અર્વાચીન કવિતા/મણિલાલ નભુભાઈ દ્વિવેદી
મણિલાલની કવિતાનાં નવાં તત્ત્વો
પ્રેમજીવન (૧૮૮૭), આત્મનિમજ્જન (૧૮૯૫). મણિલાલ નભુભાઈનાં કાવ્યોમાં બાલાશંકરની પ્રણયપિપાસા ઉપરાંત અદ્વૈત તત્ત્વજ્ઞાનનું તત્ત્વ ઉમેરાય છે. વળી એમનાં કાવ્યોની આરજૂ પણ બાલાશંકર કરતાં જુદું રૂપ લે છે. તે વધારે ઐહિક બને છે અને સાથેસાથે તે તત્ત્વજ્ઞાનની સાચીઅસાચી ગૂઢતા તરફ વિશેષ ખેંચાતી જાય છે. પણ આ ઉપરાંત મણિલાલમાં એક બીજું પ્રગતિકારક તત્ત્વ છે. તેમનાં પદોમાં તળપદી લોકબાની અને ગીત-ભજનની અસર છે, જે બાલાશંકરમાં નથી. તેમની કવિતામાં સંસ્કૃતની અસર, બાલાશંકરના જેટલી ઊંડી ન હોવા છતાં, તેમનાં લૌકિક વિષયોનાં કાવ્યોમાં વધારે પ્રમાણમાં વ્યાપક થયેલી છે. એ ઉપરાંત ‘સુદર્શન’માં જે નનામાં કાવ્યો આવવા લાગેલાં તેનું કર્તૃત્વ મણિલાલનું હોય તો તે કાવ્યોમાં અર્વાચીન કવિતામાં થયેલી અંગ્રેજી ઊર્મિકાવ્યની અસરનું ઉત્તમ પરિણામ જણાય છે. ગુજરાતી કવિતાના વિકાસક્રમમાં આ છેલ્લી અસર મણિલાલમાં એવે કાળે પ્રકટ થયેલી છે કે અંગ્રેજી ઊર્મિકવિતાની અસર હેઠળનું આપણી મૌલિક પ્રૌઢ કળાયુક્ત વાણીમાં પ્રથમ સર્જન મણિલાલનું જ કહેવું પડે. મણિલાલનાં આ સંસ્કૃત પ્રૌઢ ભાષાનાં, નિરૂપણની તદ્દન અર્વાચીન છટાવાળાં કાવ્યોની સરખામણીમાં નરસિંહરાવનાં ત્યાર સુધીમાં પ્રકટ થયેલાં કાવ્યો ઘણાં નિર્બળ લાગે છે. તેમના સમકાલીન કાન્તની કમનીય કૃતિઓમાં અંગ્રેજી કવિતાની નિરૂપણરીતિના ગૂઢ સંસ્કારો મુખ્યત્વે સંસ્કૃત કવિતાની શૈલીમાં જ વ્યક્ત થાય છે. એ સંસ્કૃતરંગની અસરમાંથી મુક્ત બની નવી નવીનતા વ્યક્ત કરતી કવિતા બળવંતરાયની આવે છે અને અંગ્રેજી અસર હેઠળનું વિશિષ્ટ શૈલીપ્રસ્થાન પણ તેમનું છે. પણ એ જ શૈલીનો આવિર્ભાવ, છંદના પ્રવાહિત્વનાં લક્ષણો સિવાયનાં બીજાં લક્ષણોમાં એટલી જ અપૂર્વ પ્રૌઢિથી અને અપૂર્વ લાક્ષણિકતાથી મણિલાલમાં દેખાય છે. મણિલાલની કવિતાનું આ તત્ત્વ હજી લગી આપણા ધ્યાનમાં આવ્યું નથી. તેમની કવિતા માત્ર ગઝલ કે અદ્વૈતવાદની જ કવિતા તરીકે ગણાતી આવી છે, તેમજ મણિલાલને અંગ્રેજી શૈલીના વિરોધી પણ સમજવામાં આવ્યા છે. પરંતુ તેમની કવિતાએ તેમના ‘કાન્તા’ નાટકમાં લૌકિક વિષયોમાં જેમ પ્રૌઢ સંસ્કૃત શૈલીનું પુનઃસર્જન કર્યું છે, તે જ રીતે બીજાં કાવ્યોમાં અંગ્રેજી ઊર્મિકાવ્યનું પણ એટલું જ ઉત્તમ સર્જન કર્યું છે. અર્થાત્, મણિલાલ કેવળ સંસ્કૃત અને ફારસી શૈલીના જ નહિ, પણ અંગ્રેજી શૈલીના પણ એક ઊંચી કોટિના ઊર્મિકવિ છે.
