવું છે, જેવા બનવું છે તે બધામાં એ તમને મદદ કરવા તત્પર જ છે. તમને એનો સદાયે સાથ છે.અને બીજું, એ જયારે તમને મદદ કરે છે, ઉગારવાને હાથ લંબાવે છે ત્યારે તમને જજ કરતો નથી કે તમે ખરાબ છો, સારા છો, લાયક છો કે નહિ વગેરે.બસ, તમે હાક મારો અને એ હાજર જ હોય ! આ વિશ્વનિયંતા શક્તિ ઉપરનો દૃઢ વિશ્વાસ એ જ બહુ મોટી ચીજ છે.

પણ આપણો પ્રશ્ન એ છે કે પરમાત્મા તો આપણને જજ નથી કરતા, પણ આપણે જ આપણા સતત પથદર્શક બની રહીએ છીએ.અને એ આપણા વિશેના આપણા જ વિચારો આપણા અવચેતન મનમાં આપણી નેગેટીવ સેલ્ફ ઈમેજ ઘડતા રહેતા હોય છે. જુઓ, આપણે આપણાપોતા વિશે આવું વિચારતા હોઈએ છીએ—‘હું કેવો મૂરખ છું, કેટલો બધો આળસુ છું, કેટલો ઊંચો છું કે ઠીંગણો છું.વગેરે પણ એમાં તમે એમ જ કહો ને કે –I am not good enough! મારી આટલી ખામી છે...

પણ ના, આમાં તમારો દોષ નથી. નાનપણમાં તમારા વડીલો, માબાપો, શિક્ષકો અજાણપણે પણ તમને આવું જ કહેતા આવ્યા હશે જે તમારા મનમાં જડાઈ-જકડાઈ ગયું છે. પછી જેમ જેમ તમે મોટા થતા ગયા તેમ તેમ તમારી ખામીભરી ઈમેજ વધુ દૃઢ થતી ગઈ-તમારા જ મનમાં ! અને એ પછી તમારા વિચાર-વર્તનમાં પ્રગટતી રહી. કારણ કે તમે જે વિચારો છો તે જ તમારા દ્વારા પ્રગટ થાય છે.

લેખિકાની હીલીંગ મેથડ ભૂતકાળ પ્રત્યેના તમારા વલણને બદલવાથી શરૂ થાય છે અને તેનો અમલ તમે ક્ષમાભાવનાથી કરી શકો. જેમણે તમારી લાગણીને ઠેસ પહોંચાડી હોય, મન-હૃદયને આઘાત આપ્યો હોય તેવા સૌને તમે માફ કરી દો અને હળવા થઈ જાવ. એમાં કદાચ માતાપિતાનો પણ સમાવેશ થતો હોય, તો તેમને કદી ભૂલશો નહિ. તેઓ તમને ખરાબ લાગતા હોય, તેમના પ્રતિ તમે ગુસ્સો, તિરસ્કાર ગમે તે ધરાવતા હો, પણ તેમને ક્ષમા કરી દો. ગુસ્સાનો, અણબનાવનો બોજ તમને પાછળ પાડશે. જયારે એ ખંખેરીને તમે આગળ ચાલશો તો સુખ-પ્રગતિની દિશામાં જશો.

(૨) તમારી જાતને ચાહવાનીજાત્રામાં પહેલો પડાવ છે- પોતાની સ્વનિયંત્રક માન્યતાઓની બેડીમાંથી મુક્તિ મેળવવી.

તમે બે ઘડી શાંતિથી બેસીને વિચારો કે અત્યારે તમારા જીવનમાં કઈ સમસ્યાઓ છે? તમને હાલમાં કઈ પરેશાની છે? કદાચ કમર કે પીઠદર્દ યા શિરદર્દ હોઈ શકે. અથવા તો જોબ નથી, પૂરતી આવક નથી, કલાકાર છો ખરા પણ તેની કોઈને કદર નથી, કે પછી કુંવારા છો ને યોગ્ય પાત્ર જીવનસાથી મળી નથી રહ્યું...વગેરે,વગેરે...જે કોઈ પ્રોબ્લેમ છે તેને ઉકેલવાની શરુઆત તમારા પોતાનાથી જ કરો. મુખ્ય પ્રશ્ન ઉપર તમારી તમામ ઊર્જા કેંદ્રિત કરો..તો તમે જોશો કે બધી બીજી સમસ્યાઓની જનની છે—‘તમે તમારી જાતને, સ્વને ચાહતા નથી.’

પણ મિત્રો, ‘સ્વને ચાહવું, પોતાને જ પ્રેમ કરવો’ એ બોલવા કરતાં કરી જોવું કપરું છે, હો ! તો પછી બોલો, ક્યાંથી અને કેવી રીતે શરૂઆત કરીએ?

અહીં ચાવીરૂપ સંદેશ છે કે –પોતાની જાતને ચાહવાની શરૂઆત કરવી હોય તો પોતાની સ્વનિયંત્રક માન્યતાઓમાંથી છૂટવું.

એવું બનવા જોગ છે કે તમારી પાસે તમારાં ‘કરવા જેવાં’ કામોની યાદી હશે, અથવા તમારે કેવા બનવું જોઈએ તેની પણ યાદી હશે—જેમ કે મારે સખત મહેનત કરવી જોઈએ, મજબૂત-મક્કમ બનવું જોઈએ, મારે મારું જીવન શિસ્તબદ્ધ, નિયમબદ્ધ બનાવવું જોઈએ, ફરિયાદો ન કર્યા કરવી જોઈએ....વગેરે વગેરે....પણ તમે જરા સમજો કે તમે જયારે આવું કહો છો-‘મારે આમ આમ કરવું જ જોઈએ’-ત્યારે વાસ્તવમાં તમે વસ્તુ અત્યાર સુધી કરતા નહોતા, એટલે કે તે ન કરવા માટે તમે ખોટા હતા અને તમને આટલી વસ્તુ સૌથી પહેલાં કરી લો એવું તો કોઈ કહેતું જ નથી !

