અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરેન્દ્ર મહેતા/ધુમાડો
ધીરેન્દ્ર મહેતા
ધુમાડો છે ફક્ત ધુમાડો,
બીજું શું છે,
જે પેઠો છે મારા ઘરમાં,
અગ્નિ પણ નહિ, જેને હોલવી શકાય.
ક્યારેક તો એ અગ્નિને પણ ટૂંપી નાખે છે.
વ્યવહારસૂત્ર કહે છે.
જ્યાં જ્યાં અગ્નિ ત્યાં ત્યાં ધુમાડો...
ધુમાડો અગ્નિના ખબર લઈને પહોંચી જાય છે,
જ્યાં અગ્નિ હોતો નથી,
એક પાતળી શી રેખા બનીને...
એની ગતિમાં એક લય હોય છે —
કદીક લાસ્યનો;
અદૃશ્યનાં દૃશ્યરૂપ રચે છે એ તમારે માટેઃ
અદીઠ હોય છે જે કંઈ
એ તમને દેખાડે છે...
ના, વાદળની જેમ નહિ.
એની ગંધમાં હોય છે અગમનાં એંધાણ.
વિરામ ન પામે તો એ
તાંડવમાં પલટાય છે કદીક;
ઘેરી વળે છે એનો વણસુણ્યો ઢમઢમકાર...
એનાં દળનાં દળ ઊમટી આવે છે,
એટલી સાંકડી જગામાંથી
જ્યાંથી નીકળી જવાનું
તમે વિચાર્યું પણ ન હોય કદી,
ઘેરો ઘાલે છે.
ધુમાડાને તમે શું સમજો છો?
એ તમારી ભીતર પણ પ્રવેશી શકે છે
નાકકાન દ્વારા,
ઘેરી વળે તમને અંદર-બહાર...
એ ફેલાઈ જઈ શકે છે
આખા નગરમાં
તમને જોવા દેતો નથી
એ બીજું કશુંય;
પણ એનેય અંધકાર જેવો ન માનશો,
જેને પ્રકાશ સંગે દુશ્મની હોય,
એ તો પ્રકાશમાંથી જન્મે છે,
પછી એનાથી વિખૂટો પડે છે...
એ ભીંતો ચણી દે છે ભીંતોઃ
તમે એમાં પેસી શકો,
નીકળી ન શકો...
પરબ, માર્ચ, પૃ. ૮-૯