અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`મરીઝ'/પરદાઓ
Jump to navigation
Jump to search
પરદાઓ
મરીઝ
હતા દીવાનગી ઉપર સમજદારીના પરદાઓ,
તને પૂછી રહ્યો છું હું તને મળવાના રસ્તાઓ.
જીવન પૂરતી નથી હોતી મુકદ્દરની સમસ્યાઓ,
મરણની બાદ પણ બાકી રહી ગઈ હસ્તરેખાઓ.
ગરીબોના જીવનમાં ઝેર એવું રેડજે યારબ!
મરણનો ઘૂંટ પી લે, એનું જીવન ચૂસનારાઓ.
કોઈ પાળે ન પાળે, ધર્મના કાનૂન બાકી છે,
પથિક આવે નહિ તો પણ પડી રહેવાના રસ્તાઓ.
બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પુરાવાઓ.
‘મરીઝ’ એથી વધુ શું જોઈએ યાદી શરાબીને!
મદિરાલયમાં ભટકે છે હજી તૂટેલી તૌબાઓ.