કદાચ તમારે એવું પૂછવાની જરૂર છે કે હું શું ‘કરી શક્યો હોત?’ કારણ કે ‘કરી શક્યો હોત’ (could) (પણ કર્યું નથી) એ જાદુઈ શબ્દ છે- એ શક્યતાઓ/સંભાવનાઓની બારી ખોલી આપે છે. તો પછી તમારે તમારી જાતને પૂછવા જેવો પ્રશ્ન એ છે કે– ‘આ બધું હું કરી શક્યો હોત, તો મેં કેમ ન કર્યું? કઈ અડચણ હતી?’

એનો શક્ય જવાબ કદાચ તમે તમારી જાતને ચાહતા નહોતા એવી શક્યતા સાથે સંકળાયેલો છે. દા.ત. તમે ઘણી વાર તમારી જાતની ટીકા કરી છે? ડ્રગ્સ અને દારુથી તમારા શરીરનો ગેરઉપયોગ કર્યો છે? તમારી ક્ષમતાઓને ઓછી આંકી છે. તમે સતત એકલા રહ્યા છો કે પછી એક પછી બીજા એવા કડવા સંબંધોમાં ફસાયા છો. તમારામાં લાહડિયાપણું, કામને ટાળવાની દાનત છે—આ બધી ટેવો નુકસાનકારક ને કષ્ટદાયક તો કદાચ તમને લાગશે, પરંતુ એ બધાં કાર્યો/વિચારણાઓતમારામાં સ્વ-મૂલ્ય(self-worth)ની કમીને વધારનારા છે, એટલે કે તમારા અવચેતન મનના સ્તરે તમને એવું ઠસાવે છે કે-તમને આનાથી વધુ સારું મળે એવી તમારી યોગ્યતા જ નહોતી. તમે આ જ લાગના હતા.

આમ, તમારાં કાર્યોને તપાસવાનું મૂલવવાનું જરા કઠણ તો લાગે, પણ તે ખૂબ અગત્યનું તો છે જ...આપણાં ભૂતકાળનાં કે હાલનાં કાર્યોની મૂલવણી એ માત્ર પ્રાયશ્ચિત કે પસ્તાવો કરવા માટે નથી, પણ એ એક જાતની મનોસફાઈ છે, આપણા મનમંદિરની ઝાપટ-ઝૂપટ છે, જેમ તમે ઘરના રૂમને સાફ કરો છો, ઝાડુ મારો છો તમે તમારા મનના સ્મૃતિકક્ષમાંજાવ અને તમને સુખ આપનારી સપાટી ઉપર જે નકારાત્મક ધૂળજામી છે તેને સાફ કરો, તમને જે પીડાજનક લાગતું હોય તેને પુનઃ તપાસો અને તમને જે કામનું ન હોય, વ્યર્થ બોજરૂપ કચરો હોય તેને કાઢીને ફેંકી દો,એને ફરી ફરીને સરખો કરીને રાખી મૂકવાની જરૂર જ નથી...આ મનોવ્યાયામનો ખાસ ફાયદો એ થશે કે તમારી જે બધી સ્વનિયંત્રક માન્યતાઓ હતી તેનાથી પરિચિત થવામાં મદદ મળશે.

હવે, જ્યારે આ ભૂતકાળની ધૂળ ઝાપટી લીધાં બાદ, પાછા વર્તમાનમાં આવવાનો સમય છે, કારણ કે વર્તમાન જ તમારા હાથમાં છે, તો પછી ભૂતકાળને ફરી ફરી સજીવન કરી તેમાં જીવવામાં સમય શું કામ બગાડવો? જો તમે વર્તમાનમાં તમારા વિચારોનું નિયંત્રણ શીખ્યા છો તો તેની જ પ્રેક્ટીસ શરૂ કરો...

(૩) તમારી સર્વશક્તિ વર્તમાન ક્ષણમાં સમાયેલી છે, અને તમારો પ્રત્યેક વિચાર તમારા વાસ્તવનું સર્જન કરે છે.

તમે ક્યારેક એકાદ દિવસ જાગીને બહાર ગરજતાં-તોફાની વાદળ જોઈને વિચાર્યું છે કે –‘ઉહ, કેવો ભયાનક દિવસ છે આજે!’ જો આમ વિચાર્યું હોય તો એકાદ પળ થોભો અને એ તમારા ઉદ્ગાર વિશે પુનઃવિચાર કરો. વાદળ ગાજે એમાં એ દિવસ કેવી રીતે ભયાનક થઈ ગયો? વાસ્તવિકતા તો એ છે કે એ તો વરસાદી દિન એવો જ હોયને? ભીનો ભીનો ને વાદળ છાયો...પણ તમે જે ‘સારા દિવસ’ની અપેક્ષા કે કલ્પના સેવો છો તે આજે નથી, એટલે દિવસ પ્રત્યે નેગેટીવ વલણ તમે વિચારી લીધું. જોયું ને? તમારી વર્તમાન વિચારશક્તિએ એક નકારાત્મક વાસ્તવનું સર્જન કરી લીધું.