મણિલાલની કવિતાનું સ્વરૂપ
મણિલાલની કવિતાનો ઉત્તમમાં ઉત્તમ ભાગ તેમના પોતાના જીવન સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. તેઓ લખે છે, ‘વર્ષ છ માસમાં થયેલા કોઈ ઉગ્ર અને હૃદયરોધક અનુભવના પરિણામ રૂપે એકાદ પદ્ય બનાવી રાખવામાં આવતું.’ તેઓ પોતાનાં કાવ્યોને ‘પવિત્ર આત્મોદધિમાં નિમજ્જન કરવાના જે કોઈ પ્રસંગ મળેલા તેના પરિણામરૂપ’ તથા ‘આત્મવિકાસના ક્રમના ઇતિહાસ’ રૂપે ઓળખાવે છે, એટલું જ નહિ, તેમને ‘અધિક ઉન્નતિ, અધિક ઉપદેશ, અધિક પ્રેમપાન’ કરાવી શકવાને વિશેષ સમર્થ એવી સ્વાનુભવરસિક અર્વાચીન કવિતા તરીકે પણ ઓળખાવે છે. અને એ રીતે તેઓ અર્વાચીન ઊર્મિકવિતાના એક પ્રખર પુરસ્કારક પણ બને છે. એમનાં આવાં બધાં આત્મલક્ષી ઊર્મિકાવ્યો ‘આત્મનિમજ્જન’માં આવી જાય છે. એ પુસ્તકમાં તે પહેલાં પ્રસિદ્ધ થયેલાં ‘પ્રેમજીવન’નાં ૧૧ કાવ્યો પણ દાખલ કરેલાં છે. આ પુસ્તકનાં ચાળીસેક કાવ્યો ઉપરાંત તેમની કવિતાપ્રવૃત્તિ વસ્તુલક્ષી રીતે ‘કાન્તા’ નાટકના શ્લોકોમાં તથા ‘સુદર્શન’ માસિકમાં નામ વગરનાં કાવ્યોમાં પ્રકટ થયેલી છે. ‘ઉત્તરરામચરિત’ તથા ‘માલતીમાધવ’ના તેમના અનુવાદોમાં સંસ્કૃત શ્લોકોના અનુવાદો પણ તેમની કાવ્યપ્રવૃત્તિનો એક મોટો ભાગ છે.
આત્મનિમજ્જન
‘આત્મનિમજ્જન’નાં કાવ્યોના ત્રણ ભાગ પડે છે : પહેલો ભાગ પ્રણય અને અદ્વૈત ભાવનાને લગતાં ‘પ્રેમજીવન’નાં ૧૧ કાવ્યોનો, બીજો ભાગ ‘અભેદોર્મિ’નાં ૧૩ કાવ્યોનો અને ત્રીજો ભાગ મિશ્રધ્વનિ’માંનાં બીજાં પંદરથી વધારે લૌકિક કાવ્યોનો છે. ‘પ્રેમજીવન’ અને ‘અભેદોર્મિ’નાં કાવ્યોને મણિલાલ નમ્ર ભાવે ‘પદ્યો’ જ કહે છે. આ કાવ્યો ગુજરાતી કવિતાનાં ઉત્તમ ઊર્મિકોમાં સ્થાન લે તેવાં છે. આમાંની બાર કૃતિઓ ‘ગઝલ’-રૂપની છે. મણિલાલની ગઝલોમાં રચનાપદ્ધતિની ભૂલો કેટલાક ઉત્સાહી ‘ગઝલ’-જ્ઞોએ કાઢી બતાવી છે. પણ મણિલાલ પોતે પણ પોતાની આ ક્ષતિથી બિનવાકેફ નથી જ. અને તેનો સ્વીકાર કરી તેઓ જણાવે છે, કે ‘ઉક્તિ સાથેની મારી તન્મયતા એ જ અત્રે પણ મારો બચાવ છે.’ અને આ તન્મયતાને બળે જ તેમની કેટલીક ગઝલો એવી ખામીવાળી છતાં ચિરંજીવ બની શકી છે. બાલાશંકરની પેઠે મણિલાલનાં કાવ્યોમાં પણ ભાષાની બરછટતા છે, ક્યાંક શિથિલતા પણ છે, છતાં કેટલીક વાર તો કવિની કલ્પના ખૂબ ઊંચી અને વ્યાપક બની જાય છે :
...લટ અલક છટકી ગઈ, ક્યાં વીજળી ઝંખાઈને!
