અરૂપસાગરે રૂપરતન/સાત પડું સત્ય

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૧૬ – સાત પડું સત્ય

વચ્ચે એક પુસ્તક વાંચ્યું હતું ‘The Unfinished Universe’ તેમાં જગત આખું અપૂર્ણ છે એ થવાની પ્રક્રિયામાં છે તેની સમજૂતી બ્રહ્માંડ, પૃથ્વી, જીવ, માનવી, મન અને કાળની ઉત્ક્રાંતિના સંદર્ભે આપવાનો પ્રયાસ હતો. Chaosમાંથી Cosmosનું અંધાધૂંધીમાંથી સંવાદિતાનું નિર્માણ કેવી રીતે ચાલી રહ્યું છે તેની વાત હતી. આ જગત હજી પૂરેપૂરું સત્ય થયું નથી, અધૂરું છે. માટે તો તેની સરાણે ચાકડે ચડી બધું ઘડાયા – ભંગાયા કરે છે. માટીમાંથી ઘાટ અને ઘાટમાંથી માટી. આમ ઘાટ પણ સત્ય નહીં અને માટી પણ સત્ય નહીં ને છતાં બંને સત્ય.

જે વ્યક્તિઓ સાથે આપણે રોજ વરસોથી રહીએ છીએ તે પણ ક્યાં પૂરેપૂરી પમાય છે ? જીવતા જીવતા આપણે પણ કેવા પાસાંઓ ખોલતા જોઈએ છીએ અને તેમનાં પરિમાણો જોતા રહીએ છે. નારીના સંદર્ભમાં રવીન્દ્રનાથ કહે છે કે ‘અર્ધેક માનવી તુમિ અર્ધેક કલ્પના.’ એ અડધી કલ્પનાની ઘડેલી ન હોત તો ઘર ઝાપટી ઝાપટી રજોટાઈ ગયેલી, વરસો જતા દોદળી થઈ ગયેલી, આંખો પાસે કાળા કુંડાળાવળી ગૃહિણી બની ગયેલી તમારી પ્રિયા-પત્ની તમને છતાં પણ સતત ગમ્યાં કરે તેવું બને ? તે પ્રેમિકા નથી રહી તો શું થયું ? સાવ મટી પણ નથી ગઈ. હમણાં ટી.વી. પર ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન પર એક ડોક્યુમેન્ટરી જોઈ. વૃદ્ધવસ્થામાં ઓથે ઓથે જીવતા અલ્લાઉદ્દીનખાનને રોમેન્ટિક પાગલ થઈ બોખા બોખા હસતા તેમની બીબીસામે વાયોલીન વગાડતા જોયા.તેમના પત્ની પણ નવોઢાની જેમ શરમાઈ હસી પડ્યા હતા. તેમના પાનથી રંગાયેલા દાંત ને પ્રેમથી રંગાયેલી આંખો ચળકી ઊઠી હતી. ફરી એ વાત યાદ આવી ‘એ અડધી યથાર્થ છે અર્ધી કલ્પના.’

ચાર આના કે રૂપિયાના સિક્કામાં રાજમુદ્રા પર અંકિત સૂત્ર ‘सत्यमेव जयते’ ઓચિંતું દેખાય છે. એ કોણ બોલ્યું ? કોના માટે બોલ્યું ? ગાંધીજી પણ કહે છે ‘મારા જેવા અનેકોનો ક્ષય થાઓ પણ સત્યનો જય થાઓ’. ઉપનિષદને ટાંકીને કોઈ કહે છે ‘सत्यं परं धिमाहि’ શંકરાચાર્ય પણ ‘ब्रहम सत्यं जगत् मिथ्या’ કહી સત્યના કૈવલ્યભાવને પૂટ આપે છે. વીસમી સદીના આરે ઊભેલા માધ્યમ સમજણ ધરાવતા મને આ બધું સમજાતું નથી ને બાઘાની જેમ જોયા કરું છું. જયારે એ પ…ર…મ સત્ય સમજાશે ત્યારે આવું બધું લખવાની પણ મહેનત નહીં કરું. પણ જ્યાં સુધી નથી સમજાયું ત્યાં સુધી તો આ શોધ છે. એ શોધ ગમે તે દિશામાં હોય. શોધ ઊંચે પણ હોય નીચે પણ હોય, અંદર પણ હોય. ભગતસાહેબે તેમના એક વ્યાખ્યાનમાં કોઈકનું વાક્ય ટાંકેલું, ‘Truth may be catholic but search for truth is protestant.’ અને કાંતવાદીઓની જેમ ગમે તે રાસ્તે જઈ શકાય, ભૂલા પડી શકાય રસ્તો બદલી શકાય.