સદ્ભાગ્યે, તમારા વિચારોને તમે બદલી પણ શકો છો... તો ચાલો, તમે કેવા કેવા નકારાત્મક વિચારો લઈને ફરી રહ્યા છો તેની યાદી કરીએ, તેને તપાસીએ-કદાચ તમે એકાકી છો, અટૂલા છો. અથવા બીજો વિચાર એવો કરો કે માત્ર મારા ફેમીલી જીનેટીક્ષને લીધે જ મારી તબિયત નબળી છે, બાંધો મજબૂત નથી. અથવા તમે હંમેશની જેમ ઉદાસ-નિરાશવદન રહ્યા કરો છો-પણ આ તો બધી વિચાર તરાહો જ છે. અને હવે તમારે એને બદલવાની છે...હા, પાછું એને બદલવાની તમારી ઈચ્છાશક્તિ તો હોવી જ જોઈએ. નિરાશામાં ઘૂંટાયા કરવાને બદલે કે બીજા ઉપર ખીજાયા કરવા કરતાં તમારે હવે એ સમજવાનું ને સ્વીકારવાનું છે કે મારા જીવનમાં પરિવર્તન લાવવાનો એક માત્ર માર્ગ મારા વિચારને વર્તનમાં બદલાવ લાવવાનો છે. આ બાબતને ઘણા લોકો જડતાપૂર્વક લે છે, પરંતુ તમારી જૂની માન્યતાઓને તમે જેટલી વધુ મજબૂતીથી પકડી રાખશો તો પણ તમને છોડશે નહિ. આથી તેને જવા જ દેવી, છોડવી એ જ અગત્યનું છે.

આ માટેની પ્રક્રિયા શરૂ કરવા આટલું કરો : ‘હું બદલાવા માટે તૈયાર છું’ આ વાક્ય વારંવાર મનમાં બોલ્યા કરો, એમ કરતી વખતે જો મોટેથી બોલવું હોય તો તમારા ગળાને સ્પર્શીને બોલો, કારણ કે ગળું એક મહત્વનું શક્તિ કેન્દ્ર છે. હજી વધુ આગળ જઈએ. એક દર્પણની સામે જાવ અને તમે જ તમારી આંખોમાં જુઓ અને ગળે હાથ મૂકીને બોલો-I am willing to change…કેવું લાગે છે? ખંચકાટ થાય છે? અસુખ થાય છે? ઉત્તેજના કે ડર અનુભવાય છે? જે કાંઈ તમારી લાગણી થાય તેને કોઈ પ્રતિભાવ ન આપો. માત્ર એ શાથી થાય છે તે જ ધ્યાન રાખો...આવી ઈમોશનલ રીકવરી કરવી હોય ત્યારે આ દર્પણ પ્રવિધિ બહુ સશક્ત સાધન સાબિત થાય છે, કારણ કે એ તમારી ઈચ્છાશક્તિનું પુનરાવર્તન કરે છે અને તમારા વિશેના તમે જ સેવેલા નકારાત્મક વિચારો-વલણોનું પરાવર્તન કરે છે-પછી તે તમારા ‘અપૂર્ણ શરીર’ વિશેના વિચાર હોય કે તેથીયે ખરાબ-તમે તમારી આંખોમાં તમને શરમનો ભાવ અનુભવાતો હોય...આમ તમારી જાતનો તમારે દર્પણમાં સામનો કરવાનો અને પોઝીટીવ મેસેજ પાઠવવાનો એ વીરતાનું કામ છે. તો બોલો વીર વાચકો, તૈયાર છો? જયારે પણ અરીસા પાસે આવો ત્યારે તમારા વિશે કંઈક ને કંઈક પોઝીટીવ કહેવાનો-બોલવાનો પ્રયોગ કરી જુઓ.

અંતે, યાદ રહે કે, હમણાં તમે બદલાવા તૈયાર તો થયા છો, પણ ઘણીવાર એવું બને કે હજી તમારી માનસિક તૈયારી પૂરેપૂરી ન પણ હોય...ત્યારે એવી પ્રતિકારની ક્ષણને પકડો, જોતા રહો, કારણ કે તે ગુપ્તવેશે આવેલી વિકાસની તકો છે...

(૪) તમારી ભીતર શું ચાલી રહ્યું છે તે કહેવાની કોશિશ તમારું શરીર જ કરી રહ્યું છે-જરા સાંભળશો એને, પ્લીઝ?

તમને પજવતા વિચારો અંગે તમે વિચારશો તો તમારું માથું દુખી જશે કે ‘હેં, મને આવા આવા વિચારો આવે છે?’ એટલું જ નહિ, લેખક તો કહે છે કે ખરાબ કે નકારાત્મક વિચારોની અસર તમારા શરીરમાં નાની મોટી બીમારીના સ્વરૂપમાં થઈ શકે છે. તમારા વિશેની તમારી નેગેટીવ માન્યતાઓ, ધારી લીધેલ બાબતો લાંબે ગાળે પણ શરીર પર પ્રતિબિંબિત થાય જ છે. શરીર એ મનનું દર્પણ છે. ‘તોરા મન દરપન કહલાયે’ એ તો સાચું છે જ. તમે ક્યારેક તમારી આસપાસ કોઈ ઘૂરકિયાં કરતા, ભવાં ચઢાવતા માણસનું નિરીક્ષણ કરજો...તમને લાગશે જ કે તે મનમાં અસ્વસ્થ હશે, એના વિચારો સંવાદિત, સ્વસ્થ નહિ જ હોય..

આમ, અહીંચાવીરૂપ ખ્યાલ એ છે કે તમારું શરીર તમને કંઈકકહી રહ્યું છે, જરા સાંભળવાની ને સમજવાની કોશિશ કરજો.