ક્યાં ગઈ! હા! ક્યાં ગઈ! બ્રહ્માંડ બેઠી છાઈને.
‘પ્રેમજીવન’નાં ગીતોમાં ક્યાંક કચાશ પણ લાગે છે. આપણાં જૂનાં ભજનોની તેમાં સંપૂર્ણ ફોરમ નથી, તથા નવીનતાની પૂરી તાજગી નથી. જે માનસમાં કાવ્યની કલા કરતાં જીવનના અનુભવ ઉપર જ વિશેષ ઝોક છે તેની કૃતિમાં આવું બને તે સ્વાભાવિક છે. પણ તેમ છતાં,
દૃગ રસભર મોરે દિલ છાઇ રહી
છાઇ રહી છલકાઇ રહી.
ઝાંખ ઝપટ નિદ્રા નવ કાંઇ
પલક પલક અણખાઈ રહી.
તથા ‘ગગને આજ પ્રેમની ઝલક છાઈ રે’ જેવાં શબ્દ અને અર્થના અનુપમ સૌંદર્યવાળાં ગીતો તેમને હાથે લખાયાં છે. આ કાવ્યોમાં પણ બાલાશંકરની પેઠે મણિલાલની પ્રતિભા પ્રણય ઉપરાંત તત્ત્વદર્શનની ઉત્કટ અને ઉદાત્ત અર્થવ્યંજનવાળી કળામય ઉન્નતતા સિદ્ધ કરે છે. એમના સમકાલીન નરસિંહરાવ અને અનુકાલીન ન્હાનાલાલમાં ‘દિવ્ય’, ‘વિરાટ’ તેમજ બીજા ઉન્નત ભાવોને સ્પર્શવાનો જે વાચિક પ્રયત્ન છે તેના કરતાં વધારે સાર્થ વ્યંજનાથી આ કાવ્યો એ ભાવોનું પ્રાકટ્ય કરી આપે છે. ‘પ્રેમજીવન’ તથા ‘અભેદોર્મિ’નાં કાવ્યો ઉપર મણિલાલે તેમાં તેમણે સમાવેલા ‘અદ્વૈતતત્ત્વજ્ઞાન’નું દર્શન કરાવતી બેહદ વિસ્તારની ટીકા લખેલી છે. પરંતુ તેમણે સૂચવેલાં એ બધાં ગહન રહસ્ય કે ધ્વનિ કાવ્યમાંથી નિષ્પન્ન થાય જ એવું અનિવાર્ય લાગતું નથી. ‘મિશ્રધ્વનિ’ વિભાગનાં પંદરેક કાવ્યો છંદોબદ્ધ પ્રકારનાં તથા બીજા પ્રાકૃત વિષયોનાં છે. એમાંનું ‘શુકાખ્યાન’ સુંદર છે. વળી મણિલાલ જેવા બ્રહ્મવિહારી કવિએ જીવનની પ્રાકૃતતાને પણ કાવ્યવિષય બનાવી છે. ગરીબાઈની વિષમતા પર ‘વિષમ’ હરિગીતમાં જાણે ૧૯૩૦ પછીનો કોઈ કવિ લખતો હોય તેવી અદ્યતનતાથી તેમણે લખ્યું છે :
શાલ ઝૂલે અંગ એકે ત્રીશ તન નાગાં કરી,
તન ટાઢ તોએ એકની પણ થાય નહિ પૂરી પરી.*[1]
આ ગીતો અને ગઝલોની બાની સુંદર ટૂંકી સૂત્રાત્મક બનેલી છે. છંદની આવશ્યકતાને લીધે પણ એમ બનવા પામ્યું હોય. મણિલાલની કવિતા જ્યારે સંસ્કૃત વૃત્તો તરફ વળે છે ત્યારે એમની વાણી લાંબા વિચારપટવાળી અર્થગંભીર અને પ્રૌઢ બને છે.