અને બધું પ્રગટ એ સત્ય તો અસ્ફૂટ સ્વપ્નો, કલ્પના, મનોભૂમિ પર તડકી છાંયડી જેવા અડધા પડધા કળાતા ભાવો, મનોરથ, યોજનાઓ નકશાઓ…. આ બધાનું શું ? જો તે મારું પ્રોજેક્શન આત્મક્ષેપ મનોક્ષેપ છે તો આ જે મારી સામે Real દેખાય છે તે શું ? જોયું, આમ સામે કહી જે પાછળ રહેલું છે તેને મેં કેવું અવગણ્યું ! તેનું શું ? તે તો છે तत् तवम् असि – તમે તે હો કે ન હો તે તો છે. અને જે તમારી આંખ સામે નથી પણ નાક સામે છે કાનની સામે છે તેનું શું ? આપણું ‘પરસેપ્શન’ ઇંદ્રિયગ્રાહ્યતા પણ ખંડિત નહીં ? જોઉ છું ત્યારે બરોબર સંભળાતો નથી. બરાબર સાંભળું છું ત્યારે જોતો નથી. બન્ને કરું છું ત્યારે તેને સૂંઘતો નથી. સત્યજિત રાયની પિકચર બે વાર તો જોવું જ પડે. એક વાર જોવા માટે બીજી વાર સાંભળવા-સમજવા માટે. પણ આ જગત તો પાછું ફરી જોઈ શકતું નથી તે તો પ્રવહમાન ચાલ્યે જાય છે ચાલ્યું જાય છે. આપણી પોતાની અંદર ઊતરીએ છીએ ત્યારે નગ્ન સુંદરી જેવું આ જગત સામે હોય છે છતાં ક્યાં હોય છે ! ઉત્ક્રાંતિ દરમ્યામ કૂર્માવતાર ધારણ કરી બધી ઈંદ્રિયોની જાળ સંકેલી અંદર લંગર નાખી ઉતારવાની સગવડ રૂપે જ આપણે ઇચ્છાઅંધ કે ધ્યાન બહેરા બન્યા શું ? તેણે જ કદાચ તત્ક્ષણતા તાત્કાલિકતામાંથી આપણને મુક્તિ આપી અંદર ઊંડું ને દૂરનું જોવાની શક્તિ આપી, જે કદાચ આપણા વિકાસની જનેતા બની.

હા, તો વાત કરતો હતો જોવાની. ઓરડો જોઉં છું તો તેમાં રહેલું ટેબલ સ્પષ્ટ જોતો નથી. ટેબલ જોઉં છું તો તેના પર ટી.વી. ને સ્પષ્ટ જોતો નથી. જો ટી.વીને સ્પષ્ટ જોઉ છું તો તેના પરના ફલાવર વાઝને બરોબર જોતો નથી. જો તે જોઉં છું તો તેમાં રહેલાં ઝીણાં ઝીણાં બદામી ફૂલોને જોતો નથી. જો બદામી ફૂલો જોઉં છું, તો ઓરડામાંનું કશું જોતો નથી. ને છતાં બધું જોઉં છું એક સાથે. એકનો પણ ભોગ આપ્યા સિવાય, બધું જોઈ શકાય ખરું ? અર્જુનની જેમ લાલ ચળકતી આંખ જોઉં છું તો પક્ષી, ડાળ, વૃક્ષ, આકાશ બધું અદ્રશ્ય થઈ જાય છે. જોકે તોય સ્કેનીંગ વિંહંગાવલોકની આપણી શક્તિથી આપણું ગાડું ગબડ્યે જાય છે.

