અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/ક્ષણો
Jump to navigation
Jump to search
ક્ષણો
કમલ વોરા
આકાશો વીંઝતું
સ...ડ...સડાટ ઊતરી રહ્યું છે
પંખી
તળિયેથી
જળપર્વતો વીંધતું
સરર... સર સરી રહ્યું છે
હમણાં... હમણાં...
એકમેકમાં
ભલી જશે
પંખીઓ.
કદાવર કાળમીંઢ ખડક પર બેઠું પતંગિયું
પાંખો
સંકોરતું
સરી જાય.
હળવે... હળવે
ખડક ઊંચકાય
ઊડ ઊડ થાય.
ડાળખીઓ ઝુલાવતો
પાંદડીઓ ફરફરાવતો
વાય છે પવન
ક્યારેક ક્યારેક
હળુહળુ
ગાય છે પવન
અચાનક
ભીંતો જળભેખડો
છત
ઝળૂંબતો તરંગ
ભોંય
અતળ ઊંડાણો ઊંડાણો
ઘર અહો... અહો...
દરિયો.
રિક્ત
છલોછલ થાય
ભર્યુંભાદર્યું ખાલીખમ્મ,
ક્યારે થઈ જતું એની
બ... સ..
જાણ ન થાય.
મુઠ્ઠીભેર શબ્દો
કાગળ પર વેરાય ત્યારે
વાક્પ્રવાહ
ઉદ્વેગી થઈ જાય છે
ક્યારે
ગતિ સંગીતિ થાય ને
કાવ્ય રચાય.
હે
શતસહસ્રશતદલપદ્મ!
ગંધના ઉછંગે
આલેખે છે શબ્દને
શબ્દ રચે છે ક્ષણને
ક્ષણમાં
પંખુડીઓ વેરી
સમેટી લે છે
ક્ષણને.
નવનીત સમર્પણ, ઑક્ટો. ૭૮-૯