‘વિચારપ્રધાન’ રીતિનાં પ્રથમ કાવ્યો
અંગ્રેજી કવિતાના સંપર્કથી ગુજરાતી કવિતાની શૈલીમાં જે મોટું ક્રાન્તિકારક તત્ત્વ આવ્યું તે છે વસ્તુને મનનક્ષમ ચિંતનરસિત વિચારપૂર્ણ રીતે નવી જ અર્થપ્રૌઢિ અને અપૂર્વ રચનાછટાથી વ્યક્ત કરતી કાવ્યરીતિ. આ તત્ત્વની જિકર બળવંતરાય ઠાકોરથી વિશેષ પ્રકટ રૂપે થવા લાગી, પણ તેનો પ્રારંભ કાવ્ય રૂપે મણિલાલથી શરૂ થઈ ચૂક્યો છે. વળી મણિલાલમાં આ રીતનાં કાવ્યોની શૈલી પણ બળવંતરાયની શૈલીની પુરોગામિની જેવી છે. કેટલીક પંક્તિઓ તો જાણે બળવંતરાયની પંક્તિઓનું સ્મરણ કરાવે છે. વળી જે ‘પૃથ્વી’ છંદ નવી ‘વિચારપ્રધાન’ કવિતામાં ‘બ્લૅન્ક વર્સ’ની નજીકમાં નજીક આવતા પદ્ય તરીકે બળવંતરાયથી પુરસ્કારાવા લાગ્યો તે છંદ મણિલાલે એ જ સામર્થ્ય અને પ્રૌઢિથી વાપર્યો છે :
અહા હૃદયગાન! શૂન્ય સુર આ હવે ક્યાં વહે!
અમાપ તુજ માપ આપથકી આપનું તું લહે!
અનન્ત તુજ દૃષ્ટિમાં સકલ સૃષ્ટિ શબ્દે રહી;
પ્રશાન્ત પરમાવબોધમયતા પ્રકાશી રહી.
આ પંક્તિઓમાં ગુજરાતી કવિતાએ દલપતરામ પછી જોતજોતામાં કેટલી મહાન પ્રગતિ કરી છે તે જોઈ શકાશે. આવી રીતની સાંગોપાંગ સુરેખતા ધારણ કરતાં બીજાં વિચારપ્રધાન કાવ્યો ‘એક સ્વપ્ન’, ‘પ્રેમાગ્નિ’, ‘પ્રણયભંગ’ અને ‘જન્મદિવસ’ છે. ‘જન્મદિવસ’નાં વિચારો અને શૈલી તે પછી આજે પચાસેક વર્ષે પણ એટલાં જ અદ્યતન લાગે તેવાં છે, તેમાંથી થોડીક પંક્તિઓ જોઈએ :
અનન્ત યુગ ઊતર્યા, હજી અનન્ત આવી જશે!
સુઅલ્ય જીવની શી ત્યાં કથન યોગ્ય કા’ણી હશે!
એ કહાણી તે આ છે :
ન દાહ હૃદયે કશો, નયનમાં ન આંસુ વસે,
ન બુદ્ધિ લથડે ક્યહીં, નથી ઉપાધિ ઇચ્છા વિષે,
રડે કહીં-પડે દુઃખે, મનથી પાછલાને સ્મરી,
ન એ કૃપણતા ભરી, ન લઘુતા, સ્વઉરે જરી;
ન ફાંસ નડતી કશી, ન મનમાં ઉછાળો કશો;
અપાર તિમિરે હિરો પ્રકટ હાથ આવી વશ્યોઃ
અગાધ સમતા જડી વિકટ જાલ મસ્તાનીમાં,
ખરે! વરસ તે ગયાં ન કદિએ જણાયાં ગયાં!
કાવ્યમાં પ્રાસ મેળવ્યા છે છતાં અર્થ શિથિલ નથી બનતો, ભાષા સીધી અર્થલક્ષી બની, રૂઢ અલંકાર કે રૂઢ શબ્દોનો ત્યાગ કરી અરૂઢ છતાં કાવ્યોચિત અને સંપૂર્ણ અર્થક્ષમ સ્વરૂપ ધારણ કરે છે.
કેટલીક નનામી કૃતિઓ
‘સુદર્શન’માં આવેલાં કેટલાંક કાવ્યોમાં પણ આ જ ઘડાયેલી અને વિકસિત, અર્થપુષ્ટ અને ભાવસંભૃત શૈલી દેખાય છે. એ કાવ્યમાં કેટલીક વાર કવિનું વક્તવ્ય નિરર્થક લંબાયેલું તથા સંદિગ્ધ લાગે છે, છતાં કાવ્યમાં અર્થવિન્યાસનું ચારુત્વ તો એટલું જ ઉત્તમ રહે છે. ‘સતી સંન્યાસિની’ નામના એક વિપ્રલંભ શૃંગારના કાવ્યમાંની આ પંક્તિઓ જુઓ :
કલા શશિ ખિલી વિલી વળિ દબાઈ મેઘાંચલે,
નદી સ્ફુરિ ય કૈં ઝરી વળિ છુપાઈ વેળૂતળે!