કોઈક તેમ પણ કહે છે કે ‘To see is not interpret’. જોવું એટલે તેના સાહચર્યો, સંદભો અર્થો સાથે તેને ઉકેલવું. લોહીની સ્લાઈડ માઈક્રોસ્કોપ નીચે મૂકી આપણે જોઈએ તો શું દેખાય ? કેટલાંક નાના નાના ગોળ ગોળ કણો. તે જ સ્લાઈડ કોઈ પેથોલૉજીસ્ટ જુવે તો તેને કેટલું બધું દેખાય. ફ્લેટના આઠમા માળે પાળી પર ચડી ગયેલું નાનું બાળક નીચે બધું જુએ પણ ભયને ન જુએ તેવું કાંઈક. સત્ય પણ આવું જ કાંઈ જોવાની પ્રક્રિયા જેવું સંકુલ અને અબરખ જેવું સાત પડું હશે. એક પછી એક પડ ઉખેળવા જાવ તો ભરભર ભૂકો હાથમાં આવે અને પડોના અવકાશ વચ્ચેથી જુઓ તો ઇન્દ્રધનુની ઝાંય દેખાય. એટલે તો જે યથાર્થ અત્ર અને સદ્ય તે સત્ય છે તો વિ-ગત અને અન્ આગત પણ સત્ય છે. એટલે તો વર્તમાનના સૂચ્યગ્ર બિન્દુએથી આપણે આગળ નજર દોડાવવાનું ને પાછું વળીને જોવાનું ભૂલતા નથી.

આ જે કાંઈ વિદ્યમાન છે તેને માયા કે લીલા કહી મારા નાનકડા એમાં માટે તો આપણે Transition સંચારીભાવને improvisation ક્રીડાભાવને ઉમેર્યો છે. તેનું ઈંગિત ભલે સર્વની પાછળ રહેલા ધારક કે ચાલક બળ જેવા ઋતુ તરફ રહ્યું, પણ જગતના આ ઈંદ્રિયોના સભામંડપની રમણીયતા તેના તોરણો, ગવાક્ષો, વ્યાલિઓ, કલ્પલતાઓ, શાલભંજિકાઓ વિતાનો શિલ્પગુલ્મોમાંથી પસાર થઈ તેને જોઈ જાણી માણી અંદર ગર્ભાગારના દેવ સુધી પહોંચવાનું છે તે વાત પણ પેલા ‘લીલા’ શબ્દમાં જ ન આવી ગઈ ?

કલાકારો ઉપર એક આળ છે કે તેઓ વાસ્તવદર્શી નથી અને તેમની કલ્પનામાં જ જીવે છે. આ દુનિયાની અવેજીમાં તેમણે ખાયાલોની દુનિયા બનાવી છે અને તેમાં જ તે જીવે છે. આ દુનિયામાં જન્મે છે, જમે છે તેટલું જ બાકી જીવે છે તો તે પેલી અસત્યની આભાસી દુનિયામાં. હું આજુબાજુ નજર કરું છું તો લાગે છે કે કવિઓના નાહકના જ વગોવ્યા છે. પેઢીઓની પેઢીઓ આખી ઉછરે છે, થીયેટરોના ગંજાવર ખોખના ઉબાયેલા અંધકારમાં, એંઠા જુઠ્ઠા મૂલ્યોમાં, ટેબ્લોઈડ યલોજર્નાલીઝમના ઉકરડામાં, ટી.વી., ઈન્ટરનેટ કે વિડિયો ચેનલોની આભાસી વાર્તાઓમાં, ફિલ્મની હીરોઈન કે હેરોઈન ચરસના નશામાં. એ બધાએ જીવનનો દ્રોહ કર્યો છે. ધીરે ધીરે જીવનનો સીધો સંપર્ક ગુમાવ્યો છે. પવનની લહેરખી અને હવામાં ઘુંટાતી ઠંડક ‘વેધર બુલેટીન’ બની જાય છે. કવિ જ બીચારો તેની સામેના જગતને જોતો રહી જાય છે, ને કહે છે ‘चिंटी के पग नेवर बाजे वो भी साहिब सुनता है !’ કાન તો માંડી જુઓ તમને સંભળાશે.