દા.ત. લેખકના મતે, આપણા વાળ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે અને તેથી ટાલિયાપણું ટેન્શન અને ગર્ભિત ડરથી આવે છે. કાનનો દુખાવો અને બહેરાશ તમે જે સાંભળો છો તે પ્રત્યેના ક્રોધથી થાય છે. એજ રીતે કંઈક નહિ જોવાની તીવ્ર ભાવનાથી અંધાપો આવે છે, અને સ્વ-સ્વીકારના અભાવમાંથી કે પોતાની પુષ્ટિ ન કરવાની વૃત્તિથી માથાનો દુખાવો જન્મે છે. તો વળી જે પરફેક્ષનીસ્ટ હોય –બધું જ કામ પૂરી ચીવટ ને સંપૂર્ણ રીતે કરવાના આગ્રહી હોય તેમને માઈગ્રેન-આધાશીશીની તકલીફ થવાની સંભાવના રહે છે.

અંતે, લેખક તારણ કાઢે છે કે બધી આપણી શારીરિક બીમારીઓ ભય અને ગુસ્સાની લાગણીમાંથી જન્મે છે. આ ડર અને ક્રોધનાં વિવિધ સ્વરૂપો પણ હોય છે-અધીરાપણું, વિરોધ, ઈર્ષ્યા, ચિંતા, શંકાશીલતા, સ્વ-ગૌરવનો અભાવ, દબાયેલાપણું,નિર્માલ્યતા વગેરે મનની ભાવનાઓ શરીરમાં ઝેર પ્રસારે છે. તેથી, લેખક ભલામણ કરે છે કે, હવે જયારે પણ તમને તમારા શરીરમાં કોઈ અવયવની બીમારી જણાય તો તે અવયવ કઈ મનોરુગ્ણતા સાથે જોડાયેલો છે તે જોજો, પછી ભલે તે કબજિયાત હોય, આર્થરાઇટીસ કે ગળાનો દુખાવો ગમે તે હોય.જે તે અંગ સંલગ્ન પ્રગટીકરણ, ક્રોધ અને ડરનું જ હશે. દા.ત. તમે પગ દ્વારા જ જ્યાં-ત્યાં ચાલવાની ક્રિયા કરો છો, તો વેરીકોઝ વેઈન્સ, તમે જ્યાં(ચાલો)છો, તેને તમે ચાહતા નથી, એની નિશાની હશે. તો પછી તમારે ચાલવા-ફરવાની મનપસંદ જગ્યાઓશોધી કાઢવી જોઈએ, સલામત મુવમેન્ટ કરવી જોઈએ. ક્રોધ અને ડરના વિરોધી ભાવો છે પ્રસન્નતા અને મનપસંદપણું ! તો પછી એ વધે તેવાં કાર્યો કરો તો બીમારી ન આવે. શરીરનાં બધાં અંગોને આનંદ મળે તો નકારાત્મકલાગણીઓ રહે જ નહિ. મુક્તમનના બનો, હકારાત્મક ભાવના રાખો તો બીમારી તમારી પાસે ફરકે નહિ...ત્યારે આખું બ્રહ્માંડ પણ તમારી પડખે રહેશે-તે પણ ચાહે છે કે તમે હેપી એન્ડ હેલ્ધી રહો..મનમસ્ત-સ્વસ્થ રહો-ખુશ રહો ! બોલો, તમે પણ એવું જ ઈચ્છો છો કે નહિ? હા, વળી...કોણ માંદલું, માયકાંગલું, ઉદાસ-હતાશ રહેવાનું પસંદ કરશે ?

(૫) વિરોધ-પ્રતિરોધ સમસ્યાનેછતી કરે છે, અને જે તે સમસ્યા, તમારી જરૂરિયાતને પ્રગટ કરે છે.

તમે જયારે અસુખ અનુભવો છો ત્યારે શું કરો છો? રૂમમાંથી બહાર નીકળી જાવ છો? કે વસ્તુ યા વિષય બદલી કાઢો છો? કોઈ જોડે આંખોનો સંપર્ક છોડી દો છો? કે ઘર સાફ કરવામાં યા બીજી કોઈ પ્રવૃત્તિમાં જોતરાઈ જાવ છો? ફોન જોવા માંડો છો? કાંઈ વાંધો નહિ, જે કરતા હો તે, પણ એ જાતથી દૂર ભાગવાના, છટકવાના માર્ગો છે, વિરોધ-પ્રતિરોધના પ્રકાર છે. પણ ‘અલ્યા ભાઈ-વિરોધ-પ્રતિરોધ શેનો? કોનો? કોની સામે?- બસ, આ જ મુખ્ય મુદ્દો છે.

લેખક સૂચવે છે કે તમારી બધી સમસ્યાઓ તમારી પ્રલંબ ધારણાઓ, માન્યતાઓ અને કાર્ય તરાહોમાંથી ઉદ્ભવે છે. એ એટલા લાંબા સમયથી અને સ્વાભાવિકતાથી તમને વળગેલી છે કે તમે તેને નોટીસ પણ નથી કરતા..તમારે માટે એ શ્વાસ-સહજ છે. તમને ખબર પણ નથી રહેતી કે હું આવી આવી માન્યતાઓ મનમાં ભરીને ચાલું છું. આથી એમનાથી છૂટકારો મેળવવા, સૌ પ્રથમ તો તમારે એમનાથી સભાન, સતર્ક યા પરિચિત થવાનું છે. અને તેથી જ તેનો વિરોધ-પ્રતિરોધ પણ ઘણો ઉપયોગી છે. દા.ત. અગાઉ તમને બતાવેલી અરીસાવાળી કવાયત અંગે તમને શું લાગે છે? જો તે તમને મૂર્ખાઈભરી અને ક્ષુલ્લક લાગી હોય તો તમારો પ્રતિરોધ એ જ સૂચવે છે કે તમે તમારી જાતને જોવા, સામનો કરવા માગતા નથી. તમે સ્વને- પોતાને પસંદ કરતા નથી.

