અર્વાચીન કવિતા/ભોળાનાથ સારાભાઈ દીવેટીઆ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ભોળાનાથ સારાભાઈ
[૧૮૨૩ – ૧૮૮૬]
ઈશ્વરપ્રાર્થનામાળા (૧૮૭૫)

ભોળાનાથ સારાભાઈ દલપતરીતિના કવિઓ અને હરિલાલ હર્ષદરાય વગેરેથી શરૂ થતી સંસ્કૃતપ્રધાન રીતિના કવિઓની વચ્ચેની એક કડી જેવા છે. તેમની કાવ્યપ્રવૃત્તિ ૧૮૫૯ જેટલી વહેલી શરૂ થાય છે, પરંતુ તેનો પૂર્ણ અને પ્રૌઢ આવિષ્કાર ૧૮૭૫ પછી થાય છે. ૧૮૭૫ પછી તેમનાં ઈશ્વરપ્રાર્થના કાવ્યો પ્રાર્થનાસમાજ તરફથી લેખકના નામ વગર બહાર પડવા મંડે છે, પણ તેમનું કર્તૃત્વ ગુપ્ત રહેતું નથી, તેમજ તેમ કરવાની લેખકની ઇચ્છા પણ નથી. તેમના મુખ્ય જાણીતા સંગ્રહ ‘ઈશ્વરપ્રાર્થનામાળા’ની દરેક નવી આવૃત્તિમાં નવાં લખાયેલાં પદો ઉમેરાતાં ગયાં છે. છેવટની આવૃત્તિઓમાંના ૨૯ અને ૩૦ અંકો નરસિંહરાવે લખેલા છે. ભોળાનાથનાં કાવ્યોનું વિશિષ્ટ સ્થાન સંસ્કૃતના વિશેષ સંપર્કવાળી તેમની ભાષાને લીધે, દિંડી અને અભંગ જેવા છંદોના પ્રયોગને લીધે, તથા બ્રહ્મોસમાજની વિચારસરણીના આંશિક સ્વીકારમાંથી જન્મેલી પ્રાર્થનાસમાજની તત્ત્વદૃષ્ટિને કાવ્યોનો વિષય કરવાને લીધે છે. ગુજરાતમાં સંસ્કૃતનો અભ્યાસ વધતાં જતાં ગુજરાતી ભાષામાં જે નવા ગાંભીર્ય અને પ્રૌઢિનો પુનઃ પ્રવેશ થવા લાગ્યો તેનું મંગળાચરણ ભોળાનાથથી થયું છે. ભોળાનાથનાં કાવ્યોની ‘પ્રૌઢ ભાષા’નાં વખાણ નવલરામથી થતાં આવ્યાં છે. તેમાં સંસ્કૃત શબ્દોનો અતિરેક વગરનો સમુચિત પ્રયોગ છે, પણ એટલા પૂરતી જ તેને પ્રૌઢ કહી શકાય. ભોળાનાથનાં ઘણાં યે પદોમાં સંસ્કૃત તત્સમો ખૂબ ભરેલા છતાં અર્થની પ્રૌઢિનો અભાવ જોવામાં આવે છે. નરસિંહરાવ અને રમણભાઈ આ કાવ્યોમાં અર્થની પ્રૌઢિ પણ ઘણી છે એમ જણાવે છે, પણ તેમ કહેતી વેળા તેમની દૃષ્ટિ આગળ કાવ્યનો તાત્ત્વિક વિચાર જ રહેલો છે. કાવ્યમાં મુકાયેલો તાત્ત્વિક વિચાર બીજા વિચારોની સરખામણીમાં પ્રૌઢ હોઈ શકે; પણ કાવ્યમાં જે અર્થનું પ્રૌઢત્વ આવે છે તે વિચારના તત્ત્વમાંથી નહિ, પણ તેના કાવ્યમય સઘન વિન્યાસમાંથી જ આવે છે. ભોળાનાથનાં કાવ્યોમાંથી વિચારોનું તથા ભાવોનું નિરૂપણ સારા સુષ્ઠુ શબ્દોમાં થયેલું છે છતાં તે વિન્યાસની પ્રૌઢિ વગરનું, દલપતરામની ફિસ્સી વાચ્યાર્થપ્રધાન રીતિનું છે. આ વસ્તુ તેમણે જે કેટલાંક પ્રાસંગિક વ્યવહારજીવનનાં કાવ્યો આ ‘પ્રૌઢ’ ભાષામાં લખ્યાં છે તેમાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. આ રીતે ભોળાનાથની કાવ્યરીતિ તેના આંતરિક કળાવિન્યાસ પરત્વે દલપતરીતિની સાથે અનુસંધાન જાળવે છે, તો તેના ભાષા-છંદ વગેરેના બાહ્ય અંગ પરત્વે નવી સંસ્કૃત શૈલીની સાથે સંબંધ સ્થાપે છે, બલ્કે એ શૈલીનું બીજ રોપે છે. ભોળાનાથનાં કાવ્યોનું બાહ્યાંગ ભાષા પેઠે છંદોમાં પણ નવું લક્ષણ પ્રગટાવે છે. તેમનાં કાવ્યોનો વિષય ઈશ્વરભક્તિ હોવા છતાં જૂના ભક્તકવિઓની પદરચનાને તે અડતા જ નથી. તેમનાં પદો છે તે મોટે ભાગે સંગીતનાં કોઈ ને કોઈ પદોની ધાટીમાં લખાયેલાં છે; કેટલાંક કાવ્યો સંસ્કૃત, સ્તોત્રોની ઢબે સંસ્કૃત વૃત્તોમાં