અનિલ જોશી
જોશી અનિલ રમાનાથ (૨૮-૭-૧૯૪૦) : કવિ. જન્મ ગોંડલમાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોંડલ અને મોરબીમાં. ૧૯૬૪માં એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદથી ગુજરાતી, સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૨-૧૯૬૯ દરમિયાન હિંમતનગર, અમરેલીમાં શિક્ષક. ૧૯૭૧થી ૧૯૭૬ સુધી ‘કૉમર્સના તંત્રી વાડીલાલ ડગલીના પી.એ. ૧૯૭૬-૭૭માં પરિચય ટ્રસ્ટમાં સહસંપાદક. ૧૯૭૭થી આજ સુધી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં લૅંગ્વજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર. ગીતની બાબતમાં આધુનિક કવિતાનો પહેલો સૂર આ કવિની રચનાઓમાં પ્રગટ્યો છે. ચાલી આવેલા ગીતસ્વરૂપને દૃઢ તર્કમાંથી મુકત કરી સંદર્ભો અને સાહચર્યો પર, વાતાવરણના મિજાજ પર તેમ જ અસંબદ્ધ શબ્દભાવજૂથો પર તરતું કરવાનો પ્રયત્ન આથી જ એમના ‘કદાચ’ (૧૯૭૦) કાવ્યસંગ્રહમાં દેખાય છે. ઉપરાંત એમાં ગઝલ અને છાંદસ-અછાંદસ રચનાઓ પણ છે. ‘બરફનાં પંખી’ (૧૯૮૧) કાવ્યસંગ્રહમાં પણ ગીતની આવી વિશિષ્ટ તરેહો સાથે અનેક અછાંદસ કાવ્યરચનાઓ છે. ‘સ્ટેચ્યૂ’ (૧૯૮૮) એમનો, કાવ્યની નજીક સરતા ‘બોલપેન’, ‘બારીને પડદાનું કફન', ‘કાગડો ધોળા દિવસનું અંધારું છે’. જેવા અંગતનિબંધોનો સંગ્રહ છે; તો ‘પવનની વ્યાસપીઠે’ (૧૯૮૮) એમનો લલિતનિબંધોનો સંગ્રહ છે.