અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શેઠ/બેસ, બેસ, દેડકી!
ચંદ્રકાન્ત શેઠ
બેસ, બેસ, દેડકી!
ગાવું હોય તો ગા,
ને ખાવું હોય તો ખા;
નહીં તો જા…
મારે પાંચ શેર કામ
ને અધમણ આરામ બાકી છે.
તું તો બોલ્યા કરે,
ને આકાશ પેટમાં ફુ
લાવ્યા કરે!…
મારે તો સાત લાખ સપનાં
ને વીરા લાખ વાસના બાકી છે.
તું તારે ડોલ્યા કર,
ને ગળ્યા કર જીવડાં…
મારે તો અનંત ગાઉનાં મરવાં
ને અનંત ગાઉનાં જનમવાં બાકી છે.
બેસ બેસ, દેડકી! મૂગી!
ખા તારે ખાવું હોય તો,
નહીંતર ભાગ અહીંથી કૂદતી કૂદતી!…
મારે તો સાત પગથિયાં ઊતરવાં
ને સાત પગથિયાં ચઢવાં બાકી છે.
દેડકી! ડાહી થા,
મળે તે ખા,
સૂઝે તે ગા
ને નહીંતર જા… પાવલો પા…
ઉપરોક્ત સમ્પાદનના સમ્પાદકીયમાં વિવેચક ચન્દ્રકાન્ત ટોપીવાળાએ આ રચના વિશે નોંધ્યું છે:
“ચન્દ્રકાન્ત શેઠની ‘બેસ, બેસ દેડકી’ જેવી રચનાના બાળગદ્ય લયે કોઈ અત્યન્ત ગંભીર અને ઠાવકો ચહેરો છુપાવી રાખ્યો છે.” (પૃ. ૧૨) અહીં સંગોપિત ચહેરાને ફગાવી કવિશ્રીએ નર્સરિ રાઇમની ગતિએ દેડકીને ખરુંખોટું ઉદ્બોધી, માધ્યમ બનાવી સચોટ નિખાલસતાનું યાદગાર ઉદાહરણ કાવ્યમાં વણી આપ્યું છે.
કૂપમંડૂક દેડકો તો કૂવામાં પુરાયો હોય, પણ દેડકી જંપીને બેસતી ના હોય, કાવ્યનાયકનેય જંપવા ના દેતી હોય ત્યારે નિરુપાયે તે તારસ્વરે સુણાવી દે છે, બસ, બેસ દેડકી!
આ દેડકી એટલે શું? કોણ?
જેની ટેવ ગા–ગા કરવાની, ખા–ખા કરવાની, બોલ–બોલ અને ડોલ–ડોલ કરવાની છે તે ચાંચલ્યચલિત બુદ્ધિનું પણ પ્રતિનિધિત્વ કરે છે. ગાવા ખાવાની છૂટ આપીને ‘નહીં તો જા’ કહીને છાલપીછો છોડાવવા મથે છે.
દેડકી સમજે કે નહીં, બુદ્ધિમતિ તો માપતોલ જાણે એટલે કહી દીધું:‘મારે પાંચ શેર કામ
ને અધમણ આરામ બાકી છે.’
વણિક શેઠ ત્રાજવાની પરિભાષામાં કથે એ સહજ વ્યક્તિ છે ને. બુદ્ધિ અને દેડકી, ઉભયને લાગુ પડે છતાં ‘તું’ કારની આત્મીયતા સમેત કહેવા જેવું કહી જ દે છે:
‘તું તો બોલ્યા કરે
ને આકાશ પેટમાં ફુલાવ્યા કરે..’
દેડકો-દેડકી પેટ ફુલાવી ડ્રાંઉં ડ્રાંઉ બોલે પણ કર્તાએ આકાશને સાંકળી સંકેતી આપ્યું કે બુદ્ધિ અહંકારની જ સગી બહેન છે, તેથી તો પેટ ફુલાવી ફરતી ફરે..
એ ગમે તે બોલ્યા કરે, અને કદાચ નાયકને તદ્દન નિવૃત્તીનાથ બનાવવાનો બુદ્ધિ ત્રાગડો રચતી હોય તો?