આથી એ જ વસ્તુ યાદ રાખીએ કે પ્રતિરોધ સમસ્યાને છતી કરે છે, અને સમસ્યા તમારી જરૂરિયાતોને.

દા.ત. તમને ક્યારેક કોઈકે એકાદ વિચાર આપ્યો/રજૂ કર્યો હોય અને તમે તેના ઉપર ચિંતન કરવા માંડશો કે આનાથી શું ફરક પડશે? મને લાગે છે કે આ વિચાર મારા કામનો કે ખપનો નથી, કારણ કે મારી પરિસ્થિતિ જુદી છે.તો આ બધી ધારણાઓ છે અને તમને બાંધનારી માન્યતાઓ છે.

બીજા પ્રકારનો પ્રતિરોધ છે, તમારા વતી અન્યને સત્તા આપી દેવી-‘મારા પાર્ટનરને એ ન ગમે, એ બધી તેની જ ભૂલ છે.અથવા તો સ્વ-ના ખ્યાલને મર્યાદિત કરનારો વિચાર કે આવું કરવા માટે હું વધુ પડતો ઘરડો છું-નબળો છું, કે જોઈએ તેટલો સ્માર્ટ નથી. વગેરે.

તમે તમારામાં પરિવર્તન લાવવામાં મોડું કરો, ઉત્સાહ ન બતાવો એ પણ પ્રતિરોધનો જ એક પ્રકાર છે. તમે એમ વિચારો છો કે ‘ના, અત્યારે તો મારી પાસે સમય નથી, પછી જોઈશું !’ વળી અધિરાઈ-એ પણ પ્રતિરોધનો પ્રકાર છે-‘જો આ અત્યારે નહિ થાય, તો પછી કરવા જેવું જ નથી. બરાબર?’ ક્યાંક ત્યાર પછી એ નકાર, અસ્વીકાર અને ડરનો વારો આવશે-‘જો હું નિષ્ફળ જઈશ તો? મને ઈજા થશે તો? મારો અસ્વીકાર થશે તો?-

આ બધા પ્રતિરોધના પ્રકારોમાં સામાન્ય લક્ષણ લેખક તારવી બતાવે છે તે એ કે, તે તમારી જાતને જાણવાની/ઓળખવાની ને સ્વ-ને પ્રેમ કરવાની તકને પહેલેથી જ બંધ કરી દે છે. તમે તમારા સાચા આંતર-સ્વરૂપને જાણવાની કોશિશ તો કરો?

જેમ વિરોધ-પ્રતિરોધ તમારી સમસ્યાની દિશા ચીંધે છે તેમ તમારી પુનરાવર્તિત સમસ્યાઓ તમારી જરૂરિયાતો કઈ છે તે ઈંગિત કરે છે. જો ભૂતકાળમાં તમારા સંબંધોમાં કડવાશ આવી હોય, અથવા કામને પાછળ ઠેલવાની આદત હોય, ચેઈન-સ્મોકીંગ કે અકરાંતિયાની જેમ ખાવાની ટેવ હોય-આવાં બધાં વર્તનવિશેષો તમારામાં ઊંડે ઊંડે કોઈ need-જરૂરિયાત-ઉણપ-ખોટ હોવાનું સૂચન કરે છે. અને આવી દરેક નુકસાનકારક need, તમારી limiting beliefની પોષક, સંલગ્નિત હોય છે.

આ તબક્કેથી હીલીંગની શરૂઆત કરવી હોય તો લેખક ભલામણ કરે છે કે સ્વ-વિવેચન બાજુ પર રાખીને હકારાત્મક સ્વ-સંદેશ આપવાની પ્રેક્ટીસ કરો. તમને ખૂબ તકલીફ આપતી કોઈક ચીજને/વાતને હવે જવા દો, ભૂલવાની કોશિશ કરો, અને તમારી જાતને કહો : ‘મારી અમુક અમુક જરૂરિયાતને હવે રીલીઝ કરવાની તૈયારી છે. હું તો સુખ-શાંતિ-સંવાદિતા મેળવવાને હક્કદાર છું, લાયક છું..આવા આશીર્વાદ તમારા સ્વ-ઉપર મેળવતા રહો..

(૬) જો તમારે બદલાવું હોય તો ભૂતકાળથી મુક્ત થાવ અને ભવિષ્ય તરફ દૃષ્ટિ કરો.

તમારા વિષાક્ત વર્તન માટેની જરૂરિયાતથી મુક્ત થવા અને હીલીંગ શરૂ કરવાની તૈયારી કરો છો તો ત્યારે શક્ય છે કે તમને જરા અસુખ લાગશે. તો એની સાથે મેળ પાડવા તમારી અંદરનું તોફાની બાળક જરા વિરોધ કરશે, તેને કડક શિસ્ત ગમશે નહિ. તેથી શરૂઆતમાં તે ધમપછાડા કરશે, ચીસ પાડશે, પણ જો તમે મક્કમ રહેશો તો નવું રુટીન જાતે જ ગોઠવાતું જશે. અને કદાચ, પહેલીવાર તમને એવું લાગશે કે હા, યાર, મારા ઉપર મારું જ નિયમન હવે આવતું જાય છે, હું સ્વ-નિયંત્રણ કરી શકું છું.

