અભિમન્યુ આખ્યાન/કડવું ૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડવું ૬
[ અહિલોચન કૃષ્ણનું વેર વાળવા જવાની આજ્ઞા માગે છે. માતા કૃષ્ણની સર્વશક્તિમત્તા વર્ણવી એને રોકવાનો પ્રયત્ન કરે છે.]


રાગ ગોડી
પાય લાગી પુત્ર બોલિયો : ‘હો માય રે,
મુને મળ્યા શ્રીમહાદેવ, લાગું પાય રે.          ૧

પેટી આપી પરપંચની, હો માય રે,
એથી કૃષ્ણ મરે તતખેવ, લાગું પાય રે.          ૨

હવે હું જાઉં છું દ્વારિકા, હો માય રે,
વાળવા પિતાનું વેર, લાગું પાય રે.          ૩

પછે રાજ કરું શોણિતપુરનું, હો માય રે,
તમો આવજો આપણે ઘેર, લાગું પાય રે.          ૪

હવે સુખના દહાડા આવિયા, હો માય રે,
હું સરખો પડ્યો પેટ પુત્ર, લાગું પાય રે.          ૫

દ્વારિકા લાવું ઊંચલી, હો માય રે,
સોને વસાવું ઘરસૂત્ર, લાગું પાય રે.          ૬

તત્પર થઈ રહેજો તમો, હો માય રે,
જાવાને નિજ ગામ, લાગું પાય રે.          ૭

જાદવ છપ્પન ક્રોડ-શું, હો માય રે,
આવું કૃષ્ણને મારી ઠામ, લાગું પાય રે,          ૮

વચન સુણી મા ઓચરે : ‘હો વહાલા રે,
તમો બોલો વિચારી બોલ, કુંવરજી કાલા રે.          ૯

ખદ્યોત ખીજ્યો શું કરે? હો વહાલા રે,
ને નોહે સૂરજ-સમતોલ, કુંવરજી કાલા રે.          ૧૦

બળિયા-શું બળ કીજે નહીં, હો વહાલા રે,
પર્વત સાથે દેવી બાથ, કુંવરજી કાલા રે.          ૧૧

તું તો જંતુ જળ તણો, હો વહાલા રે,
કૃષ્ણ ત્રિભોવનનો નાથ, કુંવરજી કાલા રે,          ૧૨

એણે કેશી કંસ પછાડિયા, હો વહાલા રે,
એણે ધરિયો ગોવર્ધન, કુંવરજી કાલા રે.          ૧૩

એણે કાળીનાગને નાથિયો, હો વહાલા રે,
તેને કેમ કરીશ બંધન? કુંવરજી કાલા રે.          ૧૪

તે રૂપ ધરે નાનાવિધ તણાં, હો વહાલા રે,
તજી જોબન ડોસો થાય, કુંવરજી કાલા રે.          ૧૫

જેની માયાએ બ્રહ્મા ભમ્યા, હો વહાલા રે,
જેને નિગમ નેતિ નેતિ ગાય, કુંવરજી કાલા રે.          ૧૬

તાત તારો જેણે જીતિયો, હો વહાલા રે,
વળી ચીરી દીધો જરાસંધ, કુંવરજી કાલા રે.          ૧૭

તે પેટીમાં પેસે નહીં, હો વહાલા રે,
તેને તું કેમ કરીશ બંધ? કુંવરજી કાલા રે.          ૧૮

જો રે રહે તું જીવતો, હો વહાલા રે,
અહીં માતામહને ઘેર, કુંવરજી કાલા રે.          ૧૯

તો રાજ પામ્યાં ત્રૈલોકનું, હો વહાલા રે,
જીત્યા કૃષ્ણ ને વળ્યું વેર, કુંવરજી કાલા રે.          ૨૦

વલણ
વેર વળે કેમ આપણું, જો દુબળાં દૈવે કર્યાં?’
ઊઠી ચાલ્યો અહિલોચન, માતાનાં વચન શ્રવણે નવ ધર્યાં.          ૨૧