અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/પીછો
નલિન રાવળ
આ કોણ છે?
આ એક જણ છે કોણ?
જે
પીછો કર મારો સતત.
અંધકારે આભમાં
આકાર દોરી ઊડતાં પંખીઓની હાર
જોતો હોઉં
તો એય
દૂર ઊભો આભમાં જોયા જ કરતો હોય
મધરાતમાં ચંદ્ર સાથે વાત કરતો હોઉં
અને એય
વચ્ચે ટાપસી પૂરવા ક્યાંકથી આવી ચડે.
વહેલી સવારે
ફૂલના દરિયાવ પર તરતા સૂરજના શબ્દ
સુણતો હોઉં
તો એય કાન માંડી ધ્યાનથી સુણ્યા જ કરતો હોય.
ઢળતી સાંજના વહેતા સમીરે
નદીકાંઠે ખીલી વનરાઈમાં આવી
પ્રેમાળ મારી પ્રયસીની રાહ જોતો જોઉં
તો એય
જાણે પ્રેયસીની રાહ જોતો ત્યાં જ ઊભો હોય.
જ્યાં જ્યાં જઉં
ત્યાં ત્યાં બધે એ હોય.
જ્યાં જ્યાં નજર મ્હારી
ત્યાં ત્યાં નજર એની.
હસું તો એય ખડખડ હસે.
રડું તો એય આંસુ પાડતો.
હું જે કરું
તે એ કરે.
કહો
મારે કેમ એના થકી છૂટવું.
જુઓ,
આ લખું છું કાવ્ય તો એય મારી સાથ
આ જ કાગળ પર લખે છે કાવ્ય.
કહો,
કેમ મારે છૂટવું એના થકી,
જુઓ,
લાગલો આ એ જ બોલે :
કહો,
કેમ મારે છૂટવું એના થકી.