અને જેવી આ પ્રક્રિયા થવા માંડશે, તો પેલી અસુખની બાબતને તમે જોજો, શું થાય છે? તમે જેમ બદલાશો, તેમ તમે તમારા સંબંધોમાં ઘર્ષણ અનુભવશો-તમારા વ્યક્તિગત જીવનમાં કે તમારા કાર્યક્ષેત્રમાં ઘર્ષણ જાગશે. કોઈ વિચાર તરાહ કે કુટેવ હમણાં જ છોડ્યા પછી, હવે તમે તમારા જીવનને વધુ સ્પષ્ટતાથી જોઈ રહ્યા હશો અને પેલું જે અસુખ હતું તે હવે તમારા ઉપર તેનો પ્રભાવ પાડી નથી રહ્યું.

તો સમજવાની વાત એ જ છે કે –તમારે બદલાવા માટે ભૂતકાળમાંથી છૂટવું પડે અને ભવિષ્યમાં જોવું પડે...હવે આટલું થાય તો તમે સારા એવા સ્વ-નિયંત્રણમાં આવી શકશો, તમારા વિચારો ઉપર તમારો કાબૂ આવ્યો હશે. કારણ કે તમે સમજ્યા છો કે તમે જે વિચારવાનું પસંદ કરો છો, તેના ઉપર તમારા જીવનના અનુભવો આધારિત હશે. આથી અકકડ અને ગુસ્સાવાળા રહેવા કરતાં તમારી જાતને આટલું જ કહો કે ‘બદલાવાનું મારે માટે સરળ બની ગયું છે.’ આ તમને કદાચ મૂર્ખાઈભર્યું લાગશે, પણ લેખક માને છે કે આવાં હકારાત્મક આત્મકથન મોટેથી બોલવાથી તમે તમારી ભીતર વહેતી વૈશ્વિક ઊર્જા સાથે સંતુલન સાધી શકો છો.

અને જેવા તમે તમને હાનિકારક વસ્તુ કે વિચારમાંથી મુક્ત થવા તત્પર થાવ છો કે તરત તમે જોશો કે ભૂતકાળને માફ અને સાફ કરવાનું સરળ લાગવા માંડશે. આ ક્ષણે તમે જે વિચારો છો તેને જ તમારે નિયંત્રણમાં રાખવાનું રહેશે. તો પછી જૂનાં દુઃખ-દર્દો, યાદો, ફરિયાદો, વિરોધ-અવરોધોને શું કામ વળગી રહેવું? ખંખેરી નાખો એ બધું ને સુખભરી ભાવિની દિશામાં દોડવા માંડો.

એક બહુ સરસ સ્વ-ચિત્ર કલ્પો : તમે બાળક હતા ત્યારે કેવા હતા? અરીસામાં તમારી આંખોમાં જુઓ, એક પ્રકારના પ્રેમની પ્યાસ જોવા મળશે. એ તમારી અંદરના બાળકને વળગી પડો, તમારી નાનપણની આવૃત્તિને આલિંગન આપો-ખૂબ ઉષ્મા અને કોમળતાપૂર્વક કહો-‘હે મારા બાળસ્વરૂપ, હું તને ખૂબ ચાહું છું, તું કેટલું સરસ છે?’

(૭) હકારાત્મક સ્વ-સંદેશ આપતાં શીખવું એ પોતાની જાતને ચાહતા થવાનું રહસ્ય છે.

તમે ક્યારેય તમારા વિશે આવું વિચાર્યું છે ખરું કે હું દર વખતે આટલો હતાશ ન થઈ જતો હોત તો કેવું સારું? અથવા મારે આટલા જાડા નથી રહેવું, આવા એકલવાયા નથી પડી જવું, આટલા ઉદાસ શા માટે રહેવું જોઈએ?—આવા વિચારો તમને યોગ્ય દિશમાં લઈ જવા માગે છે, છતાં એમાં નેગેટીવ છાયા તો છે જ. માટે નકારાત્મક વાક્ય પણ ન વિચારો. એને વ્યાકરણની વાક્યરચના પણ હકારની જ આપો. દા.ત. હવે મારે વજન યોગ્ય બનાવવું છે, પ્રસન્ન રહેવું છે વગેરે. કારણ કે તમે જે વિચારશો તેનું પ્રતિબિંબ શરીર પર પડવાનું જ છે. માટે લેખક કહે છે કે વધુપડતાં નેગેટીવ વિધાનો તમારા જીવનમાં નકારાત્મકતા લાવી દેશે.

માટે ચાવીરૂપ મુદ્દો એ જ છે કે-તમારે જાતને ચાહવી હોય તો એને હકારાત્મક સંદેશ આપો.

લેખક આને માટે ખૂબ સરળ ઉપાય બતાવે છે. પેલાં બધાં ‘નથી કરવું, નથી બનવું...’વાળાં નકારાત્મક વાક્યો હતાં તેને હકારાત્મક વાક્યો(વિચારો)માં બદલી કાઢો. ‘આમ કરવું છે, આવા બનવું છે...’ વગેરે-‘હું સફળ-સ્વસ્થ-શાંત સંવાદિત વ્યક્તિ છું. મારા જીવનમાં પ્રેમાળ પરિવાર, પરિચિતો, સ્વજનો મળ્યા છે. હું આનંદિત છું’ આમ વિચારોને હકારાત્મક વાક્યોમાં ઢાળવાથી તમારું ફોકસ યોગ્ય દિશામાં રહેશે. પણ હંમેશા યાદ રાખજો કે તમારાં વાક્યો વર્તમાનકાળનાં જ બનાવશો: જેમ કે ‘હું તંદુરસ્ત બનવા માંગું છું કે બનીશ’ એમ નહિ, પણ ‘હું તંદુરસ્ત જ છું..હું સફળ વ્યક્તિ છું..’આમ પોતાની જાતને સંભળાવતા રહો, તો તેનો પડઘો, તેની છાપ તમારા આંતરમનમાં પહોંચીને દૃઢ થશે.