પ્રકાશિ મુજ ભાગ્યની રતિ શું રેખ ભૂંસાઈ એ!
સુધા ન પિધિ છે પુરી અધરથી ઢળી ક્યાંહિ એ.
આ નનામાં કાવ્યોમાં કેટલાંક મણિલાલ સિવાય બીજા કવિઓનાં પણ લાગે છે. તેમાંથી કેટલાંકની નોંધ અત્રે જ કરી લઈએ. કલાપીનું લાગતું હોય તેવું એક કાવ્ય છે, ‘નિસાસો આવે છે’.
સુધાના વંટોળા પ્રિયવદનના ચોગમ ચડે,
દબાઇ જાતાં આ મુજ જિગર કૈલાસ ચડતું.
...અહો! એ મ્હોં એ મ્હોં મુજ નયન પાસે તરવરે!
અરે! ઊંડું ઊંડું હજીય ઉર એ કૈં કરગરે!
નિસાસો આવે છે! હૃદય ધડકે છે નવિન કૈં!
સહુ છૂપા તારો ઝણઝણ થતા કંપિત બની!
દુકાળનાં કાવ્યોમાં તદ્દન નવી જ ચારુતાથી વિષયને નિરૂપતું એક કાવ્ય છે, ‘અષાઢી પૂર્ણિમા અને અનાવૃષ્ટિની પૃથ્વીચિંતા’ નામનું. કદાચ એ. હરિલાલ ધ્રુવનું હોય.
ધીમે ધીમે ધ્વનન મધુરે વેણુ-સૂરે છવાતા,
કેકોત્કંઠા થનથનનતા મોરપિચ્છે સુહાતા;
સોનેરી કૈં ધરી ઉપરણી વીજળી સામળા એ,
કાં ના આવ્યા હજી ય હઠિલા મીઠડા મેહુલા એ?
...ગાજે કાંચી નદિતટ રવે સારસો હંસની ના,
વાજે પાયે કટ નુપુરનાં કંકણો નાદભીનાં!
આજે હાયે બહુ ટળવળે પ્રાણ જ્યાંત્યાં, ન શાંતિ!
સાંજે પ્રાંત પલ મધુર એ ના ખિલે પૂર્વ કાંતિ!
પંક્તિના પ્રારંભે પણ પ્રાસ મેળવનાર આ લેખક ગમે તે હો, પણ પંક્તિઓનું સંસ્કૃતની રસાળતાને યાદ કરાવતું સૌંદર્ય અનવદ્ય છે. એવું જ એક સંસ્કૃત કવિતાની છટાથી લખાયેલું અને સુંદર પ્રકૃતિવર્ણનોથી ભરેલું ‘સ્થાન પ્રાણિત-તજ્જન્ય આનંદ’ જેવા ‘સાક્ષરી’ મથાળાનું પણ કાવ્ય છે. ‘સુદર્શન’નાં આ બધાં કાવ્યો સંગૃહીત થવાની જરૂર છે. ‘કાન્તા’ નાટકમાંની કૃતિઓ ‘કાન્તા’ નાટકનાં મણિલાલના કાવ્યો લગભગ સંસ્કૃત નાટકની ઢબે લખાયેલાં છે. એમાં કેટલાંક તો પાત્રોક્તિ પૂરતાં જ છે, પણ કેટલાંકમાં સ્વતંત્ર ચારુત્વ છે. પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપોનું તથા રણભૂમિનું વર્ણન કરતી ભયાનક તથા બીભત્સ રસોની મણિલાલની એ કૃતિઓ જાણીતી તો છે જ, પણ તે ઊંચા પ્રકારની અજોડ કૃતિઓ પણ છે. મણિલાલની સંસ્કૃતસભર ભાષા, કલ્પના અને ઉચિત વિભાવાનુભાવોની સામગ્રીથી આ કાવ્યો, નાટકનાં અતિ પ્રાકૃત વસ્તુઓમાં કેટલીક વાર લોકોત્તર સૌંદર્ય રચી જાય છે.
- ↑ * અંગ્રેજીમાં આ પંક્તિ ક્યાંક છે. રા. વિ. પાઠક