અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/ઘેર પાછો ફરું છું
Jump to navigation
Jump to search
ઘેર પાછો ફરું છું
જયન્ત પાઠક
ચાલું છું તો પડતી પગલી ધૂળમાં ન્હાનલી શી,
બોલું છું તો પડત પડઘા બોલીના કાલી કાલી;
ચારે બાજુ નજર કરું છું : આંખમાં છાય લાલી
પ્હેલીવ્હેલી અચરજ તણી ઊઘડેલી ઉષાની!
લલ્કારું છું ગીત, ભીતરથી એક ઝીણી સિસોટી
વાગે, જાગે અલસ વનને છાંય સૂતી પરીઓ;
લંબાવું છું કર : લઘુક થૈ ચાટતા ભીની માટી
ચાલુ સડ્કે : દીસતી ધૂળમાં ઊપડેલી ખરીઓ!
આ તે કેવો અનુભવ! બધું બે જણાતું અહીં આ
ભોમે; જૂનું નવું અતીત ને આજનું એકસાથે!
થોડો જાણે સમય પથમાં ચાલી પાછો ફરે છે;
એકાવસ્થા થકી અવરમાં આવજાઓ કરે છે!
લાગે સાથે સમયની હુંયે આવજાઓ કરું છું :
ચાલું થોડે દૂર લગી, વળી ઘેર પાછો ફરું છું.
(બે અક્ષર આનન્દના, ૧૯૯૨, પૃ. ૩૮)