આવા હકારાત્મક સ્વ-સંદેશથી તમે સ્વ-સ્વીકૃતિની પ્રક્રિયામાં આગળ વધી શકશો. પછી તમને એની ટેવ દૃઢથશે કે હું મારી જાતનો સ્વીકાર જ કરું છું તો પછી નકારાત્મકતાને સ્થાન જ ક્યાં રહેશે? તમે કરી જુઓ, સારું લાગવા માંડશે, તમારી સ્વ-સભાનતા, સ્વ-ચેતના, સ્વ-જાગૃતિ જળવાશે. તમને લાગવા માંડશે કે મારી આસપાસના લોકો તો સારા છે, મારી પ્રવૃત્તિ પણ પ્રિયકર છે.આવી વિચારણાને આચરણ વધતાં જશે તો જીવનમાં તમને આનંદ, સરળતા, સંતોષ, સંવાદિતા આવતાં જણાશે. તમને કોઈ જોડે, વસ્તુ કે પરિસ્થિતિની ફરિયાદ નહિ રહે.

તમે ક્યારેય શાકભાજી ઊગાડયું હશે. તો તમે જોયું હશે કે બીજમાંથી અંકુર-પાન-ડાળી-ફૂલ અને અંતે ફળ આવતાં સમય તો લાગે છે; પણ જેવું અંકુરણ થાય, પાન ફૂટે, ડાળી વિકસે તેવો તમારો આનંદ પણ એને જોઈને વધતો જાય છે ને? બસ, તેવું જ તમે જાતને ચાહવાનું બીજ એકવાર મનની ભૂમિમાં રોપી દો, પછી એનો વિકાસ જોઈને આનંદ માણતા જાઓ. એને હકારાત્મક વિચારોનું પાણી છાંટતા જાઓ. નિયમિતતા ને મક્કમતાનો સૂર્યપ્રકાશ આપતા રહો, પછી જુઓ મઝા! કદાચ શરૂઆતમાં આ પ્રક્રિયા મુશ્કેલ જણાય તોયે પેલી નકારાત્મકતાને તો મનમાં ઘૂસવા જ ના દેશો, કોઈ કામને મુશ્કેલ ના માનશો, ઉલટાનું, તમે શીખેલી આ નવી કલા-કરતબ(સ્વને ચાહવાની રીત) વિશે સદા ઉત્તેજિત અને આનંદિત રહેવાનું ચાલુ રાખો, તો તમને એ મુશ્કેલ નહિ લાગે...બીજી પણ ઘણી વસ્તુઓ તમે આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે કરી શકો. દરરોજ સવારે ઊઠીને જીવનની વિશાળતા-વિપુલતા-વિધાયકતા માટે વિધાતાનો આભાર માનો. શરીર-મનને સુદૃઢ કરવા વ્યાયામ-ધ્યાન કરો. દિવસ દરમ્યાન મનપસંદ પ્રવૃત્તિમાં મસ્ત-વ્યસ્ત રહો, પણ ત્રસ્ત ન રહો અને રાત્રે સૂતા પહેલાં મોબાઈલ કે ટી.વી. પરનાં નકારાત્મક સ્પંદનો ને સમચારોમાં ન લપેટાતાં, સરસ દિવસ પસાર થયાનો સંતોષ અને પ્રભુની કૃપાને આશિષ માની શાંતિપૂર્વક નિદ્રાદેવીના ખોળે માથું મૂકી ચિંતામુક્ત બની સૂઈ જાવ.

ઉપસંહાર :

‘તમારું જીવન-સ્વાસ્થ્ય તમારા હાથમાં’-—આ પુસ્તકમાં લેખિકા લુઈસ હે-વ્યક્તિને સ્વ-રૂપાંતરણની રૂપરેખા દોરી આપે છે. આપણા ભૂતકાળની નકારાત્મક મર્યાદાઓથી કેવી રીતે છૂટીને, નવા તેજસ્વી ભવિષ્યનું સર્જન, હકારાત્મક સ્વ-સંદેશ. સ્વ-સ્નેહ અને ક્ષમા ભાવના દ્વારા કેવી રીતે કરી શકાય તેનો નકશો આપે છે. શરીર અને મનના ઊંડા આંતરસંબંધોનું દર્શન કરાવી સ્વાસ્થ્ય માટે હોલીસ્ટીક એપ્રોચ રાખવાની પ્રેરણા આપે છે. આપણે જીવનનું સ્વ-નિયંત્રણ, નકારાત્મકતાની દફનવિધિ અને સ્વ-સશક્તિકરણની શરૂઆત કરવાની છે, કારણ કે શાંતિ-સુખ-સંવાદિતા એ આપણા જન્મસિદ્ધ અધિકાર છે. બ્રહ્માંડની ઊર્જા આપણને એ અપાવવા સદા ઉદ્યત્ત છે. પણ જો આવી શાંત-તરલ-સરલસ્થિતિ તમને તમારી પહોંચ બહારની લાગતી હોય તો એનો સીધો અર્થ એ થયો કે તમે જ તમારી જાત સાથે ટ્યૂનીંગ સાધી શક્યા નથી. એટલા માટે નકારાત્મકતાને સ્થાને હકારાત્મક વિચારણાને ગોઠવી દો, ધીમે ધીમે પોતાની જાતને પ્રેમ કરતાં-સ્વીકારતાં શીખો તો વિધાતા અને વિશ્વ, બ્રહ્મા અને બ્રહ્માંડ તમારા માટે સુખની છાબડી લઈને ઊભાં જ છે. શાંતિ અને સ્નેહની સુવાસ પ્રસારવાને તત્પર જ છે. બસ, તમારી તૈયારી જોઈએ !