લખાયેલાં છે; પણ તેમનાં સૌથી વિશેષ ગણનાપાત્ર વૃત્તો દિંડી તથા અભંગ છે. મરાઠીમાંથી આ વૃત્તો લઈ આવવાનું માન તેમને ભાગે જાય છે. દિંડી કરતાં યે અભંગ વધારે સુભગ વૃત્ત છે. નાના લલિત ભાવો માટે આ વૃત્ત ઘણી ક્ષમતા ધરાવે છે, છતાં તેનો ઉપયોગ બીજા ગુજરાતી કવિઓએ નહિ જેવો જ કર્યો છે. દિંડી કેટલાક કવિઓએ વાપર્યું છે, પણ અભંગ વૃત્ત તો લગભગ કોઈએ વાપર્યું નથી. આમ થવાનું એક કારણ એ છે કે આપણા કવિતાલેખકો પોતાની પૂર્વેના કવિઓનો જે રીતે અને જેટલો અભ્યાસ કરવો ઘટે તે કરતા નથી. ભોળાનાથે પ્રારંભમાં ‘શાકુંતલ’નો થોડોક અનુવાદ કરેલો તથા ઠેઠ લગી દલપતરામની પેઠે પ્રાસંગિક ઘટનાઓ ઉપર ‘બુદ્ધિપ્રકાશ’ વગેરેમાં લખેલું છે, પણ તે ક્યાંય સંગ્રહાયેલું નથી; જોકે ભોળાનાથની કાવ્યશક્તિનો નિર્ણય કરતી વેળા તે ખૂબ મદદરૂપ થઈ પડે તેવું છે. તેમનાં કાવ્યોનો મુખ્ય વિષય ઈશ્વરઉપાસના રહી છે. આ ઉપાસના પ્રાર્થનાસમાજની દૃષ્ટિ પ્રમાણે ‘ઈશ્વરના અગોચર અને નિરાકાર’ સ્વરૂપની ‘માનસિક ધ્યાન તથા વંદન’ પૂરતી હોવાથી કાવ્યોનો ભાવનાપટ અત્યંત મર્યાદિત થઈ જાય છે. તેમાં હૃદયના ભાવસંચલનને બહુ અલ્પ સ્થાન રહે છે; પરિણામે આ કાવ્યો મનોમય ભૂમિકાની માત્ર બૌદ્ધિક ‘પ્રાર્થના’ બની રહે છે; તેમાં માનવહૃદયની પ્રેમળ ઊર્મિભરી ભક્તિ નથી આવતી. આ કાવ્યોમાં ઊર્મિનો ભાસ કરાવે તેવી માનવની દીનતાનું કથન આવે છે, પણ તે કવિની સ્વાનુભવી ઊર્મિ નહિ, પરંતુ પ્રભુ તરફ ઇષ્ટ ગણાયેલી બૌદ્ધિક વૃત્તિનું જ નિરૂપણ છે. નરસિંહરાવ તથા રમણભાઈએ આ કાવ્યોમાં પ્રાચીન-અર્વાચીન બધા ભક્તકવિઓ કરતાં ભક્તિનો પરમ અતિરેક જોયો છે તે કેવળ ભોળાનાથ તરફના અંગત સંબંધનું તેમજ પ્રાર્થનાસમાજની ભક્તિને જ પરાભક્તિ માની લેવાનું પરિણામ છે. આ માનસિક પ્રાર્થનાઓમાં ઊર્મિનો અભાવ હોવા છતાં કાવ્યત્વ ન આવી શકે તેમ નથી, પણ તેમાં આ ‘પ્રૌઢ ભાષા’ એક મોટું વિઘ્ન બની જતી લાગે છે. આ જ વિચારોને તથા દૈન્ય વગેરે ભાવોને, ભાષાની પ્રૌઢિને વળગી ન રહેતાં, તળપદી લોકબોલીનો ઉચિત રૂપે ઉપયોગ કરી વધારે કળામય રૂપ અપાયેલું તેમના સમકાલીન ઋષિરાય તથા કેશવરામ જેવા બીજા કવિઓમાં જોવામાં આવે છે, તેમ છતાં આ ‘પ્રાર્થનામાળા’માંથી કેટલાંક સુંદર પદોની વરણી થઈ શકે તેમ છે. ‘વિમલ રજત ભાસે’થી શરૂ થતી ‘સત્ય સનાતનને’ની ઉપાસના આખી વિશ્વપ્રકૃતિ કરે છે તે એક મનોહર પદ છે, પરંતુ નરસિંહરાવ કહે છે તેમ ‘પ્રાર્થનામાળા’નાં પદો કરતાં ‘દિંંડી તથા અભંગમાળા’માં ‘કવિત્વના તરંગ વધારે સબળ તથા સુંદર ગતિમાન છે.’ ટૂંકાં પ્રાસયુક્ત ચરણોમાં લાવણ્યભરી ભાષામાં કાવ્ય કેટલીક વાર મોહક રૂપ લે છે. ભોળાનાથમાં ભક્તનું હૃદય છે. તેઓ જ્યારે અંબાના ‘વહેમી’ ભક્ત હતા ત્યારે જે આર્દ્ર સહૃદયતા ધારી શકતા હતા તે તેમની શુદ્ધ બુદ્ધિમાંથી જન્મેલી પ્રાર્થનાઓમાં દેખાતી નથી, તેમ છતાં આ કાવ્યોમાંથી કલ્પનાબળનો પરિચય કરાવતાં કદી કદી ઊર્મિનો સ્પર્શ ધરાવતાં, તથા તાત્ત્વિક વિચારને સુકલિત રીતે મૂકતાં કેટલાંક સંગ્રહયોગ્ય કાવ્યો જરૂર મળી આવે તેમ છે.