‘મારે તો સાત લાખ સપનાં
ને વીસ લાખ વાસના બાકી છે’
સપનાં–વાસનાનો પ્રાસ અને એની આંગળીએ ૭ લાખ અને ૨૦ લાખ જેવા આંકડા મૂકી નાયકની અડગ મહત્ત્વાકાંક્ષાનો વિસ્ફોટ ધડાકો વેર્યો છે, વેતર્યો છે!
જે અહમ્ બોલે છે, તે પોતાની વશેકાઈનું પ્રદર્શન બુદ્ધિ રૂપે ડોલીને ના કરે? એટલે એને ટપારી દે છે, ‘તું તારે ડોલ્યા કર’ ને તારી પ્રકૃતિ મુજબ ‘ગળ્યાં કર જીવડાં…’
પેટ ફુલાવવું, જીવડાં ગળવાં ને બોલડોલ કરવું એ દેડકીની પ્રાણીગત લાક્ષણિકતા સાચવીને કામ કાઢી લીધું છે.
‘મારે તો અનંત ગાઉનાં મરવાં
ને અનંત ગાઉનાં જનમવાં બાકી છે‘
નરસિંહ મહેતાજી યાદ આવે, ‘હરિનો ભગત તો મુક્તિ ન માગે, માગે જનમોજનમ અવતાર…’
નિરંજન, ભગત નથી પણ એમની એક પંક્તિ ઊડી આવી:
‘નંદનવનની માંહ્ય નથી રે મથુરા પુરની વાટ..’
સર્જક ચંદ્રકાન્ત નથી ભક્ત કવિ નરસિંહ સાથે કે નથી નિરંજન ભગત સાથે એટલે કૂદકા ભરતી બોલીબોલીને કદીક મૂગી થયેલી દેડકીને સુણાવી દે છે, બેસ બેસ, દેડકી! મૂગી! (મૂગી એટલા માટે કે આ ઘડીએ ગાવાનું બંધ કર્યું હશે)
જાણે બુદ્ધિને સદા માટે છુટ્ટી કરવી હોય એમ સુણાવી દે છે:
(‘ખા, તારે ખાવું હોય તો’)
(કૌંસમાં સમજીએ, પણ મારું મહેરબાની કરી માથું ન ખા)
‘નહીંતર ભાગ અહીંથી કૂદતી કૂદતી
મારે તો સાત પગથિયાં ઊતરવાં
ને સાત પગથિયાં ચઢવાં બાકી છે.’
જનમોજનમના આરોહણ–અવરોહણની – સાત પગથિયાંવાળી – સપ્તપદીના સોપાન ચીંધી છેડે શિખામણ પણ નોંધી છે:
દેડકી! ડાહી થા,
મળે તો ખા,
સૂઝે તો ગા
ને નહીંતર જા….પાવલો પા…’
કવિતાના સંરચનમાં ‘ને’ શબ્દનો તથા ‘બાકી છે’ ઇચ્છાનો, જે કૌશલ્યથી વિનિયોગ થયો તે સ્વતંત્ર રીતે રસ પમાડી શકે.
‘પાવલો પા…’ અંત્ય કડી ના જોડી હોત તો જરીક બાળજોડકણા જેવું કો’કને લાગત. બાકી આ લખનારને તો ‘પાવલો પા’ પાછળનાં પાંચ ટપકાં (ફાઇવ ડોટ્સ) વાંચ્યા બાદ ‘મામાને ઘેર જા’ જેવું જુદું જ સૂઝ્યું.
કવિશ્રી ચંદ્રકાન્ત શેઠની આ સિદ્ધ કૃતિ લહેરી હળવાશ ભેળી આધ્યાત્મિકતાનો દૂરધ્વનિ સુજ્ઞોને સંકેતી શકે.
એક નર્સરિ રાઇમ દેડકાના સંદર્ભે પ્રસ્તુત:
A frog he would a wooing go. / “Heigh ho’ Says Rowley
‘હેહો’ એટલે આપણી ગુજરાતીમાં ‘હલોલોલોલ હાલમાલ’ જેવું.
(રચનાને રસ્તે)