ચાવીરૂપ મુદ્દાઓ :

હકારાત્મક વિધાનની તાકાત : આપણી વિચાર-તરાહોના પુનઃસર્જનમાં હકારાત્મક વિધાનની તાકાત ઉપર લેખિકા લુઈસ હે ખૂબ ભાર આપે છે. નિયંમિત રીતે હકારાત્મક સ્વ-સંદેશનું પુનરાવર્તન કરતા રહેવાથી, નકારાત્મક માન્યતાઓને સ્થાને આપણી હકારાત્મકવૃત્તિ-વલણને ગોઠવી શકીએ અને તે દ્વારા આપણા જીવનમાં પરિવર્તન લાવી શકીએ.

સ્વ-સ્નેહ અને ક્ષમાભાવના : આપણી ઘણી બધી શારીરિક અને સાંવેગિક બીમારીઓ, આપણામાં ઘર કરી ગયેલ વિરોધ-પ્રતિરોધ અને સ્વ-તિરસ્કારની ભાવનામાંથી જ જન્મે છે. માટે તેમાંથી છૂટીને સ્વાસ્થ્યની દિશામાં ડગ માંડવા માટે પોતાની જાતને ચાહતા શીખો, પોતાને અને બીજાઓને માફ કરતા શીખો એ ખૂબ જરૂરી છે. તમારી જાત સાથે સંવાદ કરવાની ટેવ પાડો.

મનોદૈહિક આંતર સંબંધ : આપણું શારીરિક સ્વાસ્થ્ય અને આપણા મનના વિચારો વચ્ચે મજબૂત દોસ્તી, ગાઢ મૈત્રી છે. આપણા ઘણા બધા વણઉકલ્યાં સાંવેગિક પ્રશ્નો કે બાબતો, શરીરની બીમારી સ્વરૂપે સપાટી પર આવે છે.

હોલીસ્ટીક હીલીંગ: સ્વાસ્થ્ય પ્રાપ્તિના સર્વગ્રાહી માર્ગ/પદ્ધતિમાં –શરીરનું પોષણ,મનની માવજત અને જુસ્સાની જાળવણી, સામાજિક સંબંધોની સંવાદિતા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. આવા સર્વાષ્લેશી અભિગમથી આપણું સમગ્ર સામાન્ય સ્વાસ્થ્ય અને કલ્યાણ ઝડપથી સધાય છે.

જવાબદારીનો સ્વીકાર : લેખિકા ભારપૂર્વક કહે છે કે તમારા પોતાના જીવન અને તમે કરેલી પસંદગીઓ માટે તમારે પોતે જવાબદારી લેવી જરૂરી છે, અન્ય ઉપર આરોપ કરવાનો હોતો નથી. જો પોતાની જવાબદારી પોતે લેશો તો તમે જેવું જીવન જીવવા ઈચ્છતા હશો તેના સર્જન માટે તમારામાં બદલાવાની શક્તિ પણ આપોઆપ આવશે.

આચરણક્ષમ સલાહ :

દરરોજ પોતાની જાતને હકારાત્મક સંદેશા આપવાનો અભ્યાસ કરો.

દિવસ દરમ્યાન કેંદ્રિત કરવા જેવાં થોડાંક હકારાત્મક વિધાનો પસંદ કરી લો, તેને ૨૦ વખત કાગળ ઉપર જાતે જ લખો. અને તેને ઉત્સાહથી મોટેથી વાંચો, અરીસાની સામે ઊભા રહો તો વધુ સારું...પછી એ કાગળ તમારા ખિસ્સામાં રાખી જ્યાં જાવ ત્યાં સાથે જ લઈ જાવ. તમે જોશો, એની જોડે થોડા સમયમાં તમારી દોસ્તી થઈ જશે. જેમ મનગમતી વ્યક્તિ કે ભગવાન-દેવી-દેવતાનો ફોટો પર્સમાં/ખિસ્સામાં રાખો તો તે આપણી સાથે જ છે. એવો ભાવ આવે છે તેમ, તમારા હકારાત્મક સ્વ-સંદેશને પણ ખિસ્સામાં જ રાખો, તેઓ તમારા પોતાના બની જશે, જીવનમાં એ ઊતરશે, તમારી એ દૃઢ માન્યતા બની જશે.


મુખ્ય અવતરણો :

• ‘આપણે સેવેલો દરેક વિચાર, તમે બનાવવા ધારેલાં જીવન-ભવનની એક એક ઈંટ બની જશે.’

• ‘જો તમે તમારી મર્યાદાની માન્યતાને સ્વીકારી લેશો તો એ તમારે માટે સત્ય બની જશે.’

• ‘તમે વર્ષોથી તમારી જાતને કોસતા આવ્યા છો, પણ તેથી કાંઈ વળ્યું નથી...તો પછી તમારી જાતને હવે સ્વીકારતાં શીખો અને જુઓ પછી શું થાય છે.’

• ‘શક્તિ કે ઊર્જાનું કેન્દ્ર હંમેશા વર્તમાન ક્ષણમાં જ હોય છે.’

• ‘પ્રેમમાં મહાન જાદુઈ ઉપચારક શક્તિ છે. તમે તમારી જાતને ચાહશો તો તમારા જીવનમાં ચમત્કાર થઈ જશે.’